ગુજરાત સ્થાપના દિન

“ઉત્તરે ઇડરિયો ગઢ ભલો, દખ્ખ્ણે દરિયાની અમીરાત,

ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત…”

ગરબા, ગાંઠિયા, ખાખરા, થેપલા, ઢોકળાં, મનમોજીલા અને ખમીરવંતી માણસો- આ તમામ વસ્તુઓ જેની ઓળખ છે, એ છે “આપણું ગુજરાત”. આજે આપણાં ગુજરાતનાં 60માં સ્થાપના દિવસના અવસરે આવો જાણીએ ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ…


1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા.


ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું. અમદાવાદ ખાતે થયેલા આ આંદોલનમાં અમુક વિધાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો.

આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું. ઇન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્ય આ રીતે સ્થપાયા.


દર વર્ષે ગુજરાત દિવસની ઉજવણી રૂપે અવનવા કાર્યક્રમો યોજાતા હોય છે, જેમ કે- સાંસ્ક્રુતિક કાર્યક્રમો, સાહિત્ય સંબંધિત ગોષ્ઠીઓ, વિશ્વ અને ઇતિહાસલક્ષી પરિસંવાદ, લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં અવનવા કાર્યક્રમો થતાં હોય છે.


આવો આપણે પણ સૌ સહભાગી થઈ આપણાં રાજ્યને સફળતાના શિખરે કાયમ રહે તેવા સંપૂર્ણ પ્રયત્નો કરવાના પ્રણ લઈએ…

“ક્રુષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું…

હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું…

વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું…

હા… હું ગુજરાત છુ…!!!”


ગુજરાત સ્થાપના દિનની સૌ ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

જય જય ગરવી ગુજરાત…

Post a Comment

Previous Post Next Post