પી.ડી.કાંજિયા કોણ છે ? કેવી રીતે મહિને 700 રૂપિયા પગારની નોકરીથી લઈ નવયુગનું એમ્પાયર ઊભું કર્યું ?..
મોરબીમાં શિક્ષણના નવયુગના સર્જક: પી.ડી.કાંજિયા
મોરબી વિશે વાત થાય અને જો નવયુગ શિક્ષણ સંકુલ કે શિક્ષણ સંસ્થાનો ઉલ્લેખ ન થાય તો જ નવાઈ. નવયુગ ગ્રુપ એજ્યુકેશન હેઠળ KG થી PG એટલે કે બાળમંદિર થી લઈને માસ્ટર ડિગ્રી સુધીના વિવિધ અભ્યાસક્રમ ચાલી રહ્યા છે. મોરબી જિલ્લાની સૌથી મોટી શિક્ષણ સંસ્થા નવયુગમાં સાડા છ હજારથી વધારે વિદ્યાર્થીઓ શિક્ષિત અને દીક્ષિત થઈ રહ્યા છે. એમ કહી શકાય કે આ નવયુગ એ મોરબીના શિક્ષણક્ષેત્રે એક નવો યુગ છે અને તે શરૂ કરનાર છે પી.ડી.કાંજિયા. આ સંસ્થાને તેમણે પોતાના આંગણાના છોડની જેમ ઉછેરીને આજે વૃક્ષમાં તબદીલ કરી છે. શિક્ષકોની ગુણવત્તા, વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને વિકાસ માટે તેઓ સદા તત્પર છે. પ્રાણજીવન ધનજીભાઈ કાંજિયા, મૂળ ગામ મોરબીનું ખાખરાળા. તેમનો જન્મ મોરબીમાં એસ.ટી. ડિપાર્ટમેન્ટમાં કન્ટક્ટર તરીકે ફરજ બજાવતા ધનજીભાઈને ત્યાં 10 ઓક્ટોબર, 1971ના દિવસે થયો. પ્રાથમિક શિક્ષણ ગામની બરવાળા શાળામાં જ પૂર્ણ કર્યું. મોરબીના વાઘજી ઠાકોર દ્વારા બંધાયેલા બંગલામાં તે સ્કુલ ચાલતી તેથી બરવાળા નામે ઓળખાતી. મોરબીની પ્રખ્યાત વી.સી. હાઈસ્કુલમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લીધું, ધો. 12માં હાઈસ્કુલમાં ત્રીજા ક્રમે પાસ થયા. તર્કશાસ્ત્ર અને હિન્દી વિષયમાં તો સ્કુલ ફર્સ્ટ. ઉચ્ચ શિક્ષણ માટે પરંપરાગત ડિગ્રી પાછળ જવાને બદલે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝનો કોર્સ ઉપલેટાના ડુમિયાણીની કોલેજમાંથી કર્યો અને તે કોર્સના અંતિમ વર્ષે પણ હિન્દી વિષયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યા.
કોલેજના શિક્ષણ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજેતા બન્યા હતા. વકતૃત્વ સ્પર્ધા, ગ્રામ નિવાસી તાલીમ શિબિર, આદિવાસી શિબિર, NSS સહિતની પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રહ્યા. BRSનું ભણતર પૂર્ણ કર્યા પછી પાટીદાર કેળવણી મંડળ મોરબી સંચાલિત કુમાર છાત્રાલયમાં ગૃહપતિ કરીકે નોકરી કરી. શિક્ષણવિદ્ ટ્રસ્ટી જીવરાજભાઈ વીરપરિયાના માર્ગદર્શન અને અનુભવે પી.ડી. કાંજિયાનું ઘડતર કર્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ એમ.એ. કર્યું અને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાંથી DRDની પદવી તેમણે પ્રાપ્ત કરી GBTC, B.Ed. પણ કર્યું. તે શિક્ષણ તેમણે જૂનાગઢની સુભાષ એકેડેમીમાં લીધું. પી.ડી. કાંજિયાએ મોરબીની સેલ્ફ ફાયનાન્સ સ્કુલમાં આચાર્ય તરીકે કામ કર્યું. આ તબક્કો તેમના ઘડતર અને દિશા દર્શનનો હતો. સ્કૂલ મેનેજમેન્ટની તાલીમ ત્યાં થઈ. મનમાં અનેક સંકલ્પ, પ્રકલ્પ આકાર લેતા હતા. એ વર્ષ હતું. ૧૯૯૯ અને મહિનો જૂન. કેટલાક મિત્રોની સાથે રાખી કલાવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી તેમણે નવયુગ સ્કૂલનો પાયો નાંખ્યો. થોડા જ સમયમાં નવયુગનું નામ ગૂંજતું થયું. જૂન 2006માં નવયુગ શૈક્ષિણક સંકુલ નામની અન્ય સંસ્થા મોરબી શહેરની બહાર વિશાળ જગ્યામાં શરૂ કરી. જેમાં KG થી 12 ધોરણ સુધીના અભ્યાસક્રમ શરૂ થયા. ક્રમશઃ આ સંસ્થાએ B.Sc. મહિલા કોલેજ, LLb, B.B.A, B.Com., B.C.A., M.Sc., B.Ed., M.B.A., D.M.L.T., Nursing જેવા કોર્સિસ પણ શરુ કર્યા. વિદ્યાર્થીઓના ઘડતર માટે NIOS શરુ થયું. 20180થી નવયુગ કેરિઅર એકેડેમી પણ શરૂ કરી.
મોરબીના વિસ્તરતા ફલકને ધ્યાનમાં રાખીને વિવિધ વિસ્તારમાં અંગ્રેજી માધ્યમની સ્કુલો શરુ કરી. પ્રિ સ્કુલ, નવયુગ કિડ્સ વગેરેની શરૂઆત થઈ. પી.ડી. કાંજિયાની પ્રતિભા ખીલતી ગઈ.
શિક્ષણની સાથે તેમણે સાંસ્કૃતિક, સામાજિક કાર્યો કાર્યક્રમોમાં પણ જીવંત રસ લેવાનું શરૂ કરી નવી પેઢીના ઘડતરમાં યોગદાન આપ્યું છે. મોરબીમાં કોઈ પણ રચનાત્મક કાર્ય થાય ત્યાં પી.ડી. કાંજિયાનો હોંકારો હોય જ. પી.ડી. કાંજિયાની આ સફળતા પાછળ તેમનો પરિશ્રમ, ધગશ, સમર્પણ તો શ્રેયસ્કર છે જ પરંતુ તેમના આ સાફલ્યમાં તેમના ધર્મપત્ની રંજનબહેન પૂર્ણ સહભાગી છે. જીવનના તમામ તબક્કે તેમણે આપેલો સહયોગ અને હૂંફ પી.ડી. કાંજિયાની આ યાત્રામાં અત્યંત ઉપયોગી સાબિત થયા છે. સંઘર્ષમાં તેમણે આપેલા સાથથી સપ્તપદીની વ્યાખ્યા સાર્થક થઈ છે.
બન્ને શ્રદ્વાળુ છે. હનુમાનજીનું મંદિર તો સંકુલના પ્રાંગણમાં જ છે. પોતાના કૂળદેવી માટેની તેમની આસ્થા અપાર છે. વતન ખાખરાળામાં કૂળદેવીનું મંદિર તેમણે બંધાવ્યું છે. અત્યાર સુધીમાં 25000 જેટલા વિદ્યાર્થીઓએ આ સંસ્થાના માધ્યમથી પોતાની કારકિર્દી ઘડી છે. શિક્ષકોના ઘડતર માટે તેઓ ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર પણ યોજે છે. તેમણે કરેલી પ્રવૃત્તિથી પ્રેરાઈને મોરબીમાં અન્ય લોકોએ પણ શાળાઓ શરુ કરી છે. સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર તરફથી તેમને મળવા જેવા માણસનો એવોર્ડ મળ્યો છે તે ઉપરાંત માય એફએમ, ઝી ૨૪ તરફથી પણ પુરસ્કૃત થયા છે. કઠોર પરિશ્રમથી કેવાં સુંદર પરિણામ મળી શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પીડી કાંજિયા અને નવયુગ શિક્ષણ સંસ્થાન છે.
સંકલન : દુષ્યંત પટેલ
મોરબીમાં નવયુગ સ્કૂલના પાયોનિયર સાથે વિશેષ વાર્તાલાપ.. જુઓ વિડિઓ
#RBNewsMorbi
આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
https://fb.watch/jRY6GTQIM2/?mibextid=Nif5oz
https://www.instagram.com/reel/Cq7CZRwNw2w/?igshid=YmMyMTA2M2Y=