એક રાત્રે અચાનક જ પરસેવો વળવા લાગ્યો અને નિંદરમાં ખલેલ પહોંચતા હું ઊંઘમાંથી જાગી ગયો. જેવી આંખો ખોલી કે રૂમમાં રહેલો પંખો અને ટી.વી. સહીત આખો રૂમ 360 ડિગ્રીએ ગોળ ગોળ ચકડોળની જેમ ફરવા લાગ્યો. મને જબરદસ્ત ચક્કર આવી રહ્યા હતા. જેના કારણે મને ઊલટી પણ થઈ. સારું થયું કે મે મારી ધર્મપત્નીને તરત ઉઠાડી અને ડોલ મંગાવી લીધી હતી નહિતર ઊલટી થવાના કારણે પથારી પણ બગડી ગઈ હોત.
તરત મારા પપ્પાને ઉઠાડયા કે જેઓ મેડિકલ સારવારના જાણકાર છે. પોતે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર નું લાયસન્સ ધરાવે છે. એમને મે મારી તકલીફ જણાવી તો એમણે મને કહ્યું કે તને ‘વર્ટીગો’ થઈ ગયું લાગે છે. મે તો પહેલી વખત આ નામ સાંભળ્યું હતું. મને કહે તું હમણાં બે દિવસ પહેલા પરિક્રમામાં સવારે પાંચ વાગ્યે ગયો હતો ત્યાં ઠંડો પવન તારા કાનમાં ગયો હોવો જોઈએ. જેને કારણે અંદરના કાનની નળીમાં ક્યાંક તને સોજો આવી ગયો હશે. આથી કાનની નળીઓમાં વહેતું લિક્વિડ કે જેના કારણે આપણે શરીરનું બેલેન્સ જાળવી શકીએ છીએ એ સરળતાથી નળીમાં વહી શકતું નહીં હોય અને આથી તને ચક્કર આવે છે. અત્યારે જે બાજુ તને ચક્કર આવે નહીં અને આરામ જેવુ જણાય એ તરફ માથું રાખીને સૂઈ જા. સવાર પડતાં જ દવા લઈ આવીશ એ ખાઈ લેજે. લગભગ ડૉક્ટરને બતાવવાની જરૂર નહીં પડે. બે દિવસમાં સારું થઈ જશે.
▪️હું એમની સૂચના મુજબ જમણી તરફ માથું રાખીને પડખું ફરીને સૂઈ ગયો. મને ઓશીકું થોડું જાડાઈ વાળું લેવાની પણ સૂચના આપેલ. સવારે ઉઠ્યો ત્યાં દવા આવી ગઈ હતી. દવા ખાવાને કારણે બપોર સુધીમાં મને થોડું સારું લાગવા માંડ્યું. પરંતુ મારી જાતે ઊભો થઈ શકતો ન હતો અને માથાની સ્થિતિ ફેરવું એટલે માથું ફરે એવી કઈક મારી હાલત થઈ હતી. બ્રશ પણ માંડ માંડ કર્યું. પરંતુ એટલી ખબર પડી ગઈ હતી કે મારુ માથું જમણી તરફ 45 ડિગ્રીના ખૂણે રાખવાથી મને ચક્કર આવતા ન હતા. આથી દૈનિક ક્રિયાઓ તમામ આ રીતે એ દિવસે પૂર્ણ કરી અને આખો દિવસ આરામ કર્યો.
▪️બીજા દિવસે પહેલા દિવસ કરતાં પણ સારું હતું. આ ‘વર્ટીગો’ શું છે એ જાણવાની વધુ ઈચ્છા થઈ આવતા મોબાઇલમાં યુ-ટ્યુબ શરૂ કરીને ફટાફટ થોડા વિડીયો જોઈ ગયો. વિડીયો જોયા બાદ થોડી ગભરાહટ પણ થઈ. કારણકે વિડિયોમાં મને જાણવા મળ્યું કે બ્રેઇનમાં જો કઈ તકલીફ હોય જેવી કે ગાંઠ બનતી હોય કે ક્લોટ જમવાની શરૂઆત હોય કે પછી સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસની શરૂઆત હોય તો પણ આ પ્રકારે ચક્કર આવી શકે. મને જાણવા મળ્યું કે આવી તકલીફ ઊભી થાય ત્યારે સૌથી પહેલા એમ. ડી. ડૉક્ટરને બતાવવું જોઈએ અને એમની સલાહ મુજબ ઇ.એન.ટી. અથવા ન્યૂરોફીઝીશિયનને બતાવવું જોઈએ. કેટલાક રિપોર્ટસ અને લક્ષણોના આધારે ડૉક્ટર નક્કી કરશે કે ખરેખર ચક્કર આવવાનું કારણ કાન છે કે બ્રેઇન.
▪️મારા વિસ્તારના પ્રખ્યાત એમ્.ડી. ડૉક્ટર અને મારા મિત્ર પીનાંક મેર સાહેબને મે બતાવ્યું તો એમણે કેટલાક ટેસ્ટ કરીને મને જણાવ્યું કે નોર્મલ લક્ષણો છે એટલે ડૉક્ટર સાહેબના કહેવા અનુસાર મને મારા પપ્પાએ બે દિવસ પહેલા કરેલું નિદાન સાચું લાગ્યું. કેટલીક દવાઓ આપી અને કહ્યું કે કોર્સ પૂરો કરજો અને છત્તા સારું ન થાય તો ફરીથી આવજો. બે દીવસમાં જ ઘણો ફેર દેખાયો. મને થયું કે હું સાજો થઈ ગયો છું. ભૂલ એ કરી ગયો કે શનિ અને રવિમાં સિઝન બોલમાં ક્રિકેટની એક 20-20 ટુર્નામેંટ રમવા ગયો અને બે દિવસમાં 3 મેચ રમ્યો. મેદાનમાં પવન ખૂબ હતો. કાનમાં રુ ભરાવ્યું હતું પરંતુ છત્તા સોમવારે સવારે માથું એકદમ ભારે ભારે લાગી રહ્યું હતું. શરીર આગળ જાય અને મગજ પછી આવે એવું અનુભવાઈ રહ્યું હતું. ઊભા ઊભા ગમે ત્યારે પડી જવાય એવું લાગતું હતું. હોસ્પિટલ સુધી પહોંચી નહીં શકાય એવું લાગી રહ્યું હતું. આથી બપોરે થોડું સારું થતાં ફરીથી ડૉ. પીનાંક મેર સાહેબ પાસે મારા પપ્પા અને મારા મિત્ર બીપીનભાઈ મને લઈ ગયા. હાથ પકડીને મને લઈ જવો પડ્યો એટલી હદે બેલેન્સ બગડી ગયું હતું.
▪️ડૉક્ટર સાહેબે તરત કહ્યું કે આપણે ડૉ.પ્રતિક પબાણી, ન્યૂરોફીઝીશિયનને અત્યારે જ બતાવી દઈએ. કારણકે આટલા દિવસ ચક્કર ચાલે એ કઈક અજુગતું લાગે છે. હકીકતે મે એમનાથી આ ક્રિકેટ મેચ રમવા ગયો હતો એ વાળી વાત છુપાવેલ. તેમણે તરત પબાણી સાહેબને ફોન કરીને મારી વિગતો આપી અને મને ત્યાં લઈ જવામાં આવ્યો. લગભગ અડધી કલાકે મારો વારો આવ્યો. સાહેબે સૌથી પહેલા શાંતિથી આખી હિસ્ટ્રી સાંભળી અને પછી કેટલીક કસરતો કરાવીને મને શું અનુભવાઈ છે એ બાબતે કેટલાક ટેસ્ટ કર્યા. મને કહ્યું કે ચિંતા કરવા જેવુ કશું હાલ જણાતું નથી પરંતુ મનના સમાધાન મને એમ.આર.આઈ. કરાવી લઈએ.
▪️અહીથી અમે એમ.આર.આઈ. કરાવવા મારા ખાસ મિત્ર ડૉ.જલ્પન રૂપાપરા સાહેબના ઇમેજિંગ સેન્ટર ખાતે પહોંચ્યા. ખૂબ ટ્રાફિક હતો. મારા જ મિત્રનું ક્લિનિક હતું એટલે મે કહ્યું કે મારા કરતાં અન્ય દર્દીઓ વધારે તકલીફમાં જણાય છે તો પહેલા એમનો વારો લઈ લ્યો. મને રાત્રે સેન્ટર બંધ કરવા ટાઈમે ફોન કરજો એટલે હું આવી જઈશ. રાત્રે સાડા નવ વાગે સૌથી છેલ્લે મારો એમ.આર.આઈ. કરવામાં આવે છે. નસીબજોગે રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે. ડૉ. પબાણી સાહેબ મને કહે છે કે તમને અંદરના કાનમાં જ તકલીફ છે. જેને ‘પોઝીશનલ વર્ટીગો’ કહે છે. શરીરની પોઝીશન ફરવાથી ચક્કર આવે છે. ત્રણ દવાઓ દિવસમાં બે વખત સવાર અને સાંજ લેવાની લખી આપે છે. ડોકી ફેરવવાની કેટલીક કસરત શીખવે છે અને રમવાની તથા વાહન ચલાવવાની સખત મનાઈ કરવાની સાથે પવન લાગવો જોઈએ નહીં એવું પણ ભારપૂર્વક જણાવી અઠવાડિયા પછી પણ જો તકલીફ જણાય તો બતાવવા આવવાનું કહે છે.
▪️આ લેખમાં મારી આખી કથા જણાવી વાંચકમિત્રોને એટલું જણાવવા માંગુ છું કે નાનકડી પણ તકલીફ હોય તો પણ તરત સારા નામાંકિત ડૉક્ટરને તરત બતાવો, એમની સલાહ પ્રમાણે ચાલો. જરૂર જણાય તો સેકન્ડ ઓપીનિયન પણ લઈ શકાય. સ્વાભાવિક છે કે વિવિધ ટેસ્ટ કરાવવાનો ખર્ચ ખૂબ વધારે થાય છે. ઘણી વખત આપણને એવું લાગે પણ ખરું કે ડૉક્ટરને કમિશન મળતું હશે એટલે એ બિનજરૂરી ટેસ્ટ કરાવતા હશે. પરંતુ આપણું શરીર એક મશીન જ છે એ યાદ રાખજો મિત્રો. ડૉક્ટર પણ લક્ષણો ચેક કરીને અને ટેસ્ટના પરિણામો આધારે ઈલાજ કરતાં હોય છે. ગંભીર બીમારીના લક્ષણો જણાય તો ભલે પૈસા ખર્ચ થાય પણ જરૂરી બધા જ ટેસ્ટ કરવી જ લેવા જોઈએ. મનનું સમાધાન અને માનસિક શાંતિ મેળવવા જ મે એમ.આર.આઈ. કરાવેલ. કારણકે જો બ્રેઇનમાં તકલીફ હોય તો હું ક્રિકેટ રમી શકું નહીં. મને સામે ઉભેલ વ્યક્તિ બબ્બે દેખાય. શરીરનું સંતુલન રહે નહિ. શરીરમાં તાકાત જતી રહે અને અશક્તિ વર્તાય. અવાજ થોથવાય. હું વસ્તુઓ ઉપાડી શકું નહીં. વ્યવસ્થિત અવાજ સાંભળી શકું નહીં. પરંતુ આવું કશું મારી સાથે થતું ન હતું છત્તા મે ડોક્ટર્સની સલાહ લઈને બધા ટેસ્ટ કરાવી લીધા.
▪️હાલ મને ખૂબ સારું છે. વર્ટીગોની તકલીફ બી.પી. માં મોટા પ્રમાણમાં વધ-ઘટ થવાથી, કાનમાં ઇન્ફેકશન થવાથી, બ્રેઇનની નસ દબાવાથી, એકદમ ઠંડો પવન કાનમાં સતત લાગવાથી વગેરે કારણોથી થઈ શકે છે. કોઈને પણ ‘વર્ટીગો’ પ્રકારની તકલીફ જણાય તો સૌથી પહેલા તો એકલા ક્યાંય જવું નહીં. તમને કઈ પોઝીશનમાં ચક્કર નથી આવતા એ નક્કી કરીને એ જ પોઝીશનમાં રહેવું. ડોકી ફેરવવાની અને શરીરની મુવમેન્ટની કેટલીક કસરતો જે તમને યુ-ટ્યુબ પર જોવા મળશે એ હળવેકથી કરવી. ‘વર્ટીગો’ ના પ્રકારો, લક્ષણો અને ઈલાજ વગેરે બાબતે વધુ જાણકારી મેળવવા કોઈ જાણકાર ડૉક્ટરનો સંપર્ક કરી શકાય. પરંતુ જો કોઈને ‘વર્ટીગો’ જેવુ જણાય તો ગભરાવું નહીં અને તરત એમ.ડી. ડોક્ટરની સલાહ લઈને દવા લેવી તથા આગળ વધવું જોઈએ.
સાભાર :-
ન્યૂઝપેપર : અમરેલી એક્સ્પ્રેસ
કોલમ : ‘જાગતે રહો’
કોલમિસ્ટ. : ડો.ચિંતન વૈષ્ણવ
લેખ તારીખ : 08-01-2023.
શબ્દો : 1108.
#vertigo #vertigotreatment
#ચકકર #માંથુંફરવું #Dizziness