મેં દીઠયું એક દિવ્ય કૃષિતીર્થ!: રાજકોટથી 50 કિલોમીટર દૂર વિનયગઢ ગામે આવેલું "સજીવન ઓર્ગેનિક ફાર્મ" ખરા અર્થમાં કૃષિનું મંદિર છે!
અહીં લગભગ 200 પ્રકારની દુર્લભ, અતિ દુર્લભ ઔષધિય વનસ્પતિઓનાં રોપ ઉછેરવામાં આવે છે, ઘર આંગણે ઔષધિ ગાર્ડન બનાવવા જરૂરી માર્ગદર્શન પણ મળી રહે છે
નીતુબેન પટેલનાં આ ફાર્મમાં જીવંતી, લેમનગ્રાસ, હાડજોડ, ગળો, ચણોઠી, બ્રાહ્મી, અશ્વગંધા, પથ્થરફોડી, મરી, ઇન્સ્યુલીન પ્લાન્ટ, કાળી હળદર... તમે માંગો એ દુર્લભ રોપ હાજર!
-કિન્નર આચાર્ય, લેખક-પત્રકાર
લસણ તો આપણે સૌએ જોયું છે, ખાધું છે... પણ શું કોઈએ અસ્સલ લસણની સુગંધ અને સ્વાદ ધરાવતી, જૈનો પણ ખાઈ શકે તેવી લસણવેલ નિહાળી છે? મેં જોઈ છે, ટેસ્ટ પણ કરી છે. આ એક વેલ છે, કંદ કે મૂળ નથી તેથી જૈનો અને સ્વામિનારાયણ પંથ પાળતા લોકો પણ તેનું સેવન કરી શકે છે. આવી જ રીતે તજવેલ, કપૂર વેલ, બાસમતી પ્લાન્ટ, એલચી પ્લાન્ટ, ગલાંગલ આદુ, બ્લેક હળદર તથા મસાલા પ્લાન્ટ વગેરે જેવી અત્યંત દુર્લભ વનસ્પતિઓ, ઓસડિયાં, ઔષધિઓ હમણાં હું સગી આંખે જોઈ ને આવ્યો. ક્યાં? રાજકોટનાં નીતુબેન પટેલની વિશાળ વાડીમાં. રાજકોટથી 50 કિલોમીટર દૂર સ્થિત છે તેમનું આ અદ્ભૂત ફાર્મ. રાજકોટથી વાંકાનેર તરફ જતા રસ્તામાં એક ફાંટો પડે, વિનયગઢ નામનાં ટચુકડા ગામે જવા માટે. આખો વિસ્તાર એકદમ સુંદર. જાણે કોઈ લેન્ડસ્કેપ હોય. વિનયગઢ વીંધી ને થોડાં આગળ વધીએ એટલે નીતુબેનનું આ ફાર્મ રોડની પડખે જ તમને દેખાય. 450 વીઘામાં પથરાયેલું આ ફાર્મ ખરા અર્થમાં કૃષિતીર્થ છે. શા માટે, એ તમને આગળ વાંચતા સમજાશે.
ફાર્મનું નામ: *સજીવન ઓર્ગેનિક ફાર્મ.* અહીં 200થી વધુ પ્રકારની ઔષધીનું વાવેતર કરવામાં આવ્યું છે અને એક સાવ અનોખી નર્સરી તૈયાર કરવામાં આવી છે. અહીં ખેડૂતોને ઔષધી વાવેતરની તાલીમ, સૂકવણી અને ક્વોલિટીની જાળવણી પ્રેક્ટિકલ શીખવવામાં આવે છે. આ ઔષધિ આયોજનમાં લુપ્ત થતી ઔષધિ, ખડ સ્વરૂપે ઉગતી ઔષધિ, આયુર્વેદમાં વપરાતી ઔષધિઓનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમનું આ ફાર્મ 100% usda સર્ટિફાઇડ ઓર્ગેનિક છે.
નીતુબેન પટેલ વિશે હું અગાઉ પણ લખી ગયો છું. પરંતુ ઓર્ગેનિક ખેતી ક્ષેત્રે તેઓ સતત સર્જનાત્મક પ્રયોગો કરતા રહે છે એટલે એમનાં નવા, નવતર પ્રયોગો વિશે હું લખતો રહું છું. મોરિંગા (સરગવો) પાવડર, ટેબ્લેટ, અને એલોવેરામાં તેમની માસ્ટરી છે અને એમાં તેમણે અનેક સફળ પ્રયોગો કર્યા છે. તેમણે કૃષિઋષિ સ્વ.શ્રી દિપકભાઈ સચદેને આ ક્ષેત્રમાં પોતાનાં ગુરુ માન્યા છે અને *સજીવન ઓર્ગેનિક ફાર્મ* પણ તેમની જ પ્રેરણા અને માર્ગદર્શનથી તૈયાર કરવામાં આવ્યું છે. અહીં નીતુબેન ઉપરાંત તેમની ટીમનાં જયંતીભાઈ પટેલ, ગઢવીભાઈ, પાર્થ પટેલ અને દર્શન ભાલારાએ જાણે ઔષધિઓનું સ્વર્ગ સર્જ્યું છે.
નીતુબેન પટેલે પણ સજીવ ખેતી ક્ષેત્રે યથાશક્તિ ક્રાન્તિ સર્જવાનો ભેખ લીધો છે. વિનયગઢનું આ ફાર્મ પણ તેમનાં અનુષ્ઠાનનો જ એક અંશ છે. આ ઔષધિ મ્યુઝીયમના વિષય મુજબ ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે:
*1) હર્બલ કિચન ગાર્ડન:*
120 રોપાનું લીસ્ટ જેમાં રસોડામાં વપરાતી 18 ઔષધિ તૈયાર કરવામાં આવી છે. જેમાં 1.જીવંતી, 2.લેમનગ્રાસ, 3. હાડ જોડ, 4. ગળો, 5.પારિજાત, 6.અરડૂસી, 7.ચણોઠી, 8.બ્રાહ્મી, 9.અશ્વગંધા, 10.પથ્થરફોડી, 11.એલોવેરા, 12.તુલસી, 13.લખનવી ફુદીનો, 14. મરી, 15.મીઠો લીમડો, 16.ઇન્સ્યુલીન પ્લાન્ટ, 17.આદુ, 18.હળદરનો સમાવેશ થાય છે.
*2) મચ્છર થી રક્ષણ મેળવવા ગાર્ડન*
1.સિટ્રોનેલા, 2.એલોવેરા, 3.તુલસી અને 4.ફુદીનો.ફ્રૂટ ગાર્ડન (મોટા કુંડા કે બેરલમા અમૃત માટીમાં ઉછેરેલાં રોપા) જેમાં 1.જામફળ, 2.સીતાફળ, 3.પાઈનેપલ, 4.ચીકુ, 5.સેતુર, 6.પપૈયા, 7.કેળા, 8.પેશન ફ્રૂટ, 9.ડ્રેગન ફ્રૂટ વગેરેનો સમાવેશ થાય છે.
કોઈને ઘેર જ ઓર્ગેનિક ફ્રૂટ ગાર્ડનનો કન્સેપ્ટ અમલમાં મૂકવો હોય તો પણ નીતુબેનની ટીમ એ ડિઝાઇન કરી આપે છે, એ માટે ઓર્ડર (મોબાઈલ નંબર: 72029 99399 ) મુજબ રોપા તૈયાર કરી આપે છે. સજીવન ઓર્ગેનિક ફાર્મ દ્વારા ઔષધિ વાવેતર, સૂકવણી, વેલ્યુ એડીશન અને બ્રાંડિંગ સુધીની સર્વિસિસ આપવામાં આવે છે. સ્વાસ્થ્યની જાળવણી માટે હવે આપણે રસોડામાં જ ઉપલબ્ધ ઔષધીનો વપરાશ વધારવો પડશે, આ બધી ઔષધીનો વપરાશ કઈ રીતે કરવો, કેવી રીતે રેસિપી બનાવવી, સલાડમાં ક્યાં હર્બ વપરાય, ચટણી કેવી રીતે બને અને આ ઉપરાંત રોટલીમાં, ભાખરીમાં, સબ્જીમાં કેવી રીતે પાન, પાઉડર, લીલા ઔષધ વપરાય, આ અંગેનું માર્ગદર્શન તથા માહિતી આપવામાં આવે છે, સાથે ઔષધની માહિતી નિષ્ણાંત ડોકટરો દ્વારા આપવામાં આવે છે અને શાકભાજીનું દેશી બિયારણ પણ તેઓ પૂરું પાડે છે.
મૂળ હેતુ તો વિસરાઈ ગયેલી અને આપણે જ ખતમ કરી નાંખેલી ઔષધિય વનસ્પતિઓને બચાવવાનો છે, પ્રકૃતિ સાથે આપણું જોડાણ ફરી સ્થાપિત કરવાનો છે. આવી વનસ્પતિ આપણને પ્રકૃતિ સાથે જોડતી કડીની ભૂમિકા ભજવતી. આખું ચક્ર હતું. ઠેર-ઠેર જીવંતીના છોડ ઘાસની જેમ ફૂટી નીકળતાં. જીવંતી એટલે આંખની બીમારી માટેની અક્સિર દવા. પથ્થરફોડી નામની વનસ્પતિ કિડની સ્ટોન ઓગાળી નાંખે છે, હાડજોડ નામની ઔષધિ થકી તૂટેલું હાડકું ઝડપભેર જોડાઈ જાય, ગળો અને અશ્વગંધાનું મહત્વ તો કોરોના કાળમાં બધાને સમજાઈ ગયું છે. આ બધું અગાઉ આપણે સીધું જ લેતા અથવા ગાયનાં દૂધ થકી આપણાં શરીરમાં પહોંચતું. ગાયો વન-વગડા, વિડી, ગૌચરમાં ફૂટી નીકળેલી આવી સેંકડો વનસ્પતિઓ ચરતી, એ ગુણ એનાં દૂધમાં આવતાં અને આપણે એ દૂધનું સેવન કરતા. ખાસ કોઈ દવાની જરૂર પડતી જ નહિ. હવે પ્રકૃતિ સાથેનું અનુસંધાન છિન્નભિન્ન છે. આવી ઔષધિઓ ઘર આંગણે વાવી ને આપણે ફરી એ જોડાણ સાધી શકીએ.
*સજીવન ઓર્ગેનિક ફાર્મ*
સંપર્કસૂત્ર: 72029 99399