ફેસબુકમાં શ્રીમાન પોપટભાઈ ખુંટી દ્વારા આજના શિક્ષણ વિશે સરસ લેખ મુકવામાં આવેલ છે.
આજના સમયમાં શિક્ષણ એટલે શું?
બસ બે ચાર અંગ્રેજીના વાકયો ફાડે. બે ત્રણ ઈંગ્લીશની પોએમ બોલે! યાદ શકિત અને જ્ઞાન બે વચ્ચે ભેદ ખબર નથી રહયો. અરે ભલા જેમને અંગ્રેજીના બે વાકય નથી આવડતાં એ પદમશ્રી ભીખુદાનભાઈ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવાની છ જણાંની સમિતીમાં હતા. બારમા ધોરણના પરિણામના બીજા દિવસે આપણે છાપાં વાંચીએ જ છીએ. એક રીક્ષાવાળાનો છોકરો બોર્ડમાં ત્રીજો. ઘરકામ કરતી વિધવાનો દિકરો બોર્ડમાં બીજા ક્રમે ઉતિર્ણ, ડ્રાઈવરની દિકરી ટોપટેનમાં, ખેતી કામની સાથે સાથે ખેડુત પુત્રએ મેળવ્યુ બોર્ડમાં ચોથું સ્થાન, સામાન્યત: માતા-પિતાને બાળકના શિક્ષણ કરતા પોતાનું સ્ટેટસ અને પોતાના અધુરા સપના વધારે અગત્યના હોય છે.
અત્યારના મા-બાપ બાળકને એક પણ સંઘર્ષ કરવો પડે એ પરિસ્થિતિ સર્જાવા જ નથી દેતાં. જો સો શિક્ષિત અને સો અભણ મા-બાપનો સર્વે કરવામાં આવે તો અભણ મા-બાપના બાળકોની સફળતાનો રેસીયો ઉચો મળશે. કારણ શિક્ષિત માણસો બાળકને શું ભણવું શું ન ભણવું બાળકના બદલે પોતે નકકી કરે છે.
શિક્ષણએ જીવન જીવવાની કળા શીખવે છે. નહી કે ખાલી પૈસા કમાતાં! ખાલી પૈસાથી ચાલતું હોય તો સુશાંત રાજપુત વરસે એકસો સાઈઠ કરોડ કમાતો હતો. તમારુ બાળક બીજા બાળક કરતા બે માર્ક ઓછા આવતાં ડીપ્રેશનમાં આવે છે તો સમજો આપણે શિક્ષણ અપવામાં સરેઆમ નિષ્ફળ છીએ. શિક્ષણ સફળતાને પચાવતાં અને નિષ્ફળતાને સહન કરતાં શીખવે છે. એ ત્યારે જ શકય બનશે જયારે એક લાદીના કારખાનાવાળાના દિકરાના લંચબોક્ષમાંથી મજુરનો છોકરો પાસ્તા ખાતો હોય. મજુરના છોકરાની કોથળીમાંથી કારખાનાવાળાનો છોકરો બે ચાર રાવણાં ખાતો હોય. દરેક પરિસ્થિતિમાં કેમ ટકી રહેવું એ એક બીજા ભિન્નતા ધરાવતા વિદ્યાર્થી સાથે ભણતા હોય ત્યારે જ શીખવા મળે. નહી કે એક જ સરખી કેડરના વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાથી. ટકા આવવા જરુરી છે પણ બીજા બાળક સાથે હરીફાઈમાં ઉતારવાની જરુર નથી. નવ્વાણું ટકા લાવનારને મેમાન સાથે બેસી બે વાતો નથી આવડતી. દસ બારમાં નિષ્ફળ ગયેલા અને ડોકટર નથી બન્યાએ અત્યારે કલાસ વન ટુ અધિકારીઓ બની ગયા છે અને આ નવ્વાણું ટકા વાળાના દવાખાના પર રેઈડ પાડી શકે છે.
ચિંટીયો: અમેરીકામાં સાબુની કંપનીમાં સાબુ પેકીંગ દરમ્યાન સાબુ વગરના ખાલી ખોખા અલગ તારવવા દોઢ કરોડનું લેઝર મશીન બનાવ્યું. અમારા રઘાએ મંડપ સર્વીસનો જુનો પંખો લાવી રાખી દીધો ખાલી હતા એ ઉડી ગયાં.
લેખન :- પોપટભાઈ ખુંટી