પત્રકાર: તો ખાડા તું કેવી રીતે પડ્યો?
ખાડો: તમે મને વિવેકથી બોલાવો તો જ હું ઈન્ટરવ્યૂ આપીશ. બાકી તમે’ય જાવ ખાડામાં.
પત્રકાર: અરે! ના ના! શ્રી ખાડાભાઈ તમારા પ્રાગટ્યની કથા સંભળાવી પ્રજાજનોને ધન્ય કરશો પ્લીઝ!
ખાડો: હા, હવે બરાબર! એક્ચ્યુલી પાંખવાળા મકોડા અને ખાડાઓનો જન્મ દર ચોમાસે થાય છે. અમારી કોઈ ચોક્કસ જન્મતારીખ નથી હોતી.
પત્રકાર: અચ્છા! પણ તમારું આયુષ્ય કેટલું?
ખાડો: નવી ગ્રાન્ટની ટકાવારી નક્કી થાય એટલુ.
પત્રકાર: તમને ક્યારેય ગીલ્ટી ફીલ થાય?
ખાડો: શું કામ? રોડ બનાવનારાઓને ન થાય, ભેળસેળ કરનારાઓને ન થાય, ખોટા બીલ પાસ કરનારાઓને ન થાય, ઉદ્ઘાટન કરનારાઓને ન થાય તો અમને શા માટે ગીલ્ટી ફીલ થાય..?
પત્રકાર: તેમ છતાંય કશુંક તો થતું હશે ને?
ખાડો: હા, ઉપર લખ્યા એ કોઇને ગીલ્ટી ફીલ નથી થતુ એનું ફીલ જરૂર થાય. પણ નસીબ પ્રજાના...
પત્રકાર: ખાડાના પ્રકાર હોય?
ખાડો: જી બિલકુલ, ગાલના ખાડા અને પેટના ખાડા.
પત્રકાર: અરે સરજી એમ નહી, તમારા ખાડામાં અન્ય પ્રકાર હોય? કે પછી એક જ પ્રકાર હોય?
ખાડો: ઓહ! આઈ સી! અમારામાં એક વાંઢો ખાડો હોય. જે કોઈપણ વાહન ચાલક કે વટેમાર્ગુને દૂરથી પણ દેખાઈ જાય. જેથી બધા તેને તારવીને જ ચાલે. દેખતો કોઈ માણસ અને ખાસ કરીને સ્કુટી ચલાવતી કોઈ બહેનો તેમાં પડે નહી.
પત્રકાર: અચ્છા તો વાંઢો ખાડો છે તો પછી પરિણીત ખાડો?
ખાડો: હોય ને! એ તેનાથી સાવ નજદીક હોય.
પત્રકાર: સાહેબજી વાંઢા ખાડા અને પરિણીત ખાડામાં ફર્ક શું?
ખાડો: બસ એજ બંને ખાડા હોય.
પત્રકાર: અરે પણ સરજી તો તમે બે’યના અલગ અલગ નામ શા માટે આપો છો?
ખાડો: તમારી ચેનલની T.R.P. વધેને એટલે! આવું કશું હોય તો જ તમે આખો’દિ બ્રેકિંગમાં ચલાવોને...!
પત્રકાર: ઓ માય ગોડ! તમે તો બહુ શાર્પ છો!
ખાડો: શાર્પ નહી રાઉન્ડ છું.
પત્રકાર: કોઈ પાર્ટીના પ્રવક્તા જેવું માઈન્ડ છે તમારૂ ખાડાસર!
ખાડો: એ પણ પાર્ટીના ખાડા પૂરવા જ પ્રવક્તા બનાવાયા હોય છે ને!
પત્રકાર: ખરૂ! સર સીરીયસલી ખાડાના પ્રકાર હોય ?
ખાડો: એક ઊંડો અને એક છીછરો; એક જીવલેણ ને બીજો સાદો; એક પાણીવાળો ને બીજો ગારાવાળો; એક વિઝીબલ અને બીજો ઈનવિઝીબલ; એક રસ્તાનો અને બીજો રિશ્વતનો...! બોલ...!
પત્રકાર: બાપ રે! ગોટ ઈટ! મિસ્ટર ખાડાસર તમે ખુશ ક્યારે થાવ?
ખાડો: જ્યારે કોઈ કોર્પોરેટર કે નેતા અમારામાં પડે ત્યારે.
પત્રકાર: હા હા હા..! ઇન્ટરેસ્ટીંગ. બદલાની ભાવના?
ખાડો: ના રે! પિતૃભાવના. એ માલિક તેરે બંદે હમ.
પત્રકાર: ખાડાને કાન હોય?
ખાડો: હા, હોય પણ રાજનેતા જેવા... કાયદાનું જ સાંભળીયે.
પત્રકાર: લોકો ખાડામાંથી પસાર થાય ત્યારે જનરલી શું બોલે?
ખાડો: બીપ..બીપ... લખી ન શકાય એવું બોલે.
પત્રકાર: આખો દિવસ સૌ કોઈ ગાળો જ આપે ધીસ ઈઝ નોટ ફેર.
ખાડો: કરે હરદા અને ભરે ભીમદા.
પત્રકાર: આ બંને ખાડાના નામ છે?
ખાડો: (નિ:સાસો નાંખીને..) ના લ્યા! કહેવત છે. પણ તું ભલામણથી પત્રકાર થયો હોય એટલે તને ન ખબર હોય.
પત્રકાર: પ્રજા વિશે તમારું મંતવ્ય શું?
ખાડો: પ્રજા માત્ર નિર્દોષ જ નથી કેટલેક અંશે નિર્માલ્ય પણ છે. ટેક્સ ભરે છે, મતદાન કરે છે પણ ભ્રષ્ટાચાર ભાળીને મૌન સેવે છે.
પત્રકાર: એટલે તમે ખાડાની ઉત્પત્તિ માટે પ્રજાને કસૂરવાર ઠેરવો છો?
ખાડો: ના, પ્રજાની ઉદાસીની.
પત્રકાર: સજા તો પ્રજા જ ભોગવે છે ને!
ખાડો: હાથના કર્યા હૈયે વાગે.
પત્રકાર: અલગ-અલગ એઈજ ગ્રુપવાળા તમને ભટકાય ત્યારે તમને શું ફીલ થાય?
ખાડો: લાંબુ છે રહેવા દે ને!
પત્રકાર: અરે ક્યોને! એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂ છે પ્લીઝ ખાડા અંકલ...!
ખાડો: અંકલ વાળો થા માં.. ‘અભી તો મૈ જવાન હું’.
પત્રકાર: હે’ય ધેટ્સ ફાઈન... મોટા થઈને તમારે શું બનવું છે?
ખાડો: કુવો
પત્રકાર: નાઇસ
ખાડો: હા, એમા બધા નાય જ...!
પત્રકાર: અલગ-અલગ એઈજ ગ્રુપની ફીલીંગ કહોને.
ખાડો: કોઈ જુવાન છોકરી તૈયાર થઈને બંબાટ જતી હોય ત્યારે થાય કે આ મારી પાસે ન આવે તો સારૂ બીચાડીનો નવો ડ્રેસ બગડશે...! સિગરેટ પીને કોઈ જુવાન ખોટું બોલતો જતો હોય તો થાય કે આનો જરા મોબાઈલ ખાડે નાંખુ. કોઈ સિનિયર સિટીઝન રિક્ષામાં જતા હોય તો થાય કે સૌથી ઓછી તકલીફ આપુ. કોઈ માં બાળકને લઈને જતી હોય ત્યારે મને એમ થાય કે હું એ સ્કુટીના ટાયર નીચે હાથ રાખીને રોદો ખમી લઉં અને કોઈ ગરીબ સગર્ભાને લઈને કોઈ હોસ્પિટલ જતું હોય ત્યારે...
પત્રકાર: ત્યારે શું? બોલો. કેમ અટક્યા?
ખાડો: ત્યારે ખાડો થવાનું દુઃખ થાય. આપમેળે બુરાઈ જવાનું મન થાય છે. પણ...!
પત્રકાર: ઓહ..! તમે તો ઈમોશનલ થઈ ગયા.
ખાડો: હા, દિલથી થઈ ગયો. T.R.P. વધારવા માટે રડવાનું મને નથી આવડતું.
પત્રકાર: છેલ્લા એક-બે સવાલ. તમારા જીવનમાં પાણીનું મહત્વ?
ખાડો: ઓક્સિજન જેટલું. કોરો ખાડો ઓછો જોખમી હોય છે ભીના ખાડાથી સાવચેત રહેજો.
પત્રકાર: કેવી કોન્ટ્રોવર્સી છે ખાડા સાહેબ! કે સોસાયટીમાં ભીના લોકો ભરોસાપાત્ર હોય અને ખાડામાં?
ખાડો: સમાજમાંથી ભીના લોકો ઘટી રહ્યા છે એટલે તો ખાડા વધી રહ્યા છે.
પત્રકાર: છેલ્લો સવાલ સરજી! જુદી જુદી ફેકલ્ટીના લોકો તમને ક્રોસ કરે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય?
ખાડો: રહેવા દે ને ભાઈ! બહુ બોરીંગ થાશે.
પત્રકાર: ના ખાડાશ્રી પ્લીઝ કહો. સત્ય તો બહાર લાવવું જ છે.
ખાડો: કોઈ ડૉક્ટર જ્યારે મને ક્રોસ કરે ત્યારે મને થાય કે એ પડે નહી તો સારૂ. કોઈ પોલીસ કે વકીલ નીકળે ત્યારે થાય કે લાવ આને યાદ કરાવું. કોઈ કવિ નીકળે તો એ બીચાકડાનું હું ધ્યાન રાખું કારણ કે એની પાસે એક જ ઝભ્ભો હોય તો!
પત્રકાર: અને કોઈ નેતા નીકળે તો?
ખાડો: બીપ...બીપ...બીપ...
પત્રકાર: હલ્લો સર... હલ્લો... કોઈ નેતા વખતે?
ખાડો: બીપ...બીપ...બીપ... (જોરથી અને ૨ વાર)
પત્રકાર: આઈ થીંક ખાડાજીનું મૌન શરૂ થઈ ગયુ છે. તો દોસ્તો આ હતો ખાડાજીનો એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂ. જે માણવા માટે અમારી ફલાણી ઢીંકણી પૂંછડી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઈકન દબાવવાનું ના ભૂલતા. થેંક્યું.
(ત્યાં જ પત્રકારને ફોન આવ્યો કે તેની ચેનલના બોસ ખાડામાં પડીને દવાખાને દાખલ થયા છે.)
હાયરામ : કોઈને ધક્કો ખવડાવો તો પુણ્ય મળે કે પાપ ?
લેખન : સાંઈરામ દવે