Tuesday, October 3, 2023

Std 12 :- BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન :: પ્રસ્તાવના

 ધોરણ 12 કોમર્સ ... વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અંતર્ગત દરેક પ્રશ્નોમાં ઉપયોગી જરૂરી મુદ્દાઓની સમજ જે પ્રસ્તાવના, ઉપસંહાર, વિવિધ મુદાઓમાં ઉપયોગી જરૂરી મટીરીયલ...




Chep 1 ■ સંચાલન :: 

ધંધાકીય એકમો માં વિવિધ પ્રકારના નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાત વર્ગની જરૂર પડે છે. આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને સંચાલન કહે છે. ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે.


સંચાલન સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ જોવા મળે છે. સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. સંચાલનમાં માનવ તત્ત્વનું સ્થાન મહત્વનું છે. સંચાલનમાં માનવી કેન્દ્રસ્થાને છે. તેથી તે માણસ માટે, માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. સંચાલન કરતાં સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે ત્યાર પછી તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે.


Chep 2 ■ સંચાલનના સિદ્ધાંતો

ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો , સિદ્ધાંતો ઘડવા પડે છે , જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને . આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી. માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. 

માનવ વર્તણૂક અને ટેક્નોલોજી એવાં પરિબળો છે કે જે સમયાંતરે બદલાતાં રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે. ટૂંકમાં સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણયોનું ઘડતર અને તેના અમલ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા કે ગાઈડ છે.

Chep 3 ■ આયોજન

"આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય."  ભવિષ્યમાં શું સિદ્ધ કરવાનું છે અને કેવી રીતે ? આ માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરી તે વિકલ્પોની યાદીમાંથી શ્રેષ્ઠ વિકલ્પ અપનાવવા માટેની યોજના તૈયાર કરવામાં આવે, તેને આયોજન કહે છે.  આયોજન એ મુખ્યત્વે બૌદ્ધિક પ્રક્રિયા છે. કાર્યો વ્યવસ્થિત રીતે કરવાં, કામગીરી શરૂ કરતાં અગાઉ વિચારણા કરવી તેમજ કોરાં અનુમાનોને બદલે સત્ય કે વાસ્તવિક હકીકતોને આધારે પગલાં લેવાં તેનું નામ આયોજન. 

ટૂંકમાં આયોજન એટલે શું કરવાનું છે, કેવી રીતે અને ક્યાં કરવાનું છે, કોણે કરવાનું છે અને પરિણામોનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે તે અગાઉથી નક્કી કરવું. ધંધામાં જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગે વિગતો એકત્રિત કરવી, પૂર્વવિચારણા કરવી અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે અંગેની યોજના એટલે આયોજન.

Chep 4 ■ વ્યવસ્થાતંત્ર

જેવી રીતે આપણા શરીરમાં મગજ નિર્ણયો લે છે, નીતિ નક્કી કરે છે તે જ રીતે એકમનાં ધ્યેયો, નીતિ વગેરે આયોજન નક્કી કરે છે. જ્યારે વ્યવસ્થાતંત્ર એકમમાં આયોજન ઘડનાર નક્કી કરેલાં ઉદ્દેશો-નીતિઓ વગેરેના અમલ માટેની વ્યવસ્થા કરે છે. જેવી રીતે મગજ દ્વારા લેવાયેલા નિર્ણયોના અમલીકરણનું કાર્ય શરીર કરે છે, તેવી જ રીતે આયોજન દ્વારા લેવાયેલા નિર્ણયોની અમલ વ્યવસ્થાતંત્ર દ્વારા થાય છે. 

આથી કહી શકાય કે વ્યવસ્થાતંત્ર એ એકમનું શરીર છે, તો આયોજન એ એકમનો પ્રાણ છે. વ્યવસ્થાતંત્ર વિવિધ વિભાગો અને વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધારે વ્યક્તિઓ કાર્ય કરતી હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થાતંત્રની આવશ્યકતા રહે છે. એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થાતંત્ર હોય, તો સાધનોના ઈષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ દૂર કરી શકાય છે.


Chep 5 ■ કર્મચારી વ્યવસ્થા

કર્મચારી વગર એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એ કમની પ્રત્તિઓ ચાલુ રહે ત્યાં સુધી કર્મચારીઓ રહેશે અને કર્મચારી-વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે.  કર્મચારી-વ્યવસ્થા એટલે એકમ માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા સાથે સંબંધ ધરાવે છે, વિસ્તૃત અર્થમાં કર્મચારી-વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી,પસંદગી, તાલીમ, બઢતી, બદલી અને તેમની નિવૃત્તિ પછીનાં કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે. 

કર્મચારી-વ્યવસ્થાનો ઉદ્દેશ યોગ્ય કર્મચારી પ્રાપ્ત કરી તેમનો એકમમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. યોગ્ય કર્મચારી-વ્યવસ્થાને કારણે એકમની તમામ પ્રવૃત્તિઓ ગતિશીલ બને છે. કર્મચારીઓ વગરનું વ્યવસ્થાતંત્ર એ આત્મા વગરના હાડપિંજર સમાન છે. ટૂંકમાં એકમના હાથ-પગ સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ-શરીરમાં મગજ જેવું છે, કર્મચારી-વ્યવસ્થા માનવશરીરમાં હાથ-પગનું સ્થાન ધરાવે છે. તેના વગર એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહી..કર્મચારીઓ વગર એકમનું અસ્તિત્વશક્ય નથી. જ્યાં સુધી એકમની કામગીરી ચાલતી રહે છે ત્યાં સુધી એકમમાં કર્મચારીઓ રહેશે અને કર્મચારી-વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે.

Chep 6 ■ દોરવણી

દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા,તેમના ઉપર દેખરેખ રાખવી અને તેમનો કાર્યજુસ્સો ટકાવી રાખવો.”

ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી પર રહેલો છે. કર્મચારીઓને પ્રોત્સાહિત કરી, તેમનાં કાર્યોનું નિરીક્ષણ કરી, તેમને યોગ્ય માર્ગદર્શન આપી એકમના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ અને મૂલ્યાંકન દોરવણી દ્વારા કરવામાં આવે છે, કર્મચારીએ ડોરવણી મુજબ કાર્ય કર્યું છે કે નહી કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે, તેની કાર્યક્ષમતા કેટલી વધી છે વગેરે બાબતોનું વિશ્લેષણ અને મૂલ્યાંકન થઈ શકે છે. દોરવણી દ્વારા કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ અને નીતિનિયમોની જાણકારી આપી શકાય છે..કાર્ય અંગેની તેમની દ્વિધાઓ કે મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. જેથી કર્મચારીઓને કાર્ય કરવાનું પ્રોત્સાહન મળે છે. 

ટૂંકમાં કોઈ એક વ્યક્તિ ધંધાકીય એકમનાં તમામ કાર્યોનું આયોજન ન કરી શકે. આયૌજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા જરૂરી માહિતી મેળવીને આયોજન કરે છે. આયોજન દ્વારા નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય દોરવણી દ્વારા થાય છે.

Chep 7 ■ અંકુશ

અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. અંકુશને સંચાલનની કાર્યક્ષમતાનું બેરોમીટર કહે છે. અંકુશ એટલે એકમમાં ક્યાં કાર્યો થઈ રહ્યાં છે તે નક્કી કરવું, થઈ રહેલાં કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂરી લાગે તો સુધારોલી પગલાં લેવાં કે જેથી આયોજન મુજબ કાર્ય થાય. ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સુચના મુજબ અને નક્કી કરેલા સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહિ તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે, તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે, જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય. તેનો અમલ વસ્તુઓ, લોકો અને કાર્યો એમ બધાં પર થાય છે.  ટૂંકમાં અંકુશનો મુખ્ય ઉદેશ ભૂતકાળમાં થયેલી ભૂલો અને ખામીઓને શોધી તેનું પુનરાવર્તન થતું અટકાવવાનો છે.


ઉપરોક્ત બાબતોનું વાંચન કરી પરીક્ષામાં તમે પ્રસ્તાવના, ઉપસંહાર, વિવિધ મુદાઓમાં આ બધી વિગતોની મદદથી લખી શકશો..