શિક્ષક કર્મ (માનવમનની ખેતી)

ઘણીવાર વર્ગખંડમાં જાઉં ત્યારે સામે રહેલી પચાસથી વધુ જીવંત આંખોને જોઉં અને થઇ આવે કે પ્રત્યેક આંખોનું કૂતુહલ છે, પ્રત્યેકના પ્રશ્ન અલગ છે, શું ચાલતું હશે એમના મનમાં? આજની એની સવાર કેવી હશે?

કોઇક ચહેરો શાંત, કોઇક અજંપાગ્રસ્ત, કોઇકની આંખોમાં ઉજાગરો, કોઇકની આંખોમાં આનંદ અને ક્યાંક પીડા.
આ સૌને એક કલાક મારે તો મારો વિષય ભણાવીને નીકળી જવાનું હોય છે, પણ મારે વર્ગમાંથી નીકળતી વખતે એક સંતોષ જોવો હોય છે દરેક આંખોમાં..!

કારણકે આ મારા વિદ્યાર્થીઓ છે, જીવતી ચેતના.
આ કોઇ મશીન નથી.
કઇ રીતે લેક્ચર શરુ કરું એવું થઇ આવે ત્યારે,
મનમાં ઉપનિષદનો મંત્ર ૐ સહનાવવતુ જપી લઉં છું,
અને
આંખ બંધ કરી મારા શિક્ષકોને યાદ કરી લઉં છું.

બહુ મોટી જવાબદારી હોય છે, અમારા શિક્ષકો પર.
ઇશ્વરે આપેલું સર્વશ્રેષ્ઠ કાર્ય એટલે શિક્ષણકાર્ય.

વેદ-આજ્ઞામાં માં-બાપ પછી આચાર્યને દેવ ગણવાની આજ્ઞા છે.

આ કાર્યમાં અદ્ભૂત સંતોષ મળે છે,
કેટલાય વિદ્યાર્થીઓ ફેમિલી મેમ્બર બની જાય છે,
અને તમે જેને સૌથી વધારે તતડાવ્યા હોય એ જ તમને જતા જતા કહી જાય કે સર, એ દિવસે જો તમે જવા દીધો હોત તો હજી અટવાતો જ હોત.

અભિમાનથી કહી શકીએ છીએ કે વિદ્યાર્થીને હાથો બનાવી મેલી રમતો રમતા નથી,
વિદ્યાર્થીને કસ્ટમર ગણી માપ-તોલના પ્રપંચ કરતા નથી,
અંગત સ્વાર્થ માટે ક્યારેય વિદ્યાર્થીનું અહિત કરતા નથી.

ગર્વ છે કે શિક્ષક છીએ
અને
અનેકગણો ગર્વ છે કે અમારા શિક્ષકો થકી આજે અમે અહીંયા છીએ.

હા,
અમે શિક્ષકો ખરેખર તો ખેડૂત છીએ,
અમે માનવમનની ખેતી કરીએ છીએ..!

Post a Comment

Previous Post Next Post