Friday, April 1, 2022

રણુજાના ધર્મપાલક રાજા રામદેવપીર

જય રામદેવપીર..

અલખધણી બાબા રામદેવપીર વિશે અહીં જે પણ બાબતો સંકલિત કરવામાં આવી છે. તેના માટેના આધારો વિવિધ અખબારો, સામયિકો, પુસ્તકો, અને રામદેવપીર સાથે જોડાયેલા ધાર્મિક સ્થળોની મુલાકાત વખતે લોકો પાસેથી સાંભળેલી બાબતો પર આધારિત છે... આપ પણ વાંચો... રામદેવ પીર વિશેની જાણી અજાણી વાતો... તેમના નિજીયા ધર્મ (સનાતન ધર્મ), પાટોત્સવ વગેરે બાબતો વિશેની માહિતી..




રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં ઇસ. ૧૩૫૨
ભાદરવા સુદ બીજ, વિક્રમ સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. 


રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા, રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવપીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંકજી કે કલ્કિ અવતાર માનનાર અનેક ભક્તો છે. 

આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ - ભક્તો તેમનાં મંદિરોમાં દર્શનાર્થે યાત્રાપ્રવાસ કરે છે. રામદેવપીરનું વ્રત-નોરતાં રાખે છે. નિજિયા ધર્મના સ્થાપક રામદેવપીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે.

બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.

તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન ને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને 'રામશાહપીર'નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.

બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.

તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.

બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.

રણુજાના રાજાનો નિજિયા ધર્મ

રાજસ્થાનના પોકરણગઢના રાજવી અજમલજીને આપેલું વચન નિભાવવા અને ધર્મની સ્થાપના કરવા ભગવાન પધાર્યા. વિરમદેના જન્મ બાદ બરાબર એક માસે વિક્રમ સંવત ૧૪૬૧ની સાલ ભાદરવા સુદ દશમની પરોઢે એટલે કે અગિયારસ બેસતાં ભગવાન રણછોડરાય બાળસ્વરૂપે વિરમદેજી સાથે પારણામાં પોઢી ગયા. પોતે દિવ્ય હોવાની, ભગવાન હોવાની નિશાની રૂપે કુમકુમ પગલાં પાડયાં. તેમનું નામ રામદેવજી રાખ્યું. રામાપીરે ઘણાં કાર્યો કર્યાં છે તે લોકવાર્તાઓ આપણે રામા મંડળ, ફિલ્મો વગેરેમાં જોયું છે.. સાંભળ્યું છે..ટૂંકમાં જે બધાને ખબર છે... પણ આપણે બીજી જ વાત કરવાની છે. નિજીયા ધર્મ વિશેની..


શિવે પાર્વતીને નિજિયાધર્મ વિશે શું કહ્યું?

અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે પાટોત્સવ કર્યો. આ પ્રસંગે હાજર રહેલા સહુને રામાપીરે જણાવ્યું કે આ પ્રસંગે શિવના પાટોત્સવને યાદ કરીએ. શિવે શક્તિને નિજિયા ધર્મ અને ગૃહસ્થ ધર્મ વિશે જે જે વાત કહેલી તે વાત અત્યારે અહીં બધાને સંભળાવું છું. તે ધ્યાન દઈ સાંભળવા યોગ્ય અને જીવનમાં ઉતારવા યોગ્ય છે. રામાપીરે પાટોત્સવમાં ઉપસ્થિત સર્વને જે વાતો જણાવી હતી તે આ પ્રમાણે હતી.

નિજિયા ધર્મના આદ્ય સ્થાપક શિવ અને શક્તિ

શિવ-પાર્વતીએ આદિપંથને નિજીયા ધર્મનું નામ આપ્યું, જેથી એ આદેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી (સુદ) બીજ, ત્રીજ, પાંચમ, અગિયારસ, તેરસ અને પુનમના દિવસે પાટ-મંડપનો ઉત્સવ કરવાનો, ગાદીપતિ- ધર્માધિકારીઓએ નિર્ણય કરેલ. સાધુ-સંતો, જતિ-સતી, સિદ્ધ, યોગી, ભક્તો વગેરે પાટોત્સવ ઉજવે છે. આખી રાત ભજનાનંદી બની જાગરણ કરે છે જેને જમા-જાગરણ પણ કહેવાય છે. તેમાં ઉપસ્થિત નર-નારીઓ ગતગંગા, ગતના ગોઠી અને ગતમાર્ગી તરીકે ઓળખાય છે.

‘નિજ એટલે પોતાનો ધર્મ,  આ નિજિયા ધર્મમાં સ્ત્રી કે પુરુષ, જ્ઞાતિ-જાતિના કોઈ ભેદભાવ નથી. જે પુરુષ પરસ્ત્રીને પોતાની માતાસમાન માની મનમાં દૃઢ માતૃભાવ રાખે છે તે જ રીતે સ્ત્રી પણ પરપુરુષને સગા ભાઈ જેવો સમજે છે તેઓને જ આ નિજિયા ધર્મમાં સ્થાન છે.

ગૃહસ્થાશ્રમ એ માનવસેવા છે. મહાધર્મનું એ પહેલું પગથિયું છે અને એ ધર્મ નિજિયા ધર્મ માને છે. જેમને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય છે તેઓ આ નિજ ધર્મ પાળતાં હોય છે. “હું” અને “મારું” મટી જાય, ધણીપણું ટળી જાય, આપાપણું ગળી જાય એ સાચો નિજારી કહેવાય છે. જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલો છે એવાં પતિ-પત્ની એકમતવાળાં હોય તેઓ આ નિજધર્મ પાળતાં હોય, ભક્તિભાવમાં પૂરા રંગાયાં હોય એમના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે. આવાં ઉપાસક નર-નારીને માયાનો મોહપાશ તૂટી જઈ યુગેયુગના ભવબંધનથી છૂટે છે.


નિજીયા ધર્મ નામ અનેક પણ ગુણ એક જ

બીજ રહસ્ય બતાવનારો પંથ જેને મહાપંથ પણ કહેવાય છે. મહાપંથનાં અનેક નામો મળે છે. નિજિયા ધરમ, નિજર પંથ, બીજમાર્ગ, મહામાર્ગ, ધૂનો ધરમ, સનાતન ધર્મ, માર્ગીપંથ, મોટો પંથ, પાટ પંથ, ગુપ્ત ધરમ, મૂળ ધરમ કે આદિ ધર્મના નામે પ્રચલિત છે. નિરંજન નિરાકાર જ્યોતિસ્વરૂપ આદ્ય શિવ-શક્તિની ઉપાસનાથી માંડીને વિષ્ણુ ભગવાનના અંશાવતાર રામાપીર સુધી તેની ઉપાસના ચાલી આવી છે.

ચાર જુગના ચાર પાટોત્સવ

પહેલા જુગમાં પ્રહલાદ રાજાએ પાટ મંડાવ્યો. તેમનાં રાણી રત્નાદેએ એને મોતીડે વધાવ્યો. પાટની ગુરુગાદીએ આદિનાથજી અને કોટવાળ તરીકે ગણેશજી હતા. 

બીજા જુગમાં હરિચંદ્ર રાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી તારાદેએ એ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ચૌરંગીનાથ અને કોટવાળ તરીકે ગરુડજી હતા. 

ત્રીજા જુગમાં યુધિષ્ઠિર રાજાએ પાટ મંડાવ્યો. રાણી દ્રૌપદીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે મચ્છંદરનાથ અને કોટવાળ તરીકે ભૈરવજી હતા.

ચોથા જુગમાં બલીરાજાએ પાટ પુરાવ્યો. તેમનાં રાણી વિદ્યાવલીએ પાટને વધાવ્યો. પાટના ગાદીપતિ તરીકે ગોરક્ષનાથજી અને કોટવાળ તરીકે હનુમાનજી હતા. 

ઉપરાંત ચારેય જુગની કોળીમાં હાથી, અશ્વ, ગાય અને અજિયા દર્શાવાય છે. એના સંકેતોમાં જાણકાર સંતોનું એવું પણ અર્થઘટન છે કે, પહેલા જુગમાં જે હાથી દર્શાવ્યો છે તે હાથી એટલે કે અભિમાન રૂપી હાથીનું બલિદાન છે. બીજા જુગમાં અશ્વ દર્શાવ્યો છે તે પવન રૂપી ઘોડાને વશમાં કરવું- બલિદાન આપવું. ત્રીજામાં ગો એટલે ગાયનું એટલે ઈન્દ્રિયોની તમામ ક્રિયાઓનું બલિદાન આપવું. ચોથામાં અજિયા એટલે સૂક્ષ્મ વાસના રૂપી અજિયાનું બલિદાન આપવું. આવું સંતોએ સમજાવ્યું છે. 

એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી. અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું.

રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો. બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો. અને બાર બીજના ધણીનું નામ આપ્યુ.


આ તમામ પાટોત્સવોનું વિવરણ સ્થળસંકોચના હિસાબે ટૂંકમાં આપવાની કોશિશ કરી છે.

રામદેવ પીરના ઇતિહાસની ઝાંખી..

ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ ને ગુરુવારના દિવસે રણુજા (રામદેવરા)માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં સમાધિ લીધેલી. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. રણુજામાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.

રામદેવ પીરે સમાધિ લીધા પછી બસ્સો બેંતાલીસ વર્ષ બાદ (વિ.સં. ૧૭૫૭, જેઠ વદ પાંચમના રોજ) હરજી ભાટીને પરચો આપેલો. હરજી ભાટીનું ગામ રણુજાથી લગભગ ૧૪૦ કિમિ. દૂર ઓસિયા ગામ (ઓસિયાથી ૧૫ કિમી. દૂર) પાસે છે જે પંડિતજીની ધાણી તરીકે ઓળખાય છે. જે સ્થળે હરજી ભાટીને રામાપીરે સાધુના વેશે દર્શન આપેલ તે સ્થળ હરજી ભાટીના ગામથી ત્રણેક કિમી. દૂર છે જ્યાં નાનું રામાપીરનું મંદિર છે.
આ મંદિરની ટેકરી પાછળ નાની તળાવડી છે જ્યાંથી હરજી ભાટી રામાપીર માટે પીવાનું પાણી ભરી લાવ્યા હતા. વિ.સં. ૧૮૩૮ના રોજ હરજી ભાટીએ સમાધિ લીધેલી. હરજી ભાટીની જગ્યામાં ગાદીપતિ તરીકે હરજી ભાટીના પરિવારમાંથી જે આજીવન કુંવારા રહી શકે તેને જ બેસાડવામાં આવે છે.


સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ચોકડી પાસે પીપળી ગામ પણ અત્યારે એક ધામ બની ગયું છે જે સવા ભગતની પીપળી તરીકે પ્રસિદ્ધ છે. પીપળીમાં દર બીજ અને પૂનમે અસંખ્ય યાત્રિકો આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.


ઇતિહાસના પાના પરથી જાણવા મળેલ અમુક બાબતો :-
  • રામદેવપીર જયપુર દિલ્હીના નજીકના હતા. ત્યારે દિલ્હીમાં મુસ્લિમો દ્રારા  કતલ બળાત્કારો સળગાવવું ને લંટફાટથી હાહાકાર મચાવ્યો હતો. તેનાથી રામદેવજીનું મન દ્રવી ઉઠ્યું હતું. તેવામાં તેના પત્નીનું અવસાન થાય છે. ત્યારથી રામદેવજી સંસાર છોડીને કચ્છમાં આવી જાય છે.

  • રામદેવપીરનો સમય એ હિન્દુ ધર્મ માટે કટોકટીનો સમય હતો. દિલ્હીથી રામદેવપીરના ગુરુની જગ્યા હબો ડુંગર થી જુનાગઢ સુધી હિન્દુ મંદિરો ખંડીત થઈ ચુક્યાં હતા. 
  • મંદિરોમાં પુજા આરતી બંધના ફતવા હતા. તેવા સમયે રામદેવપીરે પીર ફકીર બનીને સનાતન ધર્મનો પ્રચાર કર્યો
  • .કચ્છના હબા ડુંગર પરની ધીણોધરની નાથપંથની જગ્યા એ ગુરુ ગોરખનાથના ગુરુભાઈની જગ્યા છે.
  •  રામદેવપીરે 54 વર્ષે સંસાર છોડીને આ હબા ડુંગરમાં આવીને  ધીણોધરની જગ્યામાં રહીને બાલકનાથને ગુરુ બનાવીને નાથપંથની દિક્ષા લીધી. ત્યાં જ તપ અને સાધના કરીને સિધ્ધી પ્રાપ્ત કરી.
  • લીલુડો ઘોડો એ શક્તિનું પ્રતીક અને લીલો નેજો એ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક છે.  અને પીરએ ઉપાધિ છે.
  • રામદેવપીરે ત્રણ વખત દવારકાની યાત્રાના કરી હતી.

જાણી, અજાણી વાતો અને સાચી હકીકતો...

રામદેવપીર તૈમુર લંગના પાપે પીર થયા. રામદેવપીર તૈમુર લંગના સમકાલીન છે. તૈમુર લંગે હિન્દુ ધર્મ ઉપર કાળોકેર વર્તાવ્યો હતો. તેણે હિન્દુઓની કતલ બરબાદી અને ધર્મપરિવર્તન કરાવ્યા. હિન્દુની પુજા આરતી જાહેર સરઘસ બધું બંધ કરાવ્યુ.  તેની સામે ઓરંગજેબ કાંઈ નથી. અહી સુધી રામદેવપીર સંસારી માણસ હતા.

હિન્દુની બરબાદી જોઈને રામદેવપીરે સંસાર છોડ્યો અને ગોરખનાથ વાળા નાથ સંપ્રદાયની દિક્ષા લીધી. હિન્દુ ધર્મને બચાવવા માટે  રામદેવપીર ધર્મ પ્રચારક બન્યા. પરંતુ જાહેરમાં ભગવાં કપડા કે હિન્દુનો પ્રચાર  થઈ શકે તેમ ન હતો. તેથી તેણે સુફી પરંપરાનો આશરો લીધો. 

જાહેરમાં ફરવા માટે લીલો નેજો ધારણ ક્યો. અને બંધબારણે રુમની અંદર હિન્દુ ધર્મની પુજાપાઠ કરવાની નવી પધ્ધતિ બનાવી જે હાલ રામદેવપીરના પાઠ તરીકે પ્રખ્યાત છે. (જે વર્તમાનમાં પણ અમલમાં છે.. પણ તેને અન્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે. ખરેખર તો તૈમુરથી બચવા જે ભગત હોય તે બંધ બારણે જ્યોત પ્રગટાવી ભક્તિ કરતા ... અને ભગત સિવાય કોઈ અંદર આવતા નહીં...) .

લીલા નેજાને કારણે આપણે પીરનો દરજો આપી દીધો. બાકી તો રામદેવપીર પ્યોર અને પાકા નાથપંથ સંત છે. ટૂંકમાં રામદેવપીરનો ઘોડો એ શક્તિનું પ્રતીક છે. લીલો નેજો એ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક. અને પાઠપુજા એ હિન્દુ ધર્મ બચાવવાનો છુપો રસ્તો હતો  જે તે સમયે..

કદાચ આપણને ગમે નહિ પણ....“વિર” શબ્દ અને પરંપરા આપણી છે. પીર ઉદુઁ શબ્દ છે. ૭૦૦ વષઁ ના મોગલ આકમણ ની ગીફટ પીર શબ્દ છે.. આગે સે ચલી આતી વાળી પધ્ધતિમાં ફેરફાર થવો જ જોઈએ. અને  રામદેવપીર નહીં પરંતુ  રામદેવવિરથી પુજાવા  જોઈએ.

સાભાર :- દેવાણદભાઈ રાવલિયા