નિશાળે જતાં પહેલાં બે ચોટલા ગુંથી રહેલ માને પાંચમું ભણતી વસુધાએ પુછ્યું..
"મા, વાલ્મીકી ઋષીના આશ્રમમાં સીતાજીએ લવ કુશ બે પુત્રોને બદલે પુત્રીઓને જનમ આપ્યો હોત તો ઉત્તર રામાયણનું સ્વરૂપ કેવું હોત ?"
પીઠમાં હળવો ધબ્બો મારતાં માએ કહ્યું..
મુઇ તને થતા અમુક પ્રશ્નોના ઉત્તર મારે શું આપવા ?
ગામડામાં પશુપાલન કરીને પિતાજીને સાથ આપતી માતાને વસુધા પુછતી..
"મા આ ભેંસનું પેટ કેમ આટલું મોટું છે ?"
કેમ કે એ બે જીવ વાળી છે એના પેટમાં નાનકડી પાડી છે.
"પાડી જ છે એવું તું કેમ કહે છે ? આ પહેલાં તો બે વાર પાડા જનમેલા.."
મુઇ ચુપ થા, દાદી સાંભળી જશે તો.."
કેમ કે વસુ નહોતી જાણતી પણ મા જાણતી હતી કે..
બે વાર ઉપરા ઉપર પાડા જનમ્યા પછી એ ભેંસનો વેલો આગળ વધારવા પાડી જનમે એ માટે દાદીએ ભુવા પાસે દાણા ય જોવડાવેલ અને માતાજીને ઘીના પાંચ દિવડાની માનતા પણ કરેલ..
નાનકડી વસુ વિચારતી રહેતી કે દાદી આવું કેમ કરતાં હશે ?
ભેંસ પાસે પાડીની અને મા પાસે દિકરાની આશા કેમ રાખતાં હશે ?
હું જનમી પછી નાની બેન જનમી એનો હરખ દાદીને જરા ય નહી. કૂળનો વંશ વેલો વધારવા પૌત્ર જનમે એ માટે દાદીએ દાણા ય જોવડાવેલ અને કૂળદેવીને ચાંદીનું છત્ર ચડાવવાની માનતા ય કરેલ. બે બહેનો ઉપર ભૈલો આવ્યો એનો હરખ પોતાને ય ઘણો હતો, પિતાની પ્રસન્નતા ય ઓળખાય જતી.
માને હૈયે હરખ ઉપરાંત જાણે કે આ પરીવાર અને વિશેષ તો દાદીની માગણીનું ઋણ ઉતાર્યાની કસૌટી પાર કર્યાની નિરાંત હતી..
ભૈલો જનમ્યો એટલે થોડા જ સમયમાં દાદીએ માનતાના ચાર લોટે રાંદલ તેડેલા અને ગીતો ગવાયેલાં..
લીંપ્યુને ગુંપ્યું માડી મારૂં આંગણું..
પગલીનો પાડનાર દયો ને રાંદલ માં..
વાંઝીયાં મેણા રે માડી દોહ્યલાં..
ધોયોને ધફોયો માડી મારો સાડલો..
ખોળાનો ખુંદનાર દયો ને રાંદલ માં..
વાંઝીયાં મેણા રે માડી દોહ્યલાં..
વસુ વિચારતી કે બે બે દિકરીઓ એ આંગણાંમાં પગલીઓ પાડી, ખોળાઓ ખુંદયા તો ય મા વાંઝણી કેમ કહેવાય ? એ ય વળી સ્ત્રી ઉઠીને દાદી પોતે એવું માને ? અને દાદી અને મા ખોળો કોની સામે પાથરે છે ? રાંદલ મા સામે જ .. દિકરા માટે રાંદલમાના પતિ સુરજ દાદા સામે કેમ નહી ?
દાદી પહેલેથી જ આવું વિચારતાં હશે કે સમય જતાં વિચારવા લાગ્યાં હશે ?
સમય જતાં મા પણ આવું વિચારવા લાગશે ?
વસુધાના વિચારોને બ્રેક લાગી.
પાંચ વાગે નિશાળેથી છુટીને આવીને જોયું તો ભેંસને કુખે પાડી જનમેલી.
આ ઘરમાં પ્રથમ વાર કોઇ માદાના જનમ ને કારણે આટલી ખુશી જોઇ.
વસુને સાંભરી આવ્યું,
જયારે ભેંસને પ્રથમ વેતર પાડો જનમેલો ત્યારે દાદી પાડાને ખાસ ધવડાવવા ન દેતાં.
છાસ પીવડાવતાં, દાદી કહેતાં ભેંસને હેવાય ન કરાય આમે ય પાડા જાજું જીવે નહી અને હેવાય થયેલી ભેંસ પછી પાડા વિના દોહવા ન દયે.. થોડા દિવસમાં પાડો મરી ગયેલ. ભેંસ રીંક્યા કરતી. નીરણ પણ ખાસ ન ખાતી..
થોડાક સમય માં ફરી ગાભણી થૈ..
પાછો ય પાડો જ અવતર્યો..
દાદી તો ધુંઆફુંવા..
આ પાડો જીવી ગયેલ..
ત્રણેક મહિનાનો થયો ત્યાં એક માણસ આવેલ જેને જોઇને ભેંસ ડોળા કાઢીને છીંકોટા નાખતી હતી. એ માણસ પાડાને લઇ ગયેલ અને બદલામાં ૭૦૦ રૂપિયા આપેલ. જે જાણે કે ચીપીયા થી વિંછી પકડતા હોય એમ દાદીએ એક ચીથરૂં આડું રાખીને હાથનો સ્પર્શ ન થાય એમ લીધેલ.. સાંજે વસુને કહેલ કે
જો ગોખલામાં પડ્યા એ રૂપિયા તારા છે લઇ લેજે..
વાળુના ભાણા પર બેસેલ પિતાજીએ પ્રથમ વાર જરાક ઉંચા અવાજે કહેલું..
"નહી... મા નહી ! ઇ ખાટકીના રૂપિયા મારી વસુને નથી આપવા માડી.."
પિતા દ્વારા પ્રથમ વાર ઉંચા અવાજે બોલાયેલ વેણનું કારણ વસુને નહોતું સમજાયું પણ... એ ઉંચા અવાજે બોલાયેલ વેણ થી માની મુંગી આંખોમાં સંતોષ અને પ્રસન્નતા જોવા મળેલી.
વસુએ જોયું..
અગાવના બે વેતરની સરખામણીએ આ વખતે ભેંસની ચારા નિરણની દેખરેખ સારી થતી હતી.
પાડીને ય ધાવવા મળતું હતું..
દાદી કહેતાં.. આ ભેંસનો વેલો દુધાળવો છે..
આ ઘરમાં પ્રથમ વાર કોઇ માદાના જનમ ને કારણે દાદીના ચહેરા પર આટલી ખુશી જોઇ.
વસુધાને એક નવી સાથીદાર મળ્યાનો આનંદ થયો.
એ રોજ નિશાળે થી આવીને પાડીને હાથ ફેરવતી, થોડી નિરણ નાખતી.
ત્રીજા વેતરમાં ભેંસ દૂધનું બોઘરણું ભરી દેતી..
રોજ રાતે વાળુ માં દાદી વસુ ને અને નાની બેનને પાવળું પાવળું દુધ આપતાં અને ભૈલાને અડધું ભાણું ભરી આપતાં.
ભૈલો ન પીવે તો ય ધરાર પીવડાવતાં.
એક દિવસ નિશાળે થી આવીને વસુએ જોયું. ગામના ડોકટર ઘરે હતા. કહેતા હતા દિકરો ભલે લાડકો હોય એને પચે એટલું જ દૂધ આપો વધુ પડતું ન આપો દિકરીઓને પણ આપો..
દાદીનો ઉતર "ઇ તો ઉભે ગળે ખાયહ પીયહ.."
વસુને એક દિવસ ભણવામાં આવ્યું કે નર અને માદા બંનેમાં ૨૩ જોડ રંગસુત્ર હોય ૨૨ જોડ એક સરખાં જ. ૨૩ મી જોડમાં માદાના બંને રંગ સુત્ર એક સમાન એટલે કે XX હોય અને નરના બંને ભિન્ન ભિન્ન એટલે કે XY હોય.. તો નવા જીવને માતા તરફથી દરેક સ્થિતિમાં X રંગસુત્ર જ મળે અને પિતા તરફથી X અથવા Y
એ હિસાબે તો જીવની નર કે માદા સ્થિતિ માટે X નહી પણ Y રંગસુત્ર જવાબદાર છે એટલે કે માતા નહી પણ પિતા જ જવાબદાર ગણાય. વસુને જાણ હતી કે દાદી સ્ત્રી હોવા છતાં ય આ વાત નહીં સમજે કે સ્વીકારે..
સમય વીતતો ગયો.
નાનકડી પાડી હવે ખડેલી બનતી જતી હતી. દાદી કહેતાં ત્રીજું વરહ હાલે તો ય હજુ ગરમીમાં કાં ન આવે ?
વસુધા ય આઠમું પાસ થઈને નવમા ધોરણમાં આવી. એક દિવસ શાળાએથી વહેલી આવી. ચૌદ વર્ષની વસુધા પિરિયડમાં થયેલ.
દાદી બોલેલાં હે રામ ! આજકાલ આટલી ઉંમરમાં જ દીકરીઓ અભડાવા લાગી.
દાદીને ૩ વર્ષની પાડી મટીને ખડેલી બનેલ ના રજોદર્શનની ઉતાવળ હતી પણ ચૌદ વર્ષની વસુનું રજોદર્શન વહેલું લાગતું હતું.
દાદી કબૂતરોની અઘાર (ચરક) ભેગી કરીને ખાણ સાથે ખડેલીને ખવડાવતાં જેથી વહેલી ગરમીમાં આવે.
નિશાળમાં એક નવાં શિક્ષિકા દ્રષ્ટી બહેન આવેલ જે જીવ વિજ્ઞાન ભણાવતાં.
એટલું સરસ સમજાવતાં કે વસુ તલ્લીન થઇ જતી.
દ્રષ્ટી બહેન કહેતાં..
અનાજના કણને કોઠી માં રાખો કે સોના ચાંદીની તિજોરીમાં તો ય એમાં વધારો ન થાય પણ જો એ કણને જમીનમાં વાવવામાં આવે તો એકના અનેક કણ મળે . એકમાં થી અનેક ઉપજાવવાની ક્ષમતા કણમાં છે પણ જમીન એટલે કે ખેતર વિના એકનાં અનેક ન મળે.
ખેતર એટલે કે ક્ષેત્ર જ બીજને પેટમાં સંઘરી ને ઋતુઓ સામે બીજને અડીખમ રાખીને નવાં નવાં બીજ આપે છે એટલે જ તો ધરતીને માતા કહી છે.
ચોમાસું નજીક હતું વસુએ જોયું મગફળી ફોલીને બિયારણ કઢાતું હતું. જે વરસાદ થયે જમીનમાં વવાશે અને દિવાળીએ એક બીજનાં અનેક બીજ ખેડૂતને મળશે.
આજ વસુને વાચા ફુટી..
દાદી જો ખેતર જ ન હોય તો ખેડૂત બિયારણ ક્યાં વાવે ?
કેમ એવું પુછે ?
જો જણનારી દિકરીઓ જ નહી હોય તો દિકરાઓ જણીને આપશે કોણ ?
વાલા મુઇ... જો તો પૈંડે મુઠી જેવડી છે ને હાથ એકનો જીભડો..
આ સોડીયુંને જાજું ભણાવાય જ નૈ...
એક દિવસ પશુ ડોક્ટર આવેલ.
કોણી સુધી મોજું પહેરીને ખડેલીની ગુદામાં હાથ નાખી છાણ કાઢ્યું અને એક ઇન્જેક્શન વડે ખડેલીને બીજદાન કર્યું.
પશુ ડોક્ટર કહી રહેલ, અસ્સલ જાતવાન જાફરાબાદી વંશનું બીજ દાન કરેલ છે. પારૂ બહુ મોટું આવશે જોજો.
માતા એ દબાતા સુરે કહેલું સાય્બ પણ અમારી ખડેલી એટલી જોરાવર કે કાઠાડી નથી વળી પહેલા જ વેતરમાં છે, વિયાણમાં કોઇ જોખમ તો નહીં થાય ને ?
ના ના હું છું ને !
એવી હૈયા ધારણ પશુ ડોક્ટર આપીને ગયા.
સમય વિતતો ગયો.
વસુધાને એક આદત નિશાળેથી આવતાં ની સાથે જ ખડેલી બાંધેલ હોય ત્યાં જાય.
જતાં ની સાથે જ મા ને બુમ પાડી.
ખડેલીને પ્રસવ ઉપડેલ નાનકડા પારૂના બે પગ ગોઠણ સુધી બહાર લબડતા હતા. એ પગનું કદ જોતાં અંદરનું પારૂ કેવું વિશાળ હશે એનું અનુમાન થઇ શકતું હતું. ખડેલી બળ કરી કરી ને થાકી ગઇ હોય એમ હાંફતી હતી. પારૂ બહાર નહોતું આવતું.
પશુ ડોક્ટર ને ફોન કર્યો તો તે કવરેજ બહાર હતા. પડોશમાં થી લાખા આતા આવ્યા, એક શણનો કોથળો લીધો, પારૂના બે ય પગ પકડીને ખેંચવા લાગ્યા. થાકેલી હારેલી ખડેલી જીભ બહાર કાઢવા લાગી.
લાખા આતા ય પરસેવે રેબઝેબ.
મહા મહેનતે પારૂ બહાર આવ્યું.
જે વિશાળકાય હતું..
થાકેલી હારેલી ખડેલી ઘડીભર બધું ભુલીને જીભ થી પારૂને ચાટવા લાગી.
પછી...
દાદી ક્યે લાખા જો તો ખરો પાડી જણી કે પાડો ?
વસુ બોલી..
દાદી પાડી જણી હોય કે પાડો પણ એને પોતાના પ્રાણ નીચોવીને દૂધ પીવડાવનારીના પૈંડમાં હવે પ્રાણ નથી રહ્યાં..
છેલ્લો ઉચ્છવાસ છોડીને ગઇ..
સાભાર :-
આંનદ સાગર (fb પોસ્ટ)