No title

🍂
એક ઝાટકે બધું ફગાવી
નાગાપુગા ન્હાતા જેમાં
ઈ ધીંગો વરસાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

એ'ય ગામમાં સતનારા'ણની કથા,
કથામાં શીરાનો પરસાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

પંખીઓ પણ પરોઢ પહેરી
જ્યાં અજવાળું ચણવા જાતા
નાના નાના કિરણો જાણે
ઝાંકળ ને પણ ગણવા જાતા
સોનાવરણું સવાર ચીતરી
પાટીમાં જ્યાં ભણવા જાતા
ઇ નિશાળમાં કાલીઘેલી વાણીમાં
પણ જે થાતો સંવાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

તે'દિ લડતા,આખડતા,
આભે જઈ અડતા
પાછા પડતા,રડતા ત્યારે
એ'ય હેતના ચૂલે ચડતા
જીભ નહિ પણ જીવ સુધી ઉંડે વળગેલા-
માના હાથે પીરસાયેલા
ઈ ભાણાનો સ્વાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

રમતી રમતી કૈક શેરીયું પ્હોચી જાતી
નદીયુંમાં ધુબ્બાકા ખાવા,
થાક્યો પાક્યો સુરજ પણ
આથમણે જઈ ખાબકતો ન્હાવા
એવે ટાણે હજી કાનમાં ગુંજયા કરતો
ચૌદ ભુવનથી ઉઠતો’તો
એ ઘંટારવનો નાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

બુઢા તો ભાઈ તમે થયા છો
બાકી તો આ સ્મરણોને ક્યાં
ઉંમર જેવું કશું નડે છે
એ’ય જુઓને સાવ સહજ
બાળકની જેમ જ
અધરાતે કે મધરાતે પણ
હજુ’ય રમવા આવી ચડતી
નાની નાની યાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

કોઈ કપાતું નથી નાળથી
તમે કહો તો એની પણ
સાબિતી આપું
દૂર દૂર ધરતીના છેડે
જંપીને બેઠા હો ત્યારે
સાવ અચાનક ઉંડેથી-
આ મૂળ તમારૂ જ્યારે જ્યારે
તમને પાડે સાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

~ કૃષ્ણ દવે .

posted from Bloggeroid

Post a Comment

Previous Post Next Post