Sunday, August 13, 2023

શિક્ષકનું ઋણ

ઈસવીસન 1979માં પાકિસ્તાનના ભૌતિક વૈજ્ઞાનિક ડોક્ટર અબ્દુસ સલામને નોબલ પારિતોષિક પ્રાપ્ત થયો. તેઓ નોબલ પ્રાઈઝ જીતનારા સૌપ્રથમ પાકિસ્તાની વ્યક્તિ હતાં. તેઓ નોબલ પ્રાઈઝ મેળવીને પાકિસ્તાન પરત આવ્યા. પાકિસ્તાન આવ્યા પછી તેમણે ભારત સરકારને એક પત્ર લખ્યો. પત્રમાં ભારત સરકારને મદદ કરવા ડોક્ટર સલામે લખ્યું હતું.  તેમણે વિનંતી કરી હતી કે, મારે પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને મળવું છે. જે લાહોરમાં સનાતન ધર્મ કોલેજમાં ગણિતના પ્રોફેસર હતા. ભારત સરકારને અનિલેન્દ્ર ગાંગુલીને શોધવામાં બે વર્ષ લાગ્યા. 



ઈન્ડિયન ગવર્મેન્ટે ડૉ. સલામને પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલી મળી ગયાની જાણ કરી. આખરે 19 જાન્યુઆરી 1981 ના દિવસે કલકત્તામાં ડોક્ટર સલામ અને પ્રોફેસર ગાંગુલીની મુલાકાત થઈ. તે સમયે પ્રોફેસર ગાંગુલી સાવ વૃદ્ધ થઈ ગયા હતા. તેમની શારીરિક સ્થિતિ એટલી બધી નબળી હતી કે તેઓ પોતાની પથારીમાંથી ઉભા પણ થઈ શકે તેમ ન હતા. 

 જ્યારે ડોક્ટર સલામ તેમને મળવા તેમના ઘરે પહોંચ્યા ત્યારે ડોક્ટર સલામ તેમને ભેટી પડ્યા અને ખૂબ ભાવુક થઈ ગયા. બંને ગુરુ શિષ્યની આંખો ભરાઈ આવી. અબ્દુલ સલામે નોબલ મેડલ કાઢી, પોતાના પ્રિય શિક્ષકને એ મેડલ અર્પણ કર્યો અને તેમના ગળામાં પહેરાવી દીધો. ડૉ. સલામે કહ્યું કે, “સર, આ મેડલ તમારા આપેલા શિક્ષણ અને તમે મારી અંદર ભરેલા ગણિતના પ્રેમનું પરિણામ છે. આ મેડલ હું તમને સમર્પિત કરું છું. સર, આ મેડલ તમારો જ છે. મારું પ્રાઈઝ નથી.” આ રીતે એક ઉચ્ચ કક્ષાના શિષ્યે પોતાના ગુરુને આપેલી આ સૌથી મોટી ભાવાંજલિ છે. 

આજે જ્યારે આલ્યો-માલયો ગમે તે શિક્ષકનું અપમાન કરે છે, ત્યારે એમને એટલું જ કહેવાનું કે ડોક્ટર સલામ પાસેથી કંઈક શીખો. તેઓ દુશ્મન દેશના વૈજ્ઞાનિક હતા છતાં પણ પોતાના ગુરુને કેટલું સન્માન આપતા હતા. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી છે.  તેઓ સહી કરે છે ત્યારે “નરેન્દ્ર મોદી” એમ લખે છે, પણ હે આલ્યા-માલ્યા, તમે એમને એકવાર પૂછી આવો કે, સાહેબ, તમને આ નરેન્દ્ર મોદીનો “ન” લખતાં કોણે શીખવાડ્યો હતો ? દેશનાં વડાપ્રધાનેય ક્યારેય દેશનાં શિક્ષકોનું અપમાન કરતાં નથી. જ્યારે મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે પોતાના શિક્ષકોનો "ગુરૂ વંદના" કાર્યક્રમ રાખી બધાં શિક્ષકોનું પૂંજન કર્યું હતું. 

મુકેશ અંબાણી દરરોજ કરોડો રૂપિયાના ચેક ઉપર સહી કરે છે.  એક વખત એને પૂછી આવો કે, તને મુકેશનો “M” લખતા કોણે શીખવ્યું હતું ? આજે જ્યારે તમે મોટા થઈ જાઓ છો, કંઈક બની જાઓ છો એટલે શિક્ષકને ભૂલી જાઓ છો. શિક્ષકનું જાહેરમાં અપમાન કરો છો. એ કોઈ રીતે યોગ્ય નથી. જ્યારે તમે કોઈ શિક્ષક અપમાન કરો છો ત્યારે એમાં તમારા સંસ્કાર પ્રગટ થઈ જાય છે.  શિક્ષક ક્યારેય અમર, અકબર કે એન્થની વચ્ચે કોઈ ભેદભાવ રાખતો નથી. એ આખા વર્ગમાં બધાને એક જ સરખી નિષ્ઠાથી ભણાવતો હોય છે. જો તમને એ ભણતા ન આવડે કે તમને ન સમજાય તેમાં શિક્ષક કે તમારો દોષ નથી. એ ઈશ્વરે દરેકમાં મૂકેલી અલગ અલગ બુદ્ધિશક્તિ, સ્મરણશક્તિ અને સમજણશક્તિનું પરિણામ છે. 

શિક્ષક વિષે અપમાનજનક એક શબ્દ બોલતાં પહેલાં ડૉ. સલામને એકવાર યાદ કરી લેજો !!!

સાભાર :-

લેખક :- મહાન શિષ્ય - જે.કે.સાંઈ