આત્મવિશ્વાસને અડગ રાખવાના સાત ઉપાયો કયા?

એક જ દે ચિનગારી - ગુજરાત સમાચાર

✒લેખક: શશિન્

- 'કોઈપણ નવજવાનના જીવન ઇતિહાસમાં સૌથી ખરાબ સમય એ છે, જ્યારે તે એ વાતના અભ્યાસમાં પરોવાય કે જાતે રૂપિઆ કમાયા સિવાય અન્ય કઇ-કઇ રીતે રૂપિઆ મેળવી શકાય ?'

નાનકડી નદીને એક કાંઠે ઉભેલા માણસે મેગાફોન દ્વારા સામે કિનારે ઉભેલા માણસને પૂછ્યું ઃ 'તમે કેટલા ઊંડા પાણીમાંથી પસાર થયા ? પાણીની નીચે ખાડા-ટેકરા હતા ? તમને જળચર પ્રાણીનો ભય સતાવતો હતો ? ડૂબવાની આશંકા હતી ? તમારા જવાબ સાંભળ્યા બાદ હું નદીમાં ઝંપલાવીશ.'

પેલા માણસે સામે કિનારેથી જવાબ આપ્યો ઃ 'તમે નદીમાં ઝંપલાવી નહીં શકો. પ્રશ્નો તમારી સક્રિયતાને રોકે છે. તમારામાં આત્મવિશ્વાસ નથી. બહેતર છે કે તમે ઘેર જઇને રજાઈ ઓઢીને સૂઈ જાઓ. આત્મવિશ્વાસ વગરના માણસને હંમેશાં કાયરતાની ટાઢ ચઢતી હોય છે. અંદરથી ખાલી માણસો માત્ર મનમાં શંકા કુશંકાની ઝાડી ઉગાડે છે. આત્મવિશ્વાસ શૂન્ય માણસોની સારવાર માટે હજી કોઈ ઇસ્પિતાલ શોધાઈ નથી.'

આત્મવિશ્વાસ પ્રગતિ અને સફળતા માટેનું ટોનિક છે. ડર એ માણસે પોતાની જાત પર જાતે લાદેલો કર છે, જે અંતે નિષ્ફળતાનું વૉરન્ટ બજાવી નાસીપાસ કરી મૂકે છે.

'સદાય સક્રિય રહીશ' એ જીવનમંત્ર આશાન્વિત રહેવાની ચાવી છે. દુઃખમાં પણ સક્રિય, સુખમાં પણ સક્રિય, જયમાં પણ સક્રિય અને પરાજય ખંખેરી નાખવામાં પણ સક્રિય. બર્નાડ શો એટલે જ કહેતા કે તમે જે કાંઈ ઇચ્છો તે પ્રાપ્ત કરવા માટે સતત વિચારતા રહો, નહીં તો તમારે લાચાર બનીને એવી પસંદગીના શરણાગત બનવું પડશે, જે તમે નહોતું ઇચ્છ્યું. માણસની કરુણતા એ છે કે એ બીજી બધી જ બાબતો કે માણસો પર વિશ્વાસ રાખે છે પણ પોતાની જાત પર વિશ્વાસ નથી રાખતો.

એક માણસને પૂછવામાં આવ્યું કે તમે કયો બિઝનેસ કરવા ઇચ્છો છો ? એણે વળતો જવાબ આપ્યો કે ત્રણ-ચાર જગાએ લાઈસન્સ માટે અરજી કરી છે. જ્યાંથી મંજૂરી મળે તે ધંધો કરીશ.' આવો ડગુમગુ આત્મવિશ્વાસ ધરાવતો માણસ કોઈ પણ ધંધામાં સફળ થશે નહીં. જેનામાં અખૂટ આત્મવિશ્વાસ એ જ સાચો પરાક્રમી, જેનામાં અખૂટ આત્મવિશ્વાસ હોય એને દેવતાઓ પણ પરાજિત કરી શક્તા નથી.

આત્મવિશ્વાસથી મોટું કોઈ એમ્પલોયમેન્ટ એક્સચેઇન્જ સેન્ટર નથી, જે તમને ક્યારેય બેરોજગાર રહેવા નહીં દે. હું ધારું તે કાર્ય કરી શકું છું, એવી પ્રબળ ધારણા જ માણસને ઉત્કર્ષનાં દ્વાર ખોલી આપે છે. આપણે ઇશ્વરને શોધીએ છીએ, પરંતુ ઇશ્વર એવા માણસોને શોધે છે, જેણે આત્મવિશ્વાસને દેવતા માની પોતાનાં હૃદય મંદિરમાં સ્થાપિત કર્યો છે. માણસ લોકોની નજરમાં શ્રેષ્ઠ ઠરવા જેટલી મહેનત કરે છે એનાથી ચોથા ભાગની મહેનત પોતાની જ નજરમાં શ્રેષ્ઠ ઠરવા કરે તો જીવનનો આખો નકશો બદલાઈ જાય ! સકારાત્મક આશાઓ આત્માનો ખોરાક છે.

માણસે પોતાની જાતને સુસંસ્કૃત બનાવવાની પ્રાથમિક આવશ્યક્તા છે. સુસંસ્કૃત માનસ કેવું હોય ? એની વાણી-વર્તનમાં મધુરતા હોય, એના દ્રષ્ટિકોણમાં સમજદારી હોય, એનામાં આત્મસંયમ હોય, વિવેકપૂર્ણ બુદ્ધિમત્તા હોય, હિંમત હોય, આત્મવિશ્વાસનું રસાયણ હોય. હોરેસ ગ્રીટીએ નવજવાનોને પ્રેરક સંદેશો આપતાં કહ્યું છે કે કોઈપણ નવજવાનના જીવનઇતિહાસમાં સૌથી ખરાબ સમય એ છે, જ્યારે તે એ વાતના અભ્યાસમાં પરોવાય કે જાતે રૂપિયા કમાયા સિવાય અન્ય કઇ-કઇ રીતે રૂપિયા મેળવી શકાય ?

રસ્તાની દિશાની જાણકારી મેળવવા માટે હોકાયંત્ર કે નકશો ન હોય તો આત્મવિશ્વાસ વગરના માણસો આગળ વધવાનું માંડી વાળશે. તમારો આત્મવિશ્વાસ સુદ્રઢ હશે તો કુદરત પણ તમને રસ્તો ચીંધવા તૈયાર રહેશે. કહેવાય છે કે એક એવી જાતનું ફૂલ જોવા મળે છે, જે હંમેશાં એક જ દિશા તરફ વળેલું રહે છે. જો કોઈ મુસાફર માટે દિશા જાણવાનાં હાથવગાં સાધનો ન હોય તો ઉત્તર દિશા તરફ નમેલું આ ફૂલ તેને માટે દિશા સૂચક યંત્ર બની શકે છે. આત્મવિશ્વાસ ધરાવતો માણસ કાં તો દિશા શોધી કાઢશે અથવા તો સાચી દિશાનો અણસાર જાતે પારખી લેશે.

પોતાના કાર્યમાં શ્રધ્ધા અને વિશ્વાસ આત્મબળની અખૂટ મૂડી છે. ભૂતકાળનાં રોદણાં રડનાર માણસ કદાપિ અડગ આત્મવિશ્વાસ કેળવી શક્તો નથી. ભવિષ્યમાં નિષ્ફળતા મળશે, એવો શંકાગ્રસ્ત માણસ પણ જીવન સંગ્રામમાં મજબૂત પગે ઊભો રહી શક્તો નથી.પણ જે પોતાના વર્તમાનને આત્મવિશ્વાસના સાધનોથી સજ્જ રાખે છે, તે માણસ કદી પીછેહઠ કરતો નથી ! બીજાને વશ કરવા ઇચ્છનાર માણસે સહુથી પહેલાં પોતાની જાતને વશ કરતાં શીખવું જરૂરી બને છે.

જો તમે તમારી જાત પર વિશ્વાસ ન ધરાવો તો દુનિયાનાં લોકો તમારામાં વિશ્વાસ ધરાવશે, એવું સ્વપ્નમાં પણ કેવી રીતે વિચારી શકો ? મનમાં તરંગોને તોફાન સર્જાતા રહેવાના. અનુચિત ઇચ્છાઓ સર્પની જેમ ફૂંફાડા મારતી રહેવાની, નકારાત્મક વિચારોને જેટલા અંશે તમે દાબી શકશો, આત્મવિશ્વાસની ખુશબો તેટલા અંશે પ્રસરિત રહેવાની. ચિત્ત એ ચિંતામણિ છે, જો તમે એની શુધ્ધતા અને પવિત્રતા સુરક્ષિત રાખી શકો તો. ઇકબાલે એક સરસ વાત કરી છે - આત્મસંશોધન વિશે.

'ઢૂંઢતા ફિરતા હૂં

ઐ ઇકબાલ અપને-આપકો.

આપ હી ગોયા મુસાફિર,

આપ હી મંઝિલ હૂં મૈં'

આત્મવિશ્વાસ અહંકારી બનવાનું શીખવે તો માણસ પરાજયની ખીણમાં હડસેલાઈ જાત. મહાત્મા ગાંધીજી આત્મવિશ્વાસનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આત્મવિશ્વાસ રાવણના જેવો ન હોવો જોઇએ, જે એમ માનતો હતો કે મારી બરાબરીનુંકોઈ છે જ નહીં. આત્મવિશ્વાસ હોવો જોઇએ વિભીષણ જેવો, પ્રહલ્લાદ જેવો. એમના હૃદયમાં એવો ભાવ હતો કે અમે ભલે સબળ ન હોઇએ, પણ ઇશ્વર અમારી સાથે છે અને તે કારણે અમારી શક્તિ અનંત છે.

પોતાની જાતની ઇજ્જત કરવામાં જે આનંદ છે, તે પારકાંઓ તમારી પ્રશંસા કરે તેના કરતાં અનેક ગણો વધારે છે. પ્રશંસા આત્મવિશ્વાસના દીપકના પ્રકાશને ઝાંખો પાડી દેતી હોય છે.

આત્મવિશ્વાસ સંપન્ન માણસ લાચાર રહેવાને બદલે વિઘ્નો વચ્ચે પણ સફળતાની કેડી કેવી રીતે કંડારી શકે એ સંદર્ભે લંડનના એક માણસનું દ્રષ્ટાન્ત વાંચવા મળ્યું. તે માણસના હાથપગ બન્ને ભાંગી ગયા હતા, પરંતુ તે પોતાના મુખ વડે એવી સરસ રીતે લખતો અને બીજાં કામો કરતો, તેને કારણે તે પોતાના નિર્વાહ કરવાને શક્તિમાન થયો હતો. તે કાગળો લઇ તે વિખૂટા ન પડી જાય એ માટે મોંથી ટાંકણી લગાવતો. ત્યાર પછી મોંથી કલમ પકડી તે લખતો અને લખેલી પંક્તિઓને કલાત્મક રીતે શણગારતો ત્યારબાદ કલમ મોંમાંથી દૂર કરી મુખ વડે જ સોય દોરો લઇને સોયને પરોવતો અને ટાંકા દ્વારા કાગળોને સિવી લેતો. આ તેનો અસમાન્ય પુરુષાર્થ હતો. આત્મવિશ્વાસને અડગ રાખવાના સાત ઉપાયો કયા ?

૧.  સદાય ભયમુક્ત રહો. ડરનો શિકાર ન બનો.

૨.  શંકાયુક્ત રહેવાને બદલે શ્રદ્ધાયુક્ત રહો અને હારના વિચારને જંગલી જાનવર માની તમારા મનપ્રદેશમાંથી હાંકી કાઢો.

૩. જીવનમાં સદાય સક્રિય રહો. પરાજય વખતે પણ જીત પ્રત્યે અશ્રધ્ધાળુ ન બનશો.

૪. હું મારો ભાગ્યવિધાતા બનવા જ સર્જાયો છું, એવી ખુમારી ટકાવી રાખો.

૫. વિપરીત પરિસ્થિતિમાં પણ તમારા જોશને નબળો પડવા દેશો નહીં.

૬. અહંકાર અને પ્રશંસાથી અળગા રહો.

૭. પોતાની જાતનું અવમૂલ્યન ન કરો, પણ હું ઇશ્વરનો વરેણ્ય પુત્ર છું, એટલે સંકટ મને હરાવી શકશે નહીં, એવી આત્મશ્રધ્ધા ટકાવી રાખો.


Source:- https://www.gujaratsamachar.com/
-----------------------------------
ટીમ
✍🏼
*Limited 10 પોસ્ટ* વતી
શ્યામ કારિયા.

(આ પોસ્ટ *કોપી રાઈટ* આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[70 ગ્રુપ, 16000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર *માતૃભાષાના પ્રસાર-પ્રચાર* માટે ધબકતું, મારુ *Limited 10 પોસ્ટ*, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

*

Post a Comment

Previous Post Next Post