મહાન સંત શ્રી બાબા નીમ કરોલીનું નામ સંતપ્રેમીઓમાં ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. જેમકે વૈશ્વિક પ્રતિભા સ્ટીવ જોબ્સ (એપલ), માર્ક ઝુકરબર્ગ (ફેઈસ બુક), લેરી પેઈજ (ગુગલ), જેફરી સ્કોલ (ઇબે), લેરી બ્રિલિએન્ટ (સ્મોલ પોક્ષ ),ઓસ્કાર એવોર્ડ વિજેતા જુલીયા રોબર્ટ્સ વગેરે એટલે યાદ આવે કેમ કે આમના બધાનાં જીવનમાં ક્યાયને ક્યાય નિમકરોલી બાબાનું માર્ગદર્શન હોવાનું તે સૌ જાહેરમાં કહી ચુક્યા છે અને કૈચીધામની મુલાકાત પણ લઈ ચુક્યા છે. હાર્વર્ડ યુનિવર્સીટીના પ્રોફેસર રિચાર્ડ આલ્પર્ટ તો પોતાની અમેરિકન કારકિર્દી અને સંપત્તિ વગેરે બધું છોડીને નિમકરોલી બાબાનાં શિષ્ય તરીકે સન્યાસી સ્વામી રામદાસ નામે જીવન ગુજારીને Be Here And Now નામે આધ્યાત્મિક માર્ગદર્શન આપતું પુસ્તક પણ લખી ચુક્યા છે.
બાબા નીમ કરોલીની આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ મોરબી પાસેના વવાણિયાથી થયો હતો.
નિમકરોલી બાબાનો ગુજરાત અને સ્પેશિફિકલી મોરબી સાથેનો નાતો પણ યાદ કરી લઈએ. બાળપણમાં ઘર છોડીને આ બાબા લક્ષ્મણદાસ ( નિમકરોલી નામથી તો પછી ખ્યાત થયા ) સૌ પ્રથમ વવાણીયા જે શ્રીમદ રાજચંદ્રની જન્મભૂમિ અને રામબાઈમાની કર્મભૂમિ છે. ત્યાં આવેલા અને ત્યાં તળાવની પાળે એક હનુમાન દેરીમાં રહીને પ્રારંભિક સાધના ઇ.સ. 1910-1917 કરેલી. તળાવના પાણીમાં બેસીને સાધના કરતાં હોવાને લીધે તેઓ અહીં તૈલિયા બાબા તરીકે ઓળખાતા. પછીથી વવાણીયા છોડીને એમની ચેતનાનો પ્રભાવ વૈશ્વિક બન્યો. આજે પણ વવાણીયા ગામનાં પ્રવેશદ્વાર પાસે તળાવનાં કાંઠે એ હનુમાન મંદિર ઉભું છે.
બાબા નીમ કરોલી માત્ર ૧૧ વર્ષની વયે ગૃહત્યાગ કરી ફરતાં ફરતાં ગુજરાત-સૌરાષ્ટ્ર આવી ગયા હતા. ત્યારે તેઓએ વવાણિયામાં રામબાઈમાની આ જ જગ્યામાં આશ્રય લીધેલો અને બાજુના તળાવની પાળે બેસીને તેઓ ભજન કરતા. ત્યાં તળાવને કાંઠે તેમણે દક્ષિણાભિમુખ હનુમાનજીની સ્થાપના પણ કરેલી.
બાબા નીમ કરોલીનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના અકબરપુર ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ લક્ષ્મી નારાયણ હતું. પૂર્વાશ્રમમાં તેઓ બ્રાહ્મણ હતા. ગૃહ ત્યાગ કરીને તેઓએ લક્ષ્મણદાસ કરીને કોઈ સાધુ પાસેથી વૈષ્ણવ વૈરાગી પંથની દીક્ષા લીધી અને સાવ નાની વયે સાધુ બન્યા. તેઓ સાત વર્ષ સુધી ગુજરાતમાં રહ્યા. એ સમયગાળામાં તેમની જટા અત્યંત લાંબી થઈ ગઈ હતી. બાબાજી મુંજનો કંદોરો બાંધતા અને માથે લંગોટ પહેરતા તેમજ હાથમાં કમંડળ રાખતા.
વવાણીયા ગામમાં તેમના દ્વારા સ્થાપિત હનુમાન મંદિર પરિસરમાં ભક્તો દ્વારા આશ્રમ બનાવવામાં આવેલ છે. જે સંકટ મોચન આશ્રમ તરીકે ઓળખાય છે. નિમકરોલી બાબાની તપોભૂમિ ખૂબ જ વિશાળ પરિસર અને કુદરતના ખોળે આવેલું આ સ્થળ જ્યાં બાબાએ પોતાના હાથે સ્થાપના કરેલી એ હનુમાનજીની મૂર્તિ અહીં આજે પણ છે.
નિમકરોલી બાબા, ભારતના એક પરમ વંદનીય સંત, બાબાના આશ્રમ અને જગ્યાઓ ભારતભરમાં અનેક જગ્યાએ છે પરંતુ અહીં ગુજરાતમાં આ એકમાત્ર આશ્રમ વવાણિયા ખાતે આવેલો છે. જે સંકટમોચન હનુમાન મંદિર કહેવાય છે. બાબા અને વવાણિયાનો મહત્વપૂર્ણ નાતો રહ્યો છે. કહેવાય છે કે બાબાએ તેના જીવનના ૧૦ વર્ષથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીનો ગાળો અહીં પસાર કર્યો હતો. આ સ્થળ પર લગભગ આઠેક વર્ષ તપસ્યા અને સાધના કરી અને અહીં અંજની તળાવમાં જ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. હનુમાનજીનો સાક્ષાત્કાર થયો. અહીં એ તળાવમાં અને વૃક્ષ નીચે બેસીને તપ કરતા તેથી તેઓ તલાવીયા બાબા કે તેલૈયા બાબા તરીકે ઓળખાતા. લોકવાયકા એવી પણ છે કે સંત રામબાઈના ગુરુ રામદાસે તેમને દીક્ષા આપી હતી. મંદિર નીમ કરોલી બાબા હનુમાનજીના પરમ ભક્ત હતા અને એવું પણ કહેવાય છે કે તેઓ હનુમાનજીના અવતાર છે.
મંદિરમાં નિમકરોલી બાબાએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. જે આજે પણ વિદ્યામાન છે. હાલમાં આ જગ્યાએ હનુમાનજીનું એક ભવ્ય મંદિર, બાબા નીમકરોલીની દિવ્ય મૂર્તિ વાળું મંદિર, ધ્યાન કક્ષ આવેલા છે. તેમજ તળાવ પરિસરને સારી રીતે વિકસિત કરવામાં આવ્યું છે અને સાથે સાથે સુંદર બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓ અને વહીવટ કર્તા વ્યક્તિ સૌ પ્રચારથી દૂર રહેવા માંગે છે. અહીંનો એ નિયમ છે કે અહીં દાન કરનારને પાકી રિસીપ્ટ આપવામાં આવશે પણ કોઈના નામની તકતી અહીં લગાડવામાં નહીં આવે. ફક્ત શુદ્ધ ભક્તિના હેતુએ આ સ્થળને ચાર વર્ષ પહેલા નવનિર્મિત કરવામાં આવ્યું. અને ડિસે. ૨૦૨૨ના રોજ હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરના બે ટ્રસ્ટી કેચીધામ, એક દિલ્હી સ્થિત છે અને ત્રણ ટ્રસ્ટી લોકલ છે. મંદિરમાં સવારના સાડા છ થી સાંજે આઠ વાગ્યા સુધી પ્રવેશ મળી શકે છે. ત્યારબાદ કોઈપણ સંજોગોમાં અહીં પ્રવેશ મનાઈ છે. મંદીરમાં હનુમાન જયંતિ, રામનવમી, તુલસીદાસ જયંતી વગેરે ઉત્સવો ઉજવાય છે. ખૂબ જ ભવ્ય અને પરમ શાંતિની અનુભૂતિ કરાવતું આ પરિસરમાં જાણે કે બાબા નિમકરોલીની ચેતના અહીં સાક્ષાત છે એવું આપને પ્રતિત થશે.
ગુજરાતમાં મહત્વનો સમય વીતાવી બાબા તીર્થ સ્થળોએ નીકળી પડ્યા અને ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના નીમ કરોલી ગામે આવ્યા. ગામ લોકો બાબાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમને અહીં જ રોકાઈ જવા વિનંતી કરી. બાબાએ ગ્રામજનોની વિનંતીનો સ્વીકાર કર્યો. તેમણે અહીં ગુફાનું નિર્માણ કરાવ્યું અને એમાં રહીને સાધના કરી. બાબા આખો દિવસ ગુફામાં જ રહેતા અને રાત્રે અંધારું થતાં બહાર આવતા. કાળક્રમે આ ગુફા નષ્ટ થઈ જતાં ગામ લોકોએ ત્યાંથી થોડે જ દૂર બીજી ગુફા બનાવી. બાબાએ આ ગુફા પર હનુમાનજી મહારાજનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સમયે બાબાએ પોતાની જટા ઊતરાવી નાખી અને પછી તેઓ એક જ ધોતી પહેરતા અને ઓઢતા. નીમ કરોલી ગામમાં બાબા અઢાર વર્ષ રહ્યા. અહીંથી જ તેઓ 'બાબા નીમ કરોલી' એવું નામાભિધાન પામ્યા. ગામમાં બ્રાહ્મણો સાથે મતભેદ થવાથી બાબાએ છેવટે નીમ કરોલી ગામ છોડી દીધું અને ઈ.સ. ૧૯૩૫માં તેઓ ફતેહગઢમાં ગંગા કિનારે આવેલા કિલાઘાટ પર રહેવા ગયા. ત્યાં તેઓ થોડો સમય રહ્યા તે પછી તીર્થાટનમાં નીકળી ગયા. બાબાએ પૂરા ઉત્તર ભારતમાં પરિભ્રમણ કર્યું અને ઠેક ઠેકાણે આશ્રમો અને હનુમાનજીના મંદિરોની સ્થાપના કરી. ભૂમિયાધાર, કૈંચી, કાકડીઘાટ, કાનપુર, સિમલા, લખનૌ, વૃંદાવન, દિલ્હી આદિ નગરોમાં બાબાના નોંધપાત્ર આશ્રમો આવેલા છે. બાબાજી પોતાની પાસે એક માટીની તૂટેલી ઠીબ રાખતા. આ ઠીબમાં જ તેઓ ખાતાં, પીતાં અને તેને માથે પણ ઓઢતા. આ કારણે તેઓ ત્યાં 'હાંડીવાલે બાબા' તરીકે ઓળખાતા
બાબાજી તેની ઉત્તરાવસ્થામાં અંતિમ સમય એટલે કે તા. ૦૯-૦૯-૧૯૭૨ સુધી કૈંચી ગામમાં રહ્યા. બાબા પોતે અગાઉથી જાણી ગયા હતા કે હવે જવાનો સમય પાકી ગયો છે તેથી તેઓએ આ અંગેના સંકેતો તેમના સેવકોને આપી દીધેલા. છેલ્લે છેલ્લે તેઓ પોતાના થોડા સેવકો સાથે આગ્રા થઈને મથુરા જવા નીકળ્યા. મથુરા રેલવે સ્ટેશનમાં જ બાબાની તબિયત લથડી ગઈ. ત્યાંથી ટેક્ષી કરી બાબાને વૃંદાવનમાં રામકૃષ્ણ મિશનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બાબાને અહીં પ્રાણવાયુ પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેઓએ પોતાની જાતે આ પ્રાણવાયુની નળી દૂર કરી તા. ૧૧-૦૯-૧૯૭૨ને અનંત ચતુર્દશીના દિવસે રાત્રે સવા વાગ્યે સ્વેચ્છાએ પોતાનો દેહ ત્યાગ વહોરી લીધો. આ પછી બાબાને હનુમાન મંદિરમાં લઈ જવામાં આવ્યા અને તેમના પાર્થિવ શરીરને હીમની પાટ પર રાખવામાં આવ્યું. સાંજે બાબાની પાલખી યાત્રા કાઢવામાં આવી અને રાત્રે નવ વાગ્યે ધાર્મિક વિધિવિધાનથી તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા. બાબાની ચિતા છ કલાક સુધી જલતી રહી ! બાબાનાં થોડાં અસ્થિફૂલો એકઠાં કરીને તેમને યમુનાજીમાં વિસર્જિત કરવામાં આવ્યાં અને અન્ય થોડાં ફૂલો વડે બાબાની સમાધિની સ્થાપના કરવામાં આવી. તા. ૨૨-૦૯-૧૯૭૭ના દિવસે બાબાનો ભંડારો રાખવામાં આવ્યો.
સંકલન (વિવિધ લેખોના વાંચનમાંથી)
- ઘનશ્યામભાઈ ડાંગર (પુસ્તકમિત્ર)ના લેખનું વાંચન
- ખાસ ખબર સાંધ્ય દૈનિકના હિમાદ્રીબેન આચાર્યના અહેવાલનું વાંચન.
- ડૉ. જીત જોબનપુત્રા ના લેખ વવાણિયાથી વૃંદાવનનું વાંચન.