Saturday, August 31, 2019

આદર્શ શિક્ષક.... શ્રેષ્ઠ શિક્ષક....

દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનના જન્મદિવસ તા. પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  માં બાપ પોતાનાં શિશુઓને ઊઠવા, બેસવા, બોલવા આદિનું શિક્ષણ આપે છે. આસપાસનો સમાજ પોતાની સામાજિક રીતભાતોની એક અથવા બીજી રીતે તાલીમ આપે છે; જુદીજુદી કક્ષાના વ્યવસાયીઓ પોતપોતાના લાગતાવળગતાને વ્યાવસાયિક વૃત્તિના સંસ્કાર આપે છે. આ બધું ખરું, પણ છેવટે એ બધા શિક્ષકનું સ્થાન લઈ શકતા નથી

‘કાષ્ઠને ચંદન કરે,
ઉરને નંદન કરે,
તેવા શિક્ષકને
કોણ ન વંદન કરે ?

"સારો શિક્ષક સમજણ આપે છે. ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે  છે અને મહાન શિક્ષક પ્રેરણા આપે છે.”

આદર્શ શિક્ષક કેવા હોય......એ જવાબ આપવો સરળ નથી.. છતાં... આદર્શ શિક્ષકના ઉપરોક્ત લક્ષણ સાથે કેટલાક એવા લક્ષણો પણ જોડાયેલા છે. જે સમાજ અને વિદ્યાર્થીઓના ધડતરમાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે

આદર્શ શિક્ષક એ છે જે વિદ્યાર્થીનું સન્માન કરે છે. વિદ્યાર્થીમાં સમાજિક સભાનતા કેળવે છે. માયાળુ અને પ્રેમાળ હોય છે. દરેક વિદ્યાર્થી માટે સરખું માન ધરાવે છે. ભણવવા પ્રત્યે પ્રેમ ધરાવે છે. વિષયમાં તજજ્ઞ હોય છે. વિષયને રસમય શૈલીમાં રજુ કરવાની ક્ષમતા ધરવતો હોય છે. વિદ્યાર્થીઓ સાથે જીવંત સંપર્ક રાખવાની તેનામ ક્ષમતા છે. અને વિષયમાં વ્યવસાયિકતાને પ્રાધાન્ય આપે છે.

આપણા જાણીતા ગાંધીભક્ત વિનોબા ભાવે શિક્ષકના ત્રણ ગુણોને પ્રાધાન્ય આપે છે.

“શિક્ષક શીલવાન, પ્રજ્ઞાવાન અને કરુણાવાન હોવો જોઈએ. શીલવાન સાધુ હોય છે. પ્રજ્ઞાવન જ્ઞાની હોય છે. અને કરુણાવાન હોય છે. શિક્ષકમાં આ ત્રણે ગુણો અનિવાર્ય છે.”

પંડિત સુખલાલજી કહે છે,

“સાચો શિક્ષક કોઈ એક જ ચીલાના કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટાર ઊભવાની પ્રેરણા આપ્યા કરે છે.”

પૂ. રવિશંકર મહારાજ કહે છે,

“સાચા શિક્ષક માટે ત્રણ ગુણ આવશ્યક છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ. ત્રણે માર્ગોનો સંગમ એના પંથમાં હોવો જોઈએ”.

એમર્સન કહે છે, “જે વ્યક્તિ અઘરી બાબતોને સહેલી બનાવે છે તે શિક્ષક છે.”

આદર્શ શિક્ષકને માટે જ્ઞાન તો આવશ્યક જ છે.પણ એ પૂરતું નથી. એ જ્ઞાન પચાવવા, સરળ બનાવવા, શિષ્યોના મનમાં ઉતારવા મહેનત કરવી જોઈએ, ઉદ્યમ કરવો જોઈએ, શ્રમ કરવો જોઈએ. જ્ઞાન ઉપરાંત કર્મ અનિવાર્ય છે. વર્ગમાં જતા પહેલા તેની તૈયારી કરવી જોઈએ, તાલીમ લેવી જોઈએ, પ્રયોગ કરવા જોઈએ, શિક્ષકે ભણાવતાં પણ શીખવું જોઈએ. જ્ઞાન અને કર્મનો મેળ થાય તો શિક્ષણ જામે. પરંતુ એ જ્ઞાન અને કર્મ પૂરતાં નથી. ત્રીજી જોઈએ છે ભક્તિ. ભક્તિ એ રાજમાર્ગ છે. તે ઘણાંખરાં માણસોનો ઉદ્ધાર કરાવે છે, તે જ્ઞાન અને કર્મની ખોટ પણ પુરી દે છે, તે મુક્તિનું દ્વાર અને સાધનાની કૂંચી છે. અને શિક્ષકને માટે ભક્તિ એટલે પ્રેમ, હૂંફ, ભાવના. ભાવના એટલે દરેક વિદ્યાર્થી માટે લાગણી, માન, કદર.

કદાચ આજના શિક્ષકમાં ઉપરોક્ત તમામ ગુણો ન  હોય. પણ સમાજ અને વિદ્યાર્થીના ઘડતર માટે કેટલાક  અનિવાર્ય લક્ષણો જરૂરી છે. જેમ કે,

શિક્ષકોનું ચારિત્ર્ય અણી શુદ્ધ હોવું જોઈએ. એ પોતાના વિષયમાં ઓછો પ્રવીણ હશે તો ચાલશે. પણ અશુદ્ધ ચારિત્ર કદાપી ચલાવી ન લેવાય. આદર્શ શિક્ષક વિદ્યાર્થીના અભ્યાસમાં જ નહિ પણ એના આખાયે જીવનમાં રસ લે અને એના હ્રદયમાં ઊતરવા પ્રયત્ન કરે તે જરૂરી છે. એવા શિક્ષક સાથે વિદ્યાર્થીની નિકટતા વધે છે.

શિક્ષકે પોતાની લાયકાત અને જ્ઞાન વધારવા હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ જ રીતે પૂરી તૈયારી કર્યા વિના વર્ગ લેનાર શિક્ષક વિદ્યાર્થીઓનો અમૂલ્ય સમય બગાડે છે. વળી, દરેક વિદ્યાર્થીની ખાસિયત તપાસી તેને જે રીતે એના વિષયમાં સૂઝ પડે અને રસ ઉત્પન્ન થાય તેવા ઉપાય સતત શોધતા રહેવા જોઈએ. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીના પ્રશ્નોથી મુંઝાય છે. સારો શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની તક આપે છે.તેની જ્ઞાન મેળવવાની ઉત્સુકતાને જવાબો આપી ઠારે છે, તેનું સમાધાન કરે છે. આવા થોડા વિચારોને પણ જો શિક્ષક પોતાના વ્યક્તિત્વમાં અને વર્ગખંડમાં સાકાર કરેશે તો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો આત્મીય અને માન પ્રેરક નાતો પુનઃ સ્થપાતા વાર નહી લાગે.

શિક્ષક તો શીખનારને ઘર, સમાજ અને વ્યવસાયનાં ક્ષેત્રે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે જે સંસ્કારો લાધ્યા હોય તે તમામને સૂક્ષ્મ રીતે વ્યાપકપણે ઊંડાણથી એવા સંસ્કારે છે કે જેને લીધે શિખાઉ વિદ્યાર્થી પહેલાંના સાંકડા અને નાના ચોકમાંથી જ્ઞાન-વિજ્ઞાનના વિશાળ પટ ઉપરથી વિહરતો થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષકની વિશેષતા એ છે કે તેની પાસે શિક્ષણ લેવા આવનાર વર્ગમાં નથી હોતો કોઈ જાતિભેદ, પંથભેદ, દેશભેદ કે ઓછીવત્તી શક્તિ ધરાવનારનો ભેદ.


જે મા ના સ્તર સુધી જઈને ભણાવે તે માસ્તર.’ મા જેવું વાત્સલ્ય, મા જેવો પ્રેમ અને મા જેવું વર્તન જે શિક્ષકનું હોય તેને માસ્તર કહી શકાય. શિક્ષક કહી શકાય... આજના યુગમાં શિક્ષક સ્ત્રી હોય કે પુરુષ... શિક્ષક હમેશાં આદર્શ હોવા જોઈએ.. આજના યુગમાં માત્ર ડીગ્રી ધારી શિક્ષકો નહિ પણ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિથી છલકાતાં હૃદયવાળા શિક્ષકોની આવશ્યકતા છે.

અવનવી વાતો, નવી ફિલ્મ, નવુ પુસ્તક, નવી શિક્ષણની પ્રયુકિત, નવી શિક્ષણની એપ, શિક્ષણની વેબસાઈટસ, વગેરેથી જાણકાર, સતત અપડેટ રહેતો હોય એવા શિક્ષકને, વિદ્યાર્થીઓ હૃદય-હૃદયનાં વંદન પાઠવતાં હોય છે.

વેદમાં એક જગ્યાએ શિક્ષકને ‘ગાતુવિદ્’ કહયો છે. ‘ગાતુ’ એટલે ગમન-માર્ગ અને ‘ગાતુવિદ્’ ગમન-માર્ગને ખોળનારો, જેને અંગ્રેજીમાં ‘પાથ ફાઈન્ડર’ કહે છે. શિક્ષક માટે વેદનો આ વિશેષ શબ્દ છે. વેદ શિક્ષકને અત્યંત શકિતશાળી માર્ગદર્શકના રૂપમાં જુએ છે. બાળકો માટે નીચોવાઈ જતો માસ્તર કોઈ એવોર્ડ કે મેડલનો મોહતાજ નથી હોતો. વિદ્યાર્થીઓનો પ્રેમ એનો પુરસ્કાર બને છે. અરજી કરીને એવોર્ડ મેળવવો એની ફિતરતમાં નથી હોતુ. પ્રેરણા પૂરી પાડતો શિક્ષક સાચા અર્થમાં પથદર્શક (પાથ ફાઈન્ડર) છે. વિદ્યાર્થીઓ ભણાવનારા શિક્ષક કરતાં પ્રેરણા આપનારા શિક્ષકોને વધુ યાદ રાખે છે. બાળકોને પ્રેમ કરી શકનારા જન્મજાત શિક્ષકો પેઢીઓનું ઘડતર કરવાનું મંગલ કાર્ય કરે છે.

આદર્શ શિક્ષક એક વહેતી નદી જેવો છે. જેના મનમાં કોઈ નાતજાતના ભેદભાવ નથી. જેના સ્વભાવમાં પ્રવાહિતા છે. સર્વને સમાવી શકે તેવું વિશાળ હૃદય છે. સર્વને સમાનભાવે અને નિસ્વાર્થ ભાવે વહેંચવાની નદીવૃત્તિ છે. નદી માનવજાતના મેલ (શંકાઓ) ધુએ (દૂર કરે) છે. સ્વમાની એટલી કે જયાંથી નિકળી ત્યાં પાછી જાય નહિ. ને કવિને કહેવું પડે કે ‘કેવા સંજોગોમાં પર્વતે આપી હશે વિદાય, નીજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.નદીને ‘મેં કર્યુ’ નો કોઈ ભાવ નહીં ને અહંકારનો છાંટો નહિ,મહાસાગરમાં ભળી જવાનું ને પોતાનું અસ્તિત્વ મીટાવી સર્મિપત થઈ જવાનું. ‘માસ્તર’ ખળખળ વહેતી સરિતા જેવો છે. નદીની ઉપમા મળવાથી માસ્તર શબ્દ વધુ ગૌરવવંતો બને છે.

શિક્ષકે મેઘ નહિ, માળી બનવાનું છે.’ વાદળું તો વરસી જશે, વરસાદ પડી જશે. વરસાદનું વરસી જવું એ એક વાત છે ને છોડને પાણી સિંચવું ને માવજત કરવી બીજી વાત છે. માળીનું કામ એ છે કે કયા છોડને કેટલું પાણી જોઈએ ? પાણી નકામું જતું રહે તે પણ તેને નહીં ગમે. ખરેખર, માસ્તર એ માળીની જેમ બાળકોની કાળજી રાખનારો શિક્ષણ પ્રહરી છે.

સાચા શિક્ષકનું અન્ય એક લક્ષણ છે: ધૈર્ય ! વિદ્યાર્થીની ગ્રહણશીલતા ઓછી હોય તો પણ શિક્ષકનું અખંડ ધૈર્ય ચમત્કાર સર્જી શકે છે. માતા-પિતાને જયારે એક કે બે બાળકોનું ધ્યાન રાખવાનું હોય છે, ત્યારે એક શિક્ષકને એક સાથે ઘણાં બાળકોની સંભાળ લેવાની હોય છે અને આ ખરેખર ખૂબ તણાવજનક અને પડકારરૂપ પરિસ્થિતિ હોય છે.

જો આપ એક શિક્ષક છો તો આપના માટે સ્થિરતા અત્યંત આવશ્યક છે. વિદ્યાર્થીઓ આપનું નિરીક્ષણ કરતા હોય છે અને એટલે જ આપે એક શિક્ષક તરીકે ઉદાહરણરૂપ બનવાનું છે.  બાળકોમાં જીવનમૂલ્યોનું સિંચન કરવામાં માતા-પિતા અને શિક્ષક નું સમાન યોગદાન જ હોય છે. એક શિક્ષક તરીકે આપ શું કહો છો, શું કરો છો તેનું વિદ્યાર્થીઓ સતત અવલોકન કરે છે. આપ ક્યારે શાંત અને વિશ્રાંત છો અને ક્યારે ગુસ્સામાં તથા વિચલિત છો, તે આપના વિદ્યાર્થીઓ બરાબર જાણે છે.

તેમણે વધુમાં કહ્યું છે, એક શિક્ષક તેના પ્રત્યેક વિદ્યાર્થીની પાર્શ્વભૂમિકા જાણે છે અને ધીરે ધીરે તેને કઈ રીતે માર્ગદર્શન આપીને આગળ લઇ જવો તે એક શિક્ષકને બરાબર ખબર છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુન ને ધીરે ધીરે ગંતવ્ય તરફ દોરી જાય છે! કૃષ્ણ એક અદ્ભુત શિક્ષક છે.


સાચો શિક્ષક પ્રેમલતા અને કઠોરતાનું અનુપમ સંયોજન છે. સામાન્યત: અમુક શિક્ષકો માત્ર પ્રેમાળ હોય છે જયારે અમુક શિક્ષકો માત્ર કઠોર! પરંતુ અહી દ્રઢતા અને પ્રેમનું નાજુક સંતુલન હોવું આવશ્યક છે. કેટલાંક બાળકો વિદ્રોહી સ્વભાવ ધરાવતાં હોય છે, તેમને વધુ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. જયારે કેટલાંક બાળકો શરમાળ હોય છે, તેમની સાથે થોડો કઠોર વ્યવહાર કરીને તેમને બહિર્મુખ કરવાની જરૂર રહે છે. એક કુશળ શિક્ષક ઋજુતા અને કઠોરતાનાં સુંદર મિશ્રણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે.


શિક્ષક પોતાની ભૂમિકા અને જવાબદારીઓ પ્રત્યે સભાન હોવો જોઈએ. પ્રવર્તમાન સમયમાં શિક્ષકની ભૂમિકા બદલાઈ રહી છે. શિક્ષકે માત્ર ભાષણ સ્વરૂપે માહિતી જ આપવાની નથી, પરંતુ વિદ્યાર્થીઓને સમૃદ્ધ અને અસાધારણ શૈક્ષણિક અનુભવો પૂરા પાડવાના છે. આજના સમયમાં શિક્ષણ પડકારરૂપ છે, કારણ કે રાષ્ટ્રની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સ્વાસ્થયની જવાબદારી શિક્ષકની છે ત્યારે શિક્ષકે વિદ્યાર્થીના guide, friend and philosopher તરીકેની ભૂમિકા અદા કરવી જોઈએ. 

આજના યુગના આદર્શ શિક્ષક કેવા હોવા જોઈએ.

આજે શિક્ષણ વર્ગની ચાર દીવાલોમાંથી બહાર આવીને ઘર, સમાજ અને વિશ્વમાં વિસ્તરી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય શ્રોતાઓ નથી. આજે શાળામાં વિદ્યાર્થી ‘empty mind’ સાથે આવતો નથી, કારણ કે વિવિધ માધ્યમો ટીવી, રેડિયો, news paper અને movie દ્વારા અનેકવિધ જ્ઞાન પિરસાઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ વિવિધ પ્રશ્નો, મૂંઝવણ અને શીખવાના ઉત્સાહ સાથે શાળાએ આવે છે. આવા સંજોગોમાં શિક્ષકે માત્ર માહિતીના મશીનગનથી વિદ્યાર્થીઓના માનસિક ભારને વધારવાનો નથી, પરંતુ વર્ગખંડમાં એવું વાતાવરણ ઊભું કરવાનું છે જેમાં વિદ્યાર્થી જાતે શીખતો થાય એટલે કે શિક્ષકે અહીં facilitator તરીકે વર્તવાનું છે. તેના માટે શિક્ષકે ચીલાચાલુ lecture methodના બદલે પ્રોજેક્ટ, ચર્ચા, group work, ક્ષેત્રિય મુલાકાત, પ્રવાસપદ્ધતિ સ્વીકારવી જોઈએ. દા.ત. “આપણા વ્યવસાયકાર’ પાઠમાં Pictureની મદદથી ‘કુંભાર’ની માહિતી આપવાને બદલે કુંભારના ઘરે વિદ્યાર્થીઓને લઈ જવા અને નિરીક્ષણ અને જાતઅનુભવથી વિદ્યાર્થીઓ કુંભારનું કાર્ય, ઉપયોગ થતાં સાધનોથી વાકેફ બને અને તે જ્ઞાન ચિર સ્થાયી બનાવે. જો શિક્ષક Facilitator તરીકે વર્તશે તો વિદ્યાર્થીઓમાં શીખવાનો ઉત્સાહ અનેરો જોઈ શકાય છે.


દરેક વ્યક્તિના જીવનમાં શાળાનાં સંભારણાં યાદગાર બની રહે છે. આપણે જો યાદ કરીએ તો આપણા જીવનમાં કેટલાક શિક્ષક આપણને આદર્શરૂપ બને છે તેવા શિક્ષકો પોતાનામાં રહેલા ગુણોને કારણે વિદ્યાર્થીઓને પ્રભાવિત કરે છે. શિક્ષકે Counsellor તરીકે વિદ્યાર્થીઓના શિક્ષણ, શાળા પર્યાવરણ, મિત્રો અને કુટુંબને લગતા પ્રશ્નો જાણી તેને દૂર કરવા વિદ્યાર્થીઓનું Counselling કરવું. સલાહકાર તરીકે શિક્ષકે લાગણીશીલ, પ્રેમાળ બનવું અને વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા કેળવી તેમના મિત્ર બનવું.

ટૂંકમાં આદર્શ શિક્ષક એવા એક વ્યક્તિ છે જે એક બગીચાને જુદા જુદ રંગરૂપના ફૂલોથી સજાવે છે. જે વિદ્યાર્થીઓને કાંટાળા માર્ગે પણ હસીને ચાલવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમને જીવવાનુ કારણ સમજાવે છે. તે પ્રેરણાના ફુવારાથી બાલક રૂપી મનને સીંચીને તેના પાયાને મજબૂત કરે છે અને તેના સર્વાગીણ વિકાસ માટે તેનું માર્ગદર્શન કરે છે. પુસ્તકી જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો અને સંસ્કાર રૂપી શિક્ષાના માધ્યમથી એક ગુરૂ જ શિષ્યના સારા ચરિત્રનું ઘડતર કરી શકે છે. આપણા દેશના દરેક શિક્ષકોએ આદર્શ શિક્ષક તરીકે પોતાની જવાબદારીને નિભાવવી પડશે, ત્યારે જ રાષ્ટ્રના આ કોમળ ફૂલ મજબૂત હ્રદયથી રાષ્ટ્રને મજબૂત કરશે.

.....જય હિન્દ જય ભારત......