Saturday, May 1, 2021

દોઢ વાંક વગર ગુનો ન સંભવે

વેલી એમોસ નામના વિશ્વપ્રસિદ્ધ બિસ્કિટ ઉત્પાદકે મૂલ્યવાન વાત કરી હતી- દિમાગનું પેરેશૂટ જેવુ છે. ઉઘાડું હોય તો જ તેની પાસે કામ લઈ શકાય.ચાલો, આપણે દિમાગને ઉઘાડીએ.

વિશ્વમાં 64 જુદી જુદી રામાયણ છે. દરેકમાં સીતા અપહરણની ઘટના વર્ણવવામાં આવી છે. શું સીતાહરણ ક્રાઈમમાં માત્ર રાવણ જ દોષી હતો ? સીતામાતા પૂજનીય છે એટલે આપણે તેમને દોષિત ગણતા નથી. બાકી સાચું ઇન્વેસ્ટિગેશન કરો તો આ ગુનામાં એક વાંક રાવણનો અને અડધો વાંક સીતાનો હતો. લક્ષ્મણ રેખાનું પાલન કર્યું હોત તો ગુનો સર્જાવા માટેનો દોઢ વાંક ભેગો ન થાત....

જ્યારે જ્યારે ગુનો બને છે ત્યારે ત્યારે દોઢ વાંક જોવા મળે છે. ઘરનાં કજિયા કંકાશથી માંડીને વિશ્વયુદ્ધ લગી નજર ફેરવી લો દોઢ વાંક વગર એ શક્ય જ નથી. કપાસનું જીન અને ગંધકની ફેકટરી અડોઅડ હશે ત્યાં એક દિવસ તો આગના સમાચાર મળશે જ મળશે.

ગુનો કરવા ઓછામાં ઓછાં બે માણસો તો જોઈએ. એક ગુનાથી પ્રભાવિત થનાર અને એક ગુનો આચરનાર. ક્રિયા સામે પ્રતિક્રિયા અને એક્શન સામે રિ-એક્શન હોય જ. કોઈ રસ્તે ચાલતા માણસ પર ક્યારેય ગુસ્સો આવતો નથી. કેમકે તે આપણી સામે કોઈ ક્રિયા કરતો નથી, પણ જેવો એ ગાળ બોલે કે તરત પ્રતિક્રિયા થાય. અહી દોઢ વાંક ઉત્પન્ન થયો. હોકાયંત્રની સોય જ્યાં સુધી સ્થિર થતી નથી ત્યાં સુધી હોકાયંત્ર સાચી દિશા બતાવતું નથી. પેલો ગાળ બોલ્યો એની સાથે હોકાયંત્રની સોય ધ્રૂજવા માંડે છે, સ્થિર થાય ત્યાં સુધી ક્રાઈમ સર્જાઈ ચૂક્યો હોય છે.

વૃદ્ધાશ્રમમાં એક વડીલને લાગણીથી પૂછવામાં આવ્યું કે, “તમારો સગો દીકરો તમને અહી મૂકી ગયો એમાં તમને ક્યાક તમારો વાંક હોય એમ લાગે છે ?” ત્યારે એ વડીલે આંખમાં આંસૂ સાથે સ્વીકાર્યું કે, “ભાઈ, મેં ભલે મારાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં નહતા મૂક્યા પણ મેં અને મારી પત્નીએ એમને રંજાડવામાં કશું જ બાકી રાખ્યું ન હતું. અમે બંનેએ અમારા સંતાનોની દેખતાં એમની ઉપર કેટલીય વાર હાથ પણ ઉપાડયા હતાં. બસ, તમે જ નક્કી કરો કે અમારા અહી આવવા પાછળ કોનો અડધો અને કોનો આખો વાંક છે ?” સમજાયું.....દોઢ વાંક વગર ગુનો બનતો નથી.

#JKSAI