લોકડાઉનના વૃંદાવનમાં (Part 1) જે.કે.સાંઈ

આપત્તિના સમયે, બીમારીના બિછાને, સ્મશાનમાં જઈએ ત્યારે અને વાસના સંતોષાઈ ગયા પછી- આ ચાર સમયે જે વિચારો આવે છે તે વિચારો કાયમ માટે રહે તો દરેક માનવ "સંત" ની શ્રેણીમાં આવી જાય. હાલ સોસિયલ મીડિયામાં લોકોના વિચારો વાંચી એમ થાય છે કે પૃથ્વી પરનો સૌથી મોટો "દુર્જન" હું જ છું. સ્વર્ગ એ કોઈ લોકેશનનું નામ નથી. જ્યાં એકતા અને ભાઈચારો છે ત્યાં જ સ્વર્ગ છે.

કો'ક કબીરજીને શોધતો શોધતો આવ્યો. કબીરજીનું સરનામું પૂછ્યું. જવાબ મળ્યો- "તે તો કોકના અગ્નિ સંસ્કારમાં લાકડે ગયાં છે." "વારુ, ત્યારે હું ત્યાં જાઉં છું. હું તેમને ઓળખી જાઉં એવી કોઈ એંધાણી આપો." "જેના મસ્તક પર જ્યોત પ્રગટેલી દેખાય એ જ કબીર" પેલો આગંતુક સ્મશાને પહોંચ્યો. સ્મશાનમાં જઈને જોયું તો તમામ ડાઘુઓના મસ્તક પર જ્યોત ઝળહળતી હતી. આમાં કબીર કયો ? ત્યાં એક સમજુ વ્યક્તિ ઊભો હતો. તેણે કહ્યું, "જરા ધીરજ ધરો. બધાને સ્મશાનની બહાર આવવા દો. બહાર આવ્યા બાદ પણ જેના મસ્તક પર જ્યોત પ્રગટેલી દેખાય તે કબીર." અત્યારે બધાં કબીરની શ્રેણીમાં છે. કોરોના પછી જોઈએ કેટલાં કબીર બચે છે ???

નેટની લ્હાયમાં આપણે "નીડ" (ઘર) ને ભૂલી ગયાં હતાં. અમેરીકામાં એક કહેવત છે, 'ઘર એટલે ..પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા.' આ સામ્રાજ્ય, સ્વર્ગ અને દુનિયાને આપણે વિસરી ચૂક્યા હતાં. જે બાળકને પિતા ન હોય તે અડધો અનાથ કહેવાય અને જે બાળકને માતા ન હોય તે પૂરો અનાથ કહેવાય. મોબાઈલે કેટલાયને અડધા/આખા અનાથ બનાવી દીધાં હતાં. 21 દિવસ પૂરતાય હવે સનાથ બનશે એનો આનંદ છે. અત્યારે NRI ની દશા તો 'ઘરની દાઝી વનમાં ગઈ તો વનમાય આગ લાગી' જેવી થઈ છે.

કોઈ માણસની પીડાને, દુ:ખને તમે એ માણસ જેટલી જ તીવ્રતાથી પીડાનો અનુભવ કરો એ સંત કહેવાય. બાકી અમારે ત્યાં દાન કરવાથી તમને 80G હેઠળ 50% ઈન્કમટેકસમાં રાહત મળશે એમ કહી દાન મેળવી જનારને સંત ન કહેવાય. પાટણના રાજા વિશાળદેવના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. સતત ત્રણ વર્ષ સુધી વરસાદનું ટીપુય ન વર્ષ્યુ. લોકો ભૂખે પ્રાણ ગુમાવવા માંડ્યા. તે વખતના એક દ્રામ (તે સમયનું ચલણ) માં માત્ર તેર ચણાના દાણાં મળતા. એટલી મોંઘવારી થઈ ગઈ હતી.

આ સમયે પ્રધાને કચ્છના ભદ્રેશ્વરના શાહ સોદાગર જગડુશાને તેડાવ્યાં. પાટણમાં તેમની અનાજની કેટલીક વખારો હતી. જ્યારે રાજા વિશળદેવે તે અનાજ આપવા જણાવ્યુ ત્યારે જગડુશાએ કીધું, "રાજા, આપની કઈક ભૂલ થાય છે, વખારો મારી છે પણ તેમાં રહેલું અનાજ મારુ નથી. તમારે ખાતરી કરવી હોય તો ત્યાં તામ્રપત્ર લગાવેલ છે તે મંગાવો. ખબર પડી જશે કે, વખારમાં રહેલું અનાજ કોનું છે ?" તામ્રપત્ર પરનું લખાણ વાંચી સૌની આંખો પહોળી થઈ ગઈ.-" આ વખાર જગડુશાની છે. પણ વખારમાનું બધુ અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે. દેશની ભૂખે મારતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણાં પર પણ જગડુશાનો હક્ક નથી." આ 21 દિવસ દેશનાં જગાડુશાઓની પરીક્ષા છે.

આજદિન સુધી આપણે વ્યક્તિગત પાપ-પૂણ્યને સમજ્યા. આજે સામૂહિક પાપ-પૂણ્ય સમજવાનું છે. સામૂહિક પાપનું ફળ આખા સમૂહે ભોગવવું પડશે. કોરોના આપણું સામૂહિક પાપ છે. સ્વચ્છતા, લોકડાઉન વગેરે સામૂહિક પૂણ્ય છે. ઈશ્વર મોત કાંઇ પોતાને માથે લેતો નથી. એમ કોઈનું ભલું કરવાનું હોય ત્યારે પણ તે આપણને નિમિત બનાવે છે. ગરીબના ગુસ્સા અને ભિખારીના ઉપવાસની કોઈ કિમત હોતી નથી. આપણે સૌએ ગરીબને ગુસ્સો કરવાનો મોકો આપવાનો નથી અને ભીખારીને ઉપવાસી રાખવાનો નથી.

જેને ભગવાને બધુ જ આપ્યું છે તેઓ સારાં પુસ્તકોનું વાંચન કરે. સૌ પાસે પુસ્તકો હશે જ. જે પુસ્તક વંચાતું નથી એ પસ્તીનો ઢગલો જ છે. સાચી વાતોના ખુલાસા ન હોય અને કેટલીક વાતોનાં પુરાવા ન હોય. આપણાં જીવનમાં પેઠેલા ઘણાં બધાં અનિષ્ટોનું કારણ "પુસ્તક વાંચનબંધી" છે. ઘરે રહીને એક કામ સારું કરો અને એક કામ બગાડી 'કાકો પરણ્યો ને ફોઈ રાંડી' એવું ન બને એ પણ જોજો. આ જગતમાં ત્રણ દાદા છે. હનુમાનદાદા, ભાથીજીદાદા અને પોલીસદાદા. વર્તમાનકાળમાં પોલીસદાદાનો પૂણ્યપ્રકોપ (બીજાનું ભલું કરવા માટે થતો ગુસ્સો) ચરમસીમાએ છે. તેઓ દંડા વડે કોરોનાનો એન્ટિ ડોઝ આપી રહ્યાં છે. તેમને સહકાર આપીએ.

ડોક્ટર-નર્સને તો સાક્ષાત ઈશ્વર જ ગણજો. આ વર્ષનું નોબલ પ્રાઈઝ, ધ ટાઈમ્સ ઓફ ધ યર, જેટલાં પણ એવોર્ડ છે તે સંયુક્ત રીતે આ લોકોને અર્પણ કરવામાં આવે. શેરી-મહોલ્લે, સોસાયટીના નાકે, જાહેર સ્થળોએ આ સેવાભાવીઓના પોસ્ટરો ફોટા સહિત મૂકી તેમની કામગીરીને બિરદાવવામાં આવે. આજે તો એમ થાય છે કે, મે ભગવાન જોયો નથી પણ જો તે હશે તો ચોક્કસ ડોક્ટર-નર્સ જેવો જ દેખાતો હશે !!!

જે.કે.સાંઈ

Post a Comment

Previous Post Next Post