Saturday, July 15, 2023

મોડપર ગઢ (ઇતિહાસનું એક અજાણ્યું પાનું)




જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે, પરંતુ આ કિલ્લો પણ કાંઇ કમ નથી. ભલે વિસ્તારની દ્રષ્ટીએ બહુ નાનો હોય, પરંતુ મોડપરના કિલ્લામાં રાખવામાં આવેલ સુવિધાઓ તથા તેની ગોઠવણી જોવા લાયક છે. 

મોડપરના કિલ્લામાં પ્રવેશતાની સાથે જ તમારી આંખો સામે તેનો વિશાળ દરવાજો નજરે ચડે. તેનું લાકડાનું વિશાળ બારણું. કેટલું મજબુત.  

અંદર નાનુ મેદાન છે. જ્યાં ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે રીતે કુસ્તી જેવા કાર્યક્રમો રખાતા હતા, એવું લાગે. અંદર કોઠાર, પાણીનો હોજ, જેલ, તબેલો, અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા. રાણીના અલગ ઓરડા, રસોડું વિગેરે વિગેરે… એક જગ્યા તો એવી હતી કેં જ્યાં તમે ઉભા રહો, તમને એમ જ લાગે કે જાણે ACની હવા પણ ઓછી પડે. અહીં સોનાના ચરૂઓની માન્યતા પણ છે. અહીં મેં બે થી ત્રણ પોઇન્ટ એવા જોયા કે જ્યાં ઘડો ફીટ થઇ શકે તેવી જગ્યા દીવાલમાં હતી. અને દીવાલ તુટેલી. એનો મતલબ એ કે શું અહીં દીવાલની અંદર આવા ઘડા સંતાડીને રખાતા?  ત્યારબાદ અંડરગ્રાઉન્ડ પાણીની નહેર પણ જોઇ. ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી છે, કે ચોમાસા દરમિયાન બધુ પાણી એક જગ્યાએ હોજમાં એકઠું થઇ શકે. દીવામાં રાખેલ નાની નાની જગ્યાઓ કે જેમાંથી બંદુક વડે દુશ્મનો પર ફાયરીંગ કરી શકાય. 
અહીં કિલ્લાની અંદર એક મૂર્તી પથ્થર છે. જ્યાં કેટલીક જાતીના લોકો દ્વારા દર વર્ષે મીઠું – નમક ચડાવવામાં આવે છે. મને એ વાત જાણીને અત્યંત નવાઇ લાગી. કારણ કે કોઇ શ્રીફળ વધારે, કોઇ વળી બીજી કોઇ પ્રસાદી, પરંતુ અહીં તો નમક…! જેવી જેની શ્રદ્ધા…




ઇતિહાસ


પોરબંદરના જાણીતા ઈતિહાસવિદ લેખક નરોત્તમભાઈ પલાણે કિલ્લાના ઈતિહાસ અંગે એવું જણાવ્યું હતું કે, ઈ.સ. 1800 ના પ્રારંભે એટલે કે 350 વર્ષ પહેલા આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ભાણવડના ગરાસીયા મોડજી જાડેજાએ આ કિલ્લો બનાવ્યો હતો.  પોરબંદરના રાણાની સરહદ જ્યાંથી શરૂ થાય છે તેની તદન નજીક મોડજી જાડેજાએ આ કિલ્લાે તૈયાર કર્યો હતો.  જેનું મહત્વ પણ અનેરૂં હતું. આ કિલ્લામાં કલાત્મક કોતરણીવાળી વિવિધ જગ્યાઆે આવેલી છે. સંપૂર્ણ ભારતીય સ્થાપત્ય મુજબનો આ કલાત્મક કિલ્લાે વિવિધ જગ્યાઆે ધરાવે છે. જેમાં શસ્ત્રાગાર, કોઠારરૂમ, દુશ્મનો ઉપર હુમલો કરવા માટે ફાયરીગની જગ્યા, કાળકોટડી, જુદા-જુદા બેરેક, કેદીઆેને પૂરવા માટેના અલગ-અલગ રૂમ, ભોજન બનાવવા માટે રસોડા, જાહેરમાં માર્ગદર્શન આપવા માટે અટારી અને મેદાન ઉપર બેઠક, પીવાના પાણીના સંગ્રહ માટે પાતાળા કૂવા જેવી અનેકવિધ સુવિધાઆે અહીયા મોડજી જાડેજાએ તૈયાર કરાવી હતી.


ગઢવાળા મોડપર તરીકે આેળખાતા મોડપર ગામ સામેના આ ઐતિહાસિક કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહી પરંતુ સીમાડાની રક્ષા માટે કરવામાં આવતો હતો. તેમ જણાવીને ઈતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે ઉમેર્યું હતું કે જામસાહેબ અને રાણાસાહેબના જામનગર અને પોરબંદરની સરહદ વચ્ચે સીમાડાની રક્ષા માટે આ કિલ્લાનો ઉપયોગ જામનગર સ્ટેટ દ્વારા થતો હતો.  પોરબંદરના મહારાણાએ આશીયાપાટનો કિલ્લાે બનાવ્યો હતો. આથી તેની સામે મોડજીએ જામનગરની રક્ષા માટે બન્ને સરહદ વચ્ચે રખેવાળી કરવા આ મોડપરનો કિલ્લાે બનાવ્યો હોવાનું પણ ઇતિહાસમાં જાણવા મળે છે.



શિલ્પ સ્થાપત્ય અંગેના મહાન ગ્રંથ ‘રાજવંભ’ માં પણ આ કિલ્લાનો ઉલ્લેખ છે, તેમ જણાવીને નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે આ કિલ્લામાં અનેક છુપા રસ્તાઆે પણ આવેલા છે. જેનો મુખ્ય દરવાજો રસ્તાની સામેની બાજુએ બનાવવાને બદલે પાછળની બાજુએ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં સુધી ઉપર ચડવા માટે અશ્વસવાર સૈનિકો પહાેંચી શકે તે માટે રસ્તો પણ હતો પરંતુ આજુબાજુમાં અનેક જગ્યાએ દબાણ થઇ જતાં હાલ એ રસ્તો નામશેષ થઇ ગયો છે અને કેડીએ કેડીએ ચાલીને ડુંગર ઉપર કીલ્લા સુધી પહાેંચવું પડે છે.

મોડપરના આ કિલ્લાની હાલત ખુબ જ જર્જરીત જોવા મળે છે, તેના મોટાભાગના વિભાગો તુટી-ફુટી ગયા છે, દરવાજો અડધો ચોરાઇ ગયો અથવા કયાંક ગુમ કરી દેવાયો હોવાનું પણ અહી આવતા પ્રવાસીઆે નિહાળીને અનુભવે છે એટલું જ નહી પરંતુ આ કિલ્લામાં ચારેબાજુ ઉંચી રાંગવાળા ગઢ છે તેમાંથી માત્ર એક ગઢની ઉપર જ હવે ચડી શકાય છે બાકીના ત્રણે-ત્રણ ગઢ ભાંગી ગયા છે અને ઐતિહાસિક કોતરણીવાળા આ કિલ્લામાં મોટાભાગનું બાંધકામ જીર્ણશીર્ણ થઇને ખંડેર હાલતમાં ફેરવાઇ ગયું છે અને અમુક વિભાગો તો એવા છે કે, તેમાં અંદર જવામાં પણ પ્રવાસીઆેના જીવનું જોખમ જણાય છે.


સાભાર :-
માનનીય નરોત્તમ પલાણ
અખબારી રિપોર્ટ

સ્થળ : મોડપર ગઢ
જામનગર..લાલપુર
વાયા ત્રણ પાટિયા થઈ પોરબંદર રોડ પર..
જામનગર થી 85 કિમી
પોરબંદર થી 25 કિમી

નજીકમાં ફરવાના સ્થળો :-
ઘુમલી
બિલેશ્વર
વીર માગળાવાળાની જગ્યા
ત્રિવેણી સંગમ
સતસાગર ડેમ
ખોડિયાર ઝર ધોધ
શનિદેવ હાથલા
ખંભાલા ડેમ
જાંબવતી ગુફા રાણાવાવ