ઓનલાઈન શિક્ષણ મંચ :: અર્થ, પરિચય, ઉપયોગ
આજનો યુગ એટલે કમ્પયૂટર અને ઈન્ટરનેટનો યુગ. માહિતી વિસ્ફોટના આ યુગમાં ૨૦મી અને ૨૧મી સદીની ક્રાંતિકારી શોધોમાંની એક શોધ એટલે કમ્પયૂટર. આજે કમ્પયૂટરે શિક્ષણ, વ્યવસ્થાપન, ઉદ્યોગ, બેંકીંગ, વાહન-વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન, સંરક્ષણ તથા તમામ સરકારી કામકાજમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. એક સમયે ઘરે ટી.વી.નું ચલણ હતું તેમ આજે ઘરે ઘરે કમ્પયૂટર, લેપટોપ, નોટબૂક, પી. સી.નું ચલણ થઈ ગયું છે. કમ્પયૂટરને વધુ વ્યવહારુ અને વધુ ઉપયોગીતાવાદી બનાવ્યું હોય તો તે ઈન્ટરનેટની શોધે. ઈન્ટરનેટની શોધ થતાં આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વના લોકો અને માહિતી ઓનલાઈન થઈ ગઈ છે. વિશ્વના લોકો એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે.
વર્તમાન કોવિડ-૧૯ મહામારીએ ઓનલાઇન શિક્ષણ અને હોમસ્કૂલિંગને પહેલા કરતા વધુ આવશ્યક અને ઉપયોગી બનાવ્યું છે. તેણે થોડા મહિનામાં જ પાંચ-સાત વર્ષ સુધીમાં ઓનલાઇન શિક્ષણ અપનાવવાની પ્રક્રિયા ઝડપી આગળ ધપાવી છે.
આ લોકડાઉન દરમિયાન લોકો ખૂબ શીખ્યા. Youtube ના વિડીયો જોયા; નવું શીખવા મળ્યું, ઘણી બધી કુશળતા ઇન્ટરનેટ થકી અર્જિત કરી. કોલેજ અને યુનિવર્સિટીઓએ તો છેલ્લા પાંચ વર્ષમાં ન કર્યા હોય એટલા ઓનલાઈન સેમિનાર કર્યા. જેને કારણે સમગ્ર શિક્ષણ જગતની જ્યોત આ અંધકારમય વાતાવરણમાં પણ પ્રજ્વલિત રહી હતી. શિક્ષકો ખૂબ અપડેટ થયા ઇન્ટરનેટ અને ટેક્નોલોજીથી માહિતગાર થયા અને એનો ઉપયોગ કરવા કટિબદ્ધ થયા. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સ્કૂલ, કોલેજો શરૂ નહીં થતાં શિક્ષણ કેવી રીતે આપવું એ મોટો પ્રશ્ન હતો. આવા કપરા સંજોગોમાં ઘણી બધી સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ, કોલેજો, યુનિવર્સિટીઓ વિચાર્યું કે હવે આપણે ઓનલાઇન શિક્ષણ આપવું પડશે. Zoom, Google meet, Google classroom જેવી ઘણી બધી એપ્સની મદદથી તથા Facebook, Youtube વગેરેના માધ્યમથી શિક્ષકો, સ્કૂલ અને કોલેજોએ ઓનલાઈન શિક્ષણનો આરંભ કર્યો અને મહિનાઓ સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. ઇન્ટરનેટ ન હોત તો બાળકો શિક્ષણથી વંચિત રહી જાત. ઇન્ટરનેટને કારણે આ શક્ય બન્યું. તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટને કારણે જ NEET, UGC NET, JEE જેવી પરીક્ષાઓ હવે ઓનલાઇન લેવાય છે. ઓનલાઇન એક્ઝામનો કોન્સેપ્ટ પણ ઇન્ટરનેટને જ આભારી છે.
વિવિધ ઓનલાઈન શિક્ષણ મંચનો પરિચય :-
ભારતમાં શાળા કોલેજ સહિત તમામ શિક્ષણ સંસ્થાઓ પોતાનું શૈક્ષણિક કાર્ય સત્ર ઓનલાઈન શિક્ષણ દ્વારા પૂરું કરવાનો પ્રયાસ કરાયો. પ્રાથમિક અને માધ્યમિક વર્ગો ઓનલાઇન ચલાવવા માટે ઝૂમ જેવા વિવાદાસ્પદ લેબ પ્લેટફોર્મનો સહારો લેવાયો. ક્યાંક ગૂગલ, તો ક્યાંક સ્કાઇપ દ્વારા અભ્યાસ કરાવાયો. ક્યાંક યૂ-ટયૂબ પર ઓનલાઇન સામગ્રી તૈયાર કરાઈ, તો ક્યાંક લેક્ચર અને વર્ગખંડ શિક્ષણના વીડિયો તૈયાર કરીને ઓનલાઇન પોસ્ટ કરાયા અને વોટ્સએપના માધ્યમથી વિદ્યાર્થીઓને ગ્રૂપમાં મોકલવામાં આવ્યા.
ઓનલાઇન લર્નિંગ હેઠળ વર્ચ્યુઅલ વર્ગો અને વીડિયો- ઓડિયો સામગ્રી, રજૂઆત, અભ્યાસક્રમ અને ટયૂટોરિયલ તો છે જ. વેબિનાર, માર્ક ટેસ્ટ, વીડિયો અને કાઉન્સલિંગ વગેરેની પ્રવૃત્તિઓ પણ ઓનલાઇન સંચાલિત કરાય છે.
ભારત સરકારના કેન્દ્રિય શિક્ષા મંત્રાલયે ઓનલાઈન શિક્ષણ માટે એકથી વધુ ઈ-લર્નિંગ પ્લેટફોમ તૈયાર કર્યો છે. દા.ત.
(1) દીક્ષા : આ પ્લેટફોર્મમાં સીબીએસઈ, એનસીઈઆરટી અને રાજ્ય / યૂટી દ્વારા ધોરણ 1થી 12 સુધીના વિવિધ ભાષાઓનાં 80000થી વધુ ઈ-પુસ્તકો છે. જેને જે વાંચવા હોય તેની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે.
(2) ઈ-પાઠશાળા : આ વેબ પોર્ટલમા એનસીઈઆરટીએ વર્ગ 1થી 12 સુધીનાં વિવિધ ભાષાઓમાં 1886 ઓડિયો, 2000 વીડિયોઝ અને 696 ઈ-બૂક મુકયા છે.
(3) સ્વયંમ : આ એક રાષ્ટ્રીય ઓનલાઈન શિક્ષણ મંચ છે. જેમાં ધો.11-12 અને અન્ડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયોમાં 1900 અભ્યાસક્રમો છે અને
(4) નેશનલ રિપોઝિટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ : આ નામક પોર્ટલમાં કુલ 14527 ફાઈલો છે. જેમાં વિવિધ ભાષાઓમાં ઓડિયો, વીડિયો, દસ્તાવેજો, ફોટોગ્રાફસ, ઈન્ટરેક્ટિવ સામેલ છે.
જ્યારે પણ પરંપરાગત અને વ્યક્તિગત શિક્ષણ વ્યવસ્થા દ્વારા શિક્ષણ પૂરું પાડવું શક્ય ન હોય ત્યારે ગુણવત્તાયુક્ત શિક્ષણના વૈકલ્પિક રીત તરીકે તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે તથા તાજેતરમાં ઉદ્દભવેલ રોગચાળા અને મહામારી જેવી આપતીને ધ્યાનમાં રાખીને ઑનલાઇન શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સર્વસમાવેશી ભલામણો કરવામાં આવી છે. બંને શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની ઇ–શિક્ષણની જરૂરિયાતોનો ખ્યાલ રાખવા માટે કેન્દ્રના શિક્ષા મંત્રાલયમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ, ડિજિટલ સામગ્રી અને ક્ષમતા નિર્માણની વ્યવસ્થા ઊભી કરવાના હેતુસર એક સમર્પિત એકમનું સર્જન કરવામાં આવેલ છે.. જે વિવિધ ઓનલાઈન શિક્ષણ મંચ તરીકે ઓળખાય છે.
ભવિષ્યમાં શિક્ષણ પ્રક્રિયામાં ટેકનોલોજી મોટી ભૂમિકા ભજવશે. ઘરે ઘરે બાળકોને ભણાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ડિજિટલ સામગ્રી અને સાધનોની મદદથી, માતાપિતા હવે હોમસ્કૂલિંગને વાસ્તવિકતા બનાવવા માટે સક્ક્ષમ થયા છે.
રસપ્રદ વાત એ છે કે તે માતાપિતા અથવા વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષકો પણ આ પરિવર્તન તરફ દોરી રહ્યા છે જે રોગચાળા પહેલાના સમયમાં, પરંપરાગત રીતે શિક્ષકો ક્યારેય ઓનલાઇન શીખવતા નહીં.હવે, તેઓ ઓનલાઇન શિક્ષણના મોડમાં ગયા છે અને તેનાથી થતા ફાયદા શોધી કાઢ્યા છે અને આ પદ્ધતિએ શિક્ષણને વધુ ટકાઉ બનાવ્યું છે.
લર્નિંગ એ એક પ્રક્રિયા છે જેમાં સામગ્રી, વિતરણ અને સમજ શામેલ છે. તેથી, સમર્પિત સમય સ્લોટમાં વિદ્યાર્થીને માર્ગદર્શન, પ્રેરણા અને સલાહ આપી શકે તેવા માર્ગદર્શકની પણ જરૂર છે.
ટુંકમાં કહુું તો આ જીમમાં વર્કઆઉટ કરવા જેવું જ છે – ઉપકરણો આવશ્યક છે પરંતુ વજન ઘટાડવા માટે એક સમર્પિત શેડ્યૂલ અને પ્રેરણાદાયક ટ્રેનર મહત્વપૂર્ણ છે. જે ડિજિટલ ક્રાંતિ દ્વારા શક્ય બની શકે છે. આવનારું ભવિષ્ય ડિજિટલ વર્ગખંડોમાં જોવા મળે તો નવાઈ નહિ..
વિવિધ ઓનલાઈન શિક્ષણ મંચ વિશે સંપૂર્ણ માહિતી
એટલે આપ પ્રશ્નોના ઉત્તર આસાનીથી લખી શકશો.
વિડીઓની લિંક પર ક્લિક કરો.
👇👇👇👇👇
https://youtu.be/QYOenDNopvM