પ્રસ્તાવના :-
વર્તમાન સમય એ ટેક્નોલોજી અને જ્ઞાનથી ભરપૂર છે. જ્યાં રોજબરોજ વ્યક્તિ ટેક્નોલોજી સાથે જોડાયેલો છે. પહેલાંના જમાનામાં એક વૃક્ષ નીચે ગુરૂ અને શિષ્ય વચ્ચે શિક્ષણ કાર્ય થતું હતું. પરંતુ વર્તમાન સમય એ વિદ્યાર્થી જાતે પણ ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આજનું શિક્ષણ એ ટેક્નોલોજીથી ભરપૂર છે. જેમાં રોજ વિદ્યાર્થી ટેક્નોલોજી સાથે અધ્યયન કરતો થઇ ગયો છે. વર્ગખંડમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
અર્થ :
શૈક્ષણિક ટેક્નોલોજીના સામાન્ય અર્થ શિક્ષણમાં ઉપયોગમાં લેવામાં આવતી ટેક્નોલોજી એવો અર્થ થાય છે. જેને અંગ્રેજીમાં Education Technology કહેવાય છે.
અહીં ICTનો અર્થ Information (માહિતી) Communication (પ્રત્યાયન) Technology (તકનિકી).
માહિતી : માહિતી એટલે ડેટા પર પ્રક્રિયા કરવાથી મળતી નીપજ.
પ્રત્યાયન : પ્રત્યાયન એટલે સંદેશાઓ વડે થતી સામાજિક વાતચીત.
તકનિકી : ટેક્નોલોજી એટલે કે વિજ્ઞાનના સિદ્ધાંત અને ટેકનિકોનીમદદથી અવનવા સાધનો, પદાર્થો, ઉપકરણો અને પદ્ધતિઓનો વિકાસ કરવાની માનવજીવનને ઉન્નત અને ઉત્કષ્ટ બનાવવાની પ્રક્રિયા.
ટુંકમાં ICT એટલે ટીવી, રેડિયો, કમ્પ્યૂટર, ટેલિફોન, મોબાઇલ, સેટેલાઇટ જેવા અ્નેક આધુનિક ઉપકરણો કે જે પ્રૌધોગિક (ટેકનોલોજી) વિકાસ પછી આપણને પ્રાપ્ત થાય છે તેવા ઉપકરણો અને ઇન્ટરનેટ, વિવિધ સોફ્ટવેર્સ જેવા અનેક સ્ત્રોતોની મદદથી માહિતીનું સર્જન, પ્રસાર, સંગ્રહ અને વ્યવસ્થાપન કરવું.
સંકલ્પના :-
માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકીમાં ત્રણ મૂળભુત સંકલ્પનાઓ રહેલી છે. માહિતી, પ્રત્યાયન અને તેને સંંબંધિત પ્રૌદ્યોગિકી.
માહિતી એટલે સચોટ રીતે ગોઠવાયેલ હકીકતો કે જે કોઈ બાબત પ્રત્યેની સમજ સ્પષ્ટ કરે. ઉદાહરણ તરીકે પરિણામ પત્રકમાં વિવિધ વિષયોના ગુણ-ટકાવારી, પરિણામ જેવી હકીકતોની રજૂઆતથી વ્યક્તિનાં શૈક્ષણિક સ્તરની માહિતી પ્રાપ્ત થાય છે.
પ્રત્યાયન એટલે લેખિત, મૌખિક કે અ્ન્ય અશાબ્દિક રીતે માહિતીની તેનાં મૂળ અર્થમાં જ એક સ્થળેથી બીજા સ્થળે અથવા એક વ્યક્તિથી બીજી વ્યક્તિઓ સુધી પહોંચાડવાની ક્રિયા.ઉદાહરણ તરીકે વર્ગખંડમાં શિક્ષક પરીક્ષા સંબંધિત જાહેરાત કરે અને વિદ્યાર્થી સુધી જો તે યોગ્ય રીતે પહોંચ તો ત્યાં પ્રત્યાયન થાય છે. નોટિસ બોર્ડ પર મુકેલ પરીક્ષાનું સમયપત્રક વિદ્યાર્થી વાંચે ત્યારે ત્યાં પણ સમયપત્રક બનાવનાર દ્વારા પરીક્ષાની માહિતીનું પ્રત્યાયન થાય છે.
ત્રીજી સંકલ્પના છે પ્રૌદ્યોગિકી એટલે કોઈ ચોક્કસ હેતુ માટે વૈજ્ઞાનિક જ્ઞાનનું ઉપયોજન કરવું. ઉદાહરણ તરીકે આજે તમે એક બીજા સાથે વાતચીત કરવાના હેતુસર મોબાઇલનો ઉપયોગ કરો છો તો તે ટેક્નોલોજી છે.
ICT ની શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાત કે ઉપયોગો :-
આજે ICT નાં ક્ષેત્રે કોઈ પણ નવી તફનિક કે સાધનનો ઉમેરો થાય છે કે તરત જ શિક્ષણ ક્ષેત્રે તેનો વિનિયોગ અંગેના પ્રયોગો થવા લાગે છે. તેથી આજે શિક્ષણમાં અનેક કાર્યો માટે તેનો સફળતાપૂર્વક ઉપયોગ થઈ રહ્યો છે. શિક્ષણમાં તેનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જાય છે. ICT નો ઉપયોગ અધ્યાયન અધ્યયન પ્રક્રિયા, મૂલ્યાંકન અને પરીક્ષણ, અધ્યાપન અધ્યયન સામગ્રી વિકાસ, શાળા સંચાલન અને વ્યવસ્થાપન, સંશોધન, ગ્રંથાલય જેવા વિવિધ ક્ષેત્રોમાં થાય છે. જેમાં અધ્યાપન અધ્યયન પ્રક્રિયા અને ICT માં વિવિધ પધ્ધતિ, પ્રણાલી અને વિવિધ અભિગમો જેવાં વેબ આધારિત અનુદેશન, આભાસી વર્ગખંડ, ઓડીયો કોન્ફરન્સીંગ, વિડીયો કોન્ફરન્સીંગ, સ્માર્ટ ક્લાસનો ઉપયોગ થાય છે.
વિડીઓ, વેબસાઈટ, ગ્રાફિક્સ અને ગેમ્સ જેવા વૈવિધ્યસભર સંસાધનોનો ઉપયોગ પરંપરાગત વિષયોને વધુ રસપ્રદ બનાવે છે. વિવિધ વિષયોને સંપૂર્ણ અને મનોરંજક રીતે વિદ્યાર્થીઓની નજીક લાવવા માટે મલ્ટીમીડિયા સામગ્રી ખુબ ઉપયોગી સાધન છે.
- ICT દ્વારા ઓનલાઈન શિક્ષણ શક્ય બન્યું છે.
- વર્ગખંડમાં ICT નો ઉપયોગ વિદ્યાર્થીના સક્રિય અને સહભાગી વલણને પ્રોત્સાહન આપે છે.
- વિવિધ ડિજીટલ સાધનોને કારણે વિદ્યાર્થીઓ વચ્ચે સહયોગ વધે છે. તેમના માટે ટીમ પ્રોજેક્ટ બનાવવા, સહકાર આપવા અને એકબીજા પાસેથી શીખવાનું કામ સરળ બને છે.
- વિદ્યાર્થીઓ કોઈપણ સમયે અને કોઈ પણ જગ્યાએ યોગ્ય રીતે શીખી શકે છે. તેમને યોગ્ય ક્રમ અનુસરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓ આ સુવિધા દ્વારા અસરકારક રીતે શીખી શકે છે.
- ICT સાધનો પ્રેરક તરીકે કાર્ય કરે છે અને બાળકોને શિક્ષણમાં વધારો કરવા પ્રોત્સાહિત કરે છે. બાળકો ટેકનોલોજીથી આકર્ષાય છે.
- અંતર અને આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના, ICT સાધનો બધાને સમાન રીતે અભ્યાસિક સામગ્રી પ્રદાન કરે છે.
- ICT નો ઉપયોગ અમલમાં આવતા કાગળનો ઉપયોગ ઓછા પ્રમાણમાં થવા લાગ્યો જેના પરિણામે તે વાતાવરણને સ્વચ્છ બનાવવામાં મદદરૂપ થાય છે.
- વિદ્યાર્થીઓ માટે સ્વતંત્ર શિક્ષણ પ્લેટફોર્મનું નિર્માણ શક્ય બન્યું છે.
- શિક્ષકો આકર્ષક, રસપ્રદ અને સારી રીતે ડિઝાઇન કરેલ વર્ગખંડ પ્રવૃત્તિઓ બનાવી શકે છે.
- ICT ના ઉપયોગ દ્વારા શિક્ષણની ગુણવત્તામાં ઘણો બધો સુધારો આવ્યો છે.
- ICT દ્વારા વિદ્યાર્થીઓના રેકોર્ડ સાચવવાની કામગીરી એકદમ સરળ બની ગયી છે.
- શિક્ષકો પોતાના વિષયને અનુરૂપ અવનવી પ્રવૃત્તિઓ, વધારાનું જ્ઞાન મેળવી વિદ્યાર્થીઓને અવનવું શીખવી શકે છે.
- ICT દ્વારા વિધાર્થીઓને સાંપ્રત પ્રવાહોથી માહિતગાર રાખી શકાય છે.
ICT ની મર્યાદાઓ :-
- આજના ઝડપી કમ્પ્યુટર યુગમાં ટેકનોલોજી સતત બદલાતી રહે છે, અને તેથી લોકોને તાલીમ આપવાની જરૂર છે. ઘણા શિક્ષકો ICT સાધનોથી પરિચિત ન હોવાથી, તેઓ અપગ્રેડ જ્ઞાન પ્રદાન કરી શકતા નથી જેના દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણમાં અવરોધ ઉત્પન્ન થાય છે.
- દરેક વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરતા નથી. ક્યારેક તેઓ વિકૃત ચલચિત્રો તરફ વળી જાય છે.
- ક્યારેક ભ્રામક અને ગેરમાર્ગે દોરતી માહિતી મળી શકે છે.
- સાયબર અટેક અને હેક થવાની સંભાવના રહે છે.
- ઈન્ટરનેટ અને કમ્પ્યુટર કે મોબાઈલ જેવા સાધનો વસાવવા પડે છે. જે ખર્ચાળ સાબિત થાય છે. જે મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
- વિવિધ આધુનિક ટેકનોલોજીકલ સાધનો વાપરવા માટે કુશળતા પ્રાપ્ત કરવી પડે છે.
- ઓનલાઇન અભ્યાસક્રમોનું સંચાલન કરવું મુશ્કેલ છે.
- ક્યારેક વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો દુરુપયોગ પણ કરવા લાગે છે.
- દરેક જગ્યાએ સુલભ નથી જેમ કે અમુક ગામડાઓમાં નેટવર્ક પ્રોબ્લેમ જોવા મળતા હોય છે. તો ક્યાંક વીજળીના પ્રોબ્લેમ જોવા મળે છે.
- શિક્ષકોને પણ ICT નો ઉપયોગ કરવા માટે તાલીમની જરૂર પડે છે.
- કમ્પ્યુટર્સ કલ્પનાને મર્યાદિત કરી શકે છે જેમ કે બાળક પોતાની રીતે વિચારવા સક્ષમ રહેતો નથી.
- આર્થિક રીતે બધાને પરવળે તેમ ન પણ હોય. શાળાઓમાં ICTનો ઉપયોગ કરવામાં મહત્વપૂર્ણ ખામી એ છે કે કમ્પ્યુટર, લેપટોપ, પ્રોજેક્ટર, સ્ક્રીન, ડિજિટલ બ્લેકબોર્ડ્સ અને તેથી વધુ, ઇલેક્ટ્રિક ઉપકરણો મોંઘા અને ખર્ચાળ છે.
- શિક્ષકો પણ તેમની પરંપરાગત પદ્ધતિઓ અને સિસ્ટમોમાં ફેરફાર કરવા માંગતા નથી. તેઓ જૂની સિસ્ટમ દ્વારા બંધાયેલા રહેવાનું પસંદ કરે છે. નોકરી ગુમાવવાનો ડર પણ છે, કારણ કે ટેકનોલોજી થી 10નુ કામ 1 થી થાય છે.
- ઓનલાઇન શિક્ષણ માટે ઇન્ટરનેટ પર સર્ફિંગ કરતા કમ્પ્યુટર પર વધુ સમય વિતાવવાથી સ્થૂળતા અને અનિચ્છનીય જીવનશૈલી તરફ દોરી શકે છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.