માસ્તર તું શું હતો અને શું થઈ ગયો ! (શિક્ષક દિન વિશેષ)
પહેલાં હું શુદ્ધ-પ્યોર માસ્તર હતો. વર્ષ ૨૦૦૬માં મોબાઈલની પ્રગતિ પછી મારી અધોગતિ શરૂ થઈ. જે હજુ અવિરત ચાલુ છે. આજે હું માસ્તર નથી. હું એક રોબોટ છું. મારી પાસે મગજની જગ્યાએ સોફ્ટવેર છે. મારું હૃદય દિનપ્રતિદિન સંકોચાઈ રહ્યું છે. હું એટલા બધાં ઓનલાઈન કામોમાં ગૂંચવાઈ ગયો છું કે, બાળકો કરતાં વધુ ધ્યાન મોબાઈલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન પર હોય છે. માસ્તર તું શું હતો અને શું થઈ ગયો !
જ્યારે ગૌણ કામ મુખ્ય કામનું સ્થાન લઈ લે ત્યારે શિક્ષણ અકાળે અવસાન પામે છે. અમારો વ્યવસાય કેવો નિરાળો હતો. નાના-નાના બાળકો વચ્ચે જિંદગી પસાર થતી હતી. બાળકોને અમે અમારી વિશિષ્ટ અને વર્ષોના અનુભવે નિપજાવેલી પદ્ધતિએ ભણાવતા હતા ! હવે “મોટાં સાહેબો” ના વિશિષ્ટ આદેશો મુજબ ભણાવી દઈએ છીએ. માસ્તર તું શું હતો અને શું થઈ ગયો !
પૈસા કે સતાની લાલચ કરતાં ડેટાની લાલચ બૂરી છે. ડેટાએ દાટ વાળી દીધો છે. અમે મલમની આશાએ અમારાં ઘા ઉઘાડા કર્યા. મલમ ન મળ્યો પણ ઘા વધારે વકર્યો. ઓનલાઈનથી હાજરી વધી, ઓનલાઈનથી શિક્ષકો નિયમિત આવતાં થયા !!! મુખ્ય મુદ્દો જણાવો – ઓનલાઈનથી શિક્ષણ સુધર્યું ? જેણે ઘાણીનો બળદ જોયો હોય તેને ખયાલ હશે કે, તે બળદ આખો દિવસ ચાલ-ચાલ કરે પણ અંતે ઠેરનો ઠેર ! કઈક આવી જ દશા અમારાં માસ્તરોની છે. માસ્તર તું શું હતો અને શું થઈ ગયો !
આખા રાજ્યનાં તમામ ડીપાર્ટમેન્ટનાં અમે સસ્તા અને પોચા શ્રમિકો ! કુલ સોથી પણ વધારે કામગીરીઓ અમે શ્રમિકો બજાવીએ છીએ. જ્યારે અમારાં જ ડિપાર્ટમેન્ટના “મોટાં સાહેબો” સ્કૂલની વિઝીટ કરે ત્યારે ચોક્કસ કહે, ”તમે કરો છો શું ?” રોબોટ શું કરે ? આખું વર્ષ ઓનલાઈન કામગીરીઓ અને અન્ય વિભાગના કામો, ટેલિકોન્ફરન્સો કર્યા બાદ ગુણોત્સવમાં કે ઈન્સ્પેક્શનમાં “શિક્ષણ” જોવામાં આવે ! આ ગુણોત્સવમાં ક્યાંય “ઉત્સવ” દેખાય છે ? માસ્તર તું શું હતો અને શું થઈ ગયો !
ભાગવત ગીતાની સ્ટાઈલથી કહીએ તો – હું જ પટાવાળો છું, હું જ ક્લાર્ક છું, હું જ મધ્યાહન ભોજનનો નાયબ મામલતદાર છું, હું જ એસ.એસ.સી.બોર્ડનો વર્ગ સુપરવાઈઝર છું, હું જ માળી છું, હું જ કમ્પ્યૂટર ઓપરેટર છું, હું જ પ્લમ્બર છું, હું જ કડીયો છું, હું જ કોરોના વોરિયર છું, હું જ ચૂંટણીનો પોલિંગ ઓફિસર છું, હું જ બી.એલ.ઓ. છું.. બસ, હું જ એક સમયનો પ્રતિભાશાળી શિક્ષક, આજે “બિચારો” છું. માસ્તર તું શું હતો અને શું થઈ ગયો !
એક ઈચ્છા છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શિક્ષકનું નામ નોંધાવું છે. માસ્તરોમાં એવી કઈ અલગ વિશિષ્ટતા છે કે, એ બુકમાં એમનું નામ આવે ? આખરે એ બાબત જડી આવી. દુનિયામાં ગુજરાતનાં માસ્તરોના સૌથી વધારે સાહેબો છે ! એક સમયે અમારા એક શિક્ષકે મગધમાં જાહેરમાં ત્યાંનાં રાજાને પડકાર ફેંક્યો હતો. આજે એના વંશજો પેશાબ લાગ્યો હોય પણ જો ઉપરથી વિડીયો કોલ આવવાનો હોય તો બે કલાક પેશાબ રોકી રાખે છે ! અમે વર્ગમાં એક બાળક લેશન ન લાવ્યો હોય તો આખા વર્ગને એ લેશન પાંચ-પાંચ વાર કરવા આપતા નથી ! એકની ભૂલની સજા અનેકને ન હોય !
એક જમાનો હતો જ્યારે માસ્તર બાળકોને પાઠ શીખવે અને સાથે સાથે ગવડાવે-
ઈન્સાફ કી ડગર પે બચ્ચો દિખાઓ ચલકે,
યે દેશ હૈ તુમ્હારા, નેતા તુમ્હી હો કલ કે....
એકમ કસોટીના ઘોડાપૂરમાં “મૂલ્યલક્ષી શિક્ષણ” અરબસાગર ભેગું થઈ ગયું છે. અત્યારે માસ્તરોને પોતાની શક્તિઓનું વિસ્મરણ થઈ ગયું છે. એક જાગતી કીડી, એક સૂતેલા હાથી કરતાં વધારે શક્તિશાળી હોય છે. શાનમાં સમજી જાઓ. કસોટી બાળકોની નથી, કસોટી શિક્ષકોની પણ નથી, સાચી રીતે જુઓ તો કસોટી “એજ્યુકેશન સિસ્ટમ”ની છે, જેનું રિઝલ્ટ વર્ષો બાદ મળશે ! આજના પવિત્ર દિવસે તેજીને ટકોરો જેવી વાત કહું ? વર્ગમાં અને શાળામાં જે સાચું છે એ જ બતાવો. ચહેરા પરથી ખોવાયેલું નૂર પરત આવી જશે અને ઊંઘ પણ સારી આવશે !
જે આખા સમાજનાં બાળકોને સુખી કરવા પ્રયત્ન કરે છે, આજે એના બાળકોનું ભવિષ્ય અંધકારમય છે. ઝોન કક્ષાની તૈયારીઓ આરંભી દેજો. ફરી યાદ કરાવું છું - એક જાગતી કીડી, એક સૂતેલા હાથી કરતાં વધારે શક્તિશાળી હોય છે.
સાભાર :- જે.કે.સાંઈ...