આવનારાં વર્ષોમાં રસપ્રદ વાતચીત કરવાની કળા ખૂબ જ ડિમાન્ડમાં રહેશે, તે પ્રોફેશનલ કરિયર ઓપ્શન પણ બનશે!
લેખક: ડૉ. અંજુ શાઝો
મોટા ભાગનાં વાલીઓ અને શિક્ષકો એક આંધળી દોડમાં છે કે તેઓ બાળકને આ ઉનાળામાં કંઇક તો શીખવાડીને જ ઝંપશે! આર્ટ કલાસથી લઇને કોડિંગ સુધી કે પછી સ્વિમિંગથી લઈને ડાન્સિંગ સુધી બધા જ જાણે પોતાના બાળકને આમાં જોડાવા માટે એક રેસમાં છે!
સ્કિલ (કૌશલ) અને આર્ટ (કલા) વચ્ચેનો તફાવત સમજીએ
સ્કિલ એક એવી વસ્તુ છે જે આપણે ટેક્નિકલી શીખી શકીએ છીએ; જ્યારે આર્ટને કેળવવી પડે છે અને તે એક પ્રકારનું હુનર છે. શું તમે જાણો છો કે આવનારાં વર્ષોમાં કઈ આર્ટ ખૂબ જ ડિમાન્ડમાં રહેવાની છે? એ છે રસપ્રદ વાતચીત કરવાની કલા. કદાચ ભવિષ્યમાં - પ્રોફેશનલ વાતચીત કરનારનો - એક નવો રોજગાર પણ ઊભો થાય. કેમ કે, કમનસીબે આજકાલ માણસો કોઈ પણ રિયલ વાતચીતમાં એન્ગેજ નથી થતા. રિયલ વાતચીત એટલે એવી ચર્ચા જે આપણા હૃદયને સ્પર્શી જાય, આપણને પ્રેરણા આપે, આપણને કંઇક નવું શીખવાડી જાય અને હા, જેમાં બંને જણા સો ટકા હાજરી આપે (તેમના ફોન કે ટીવી વગર!).
ટીવી અને સ્માર્ટ ફોનની આડઅસર
જ્યારથી ટીવીએ આપણાં ઘરોમાં પદાર્પણ કર્યું છે ત્યારથી આપણી વાતચીતની સ્પેસ સાવ ઓછી થઇ ગઈ છે. કુટુંબીજનોએ ભેગાં જમવાનું અને વાતો શૅર કરવાની બંધ કરી દીધી છે; અને આની જગ્યાએ તેઓ ટીવી પર આવી રહેલી સિરીયલ અને પ્રોગ્રામને ચુપચાપ જોવાનું ચાલુ કરી દીધું છે. પણ કમ સે કમ તેઓ ભેગાં જમી તો રહ્યાં હતાં! પછી શરુ થયા ઝઘડા - ટીવી પર શું જોવું તેના! એટલે આવ્યો દરેક રૂમમાં ટીવી રાખવાનો ટ્રેન્ડ (એવા કુટુંબો માટે જે સદ્ધર હતા). પણ આ પૂરતું નહોતું! કેમ? અરે, તમે આટલા મોટા ટીવ ના ડબ્બાને તમારી સાથે લઈને થોડા બધે ફરી શકો? અને વળી ઘણી વાર ટીવીના કાર્યક્રમોની ક્વોલિટી પણ સાવ વાહિયાત હોય છે. કદાચ એટલે જ એને 'ઇડિયટ બોક્સ'નું ઉપનામ આપવામાં આવ્યું હશે!
એટલે પછી થઇ એન્ટ્રી નાનકડા આકર્ષક મોબાઈલ ફોનની, જેના માધ્યમથી દરેક વ્યક્તિ આખા વિશ્વને પોતાના પોકેટમાં લઈને ફરવા માંડી. ટૂંક સમયમાં જ માણસો આ નાનકડા ડબ્બા જોડે ચોંટી ગયા. આના થકી તમે કંઈ પણ ક્યાંયથી જોઈ શકવા માંડ્યા. તમે સંસારના કોઇપણ ખૂણે રહેલી વ્યક્તિ સાથે વાત કરી શકવા સમર્થ થયા. આ વસ્તુ ખૂબ જ એક્સાઈટિંગ હતી અને માણસો આ સ્માર્ટ ફોનના જાદુ હેઠળ આવી ગયા. તેઓએ એક-મેકને હવે જોક્સ કહેવાના બંધ કરી દીધા; આની જગ્યાએ તેઓ એક-બીજાને જોક્સ 'ફોરવર્ડ' કરવા માંડયા. તેઓ હવે ભેગા મળીને હસતા નહોતા, પણ ફક્ત એક ઈમોજી મોકલીને 'બતાડતા' હતા કે તેઓ હસી રહ્યા છે. તેમને એક-બીજા સાથે રમતો રમવાનું અને સામે જોવાનું પણ બંધ કરી દીધું. તેઓ સ્ક્રીનમાં એટલા ડૂબી ગયા કે પહેલાં તે એક ઓબ્સેશન (ઘેલછા) અને પછી એક એડિક્શન (વ્યસન) બની ગયું. અને આ બધામાં જે જરૂરી વસ્તુ તેઓ ભૂલી ગયા તે હતી - રસપ્રદ વાતચીત કઈ રીતે કરવી.
પરસ્પર વાતચીત કરવી, તે પત્તાં અને તંબોલા રમવા કરતાં ઘણું સારું છે
એવું નથી કે માણસો સાવ વાતચીત જ નથી કરી રહ્યા; તેઓ વાત કરે છે, પણ ખૂબ જ ઓછી અને તે પણ જરૂરિયાત પૂરતી. થોડા સમય પહેલાં મેં એક વડીલ બહેનોનું ગેટ-ટુ-ગેધર અટેન્ડ કર્યું હતું. આ ૭૦+ વરસની બહેનો નિયમિત રીતે અઠવાડિયામાં એક વાર ભેગાં થઈને પત્તાં રમતાં હોય છે. આનાથી તેમનું સામાજિક જીવન જાણે જીવતું રહે છે. આ વખતે મેં એમને સલાહ આપી કે તેઓ પોતાના આ અઠવાડિક કાર્યક્રમમાં ભોજનનો સમાવેશ કરે; અને તેઓ એક એવી જગ્યાએ મળે જે શાંત હોય અને જ્યાં હરવા-ફરવાની ખૂબ જગ્યા હોય. બહેનો પોતાનાં પત્તાં અને તંબોલાનાં ટોકન તો પોતાની સાથે લઇ આવ્યાં, પણ તેઓ તે જગ્યાએ વાતચીત કરવામાં ખૂબ જ બિઝી થઇ ગયા! તેમનો સમય આરામથી જમવા અને વાતચીત કરવામાં વીતી ગયો. ત્રણ કલાક પછી પણ તેમને ત્યાંથી ઊભા થઇને પોતાના ઘરે જવાનું મન નહોતું થતું! તેઓ એક-બીજાને છેલ્લાં ૨૦ વરસથી જાણતા હતા, પણ અત્યાર સુધી તેઓ જ્યારે પણ મળતાં ત્યારે પત્તાં અને તંબોલા જેવી રમતોમાં પોતાને વ્યસ્ત રાખતા. આ આખી પ્રક્રિયામાં તેઓ એ એક-મેક જોડે પોતાના જીવનની વાતો શૅર કરવાની સાવ બંધ કરી દીધી હતી. પણ આ વખતે તેઓએ આ કર્યું અને તેમને ખૂબ જ મજા આવી કેમ કે આ શૅરિંગના લીધે તેઓ એક-બીજાની વધુ નજીક આવી ગયા.
બાળકોને ખરા અર્થમાં કનેક્ટ કરવાં
અમે હાલમાં જ અમારા દસમા ધોરણનાં બાળકો માટે એક આઉટિંગ ગોઠવ્યું હતું. શૈક્ષણિક વરસ પૂરું થઇ રહ્યું છે અને બાળકો તેની ઉજવણી ફક્ત ભેગા રહીને કરવા માગતાં હતાં. તેમણે અમને વિનંતી કરી કે અમે તેમના આઉટિંગ માટે કોઈ એક્ટિવિટી પ્લાન ન કરીએ, બસ એમને તે જે કરવા માગતાં હોય તે કરવા દઈએ. એટલે તેમના કલાસ ટીચરે આ વાતની નોંધ લઈને તેમના આઉટિંગ માટે શહેરની બહાર એક સરસ અને શાંત સ્થળ પસંદ કર્યું. બાળકો ત્યાં રમતો રમ્યાં, વાતો કરી, સ્વિમ કર્યું અને ડાન્સ પણ કર્યો. અને અહીં જે સૌથી સરસ વાત હતી તે એ છે કે જે બાળકો એક-મેક જોડે વાત પણ નહોતાં કરતાં તેઓ એક-બીજાને પોતાનાં દિલની વાત શૅર કરી રહ્યાં હતાં અને ખૂબ હસી રહ્યાં હતાં! ખરું કહું તો આ ક્ષણ ખૂબ જ અમૂલ્ય હતી અને ચોક્કસ આગળ જઈને તેમની ભવિષ્યની યાદોનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બનશે.
વાલીઓ માટે સલાહ
જેમ ઉનાળો શરુ થાય તેમ પેરેન્ટ્સ લાગી જાય છે બાળકોને સમર ક્લાસોમાં જોડવાના કામમાં કે પછી તેમને વેકેશનમાં ક્યાંક ફરવા લઇ જવાની તૈયારીમાં. આ બધાની વચ્ચે જરૂરી એ છે કે વાલીઓ થોડોક સમય કાઢીને બાળક જોડે વાતચીત કરે. ઘણી વાર કોઈ રસપ્રદ વ્યક્તિ જોડે કરેલી ચર્ચા આપણને કોઈ પણ પુસ્તક કરતાં વધુ શીખવાડી જાય છે. અને આ વાતચીતની શરૂઆત કુટુંબીજનોથી કરીએ. આપણે એક-મેક વિશે બધું નથી જાણતા. એટલે આ વાતચીત આપણા જીવનના અનુભવો અને; આપણી ઊંડી ઈચ્છાઓ, અજ્ઞાત ડર અને લાગણીઓ વિશે હોઈ શકે. ચર્ચા - ચોપડીઓ, પેઇન્ટિંગ, ફિલોસોફી (તત્ત્વજ્ઞાન), કવિતા કે વિજ્ઞાન - વિશે પણ હોઈ શકે છે. કે પછી પેરેન્ટ-બાળક વચ્ચે કમ્ફર્ટેબલ મૌન પણ હોઈ શકે છે - આ એક અનેરી શબ્દ-વગરની વાતચીત છે. અહીં સૌથી જરૂરી એ છે કે આપણે કોઈ અન્ય વ્યક્તિ જોડે રહીએ.
તો ચાલો, આ ઉનાળામાં આપણું ફોકસ બદલીએ. બાળક પાસે શું કરાવીએ કરતાં એવી તકો ઊભી કરીએ જેમાં બાળકને ફક્ત બાળક બનીને રહેવા દઈએ.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)
Limited 10 પોસ્ટ વતી વૈશાલી મજીઠિયા
(આ પોસ્ટ *કોપીરાઈટ* થી આરક્ષિત હોવાથી, તેના લખાણમાં કોઈ ફેરફાર ન કરવો)