Sunday, October 6, 2019

પોઝિટિવ પર્સન મોરબીની વર્લ્ડકલાસ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીના પિતામહ - શ્રી કચરાભાઇ અંબાણી



> મોરબીની કમનસીબ પુર હોનારતે થોરાળાના અભણ ખેડૂત શ્રી કચરાભાઇ અવચરભાઇ અંબાણીને કાપડના વેપારી બનાવી દીધા ને નસીબ આડેનું પાંદડું ખસ્યું !
> ભાગીદારીમાં ટાઇલ્સનાં યુનિટો શરૂ કરી પાર્ટનરોને ખુદની ફેકટરીઓ થાય ત્યાં સુધી સંપૂર્ણ મદદ કરે : કચરાબાપાએ સગાવહાલાનાં આવાં ૬પ જેટલા યુનિટો ધમધમતાં કરાવ્યાં !
> અંબાણી ગૃપ ઓફ કંપનીની ૮ ફેકટરીઓ ‘બાપા’ના આશીર્વાદ અને માર્ગદર્શનમાં કવોલિટી પ્રોડકશન કરી રહી છે જેની પ્રોડકટ્સ વિશ્ર્વના ૪પ દેશોમાં એકસપોર્ટ થઇ રહી છે
> ૮૫ વર્ષની વયે ‘બાપા’ રોજ ફેકટરીએ આવે છે ને અમારા બધાનું ‘ટ્રેકિંગ’ કરે : ભાવેશભાઇ અંબાણી

કશુંક કહેવાને આવ્યો છું
હું કરગરવા નથી આવ્યો,
બીજાની જેમ આજીવન
અનુસરવા નથી આવ્યો.
દયાના હે સાગર !
તું મુજને તારામાં સમાવી લે,
હું ડૂબવાને આવ્યો છું,
તરવા નથી આવ્યો...!

નાઝીર દેખૈયાની આ રચનાને જીવી જાણી હોય એવા કેટલાક લોકો આપણી વચ્ચે જ વસતા હોય છે પણ ઘણીવાર આપણને ખબર પણ નથી હોતી ! મોરબીના વિશ્ર્વવિખ્યાત સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીના પિતામહ એટલે કે શ્રી કચરાભાઇ અવચરભાઇ અંબાણી આવું જ એક વ્યકિતત્વ છે ! અંબાણી ગૃપ ઓફ કંપનીના સ્થાપક, ચાલકબળ, પ્રેરણાસ્ત્રોત-કચરાબાપા પોતે જ ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીની હાજરાહજૂર યુનિવર્સિટી જેવા છે, આવો તેમના વિશે અજાણી વાતો જાણીએ :
મોરબી તાલુકાના ૧પ કિ.મી. દૂરના ગામ થોરાળાના વતની ખેડૂતપુત્ર કચરાભાઇ અવચરભાઇ અંબાણી શાળાએ ગયા નથી, ગામમાં જમીન એટલે ખેતી કરે ને ત્રણ પુત્રોના પરિવારનું લાલનપાલન કરે. એવામાં ૧૯૭૯ની સાલ આવી, ઓગસ્ટ માસમાં બહુ કારમી બિના બની મચ્છુ હોનારતની...

કચરાભાઇના માસિયાઇ ભાઇ ગઢની રાંગ વિસ્તારમાં કાપડની દુકાન ધરાવતા હતા પણ મચ્છુનાં પાણીએ મોરબીને તહસ-નહસ કરી નાખ્યું હતું એમાં કાપડની દુકાનના શા હાલ થયા હોય એ આપણે સમજી શકીએ. દુકાનમાં પાણી, ગારો, કિચડ... ને બધું જ કાપડ ફેંકી દેવું પડે એવી દશા થઇ ગઇ. દુકાનના માલિક હતાશામાં આવી ગયા હતા પણ કચરાભાઇ તેમની મદદે ગયા ને બધું કાપડ વાડીએ લઇ જઇ, ધોઇ, સૂકવીને વેચાણને લાયક બનાવ્યું, માસીના દીકરાને હિંમત આપી કે જરૂર પડયે મારી ખેતીની જમીન વેંચીને પણ તમારી દુકાન બચાવી લઇશ, તમારું દેણું ચુકવી દઇશ. માસિયાઇ ભાઇએ કહયું કે તમે જ મારી દુકાન સંભાળી લો, આ જગ્યા પરથી મારું મન ઉતરી ગયું છે ને કચરાભાઇએ કાપડની દુકાન માટે આર્થિક મદદ કરી અને હિંમત આપી પછી દુકાનનાં વહીવટમાં સામેલ થઇ ગયા અને નવેસરથી ધંધો ચાલુ કર્યો.

ખેતી કરતાં કરતાં અચાનક જ કાપડના વેપારી બની ગયા. દુકાન મોરબીમાં, ઘર થોરાળામાં, સવારે ૪ વાગ્યે ઉઠી, વાડીએ આંટો મારી આવે, અને ઘરના સભ્યોને જરૂરી માર્ગદર્શન આપી સવારે ઘેર આવીને મોરબી જાય, દુકાન સંભાળે, સાંજે ગામડાંઓમાં ઉઘરાણી કરવા જાય ને મોડી રાત્રે ઘેર પહોંચે - આવું કેટલાંય વર્ષો સુધી ચલાવ્યું પણ પોતે મહેનતુ, નિષ્ઠાવાન, પ્રમાણિક, નીતિમત્તાવાળા એટલે ધંધામાં બરકત દેખાવા લાગી.

થોડાં વર્ષ પછી પાડોશી દુકાનવાળાએ મોઝેક ટાઇલ્સનું એક યુનિટ હતું અને બીજું શરૂ કર્યું, એને ત્યાં ગ્રાહકોનો ધસારો રહેતો, મોઝેક ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય સારું છે એવું કચરાભાઇને લાગ્યું ને પોતે પણ સાત ભાગીદારો સાથે મોઝેકનું યુનિટ સને ૧૯૮૨માં સ્થાપ્યું જેમાં પોતાની હિસ્સેદારી ૯ ટકા હતી. લાતી પ્લોટમાં તેમનું પ્રથમ મોઝેક યુનિટ બરાબર ચાલવા માંડયું એટલે પરિવાર સાથે ૧૯૮૭માં મોરબીમાં રહેવા આવ્યા, રવાપર રોડ પર ૧૦ x ૧૦ના રૂમમાં ભાડાના મકાનમાં વસવાટ શરૂ કર્યો.

ધીમે ધીમે મોઝેકનાં ૯ યુનિટ કર્યા પણ બધા જ ભાગીદારીમાં એ પછી મોઝેક ટાઇલ્સ એટલે કે ગયા, પોતાના જ વેચાણ ડેપો શરૂ કર્યા ને ૧૯૮૬ સુધીમાં તો રર શો રૂમ જુદા જુદા શહેરોમાં ધમધમવા લાગ્યા કચરાભાઇ પોતે એટલા દીર્ઘદૃષ્ટિવાળા કે મોઝેક ટાઇલ્સ સ્થાનિક પરિવહન માટે સુરતમાં પોતાની જ ઉંટગાડીઓ રાખી હતી કેમ કે મોટા વાહનમાં મોઝેક ટાઇલ્સ ભાંગી જવાની સંભાવના વધુ રહે. ૨૮ યુનિટ બનાવ્યા બાદમાં મોઝેક ટાઇલ્સનો વપરાશ ઘટતાં, ઉદ્યોગ ભાંગી પડયો તેથી ૧૯૯૯માં સીરામિક ઉદ્યોગમાં જંપલાવ્યું.

કચરાભાઇનો પહેલેથી જ સ્વભાવ એવો કે સગાં-વહાલાં, પરિચિતો, સ્નેહીઓ-વગેરેને વ્યવસાયમાં ભાગીદાર બનાવવા ને પછી એ બધા જ ભાગીદારોને પોતાનાં સ્વતંત્ર યુનિટો સ્થાપવામાં ‘અથથી ઇતિ’ તમામ પ્રકારે સહાય કરવી. આજ સુધીમાં લગભગ ૬૫ જેટલાં યુનિટો સગાંવહાલાંઓ-પરિચિતોએ બાપાના સહકારથી બનાવીને સ્વતંત્ર વ્યવસાય કરતા કરી દીધા ! પોતાના માટે તો સૌ કરે પણ બીજા માટે કોણ કરે ? બીજા માટે જે કરે તેનું નામ જ કચરાબાપા...!

કેટલાક આર્થિક રીતે નબળા પણ હોશિંયાર અને બુદ્ધિશાળી સગાઓને તો પ્લોટ પોતે લઇ દે, બાંધકામ કરાવી દે, મશિનરી મુકાવી દે, યુનિટ ચાલુ થઇ જાય પછી વેચાણનું માળખું પણ ગોઠવી દે-ટૂંકમાં રોટલા રળતા કરી દે....

૧૯૯૯માં તેઓ સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. મારૂતિ સિરામિક નામે યુનિટ શરૂ કયુર્ં ને પછી દર છ મહિને એક એક યુનિટ ચાલુ કરે. આવું ૧૯૯૯ થી ૨૦૦૧ સુધી ચાલ્યું. બીજા કરતાં કચરાબાપાનું યુનિટ જલદી સ્થપાઇ જાય, જલદી શરૂ થઇ જાય ! મોરબીના ટાઇલ્સ કેમ વેંચાય એ શીખવ્યું જ કચરાબાપાએ !

તેમનો સિદ્ધાંત એવો હતો કે બજાર કરતાં પાંચ રૂપિયા નીચા ભાવે માલ વેંચવો પણ પૈસા રોકડા હોવા જોઇએ. તેઓ સ્પષ્ટ કહેતા કે ‘બાકીનો બ નહીં ને ફરિયાદનો ફ નહીં !’ કેટલીકવાર એવું બનતું કે ગાડી ભરાઇ ગઇ હોય ને ખરીદદાર વેપારી પાસે થોડા રૂપિયા ઓછા હોય તો કચરાબાપા ચોખ્ખું જ કહેતા કે ગાડીમાંથી એટલો માલ ઉતારી લ્યો, બાકી પૈસાની વાત નહીં !

ર૦૧૦ સુધી આ ઢબે જ કામ ચલાવ્યું ! રોકડ વ્યવહાર જ રાખ્યો. પોતે કાચા માલની ખરીદી રોકડથી જ કરે, ભાવ ઓછો રાખે, નફો પણ ઓછો લે. કેટલીકવાર બીજા ઇ્ન્ડસ્ટ્રીવાળા ગ્રાહકોને કચરાબાપાને ત્યાં મોકલતા કે સસ્તું છતાં સારું જોઇતું હોય તો કચરાભાઇને ત્યાં જાવ.

ર૦૦૦ની સાલ સુધી બાપાએ સંપૂર્ણ કારોબાર કર્યો એ પછી નવું લોહી, નવી પેઢી વ્યવસાયમાં આવી ગઇ. બાપાના ત્રણ દીકરા બાલુભાઇ, વલમજીભાઇ અને મહાદેવભાઇ તો બાપા સાથે વ્યવસાયમાં હતા જ પણ એમના પુત્રો એટલે કે બાપાના પૌત્રો પણ બાપાના આશીર્વાદ સાથે આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા ને નામ કમાયા. જેમાં ભાવેશભાઇ બાલુભાઇ અંબાણી, કિશનભાઇ વલમજીભાઇ અંબાણી અને જયભાઇ વલમજીભાઇ અંબાણી અંબાણી ગૃપ ઓફ કંપનીની અલગ અલગ ૮ ઇન્ડસ્ટ્રીઝ સંભાળી રહયા છે.

મોરબી-હળવદ હાઇવે પર નીચી માંડલ ગામે આવેલું યુનિટ સંભાળતા ભાવેશભાઇ અંબાણીએ જણાવ્યું કે તેઓ ઇ.સ. ૨૦૦૦ની સાલથી બાપાના હાથ નીચે કામ શરૂ કર્યું. તેઓ ખુબ જ નમ્રતાપૂર્વક જણાવે છે કે અમારા જ યુનિટમાં મેં ‘ઓફિસ બોય’ તરીકે કામ શરૂ કર્યું હતું. સવારમાં આવીને ઓફિસ સાફ કરવાની, પાણી ભરવાનું ને બાપા કહે એ તમામ નાનું મોટું કામ કરવાનું.

ભાવેશભાઇ કહે, બાપા પોતાના ભાગીદારો સાથે કાયમી સંબંધ રાખે, કોઇ સાથે કડવાશથી ભાગીદારી છોડી નથી, કોઇને તેઓ હરીફ માનતા નથી. કોઇ યુનિટમાં ભાગીદારી છોડવી હોય તો બાપા માત્ર ૧૦-૧પ મિનિટમાં સમજાવટથી પ્રશ્ર્ન હલ કરી દે. તેઓ ખરા અર્થમાં સમાજસેવક છે. દરેક વ્યાવસાયિક કે પારિવારિક મુંઝવણમાં હલ કાઢી શકે છે. દીકરા-દીકરીઓના સગાઇ કરાવવામાં પણ તેઓ અગે્રસર. ગરીબ સગાંઓને વગર મૂડીએ ભાગીદાર બનાવી દે એવા દરિયાદિલ. દાન-પુન્યમાં પણ આગળ. કયારેય ખોટું ન બોલે. પોતે ભણ્યા નથી છતાં સહી કરતાં આવડે છે ને ગણ્યા ખૂબ જ છે... અમારાં બધાં જ યુનિટોના સુપરવાઇઝરો બાપાને રાત્રે પણ ફોન કરીને સ્થિતિનો તાગ આપે. બાપા અમારા બધાનું નિયમિત ‘ટ્રેકિંગ’ કરતા રહે ને આજે ૮પ વર્ષની ઉંમરેય દરરોજ સવારે ત્રણ-ચાર કલાક તેમની યુનિટ પર હાજરી હોય જ !

અંબાણી ગૃપ ઓફ કંપની ISI સર્ટીફાઇડ છે. અને બધી ઇન્ડસ્ટ્રીઝ થઇને દરરોજ પાંચ લાખ ફૂટ ટાઇલ્સનું પ્રોડકશન કરે છે. ચાઇના અને ઇટાલીની લેટેસ્ટ ટેકનોલોજી તેઓ ધરાવે છે. તેમનો પ્લાન્ટ ર૪ કલાક ચાલુ રહે છે. અમેરિકા અને યુરોપ સહિત ૪પ દેશોમાં આ ગૃપની ટાઇલ્સ એકસપોર્ટ થાય છે. ભારતમાં સિરામિક ટાઇલ્સનું જેટલું ઉત્પાદન થાય એનો ૯૦ ટકા માલ મોરબીમાં તૈયાર થાય છે. તો વિશ્ર્વભરમાં ચીનનું પ્રોડકશન ૪૦ ટકા અને ભારતનું ૧ર ટકા છે એવું ભાવેશભાઇએ કહયું.

ભાવેશભાઇ કહે છે કે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય ખૂબ ઉજળું છે પણ સરકાર થોડું ધ્યાન આપે તે જરૂરી છે. આ ઉદ્યોગને પ્રોત્સાહનની જરૂર છે. ૧૮ ટકા જીએસટી છે તે ઘટાડવો જરૂરી છે. એકસપોર્ટમાં જો પ્રમોશન મળે તો આ ઉદ્યોગ અબજોનું હૂંડિયામણ રળી આપે તેમ છે.

બીલ્ડરો જોગ સંદેશામાં ભાવેશભાઇ અંબાણી જણાવે છે કે ટાઇલ્સ એટલે ઘર, ફલેટ, ઓફિસની શોભા, શોભા વધારવા માટે ઉત્તમ ટાઇલ્સની પસંદગી જરૂરી છે.

કચરાબાપાના પૌત્ર ભાવેશભાઇ અંબાણી ‘બાપા’ના રાહે કંપનીને આસમાનની ઉંચાઇએ લઇ જઇ રહયા છે

----------------------------------
સાભાર
‘સંપત્તિ ટાઇમ્સ’