બદ્રીનાથ ધામ

બદ્રીનાથ ભારતના ચારધામમાંનું એક પવિત્ર તીર્થસ્થળ છે, જે ઉત્તરાખંડ રાજ્યના હિમાલય પર્વતમાળામાં અલકનંદા નદીના કિનારે આવેલું છે. આ સ્થળ મુખ્યત્વે ભગવાન વિષ્ણુના બદ્રીનારાયણ સ્વરૂપના મંદિર માટે જાણીતું છે.



બદ્રીનાથના મુખ્ય દર્શનીય સ્થળોની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે:

શ્રી બદ્રીનાથ મંદિર (શ્રી બદ્રીનારાયણ ધામ):

આ બદ્રીનાથનું કેન્દ્ર છે. તે ભગવાન વિષ્ણુના બદ્રીનારાયણ સ્વરૂપને સમર્પિત છે. આદિ શંકરાચાર્યએ ૮મી સદીમાં આ મંદિરની સ્થાપના કરી હોવાનું મનાય છે.

 મંદિરમાં ભગવાન વિષ્ણુની ૧ મીટર ઊંચી કાળા પથ્થરની મૂર્તિ છે, જે યોગાસન મુદ્રામાં બિરાજમાન છે અને વિષ્ણુની ૮ સ્વયંભૂ મૂર્તિઓમાંની એક માનવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલી ઉત્તર ભારતીય છે.

શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે મંદિરના કપાટ લગભગ ૬ મહિના (મે થી ઓક્ટોબર) માટે જ ખુલ્લા રહે છે.

 તપ્ત કુંડ:

 બદ્રીનાથ મંદિરથી થોડી જ દૂર અલકનંદા નદીના કિનારે આવેલો આ એક ગરમ પાણીનો ઝરો (Thermal Spring) છે. કુંડમાં પાણીનું તાપમાન આશરે 45 સેલ્સિયસ જેટલું હોય છે. ભક્તો બદ્રીનાથના દર્શન પહેલા આ પવિત્ર કુંડમાં સ્નાન કરે છે, જેનું પાણી ઔષધીય ગુણ ધરાવતું હોવાનું મનાય છે. આ કુંડ અગ્નિ દેવનું પૌરાણિક નિવાસસ્થાન માનવામાં આવે છે.

ચરણ પાદુકા:

 બદ્રીનાથ મંદિરથી લગભગ ૨.૪ થી ૩ કિલોમીટર ઉપરની તરફ પથરાળ રસ્તા પર આવેલું એક પવિત્ર સ્થળ. અહીં એક પથ્થર પર ભગવાન વિષ્ણુના ચરણોની છબી દેખાય છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર પ્રથમ પગ અહીં મૂક્યો હતો.

નીલકંઠ પર્વત:

બદ્રીનાથ ધામની ઉપર ૫,૯૭૬ મીટરની ઊંચાઈ પર સ્થિત એક ભવ્ય અને બરફથી આચ્છાદિત પર્વત શિખર. આ શિખર બદ્રીનાથ મંદિરની સામે આવેલું છે અને સુંદર દૃશ્યો પ્રદાન કરે છે. ઘણા ટ્રેકર્સ માટે આ એક આકર્ષણનું કેન્દ્ર છે.

માતા મૂર્તિ મંદિર: 

બદ્રીનાથ મંદિરથી લગભગ ૩ કિલોમીટર દૂર સ્થિત આ મંદિર ભગવાન બદ્રીનારાયણના માતા મૂર્તિને સમર્પિત છે.  પૌરાણિક કથા અનુસાર, માતા મૂર્તિની પૂજા કરવાથી ભક્તોને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે.

માતા સરસ્વતી ધામ :

ભીમ પુલ પાસે માતા સરસ્વતીનું મંદિર છે. માં સરસ્વતી નદીનું ઉદગમ સ્થાન અહીં જ છે. અને થોડે નજીક સરસ્વતીમાં પેટાળમાં સમાઈ જાય છે. અને છેક ગુજરાતમાં સિદ્ધપુર નજીક કુંડ સ્વરૂપે પ્રગટ થઈ ફરી પેટાળમાં સમાઈ જાય છે. અને છેક સોમનાથ પાસે ત્રિવેણી સંગમમાં દરિયામાં ભળી જાય છે.

તમે આપણી પવિત્ર નદીઓ  ગંગા, યમુના અને સરસ્વતી વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ માત્ર ગંગા અને યમુના જ જોઈ હોય શકે એટલે આ સ્થાન પર આવીને સરસ્વતી નદી ગુપ્તગામિની બની જાય છે. આ સ્થળ ઉત્તરાખંડના બદ્રીનાથ થી દૂર ભીમપુરના માના ગામ પાસે છે. અહીં જ વ્યાસજીએ મહાભારત લખી હતી, પરંતુ સરસ્વતી નદીના વહેણના અવાજને કારણે ગણેશજી તેને સાંભળી શક્યા ન હતા. તેથી, વ્યાસજીએ તેને શ્રાપ આપ્યો અને તે પૃથ્વીની નીચે અદૃશ્ય થઈ ગઈ. રસપ્રદ વાત એ છે કે અહીં તમે સરસ્વતી નદીને ગાયબ થતી પણ જોઈ શકો છો. તમે પણ જુઓ અને તમારી આવનારી પેઢીઓને બતાવો.


ભીમ પુલ:

બદ્રીનાથથી લગભગ ૩ કિલોમીટરના અંતરે ભારત-તિબેટ સરહદની નજીક આવેલા માના ગામ પાસે આવેલો પુલ. સરસ્વતી નદી પર બનેલો આ એક પ્રાકૃતિક પુલ છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાભારત કાળમાં પાંડવો સ્વર્ગારોહણ માટે જઈ રહ્યા હતા, ત્યારે ભીમે એક વિશાળ શિલા મૂકીને આ પુલનું નિર્માણ કર્યું હતું, જેથી દ્રૌપદી સરળતાથી નદી પાર કરી શકે.

વ્યાસ ગુફા અને ગણેશ ગુફા:

ભીમ પુલની નજીક, માના ગામમાં આવેલી આ ગુફાઓનું પૌરાણિક મહત્વ છે.  વ્યાસ ગુફામાં મહર્ષિ વેદ વ્યાસે ભગવાન ગણેશની મદદથી મહાભારતની રચના કરી હતી અને અન્ય પુરાણોનું નિર્માણ કર્યું હોવાનું માનવામાં આવે છે. ગુફાની છત પવિત્ર શાસ્ત્રના પાના જેવી દેખાય છે. ગણેશ ગુફા એ સ્થળ છે જ્યાં ભગવાન ગણેશે મહર્ષિ વેદ વ્યાસ દ્વારા બોલાયેલું મહાભારત લખ્યું હતું.

માણા ગામ:

ચીનની આંતરરાષ્ટ્રીય સરહદ તરફનું છેલ્લું ભારતીય ગામ. તે સરસ્વતી નદીના કિનારે આવેલું છે. અહીં હિમાલયના સુંદર પર્વત શિખરો જોવા મળે છે. વ્યાસ ગુફા અને ભીમ પુલ અહીં જ આવેલા છે.

શેષનેત્ર :

અલકનંદા નદીના સામેના કાંઠે આવેલું એક તીર્થસ્થાન. અહીં બે પથ્થરો પર શેષનાગની આંખની છબી જોવા મળે છે. એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ અહીં આરામ કર્યો હતો.

વસુધારા ધોધ :

માણા ગામથી લગભગ ૫ કિલોમીટરના ટ્રેકિંગના અંતરે આવેલો એક સુંદર ધોધ. જેના વિશે તમે અલ્લુ અર્જુનનું મૂવી બદ્રીનાથ જોયું હોય તો તેમાં આવે છે. આ સ્થળ પાંડવો જ્યારે સ્વર્ગમાં જવા માટે નીકળે છે. ત્યારે શરૂઆત અહીંથી કરે છે.

આ ધોધ આશરે ૪૦૦ ફૂટની ઊંચાઈ પરથી પડે છે અને તેની સુંદરતા પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

લીલા ઢુંગી :

બદ્રીનાથમાં આવેલું લીલા ઢુંગી એક પવિત્ર સ્થળ છે, જે ભગવાન બદ્રીનાથના દિવ્ય જન્મસ્થળ તરીકે ઓળખાય છે. લીલા ઢુંગી ઉત્તરાખંડ રાજ્યમાં બદ્રીનાથ શહેરની નજીક, પવિત્ર અલકનંદા નદીના કિનારે આવેલું છે. તે બામણી ગામ તરફના રસ્તા પર આવેલું છે.

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, આ તે જ અલૌકિક સ્થળ છે જ્યાં ભગવાન નારાયણે (બદ્રીનાથના સ્વરૂપે) એક રડતા બાળક તરીકે 'શિલા' (પથ્થરની મોટી શીલા) ઉપર પ્રગટ થયા હતા.

પૌરાણિક કથા મુજબ, જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી આ વિસ્તારમાં રહેતા હતા, ત્યારે તેમણે એક બાળકને પથ્થરની શીલા પર રડતા જોયો. માતા પાર્વતીને દયા આવી અને તેમણે બાળકને ઉઠાવીને પોતાના નિવાસસ્થાને લાવ્યા. શિવજીના સમજાવવા છતાં, પાર્વતીજીએ બાળકને રાખ્યો. આ બાળક બીજું કોઈ નહીં પણ સ્વયં ભગવાન નારાયણ હતા. ભગવાને આ બાળસ્વરૂપની લીલા કરીને શિવ અને પાર્વતી પાસેથી નિવાસસ્થાન મેળવ્યું અને પછીથી અહીં બદ્રીનાથ ધામની સ્થાપના કરી.

જે પથ્થરની શીલા પર ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થયા, તે જગ્યા 'લીલા ઢુંગી' (લીલા એટલે દિવ્ય રમત, અને ઢુંગી એટલે શીલા/પથ્થર) તરીકે ઓળખાય છે, કારણ કે ભગવાને અહીં પોતાની દિવ્ય બાળ-લીલા કરી હતી.

એવું માનવામાં આવે છે કે નીલકંઠ પર્વતની દિશામાંથી ભગવાન શિવ અને માતા પાર્વતી દરરોજ સાંજે અહીં આવીને ભગવાન બદ્રીનાથ સાથે લીલા (ખેલ) કરે છે.

આ સ્થળ બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા પછી આસપાસના અન્ય ધાર્મિક સ્થળોની યાત્રા દરમિયાન આવે છે અને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર છે. લીલા ઢુંગી નજીક નંદા દેવી મંદિર અને ઉર્વશી દેવી મંદિર જેવા અન્ય પવિત્ર સ્થળો પણ આવેલા છે.

આ સ્થળ ભગવાનની મધુર બાળ-લીલાને કારણે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને બદ્રીનાથ યાત્રા કરનારા ભક્તો માટે એક અનોખું આકર્ષણ છે.


અગિયારસ ગુફા (હેમવતી ગુફા)

બદ્રીનાથની નજીક આવેલી અગિયારસ ગુફા (એકાદશી ગુફા) નું ઘણું ધાર્મિક મહત્વ છે. આ ગુફા એકાદશી વ્રતના ઉદ્ભવ સાથે જોડાયેલી છે. આ ગુફા ઉત્તરાખંડ રાજ્યમાં બદ્રીનાથની નજીક આવેલી છે. (કેટલાક તેને હેમવતી ગુફા તરીકે પણ ઓળખાવે છે.)

સત્યયુગમાં મુરુ નામનો એક શક્તિશાળી દાનવ હતો, જેણે દેવતાઓને હરાવી દીધા હતા. દેવતાઓએ ભગવાન વિષ્ણુની મદદ માંગી, અને ભગવાન વિષ્ણુએ મુરુ સાથે ભયંકર યુદ્ધ કર્યું, જે ઘણા વર્ષો સુધી ચાલ્યું. દાનવને હરાવવા અસમર્થ, ભગવાન વિષ્ણુ આરામ કરવા માટે બદ્રીનાથમાં આવેલી હેમવતી નામની ગુફામાં સૂઈ ગયા. મુરુ દાનવ બદલો લેવાની ભાવનાથી ભગવાનને મારવા માટે ગુફામાં ગયો. તે સમયે, ભગવાન વિષ્ણુના દિવ્ય શરીરમાંથી એક અત્યંત શક્તિશાળી કન્યા (સ્ત્રી શક્તિ) પ્રગટ થઈ. આ કન્યાએ મુરુ દાનવને યુદ્ધમાં હરાવ્યો અને તેનું શિરચ્છેદ કરીને તેનો વધ કર્યો.

ભગવાન વિષ્ણુ જાગ્યા અને તેમણે કન્યાને પૂછ્યું કે તે કોણ છે. કન્યાએ જવાબ આપ્યો કે તે તેમની અગિયાર ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ છે. ભગવાન વિષ્ણુએ તેનાથી પ્રસન્ન થઈને તેને 'એકાદશી' નામ આપ્યું, કારણ કે તે ચંદ્રના ઘટતા પખવાડિયાના અગિયારમા દિવસે પ્રગટ થઈ હતી.

ભગવાને એકાદશી દેવીને વરદાન આપ્યું કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરશે અને તેમની પૂજા કરશે, તેને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને અંતે તેને મોક્ષ મળશે.

 આ ગુફાને કારણે એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે, અને ભક્તો એકાદશીના ઉપવાસની શરૂઆતનું મૂળ આ ગુફા સાથે જોડે છે.


પાંડુકેશ્વર 

આ સ્થળ બદ્રીનાથથી લગભગ ૨૨ કિલોમીટર દૂર છે. ​આ સ્થળનું નામ મહાભારતના પૌરાણિક પાત્ર રાજા પાંડુ (પાંડવોના પિતા) ના નામ પરથી પડ્યું છે. પૌરાણિક કથા મુજબ, રાજા પાંડુને એક ઋષિના શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે અહીં કઠોર તપસ્યા કરી હતી. (શ્રાપ એ હતો કે જો તેઓ તેમની પત્ની સાથે પ્રેમ કરશે તો તેમનું મૃત્યુ થશે).

​આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે, પાંડુ રાજાએ અહીં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને તેમની મૂર્તિ સ્થાપિત કરી હતી. 

એવી પણ માન્યતા છે કે રાજા પાંડુ અહીં તેમની પત્નીઓ કુંતી અને માદ્રી સાથે રહેતા હતા અને પાંડવોનો જન્મ પણ આ જ વિસ્તારમાં થયો હતો.

પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને તેમના પિતા રાજા પાંડુના અંતિમ સંસ્કાર પણ આ જ સ્થળે કર્યા હતા.


Post a Comment

Previous Post Next Post