દુનિયા બદલાઈ રહી છે !

આજની આ પોસ્ટ માટે મુકેશભાઈ અંબાણી જવાબદાર છે. તેમણે પોતાની ઓઈલ-કેમિકલ્સ કંપનીનો ૨૦% હિસ્સો સાઉદી અરેબિયાની અરામ્કો કંપનીને વેચીને પોતાને “ખરા ગુજરાતી” સાબિત કર્યાં. મળનારા પૈસાથી કંપનીનું દેવું ભરપાઈ કરશે, એક ધંધામાંથી હળવા થઈ બીજા ધંધામાં વજનદાર બનશે. મને કોઈ દૂરંદેશીની વ્યાખ્યા પૂછે તો ફટ દઈને કહું- સમયની સાથે ચાલવું તે દૂરંદેશી છે. વર્લ્ડમાં બે પ્રકારના બિઝનસ છે- (૧) સનસેટ ઈન્ડસ્ટ્રીઝ અને (૨) સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝ. પેટ્રોલ-ડિઝલ ઉધોગ સનસેટ (ડૂબતો સૂરજ) છે અને ઈલેક્ટ્રીક વાહનોનો ઉધોગ સનરાઈઝ (ઉગતો સૂરજ) છે.

એક તો તમે જાણો છો કે, હવે પેટ્રોલ-ડિઝલના કૂવા ઓડ-ઉમરેઠ કૂવા બની ગયા છે. દરેક દેશ પેટ્રોલિયમ પદાર્થો પાછળ હૂંડિયામણ ખર્ચવા માંગતા નથી. જો રાજકીય ઈચ્છાશક્તિ મોળી નહીં પડે તો ૨૦૩૦ સુધીમાં ૫૦% થી વધુ વાહનો ઈલેકટ્રીક હશે ! એમ કહેવાય છે કે, દર ૫૦ વર્ષે એક એવી નવી શોધ આવે છે જે જગતના અર્થશાસ્ત્રમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ કરી નાંખે છે. આ પહેલાં કમ્પ્યૂટર અને ઈન્ટરનેટની શોધે દુનિયાને 360 ડિગ્રીનું ચક્કર ફરાવી દીધું હતું. હવે ઈલેક્ટ્રોનિક વાહનો, ઈ-કોમર્સ, આર્ટીફીસિયલ ઈન્ટેલિજન્સ અને ડિઝિટલ કરન્સી નામના “હીરોલોગ” પૂરપાટ આવી રહ્યાં છે.

એલોન મસ્ક અને ટેસ્લા કંપનીનું નામ ન સાંભળ્યું હોય તો કઈં નહીં. હવે યાદ રહેશે. હાલ બે સ્વપ્નદ્ર્ષ્ટાઓ પર દુનિયા આખીની નજર છે. (૧) એલોન મસ્ક અને (૨) જોફ બેબોઝ (એમેઝોનનો માલિક). એક સ્વપ્નદ્ર્ષ્ટા જગતને કેવું બદલી શકે છે તે આપણે બિલ ગેટ્સ અને સ્ટીવ જોબ્સના ઉદાહરણોમાં જોયુ છે. ટેસ્લા એક ઈલેકટ્રીક કાર કંપની છે. તે કાર એક વખતના ચાર્જિંગથી (૭૫ મિનિટ ચાર્જિંગ) ૩૫૦ થી ૪૫૦ કી.મી. ચાલે છે. ધૂમાડો અને ધ્વનિનું પ્રદૂષણ ઝીરો છે. ઈંધણના નામે કોઈ ખર્ચ નહીં. ૦ થી ૩ સેકન્ડમાં કાર ૯૫ કી.મી/કલાકની સ્પીડ પકડે છે. ટેસ્લાની દરેક ગાડીનો લૂક મર્સિડીઝ કે બી.એમ.ડબલ્યુથી કમ નથી. ગાડીનો ભાવ જરા વસમો છે. અત્યારે તો કોથમીર પણ ૨૦૦ રૂપિયે કિલો છે !!! મસ્કભાઈ સતત ગાડીના ભાવ ઘટાડી રહ્યાં છે એટલે જાન ભારતના આંગણે આવી સમજો. ટી.વી.એસ. અને રેનોટ જેવી કંપનીઓએ ઈલેકટ્રોનિક બાઈક બજારમાં મૂકીય દીધાં છે.

હવે વાત “લીબ્રા” નામની ડિઝીટલ કરન્સીની કરીએ. ફેસબુકની આ સ્વપ્ન કુંવરી બનીઠનીને તૈયાર છે. આમની જાડેરી જાન ૨૦૨૦ સુધીમાં આવી જશે. જે સફળ રહ્યું તો સમજી જજો, કેશલેસ દુનિયા તમે જીવતા-જીવ નિહાળીને જશો. નોર્વે, સ્વીડન, સ્વીટ્ઝર્લેન્ડ જેવા દેશોની નવી પેઢીએ ચલણી નોટો કેવી હોય તેનાથી અજાણ છે, જો કે ત્યાં ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ૧૦૦%ની આસપાસ છે. ત્યાં ૯૦% થી ૯૮% જેટલો આર્થિક વ્યવહાર કેશલેસ છે. હમણાં આપણે ત્યાં નિલેકણી સમિતિએ જે ભલામણો કરી છે, તેમાં જણાવ્યું કે, તમામ ડિઝીટલ પેમન્ટ પરથી સર્વ પ્રકારનો ચાર્જ હટાવી લો. એ.ટી.એમ.ની સંખ્યા જરા ભારતની વસ્તીને શોભે એવી રાખો !

મુકેશભાઈ ભારતને બિનસાંપ્રદાયિક બનાવી દેવાના મૂડમાં છે. દરેક જ્ઞાતિ- જિઓ, દરેક સ્થળે- જિઓ, દરેક ધર્મ- જિઓ, દરેક ઘરમાં-જિઓ, દરેક ઓફિસમાં- જિઓ, દરેક મોબાઈલમાં જિઓ, દરેક હોસ્પિટલમાં જિઓ..... મીઠાથી માંડીને મીઠાઈ સુધીની તમામ વસ્તુઓ જિઓ દ્વારા આવશે. મુકેશભાઈ જાણે કે સરકારને સમાંતર દેશને બદલવાનું નક્કી કરીને બેઠા હોય એમ લાગ્યું.

કદાચ જાણતા જ હશો- તમને ગમે ત્યાં “લાગે” તો હવે ઉબેર અને ઓલાની એવી ગાડી આવશે કે તેમાં તમારા માટે “હલકા” થવાની તમામ વ્યવસ્થા હશે !

સાભાર :- જે.કે.સાંઈ

Post a Comment

Previous Post Next Post