આદિ અનાદિથી ગળથૂથીમાં સિંચાયેલું એ મહાકાવ્ય એટલે મહાભારત. શૌર્ય, કપટ, પ્રેમ, કરુણા, સત્યનિષ્ઠા, ધૂર્તતા, લંપટાઇ અને લોભ જેવા પ્રત્યેક માનવીય ગુણોમાં શિરમોર કહી શકાય તેવા પાત્રોનું આ કાવ્યમાં આલેખન છે. ધર્મ અને અધર્મની પરિભાષા સ્પષ્ટ કરતા આ સર્જનમાં ભગવાન શ્રીકૃષ્ણ પછી સર્વોચ્ચ સ્થાને સન્માનીય પાત્ર એટલે પિતામહ ભીષ્મ. મહાપરાક્રમી રાજા શાંતનુ અને પુણ્યસલીલા મા ગંગાનો આ પુત્ર દેવવ્રત. વચનભંગના તર્ક સાથે ગંગાજીનું શાંતનુને છોડી જવું, સમયાંતરે શાંતનુને સત્યવતી નામની મત્સ્યગંધા સાથે પ્રેમનું થવું, મત્સ્યગંધાના પિતા હરિદાર કેવટ દ્વારા ભવિષ્યના વારસાને સુરક્ષિત કરતા આકરા વચનનું માંગવું અને પિતા શાંતનુના પ્રેમમાં પુત્ર દેવવ્રત દ્વારા આજીવન બ્રહ્મચર્યની ભીષણ પ્રતિજ્ઞાનું લેવું આ બધી વાત લખવા માટે આજે સમય નથી.
મુદ્દો અહીં જે ઊડીને આંખે વળગતો હતો તે એટલો જ કે અખંડ બ્રહ્મચર્ય જેની જીવનસાધના રહી તે ભીષ્મએ ૫૬ દિવસ સુધી બાણશૈયા પર સૂવાનું અસહ્ય કષ્ટ કેમ વેઠવું પડ્યું? હસ્તિનાપુરની વફાદારી શબ્દ આજના જાહેર જીવનમાં આમ તો સાવ અછૂત છે. સત્તાની લાલસાએ થતા રાજકીય નાતરાંઓ વિશે અગાઉ લખાઇ ચૂક્યું છે તેનો વિશેષ ઉલ્લેખ કરવો નથી. એક વાત નિર્વિવાદ છે કે આજની રાજનીતિમાં વફાદારી શબ્દ સાથે કોઇને દૂર દૂર સુધી લેવાદેવા નથી. જેને લેવાદેવા છે તેઓ દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતા નથી...
ફરી ભીષ્મના મુદ્દા પર આવીએ તો, તેઓ હસ્તિનાપુરને વફાદારીના વચનથી આબદ્ધ હતા. કૌરવો દ્વારા પાંડવો વિરુદ્ધ થતા રહેલા અગણિત ષડયંત્રો સામે ભીષ્મનું મૌન તેમની આ વફાદારીના લૂલા બચાવથી શણગારાયેલું છે. વિદ્વાનોના મતે ભર્યા દરબારમાં દુશાસને કરેલા દ્રોપદીના વસ્ત્રાહરણને જોવાનું પાપ ભીષ્મની જ બાણશૈયાના પ્રાણિતનું મુખ્ય પ્રેરક હતું.
સાભાર :- સંદેશ દૈનિક વર્તમાન પત્ર