આપણે સૂર્યની પૂજા કેમ કરીએ છીએ ? તેની પાસે ગરમી અને પ્રકાશ છે એટલા માટે કે તે આપણને ગરમી અને પ્રકાશ આપે છે એટલા માટે ??? આ કડીમાં તમે આગળ નદી, વૃક્ષો,ગાય વગેરે ઉમેરી શકો છો. સૂર્યની પાસે જે કઈ છે તે ઉદાર હાથે વહેંચે છે એટલે તે પૂજનીય અને વંદનીય છે. દાન શબ્દ યોગ્ય છે એના કરતાં "વહેંચવું" શબ્દ વધારે યોગ્ય છે. જે પોતાની પાસે કઈક છે અને વહેંચે છે તે આદરણીય છે.
ખેતરમાં મૂળા અને ગાજર થાય છે. ખેડૂત તેમને પૂછે છે ,"તમારી પાસે કાઈ છે ?" જવાબમાં ગાજર-મૂળાનાં પાંદડાં હવામાં ડોલે છે અને કહે છે,"અમારી પાસે કશું જ નથી." ખેડૂત જાણ છે કે, તેણે ઘણું સંઘરી રાખ્યું છે. ખેડૂત એક જ ઝાટકે ગાજર-મૂળાને મૂળસોતાં ઉખેડી નાંખે છે. ભગવાન અને ખેડૂતમાં કોઈ ફેર નથી. વહેંચો અથવા સર્વનાશ માટે તૈયાર રહો.
એક શેઠ ક્યારેય કોઈને કશું આપવામાં માનતા ન હતાં. "આપો" શબ્દ સાંભળતાં જ એમનો કંજૂશ આત્મા કકળી ઊઠતો. આ શેઠ એકવાર ક્યાક ઉઘરાણીએથી રાત્રે પાછાં ફરતાં હતાં. એક પાળી વગરનાં કૂવામાં પડ્યા. માંડમાંડ એક વેલ પકડીને કૂવામાં પડતાં બચી ગયા. સવારે એ ગામના લોકો એમને બચાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બધા કહે , "શેઠ ! તમારો હાથ "આપો" અમે તમને ખેંચી લઈએ. પણ શેઠ હાથ ન આપે. ત્યાથી તેમના ગામનો એક માણસ નીકળ્યો તે આ શેઠને સારી રીતે ઓળખતો હતો. તેણે વાક્ય રચનામાં ફેરફાર કરી કહ્યું," શેઠ ! લો મારો હાથ ...." શેઠ બચી ગયા. આ છે સમાજના ગાજર-મૂળા.
આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, ઘરે કોઈ પ્રસંગ હોય અને ગોયણીઓ જમાડવાની હોય તો તે જ ઘરની સ્ત્રીઓને ગોયણી ન બનાવવી. કેમ આવું ? કારણ- એ જ ઘરની ગોયણીઓ હોય તો જમ્યા પછી એ જ સ્ત્રીઓ ઘરકામ કરે એટલે તમે એને જમાડી અને બદલામાં ઘરકામ કરાવ્યું એમ ગણાય. તમને પૂણ્ય ન મળે. અરે ! એ તો છોડો ગૌગ્રાસની રોટલી અને કૂતરાની રોટલી પણ બહારની ગાય કે કૂતરાને ખવડાવવાનું પ્રાવધાન છે. મતલબ સરળ છે જેની પાસેથી તમને કોઈ લાભ મળે એમ હોય તેને કઈક આપો એ દાન ન કહેવાય !!! ક્યારેક આપણે કોઈ ગરીબ ભિખારીને જોઈને તેને એક વાટકો ચોખા કે એક કેળું આપીને આપણાં મનને શાંતિ આપીએ છીએ. સચકા સામના કરવા તૈયારી રાખો. મનની શાંતી કે સ્વર્ગની પ્રાપ્તિને દાન સાથે કોઈ સંબંધ જ નથી. કોઈને વાસી ખાવાનું આપવું એ તો હરગીઝ દાન નથી તે તો કલમ 302ની નજીકની પ્રવૃતિ છે.
એક આરસપહાણના મંદિર બહાર એક ભાઈએ ભગવાનને રાજી કરવા અઢીસો રૂપિયાનો આખા-ખીલેલા ગુલાબનો હાર લીધો. તે સમયે એક આઠ-નવ વર્ષનો ગરીબ ચીંથરેહાલ બાળક તેમની પાસે આવ્યો. તેણે પેલા ભાઈને આજીજી કરી," સાહેબ, બે દિવસથી કાઈ ખાધું નથી. મારે પૈસા નથી જોઈતા. મને કઈક ખવડાવો." પેલા હારવાળા ભાઈએ એ બાળકને જોરથી ધક્કો માર્યો. બાળક જમીન પર પડી ગયો.
તે જ વખતે એક બીજા ભાઈ ત્યાં આવ્યાં. તેમણે આ બાળકને ઉઠાવી લીધો. તેમણે એ બાળકને પાંચ રૂપિયાની ચા અને પાંચ રૂપિયાનું એક પેકેટ બિસ્કીટ ખવડાવ્યા. એ નિર્દોષ બાળકે ખાધા પછી ...પેલા બંને ભાઈઓ સામે જોયું. જે ભાઈએ એને જમાડયો તેમની સામે ટગર ટગર જોઈ રહ્યો. પછી એક વર્લ્ડ ક્લાસ સ્માઈલ આપીને જતો રહ્યો.
"તેરા સાઁઈ 250 મેં ન હંસા...
મેરાં સાઁઈ 10 મેં હંસ દિયા..."
જેમ હિન્દુ ધર્મમાં મીરાંબાઈ અને ગંગાસતી છે એમ ઈસ્લામ ધર્મમાં સંત રાબિયા છે. સંત રાબિયાના જીવનના ઘણાં બધાં પ્રસંગો એવા છે જે તમારા-મારા પથ પ્રદર્શક બને એમ છે. રાબિયા ગામથી થોડે દૂર ઝૂંપડી બનાવીને રહેતાં હતાં. એક દિવસ તેમના દ્વારે બે સંતો આવ્યાં. રાબિયા પાસે બે રોટલાં થાય એટલો લોટ હતો. તાત્કાલિક મહેમાનો માટે બે રોટલાં ઘડી નાંખ્યા.
બંને સંતોને જમવા બેસાડયા, રોટલા પીરસી દીધા. હજુ સંતોએ રોટલાની કોર ભાંગી નથી ત્યાં ઝૂંપડીએ એક ગરીબ ભૂખ્યો વ્યક્તિ આવીને ઊભો રહ્યો. તેણે કાકલૂદી કરી," હું ઘણાં દિવસથી ભૂખ્યો છું. મારા પેટમાં કેટલો મોટો ખાડો પડી ગયો છે. તમે સૌ તો સશક્ત છો. મને રોટલો આપો." રાબીયાએ પેલા સંતોની થાળીમાંથી બે રોટલાં લઈ પેલા ગરીબને આપી દીધા. સંતોને થયું કે, હવે આપણે કેવી રીતે જમીશું ? રાબિયા કહે,"ચિંતા ન કરશો, મને ધર્મના ગણિત પર વિશ્વાસ છે."
પાંચ-દસ મિનિટ થઈ હશે ત્યાં તો એક નાનકડી દીકરી રોટલાં લઈને આવી. એક થપ્પી રોટલાં હતાં. સંતોની આંખોમાં ચમક આવી. રાબીયાએ રોટલાં ગણ્યા અને કહ્યું," દીકરી, આ રોટલાં પાછાં લઈ જા. જેણે મોકલ્યા છે તેને કહેજે કે રોટલા ધરમના ગણિત મુજબ નથી." સંતો નિરાશ થઈ ગયાં. તેમણે કહ્યું,"રાબિયા, આવેલાં રોટલાં પાછાં મોકલ્યા ?" રાબિયા કાઈ ન બોલી. થોડીવારમાં પેલી દીકરી ફરીથી રોટલાં લઈને હાજર થઈ. રાબીયાએ રોટલાં ગણ્યા. અને હસી. દીકરી કહે," મારી અમ્માએ બે રોટલાં રાખી મૂક્યા હતા. તે પણ આપી દીધા. મારી અમ્માએ વીસ રોટલાની મન્નત માની હતી. પણ પહેલી વખત અઢાર રોટલાં મોકલ્યા હતાં. હવે પૂરા વીસ છે."
સંતોની પ્રશ્નસૂચક દ્રષ્ટિ રાબિયા સમજી ગઈ. તેણે સમજાવ્યું," અલ્લા દરેક દાનના દસ ગણા કરીને તમને આપે છે. બસ, તમને તેની પર વિશ્વાસ હોવો જોઈએ. આપણે પેલા ભિખારીને બે રોટલાં આપ્યા તો ધર્મના ગણિત મુજબ આપણને વીસ રોટલાં મળવા જોઈએ. પણ અઢાર રોટલાં મળ્યા. જે પાછાં મોકલ્યા. ફરી વીસ રોટલાં આવ્યાં. જે બરાબર હતાં એટલે આપણે તે સ્વીકારી લીધા." ધર્મ ગમે તે હોય બાકી લખી લો, ધર્મનું ગણિત પાકકું છે. તે તમને દસ ગણાથી ઓછું નહી જ આપે.
જીવન ભવ્ય નહી દિવ્ય હોવું જોઈએ. અમેરીકામાં એક દંપતિ રહેતું હતું. તે એક વિશાળ યુનિવર્સિટીની ઓફિસે પહોંચ્યાં. ત્યાનાં વહીવટકર્તાને જણાવ્યુ કે તેઓ પોતાનાં એકના એક પુત્રની યાદમાં યુનિવર્સિટીને દાન આપવા માંગે છે. દંપતિનો પહેરવેશ અને એકંદર છાપ જોઈ વહીવટકર્તાએ કહ્યું," આપ આ યુનિવર્સિટીને શું દાન આપી શકશો ? પ્લીઝ...આપ કોઈ નાનાં ચર્ચને દાન આપો. કદાચ આપ નહી જાણતા હોય કે આ યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ દસ મિલિયન ડોલર છે. આ યુનિવર્સિટી બનાવવા પાછળ કરોડો ડોલર ખર્ચાયા છે. માફ કરજો, પણ આપના નાના-નાના દાન માટે અમે અમારો સમય વેડફવા માંગતા નથી." પતિ-પત્નીએ એકબીજાની સામે જોયું અને ત્યાંથી નીકળી ગયાં.
આ અબજોપતિ કપલે ટાઈફોઈડમાં માત્ર પંદર વર્ષની ઉમરે અવસાન પામેલા એકના એક પુત્રની યાદમાં આખી એક નવી યુનિવર્સિટી નિર્માણ કરી. લાખો ડોલર પાણીની જેમ વાપર્યા. વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટી બનાવવાનું નક્કી કર્યું. આજે 1891 માં નિર્માણ પામેલી આ યુનિવર્સિટી એક ઉત્તમ દાનના ઉદાહરણ તરીકે ઊભી છે. આ યુનિવર્સિટીનાં 83 સ્ટુડન્ટો નોબલ પ્રાઈઝ વિનર છે. દર વર્ષે જાહેર થતી વિશ્વની બેસ્ટ 10 યુનિવર્સિટીઓમાં અચૂક તેનું સ્થાન હોય છે.
પોતાનાં વ્હાલસોયા દીકરા સ્ટેન્ડ્ફોર્ડની યાદમાં એ યુનિવર્સિટી "સ્ટેન્ડ્ફોર્ડ યુનિવર્સિટી" તરીકે આજે પણ અડીખમ ઊભી છે. અમેરિકન શિક્ષણશાસ્ત્રીઓ કહે છે કે, અમારા દેશની આ ટોપ થ્રી યુનિવર્સિટીઓ બંધ કરી દો તો અમેરિકા કશું જ નથી." શિક્ષણક્ષેત્રે કરેલું દાન શું પરીણામ લાવી શકે છે એ માટે "સ્ટેન્ડ્ફોર્ડ યુનિવર્સિટી" પ્રોપર એકઝામ્પલ છે.
સાભાર :- જે.કે.સાંઈ (લેખન)