Tuesday, August 10, 2021

ઈલેક્ટ્રોનિક ડ્રગ

જેનું ખૂન થવાનું હોય તેને તમે યેનકેન પ્રકારે કદાચ બચાવી શકો પણ જેણે આત્મહત્યા કરવાનું જ નક્કી કરી નાંખ્યું હોય તેને બચાવવો લગભગ અસંભવ છે. ક્યારેક આપણે દૂરનું જોઈએ શકતા નથી. શૈતાન આખરે તો શૈતાન જ છે, ચાહે એ જે રૂપમાં તમારી સમક્ષ પ્રગટ થાય ! મોં વાટે, નસ વાટે, સ્મોકિંગ સ્વરૂપે કે સૂંઘીને ડ્રગ્સ લઈ શકાય છે. જે સીધું જ લોહીમાં ભળીને “સુપર કીક” આપે છે ને વ્યસની મદહોશ બની જાય છે. 



આંખોથી મગજમાં પ્રવેશતાં ડ્રગ્સ એટલે મોબાઈલ દ્વારા ગેમિંગ, પોર્ન , જુગાર, સોશિયલ મીડિયા. એક વર્ષના શિશુથી માંડીને નેવું વર્ષના વૃદ્ધો સુધીનાં લોકો એના એડીકટ છે. મોબાઈલ એટલે “ઉપયોગી રાક્ષસ”. સાદો મોબાઈલ અને સ્માર્ટ ફોન વચ્ચે પ્રહલાદ અને હિરણ્યકશિપુ જેટલો તફાવત છે. આ વ્યસન કરોડો લોકોનાં અબજો કલાક સ્વાહા કરી જાય છે. પેલું ડ્રગ્સ શરીર અને પૈસાને બરબાદ કરે છે. આ ઈલેક્ટ્રોનિક ડ્રગ્સ શરીર, મગજ, પૈસો, સમય અને આત્મા સુદ્ધાને બરબાદ કરી નાંખે છે. 


શિક્ષણનાં નામે મોબાઈલ બાળકોનાં હાથમાં પહોંચી ગયો અને બાળકો શૈતાનના હાથમાં રમતાં થઈ ગયાં. કેટલાં માં-બાપોએ પોતાનાં દિકરા-દીકરીના મોબાઈલ ફોનમાં તેની હિસ્ટ્રી ચેક કરી ? કેટલાં માતા-પિતા છાતી ઠોકીને કહી શકે છે કે, અમારાં સંતાનો માત્ર એજ્યુકેશન માટે જ મોબાઈલ વાપરે છે ? શિક્ષણનાં ભોગે ચારિત્ર્ય નિર્માણ હોઈ શકે પણ ચારિત્ર્યનાં ભોગે શિક્ષણ કદાપિ ન હોવું જોઈએ. કેટલાંક વૃક્ષો સૌપ્રથમ ઊંડે સુધી જડ નાંખ્યા પછી વર્ષો બાદ ફળો આપે છે. ઈલેક્ટ્રોનિક ડ્રગ્સનાં ફળો બાળકો જ્યારે વયસ્ક થશે ત્યારે જોવા મળશે !!! 


મોબાઈલનું સામ્રાજ્ય કેટલું વિશાળ છે ? ૧૫ થી ૪૫ વર્ષનો ભારતીય પ્રતિ વર્ષ ૧૮૦૦ કલાક મોબાઈલ પર પસાર કરે છે. આ સમયગાળો વ્યવસ્થિત રીતે ગણો તો અઢી મહિના જેટલો થાય. એક વર્ષમાંથી અઢી મહિનાની ચોખ્ખી બરબાદી. દર ૧૦૦ માંથી વીસ ભારતીય સવારે ઉઠીને તરત જ મોબાઈલ હાથમાં લે છે. દર ૧૦૦ માંથી ૫૦ વીર ભારતીય ઊંઘમાંથી ઉઠયાની પંદર મીનીટમાં જ મોબાઈલ દર્શન કરે છે. દુનિયામાં જેટલાં માર્ગ અકસ્માતો થાય છે તેમાંથી ૨૧ % માર્ગ અકસ્માતો માટે મોબાઈલ મુજરિમ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ઈ.સ. ૨૦૧૮ માં “ગેમિંગ ડીસ ઓર્ડર” ને માનસિક રોગ જાહેર કરી દીધો છે !!!

 

સતત મોબાઈલ યુઝનાં કારણે બાળકોની મૌખિક અભિવ્યક્તિ કુંઠિત થવા લાગી છે. ડીઝીટલ આંસૂ અને ડીઝીટલ સ્માઈલીનાં આભાસી જગતમાં ચહેરા પરનાં હાવભાવ ગાયબ થવા લાગ્યા છે. સપાટ ચહેરાનાં બાળકો સામાન્ય થઈ ગયાં છે. મોબાઈલપ્રેમી- પ્રકૃતિ અને પરિવારથી વિખૂટા પડેલા સંતાનોનું ભવિષ્ય શું હશે ? જેવું ફૂડ હોય એવો ઓડકાર આવે જ આવે. કેવી પેઢી નિર્માણ થઈ રહી છે જે સોશિયલ મીડિયા પર કનેક્ટેડ છે પણ ફેમિલીથી ડીસ કનેક્ટેડ છે ! 


ક્યારેય એવું વિચાર્યું કે, રામે રાવણ સામે લડવા વાલી પાસે સહાય કેમ ન માંગી ? વાલી સુગ્રીવ કરતાં બળવાન હતો. ઓલરેડી, તેણે રાવણને એક વખત હરાવ્યો પણ હતો. કારણ જાણવા જેવું છે. જેણે પોતે રાવણ જેવો જ અપરાધ કર્યો હોય તેની પાસે મદદ કેવી રીતે માંગી શકાય ? (વાલીએ સગાં ભાઈ સુગ્રીવની પત્નીને કેદ કરી હતી) એકસમાન ગુનો કરનાર ક્યારેય એકબીજાનો વિરોધ ન કરે. અત્યારનાં વડીલો વાલી-રાવણની જોડી જેવાં છે. પોતે મોબાઈલ વાપરે છે, પોતાનાં સંતાનોને છૂટથી વાપરવા દે છે એ બીજાને શું સલાહ કે શિખામણ આપવાના !!! 


આશ્ચર્યની વાત એ છે કે આ “ઈલેક્ટ્રોનિક ડ્રગ” અને “ઈલેક્ટ્રોનિક અફીણ” આ શબ્દો ચાઈનાએ દુનિયાને આપ્યા છે. છેલ્લે એક વાત સાંભળી લેજો...ગુજરાતનાં અતિ વિખ્યાત બાળરોગ નિષ્ણાત અને કુશળ લેખક ડૉ. આઈ.કે.વિજળીવાળાએ હમણાં એક લેખ લખ્યો હતો- “ ઓનલાઈન એજયુકેશનના ફાયદા-ગેરફાયદા – ૩ થી ૧૮ વર્ષનાં બાળકોમાં” એમાં પહેલી જ લીટીમાં લખ્યું હતું- 


“ફાયદા:- મારી દૃષ્ટિએ એકપણ નહી (કોલેજો માટે ઉપયોગી)”


થોડામાં ઝાઝું સમજજો.....

લેખન :- જે.કે.સાંઈ