Saturday, October 29, 2022

સ્મૃતિવન - ભુજ

2001 માં કચ્છ પર ત્રાટકેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓની યાદમાં તે આપદાના બે દાયકા બાદ એક ભવ્ય અર્થક્વેક મ્યુઝિયમ તૈયાર થયું છે. રૂ. ૩૭૫ કરોડના ખર્ચે ૧૭૫ એકરમાં આકાર પામેલા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું ગત 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ 23 સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું હતું.



માત્ર કચ્છનો ભૂકંપ નહીં પરંતુ પૃથ્વીની રચનાથી લઈને ભૂકંપ જેવી કુદરતી આપદા મુદ્દે લોકોને સમજણ આપવાનો આ ભવ્ય મ્યુઝિયમનો હેતુ છે.  


મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે. 2001 ના ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનુંનિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.

ભુજશહેરનાહાર્દસમાન ભુજિયો ડુંગર 2008 સુધી આર્મી હસ્તક હતો. રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન બાદ મહેસૂલને સોંપાયો, જેથી અહીં પ્રોજેક્ટ બનાવવો શક્ય બન્યો, તેમ છતાં પણ આર્મી સાથેના કરાર મુજબ આજે પણ 25 એકર પર આર્મીનો હક્ક છે.

પ્રોજેક્ટની શરૂઆત પહેલા આ જગ્યા એક બંજર જમીન હતી અને ભારતીય સેનાના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વહીવટીતંત્રે ભારતીય સેના પાસેથી એક રૂપિયાના ટોકન ભાવે 50 વર્ષની લીઝ પર જમીન લીધી હતી. 14મી સપ્ટેમ્બર, 2009ના રોજ આ જમીન આખરે ગુજરાત સરકારને સોંપવામાં આવી હતી.


સ્મૃતિવન એ કોઇ સામાન્ય પર્યટન સ્થળ નથી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની ઇચ્છા હતી કે દરેક ભોગ બનેલા નાગરિકની યાદમાં એક વૃક્ષ વાવવામાં આવે જે પુનર્જન્મ, પુનર્નિમાણ અને આશાનું પ્રતીક છે. અહીં વૃક્ષ રોપવા એ એક પડકારજનક કાર્ય હતું. જંગલમાં વૃક્ષોનો ઉછેર આપમેળે થાય છે જ્યારે અહીં ભુજના વાતાવરણ અને વારંવાર નિર્માણ થતી દુષ્કાળની પરિસ્થિતિના લીધે વૃક્ષોનો ઉછેર કરવો મુશ્કેલ કાર્ય હતું. આ સ્થિતિમાં પાણીનું એક એક ટીપુ બચાવી જળસંચય થાય તે જરૂરી બન્યું હતું. તેથી ગેબિયન દિવાલોની મદદથી જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું જેનાતી ડુંગર પરથી વહી જતુ પાણી તેમાં એકત્ર થાય અને જમીનની અંદર જતું રહે. આ રીતે જમીનનું ધોવાણ પણ બચાવવામાં આવ્યું હતું. કુદરત સામે પડવાની જગ્યાએ, અહીં કુદરતની ઉર્જાના સહારે કામ પાર પાડવામાં આવ્યું હતું. 

સ્મૃતિ વનના સ્મારક ભાગની રચના કરનાર પ્રખ્યાત આર્કિટેક્ટ બી.વી.દોશી કહે છે કે, "જ્યારે સાચા દિલથી તમે અમર આત્માઓને શ્રધ્ધાંજલી આપો તો રણ જેવા વિસ્તારમાં પણ હરીયાળી છવાઈ જાય છે."

સ્મૃતિવનના એક છેડે સનસેટ પોઇન્ટ છે અને બીજે છેડે મ્યૂઝિયમ છે અને તેની વચ્ચે જળાશયો આવેલા છે. સ્મૃતિવનમાં સનસેટ અને સનરાઈઝ બન્ને નિહાળી શકાય છે.

ટૂંકમાં કચ્છની સંસ્કૃતિ અને ખુમારીને અહીં દર્શાવવામાં આવી છે. જળસંચય, પશુપાલન, ઉદ્યોગોનું આગમન અને નવી ટેક્નોલોજીનો સ્વીકાર સહિતની બાબતોને અહીં દર્શાવવામાં આવી છે. હડપ્પાની સંસ્કૃતિથી લઇને આધુનિક વિકાસયાત્રાની ઝલક અહીં સૌ કોઈ માણી શકશે.

મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભૂત સમન્વય કરવામાં આવ્યો છે.


ટિકિટના દર અને મુલાકાતનો સમય 

આ સ્મૃતિવનમાં જોવાલાયક ઘણા આકર્ષણો છે. જેમાં આૃર્થક્વેક મ્યુઝીયમની ટિકીટના દર ૩૦૦ રૂપિયા છે.  બાળકો માટે ૧૦૦ રૃપિયા અને પાંચ વર્ષથી નીચેના બાળકો માટે વિનામૂલ્યે છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે ટિકીટ રૂ. 150 છે. જેની માટે તેઓએ શાળા કોલેજનું આઈડી પ્રુફ સાથે લઈ જવાનું રહેશે. સ્મૃતિવનની પ્રવેશ ફી રૂ. 20 રાખવામાં આવી છે. પરંતુ સવારે મોર્નિંગ વોક કરનારા લોકો માટે સવારે 5 થી 9 સુધી વિનામૂલ્યે પ્રવેશ મળી શકશે. પાર્કિંગ કરવા માટે પણ લોકોએ નિયત કરેલ ફી ચુકવવી પડશે.  ઉનાળામાં તા.૧૬ માર્ચથી તા.૧૫ સપ્ટેમ્બર સુધી સ્મૃતિવનનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ તેમજ સાંજે ૪ થી ૮ નો રહેશે. જ્યારે શિયાળામાં તા.૧૬ સપ્ટેમ્બરથી તા.૧૫ માર્ચ સુધી સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે.