Friday, April 30, 2021

કોરોના કાળમાં ઉઠેલી વેદના

#JKSAI
વર્ષોથી અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરે છે કે, માણસની પ્રાથમિક જરૂરીયાતો કઈ કઈ છે ? રોટી , કપડાં, મકાન. કોઈકે નવું ઉમેર્યું. મોબાઈલ અને નેટ. જૈન ધર્મગ્રંથોએ સાચી વાત કરી છે- માણસની સૌથી પ્રાથમિક-પાયાની જરૂરિયાત પુરૂષો માટે ૩૬ કોળિયા અને સ્ત્રીઓ માટે ૨૮ કોળિયા પૌષ્ટિક આહાર। આ સિવાયની બાકીની જરૂરીયાતો એ માણસે પોતાનાં જીવનની સગવડતા માટે ઊભું કરેલું તિકડમ છે। ઉદાહરણ તરીકે- કપડાં એ માણસની પાયાની જરૂરિયાત છે ? શું એક પુરૂષ ગંજી અને જાંગિયા વગર ન જીવી શકે ? શું એક સ્ત્રીનો બ્રા અને નિકર વગર શ્વાસ રૂંધાવા લાગે ? કપડાની જરૂરિયાત છે એની ના નથી। શરીર તંદુરસ્ત નહીં હોય તો રેમન્ડના કપડાં કે બનારસી સાડી તમારાં સુખમાં ૦.૦૦૦૧ % નો પણ વધારો કરી શકશે નહીં।

જેનાં શરીરમાં રોગ છે અને જેનાં ઘરમાં શાંતિ નથી એના જેવો દુ:ખી આ સંસારમાં કોઈ નથી। શરીરને બહારથી સજાવ્યું અને અંદરથી ખોખલું બનાવી નાંખ્યું। ઊધઈ ખાઈ ગયેલ હોય એવા ફર્નિચરને ઉપરથી ચકાચક સનમાઈકાથી સજાવ્યું હોય એમ લાગે છે। મેં એવું સાંભળ્યું છે કે, રોમન સામ્રાજ્યમાં અપંગ કે નબળું શરીર ધરાવતું બાળક જન્મે તો તેને મારી નાંખવામાં આવતું। જેનું શરીર નબળું હોય તે આગળ જતા કુટુંબ, સમાજ અને દેશ માટે ભારરૂપ બને છે એવી એમની માન્યતા હતી।

મહિને ૪૦૦ રૂપિયાનું નેટ વાપરીએ, “જુબાં કેસરી” કરવા માસિક ૧૦૦૦ ખર્ચી નાંખીએ, મહિને “RC” પાછળ ૩૦૦૦/૪૦૦૦ વહાવી દઈએ પણ શરીર સુદ્ર્ઢ થાય એ માટે શું કર્યું ? આપણા શરીરનું આપણે જ નખખોદ વાળીએ છીએ। જ્યારે રોગચાળો કે મહામારી ફાટી નીકળે ત્યારે ઘેરઘેર ડોક્ટરો ફૂટી નીકળે છે। તો ભાઈ આડે દા’ડે ક્યાં ગુડાણા’તા ? લાઈટ જાય ત્યારે જ મીણબત્તી શોધવી એ આપણો જન્મજાત ગુણ છે। પંચર પડે ત્યારે જ ખબર પડે કે સ્પેર વ્હીલમાં હવા નથી।

જાણો છો આજની પરિસ્થિતિ પાછળનું એક કારણ ? જે ઘરોમાં ૧૩૫ ના મસાલા ખવાય છે તે ઘરોમાં ચ્યવનપ્રાશ ખવાતું નથી। જેટલા બ્રાંડેડ પીણાં પીવાય છે એટલાં છાસ-દૂધ કે લસ્સી પીવાતા નથી। આખા પરિવારના કપડાના ખર્ચની સામે તેનાથી ચોથા ભાગની રકમમાં મેડિકલ પોલિસી આવી જાય પણ લેવાતી નથી। હોટલોમાં ઊભરાતી એ જ ભીડ એક દિવસ તમને હોસ્પિટલોની બહાર જોવા મળે છે।

દેહની પીડા અને દેહના વિલયથી બચવાનો એક જ રસ્તો છે, દેહને સાચવો। તમારો દેહ સચવાયેલો હશે તો તમે કોઈકને મદદરૂપ બની શકશો। આપણી સાચી જરૂરીયાતો એટલી ઓછી છે કે આ દુનિયામાં કોઈ ગરીબ ન રહે, આપણી ઊભી કરેલી જરૂરીયાતો એટલી બધી છે કે દુનિયાની ચોથા ભાગની વસ્તી ગરીબ બની ગઈ છે !!!

J. K. SAI