માણસને જરા ખોતરો, ને ખજાનો
નીકળે, સાચવીને સંઘરેલો, એક જમાનો નીકળે.
જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય, કદી કોઈ અડિયલ પણ, મજાનો નીકળે.
– બૈજુ જાની
લાઇફ બોરિંગ થઈ ગઈ છે. કશું જ નવું કે થ્રિલિંગ નથી.
દરરોજ એનું એ જ કામ. કાયમ એકસરખી જ ઘટમાળ. જિંદગી મશીન જેવી થઈ ગઈ છે. જીવવાનો કોઈ
રોમાંચ જ નથી. ખબર નહીં આ બધી જવાબદારીઓમાંથી ક્યારે છુટકારો મળશે. એક પત્યું ન હોય
ત્યાં બીજું કંઈક ઊભું હોય છે. થાકી જવાય છે. શેમાંય મજા નથી આવતી. ઘરમાં કોઈ ને કોઈ
પ્રોબ્લેમ ચાલતા રહે છે. ઓફિસમાં અનેક જાતનાં ટેન્શન રહે છે. રજા હોય તોપણ મજા આવતી
નથી. ક્યારેક તો બધું જ છોડી દેવાનું મન થાય છે. ક્યાંક ભાગી જવાનું મન થાય છે.
આ અથવા આના જેવા વિચારો દરેક માણસને થોડા ઘણા અંશે આવતા
જ હોય છે. માણસની પોતાની સાથે જ એક દોડ ચાલે છે. એવી દોડ કે ક્યારેય ખતમ થતી નથી. આપણને
થાય છે કે આટલું થઈ જાય એટલે બસ. આ એક મોટું કામ પતી જાય પછી થોડીક હાશ થશે. હાશ થતી
નથી. ઊલટું નવા નવા પ્રોબ્લેમ્સ આવ્યા રાખે છે. આપણે સારા સમયની રાહ જોતા રહીએ છીએ.
કંટાળો એ આજના સમયનો સાર્વત્રિક રોગ બની ગયો છે. ચહેરા ચીમળાયેલા રહે છે. મન મૂરઝાયેલું
રહે છે. તન થાકેલું રહે છે. મગજ ઉપર સતત ભાર રહે છે. દિલમાં કંઈક ડંસતું રહે છે.
આપણને થાય છે કે આવી તો કંઈ જિંદગી થોડી હોય? મેં જેવી જિંદગીની કલ્પના કરી હતી એવું તો કંઈ થતું જ નથી. સોશિયલ મીડિયા પર
મિત્રો અને સ્નેહીઓની તસવીરો જોઈને એમ થાય છે કે બધા મજા કરે છે, બધા ફરવા જાય છે, આપણા નસીબમાં જ કાળી મજૂરી અને જાતજાતની
ઉપાધિઓ છે. ખબર નહીં ક્યારે આ બધામાંથી મુક્તિ મળશે!
મન બંડ પોકારતું રહે છે. આઝાદી જોઈએ છે મારે, છૂટવું છે આ બધામાંથી, મારે થોડુંક મારી રીતે જીવવું
છે. નોકરી છોડી દેવાનું મન થાય છે. મિત્રો એવી સલાહ આપે છે કે, એમ તે કંઈ નોકરી થોડી મુકાય છે. બીજી જોબનો મેળ ખાય ત્યારે છોડી દેજે. નવરો
બેસીને કરીશ શું? સરવાળે આપણે સમસમીને બેઠાં રહીએ છીએ. સર્વે
કરવામાં આવે તો કદાચ એવી જ વાત બહાર આવે કે મોટાભાગના લોકો તેની વર્તમાન સ્થિતિથી ખુશ
નથી. બધાને ચેઇન્જ લેવો છે. પરિવર્તનની પ્યાસ છે, દરેકને કંઈક
કરી છૂટવું છે. દરેકને એમ થાય છે કે મારામાં જે આવડત છે એનો પૂરો ઉપયોગ થતો નથી. હું
વેડફાઈ રહ્યો છું.
તમને આવું થાય છે? થતું હશે.
આવી ફીલિંગ પાછળ કારણો પણ હોય છે. આ કારણો સાચાં પણ હોય છે, કારણ
વગર તો દુનિયામાં કંઈ થતું નથી. મુશ્કેલી તો હોવાની જ છે. એક માણસ એવો બતાવો જેને કોઈ
મુશ્કેલી ન હોય. મજામાં છું, મોજ છે, ભગવાનની
દયા છે, આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી એવું કહેનારા ઘણું બધું છુપાવતા
હોય છે. અલબત્ત, એનો આ એટિટ્યૂડ સાચો અને સારો પણ હોય છે. રોદણાં
રડવાં એના કરતાં મસ્તીમાં રહેવું એ વધુ સારું છે.
એક યુવાન હતો. એ ઓલ્વેઝ મસ્તીમાં જ હોય. કોઈ પૂછે તો
કહે કે જલસા છે. એક દિવસ તેના મિત્રએ તેને કહ્યું, તારે શેના
જલસા છે? તારી પાસે છે શું? સામાન્ય જોબ
કરે છે, માંડ માંડ પૂરું કરે છે, આખર તારીખમાં
ખીસાં સાવ ખાલી હોય છે, રહેવાનાં ઠેકાણાં નથી, સુખ કહી શકાય એવું તારી પાસે છે શું? એ યુવાને કહ્યું,
તું ગણવા બેસે તો મારી પાસે એવું કંઈ ખાસ નથી. બસમાં અપડાઉન કરું છું.
માંડ-માંડ બે છેડા ભેગા થાય છે. વૃદ્ધ મા-બાપની ચિંતા છે. આ બધા વિચારથી હું પણ ડિસ્ટર્બ
થતો હતો. મને હતાશ જોઈને એક વખત મારા પિતાએ મને તેમની પાસે બેસાડ્યો. તેમણે કહ્યું
કે, તારી સામે અનેક પડકારો છેને? એ રહેવાના
જ છે. જિંદગીના અંત સુધી હશે. સવાલ એ છે કે તું એને કેવી રીતે લે છે. જિંદગી અરીસા
જેવી છે. તું એની સામે જેવું કરીશ એવું એ તારી સામે કરશે. તું હસીશ તો એ હસશે,
તું રડીશ તો એ પણ રડશે, તું બખાળા કાઢીશ તો એ પણ
બખાળા જ કાઢશે. જિંદગીમાં તારી મસ્તીને ઓછી ન કરતો, કારણ કે એ
જ માત્ર તારા હાથમાં છે. જે કરવાનું છે એ કરવાનું જ છે, તો પછી
હળવાશથી અને હસતાં હસતાં કરને! તારા કામમાં મજા શોધ, કામ સાથે
રોમાંચ અનુભવ, અપડાઉન કરતી વખતે નજીકમાં વિખરાયેલી પ્રકૃતિને
એન્જોય કર, સૌથી મહત્ત્વનો મૂડ હોય છે. ફકીર પાસે કંઈ જ હોતું
નથી, પણ તે ખુશ હોય છે. આપણા બધામાં થોડુંક અલગારીપણું ધબકતું
હોય છે એને જીવતું રાખજે, તો થાક નહીં લાગે. પડકાર આસાન લાગશે.
તારી મુશ્કેલીનો વિચાર કરીશ તો એક પછી એક નબળા વિચારો
આવતા જ રહેશે. હતાશા પહેલાં નબળા વિચારથી નથી આવતી. એક પછી એક નબળા વિચારો જ નિરાશા
આપે છે. ધીમે ધીમે આપણને એ ડિપ્રેશનમાં ખેંચી જાય છે. આપણને ચારે તરફ અંધકાર દેખાય
છે. એ અંધકાર મોટાભાગે આપણે જ સર્જેલો હોય છે. મારી પાસે વારસામાં આપવા માટે કંઈ ખાસ
તો નથી, પણ મારો ઉત્સાહ, મારી ખુશી અને મારા
વિચારો તને વારસામાં આપવા ઇચ્છું છું અને તને કહું છું કે જિંદગીમાં સુખ જો તમારી અંદર
નહીં હોય તો બહાર ક્યાંય મળવાનું નથી. બહારનો આનંદ થોડાક સમયનો હોય છે. પાર્ટી પતી
અને પાછા એકલા. ફરીને આવ્યા અને પાછી એ જ ઘટમાળ. અંદરનો આનંદ ક્યારેય આપણને એકલા પડવા
દેતો નથી. સ્થિતિ ભલે નબળી હોય, સંજોગો ભલે વિપરીત હોય,
પણ તારા વિચારોને નબળા પડવા ન દેતો. ક્યારેય કંઈ છોડી દેવાનું કે ક્યાંય
ભાગી જવાનું ન વિચારતો, કારણ કે ભાગી જવું કે છોડી દેવું એ આઝાદી
કે મુક્તિ નથી. આપણાં કામ, કર્તવ્ય અને કર્મ સાથે જોડાયેલા રહેવું
અને હસતા મોઢે જિંદગીને જીવવી એ જ આઝાદી છે, એ જ મુક્તિ છે. બસ
આ દિવસથી મેં નક્કી કર્યું કે હું મજામાં રહીશ.
કંઈ ફાવતું નથી? કોઈ સાથે બનતું
નથી? તો તેનો ઉકેલ શોધો. પોઝિટિવિટીની સૌથી વધુ જરૂર નકારાત્મક
સમયમાં જ પડતી હોય છે. બધું સમુંસૂતરું ચાલતું હોય ત્યારે તો બધા પોઝિટિવ જ હોય છે.
ક્યાંય ધ્યાન ન પડે એવી સ્થિતિ હોય, બધાં જ પરિબળો આપણી સામે
બાંયો ચડાવીને ઊભાં રહી ગયાં હોય અને સમય સખણો રહેવા તૈયાર ન હોય ત્યારે સ્વસ્થ રહેવું
એ જ પોઝિટિવિટી છે, એ જ ખરી શક્તિ છે.
માણસ કેવો છે એની સાચી ખબર સુખમાં નથી પડતી, પણ એ કેવો નક્કર છે એની ખરી ખબર તો મુશ્કેલીમાં જ પડે છે. યાદ રાખો,
મુશ્કેલીથી કોઈ બચી શકતું નથી, બચી એ જ શક્યા છે
જે મુશ્કેલી સામે લડ્યા છે અને મુશ્કેલીને હરાવી છે. દુ:ખી થવાનાં કારણો શોધશો તો એક
નહીં પણ હજાર મળી આવશે. સુખી થવાનું અને ખુશ રહેવાનું એક કારણ શોધી લેશો તો એ પૂરતું
છે. તમારે મુક્તિ કે આઝાદી જોઈતી હોય તો પહેલાં તમારે નબળા વિચારોથી છુટકારો મેળવવો
પડશે.
આપણને આપણા વિચારો અને આપણી ઇચ્છા મુજબની પરિસ્થિતિ
જોઈતી હોય છે. આવું જોઈએ છે, આવું કરવું છે, આવું જ હોવું જોઈએ એવા વિચારો આવે એ સ્વાભાવિક છે, પણ
એવું થાય જ એવું જરૂરી નથી. હા, તમારી શક્તિથી તમે એવું કહી શકો,
પણ એના માટે ધીરજ, શાંતિ અને હળવાશ જોઈએ. પરિસ્થિતિથી
ભાગો નહીં, કંટાળો નહીં, ફરિયાદ ન કરો,
જે છે એને સ્વીકારો. સબળા સમય માટે એ સૌથી વધુ જરૂરી હોય છે કે તમે નબળા
સમયમાં પણ સક્ષમ રહો. એ ત્યારે જ થવાનું જ્યારે તમારું ચિત્ત સ્થિર હોય. ડિસ્ટર્બ માણસનું
દિમાગ ડિસ્ટ્રક્ટિવ જ વિચારે. ડિસ્ટર્બન્સ પરિસ્થિતિથી કદાચ થોડું-ઘણું આવતું હશે,
પણ વિચારોથી વધુ આવે છે. પરિસ્થિતિ સારી ન હોય, પણ તેના વિચારો આપણને નબળા બનાવી દે છે. આવા સમયે જ માણસની સકારાત્મકતા અને
સક્રિયતાની કસોટી થતી હોય છે. પરિસ્થિતિ ભલે આપણા હાથમાં ન હોય, પણ આપણે આપણા હાથમાંથી છટકી જવા ન જોઈએ. આપણે આપણી તાકાતને ઓળખવાની હોય છે.
હું શક્તિશાળી છું, કુદરતે મારામાં અપાર ક્ષમતા ભરી છે,
હું નબળો પડવા માટે સર્જાયો નથી. મને કોઈ સ્થિતિ કે કોઈ વ્યક્તિ હતાશ
નહીં કરી શકે. હું મજામાં રહીશ, હું ખુશ રહીશ, તમારી જાતને આવું પ્રોમિસ આપતા રહો, તમારી પોઝિટિવિટી
કાયમ સજીવન રહેશે. {
છેલ્લો સીન:
દરેક પ્રકારના ડરથી મુક્ત
થઈ જવું એ જ ખરી આઝાદી છે – કેયુ ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ