Tuesday, June 13, 2023

વાવાઝોડાની વીતેલી વાતો.....1998નું વાવાઝોડું

અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, વાવાઝોડું બિપોરજોય જેમ-જેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા દરેક લોકો આ પ્રાર્થના કરી છે કે આ વાવાઝોડું નબળું પડે અને ઓછામાં ઓછું નુકસાન થાય. આવી સ્થિતિમાં ગુજરાતના લોકોમાં 1998માં આવેલા વાવાઝોડાની યાદો તાજી થઈ રહી છે. જ્યારે જૂન મહિનામાં જ આવેલા તોફાને ભયંકર તબાહી મચાવી હતી. બિપોરજોયને પણ 1998ના તોફાનની જેમ જ અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

આજથી 25 વર્ષ પહેલાં આવેલ વાવાઝોડું સદીની સૌથી ગોઝારી અને કલ્પનાતીત દરિયાઇ હોનારત હતી. વર્ષ 1998માં આવેલું આ વાવાઝોડું સિંધ-ગુજરાત બોર્ડરે ટકરાયું હતું. આ વિનાશક ચક્રવાત 4 જૂને સર્જાયું હતું અને 8 જૂને લેન્ડફોલ થયું હતું. આ ચક્રવાતમાં 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 


ત્યારે આજના જેવી ચેનલો ની માથાકૂટ ન હતી.અલબત્ત હવામાન ખાતાની સમાચાર પછીની  ચેતવણી આપવામાં જરૂર આવી હતી પરંતુ એમને બહુ ગણકારવામાં આવી ન હતી. અને આ દિવસે પોરબંદર નજીકનું ઇતિહાસનું સૌથી મોટું કેટેગરી 4નું વાવાઝોડું ખબક્યું. પોરબંદરમાં સ્પીડ હતી 120 કિમી. પોરબંદર વિસ્તારના દરીયા કાંઠેથી પસાર થયેલ વાવાઝોડું એટલું ભયંકર હતું કે એક પણ વીજપોલને સલામત રહેવા દિધો નહિ, જુના કાચા પાકા મકાનો અને કાચી દીવાલો ને ધબાય નમઃ કરીને તારાજી સર્જી. ગ્રામ્ય વિસ્તારના એકપણ મકાનના પરદેશી નળિયા ને સલામત રહેવા દીધું નહિ. વીજ પુરવઠો ખોરવાય ગયો જે એકમહિના સુધી રીપેરીંગ કરી શકાય તેમ ન હતો.  

પોરબંદર ને વટાવ્યા પછી જામનગર પહોંચ્યા પછી સ્પીડ હતી 183 કિમીની. સૌથી વધારે નુકશાન પોરબંદર, દ્વારકા, મોરબી, નવલખી અને કચ્છ ને થયું હતું. ગુજરાતમાં અંદાજે 3000 માનવ મૃત્યુ અને 1772 જેટલા લોકો ગુમ થયાં હતાં.  2.50 લાખ જેટલા મકાનોને અસર સાથે રૂ.190 કરોડનું નુકશાન થયું હોવાનો અંદાજ હતો. સૌથી વધારે નુકશાન અંતરિયાળ વિસ્તારમાં રહેતા અગરિયા અને મજૂર વર્ગ ને થયું. વિફરેલ દરિયો એમને ખેંચી ને  લઇ ગયો. નીચાણવાળા વિસ્તારોની ઝૂંપડપટ્ટીમાં અસંખ્ય માસૂમ બચ્ચાં, સ્ત્રીઓ અને વૃધ્ધો કોઇપણ પ્રતિકાર વિના મોતને ભેટ્યા, અસંખ્ય યુવાનો બચવાના પ્રયાસો છતાં આંખ મીંચી ગયા, કચ્છના રણ તેમજ નવલખીના દૂર દૂરના નમકના અગરો પર પાણી ફરી વળ્યાં...  સેંકડો ગરીબ શ્રમજીવી-અગરિયા એમને એમ નમકમાં ગરકાવ થઇ ગયા. દરિયાના પાણીમાં તરતી ઢગલાબંધ લાશો કે સામે પારના બેટ પરનાં વૃક્ષો-ચેરિયામાં અટવાયેલી લાશો શોધી કાઢવામાં સરકારી તંત્ર વામણું પૂરવાર થાય એમ હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘ અને સીમા સુરક્ષા દળના જવાનો નાતજાત કે ધર્મના ભેદભાવ વીના મદદે આવ્યા હતા, છતાં સેંકડો લાશ એવી કઢંગી હાલતમાં હતી કે ઓળખી શકાય તેમ નહોતી.

આજની જેમ સમાચાર માધ્યમ હોત તો એ ખુવારી ઓછી થઈ શકી હોત. પોરબંદર અને કચ્છ, કંડલા બંદર તેમજ જામનગર, દ્વારકા, મોરબીના દરિયા કાંઠાના ગ્રામ્ય વિસ્તારની હાલત દયનીય હતી. ઝનૂની પવનની સાથે આવેલ ભંયકર વરસાદે માણસોના ઘરમાં આવેલ અનાજ કઠોળ ને પલાળી નાખ્યું હતું. 

જે ઘરમાં જુનવાણી મેળા હતા તેની નીચે બેસીને માણસોએ જેમ તેમ રાત પસાર કરી હતી. લાઈટ જતી રહેલી એટલે સૌથી મોટો પ્રશ્ન લોટ ક્યાં દળાવવા જવો એ હતો. ગામડાઓને આ મુશ્કેલીમાંથી ઉગારવા છેવટે ડીઝલથી ચાલતી ચક્કીઓ ચાલુ કરવામાં આવી હતી. ગામડાઓમાં લોકોએ ગજબની એકતા ઊભી કરી અને થાંભલા અને વાયરીંગનું કામ કરવામા સહકાર આપ્યો ત્યારે એકાદ મહિને માંડ વીજ પુરવઠો ચાલુ થઈ શક્યો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વિનાશક તોફાનમાં 1983ના વાવાઝોડાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. આમાં પણ ઘણું નુકસાન થયું હતું. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે થઈ હતી. સૌથી વધુ નુકસાન 1998માં થયું હતું. બે વર્ષ પહેલા મે મહિનામાં આવેલા વાવાઝોડામાં સરકારની તૈયારીઓને કારણે બહુ નુકસાન થયું ન હતું. આ વાવાઝોડામાં 174 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 81 લોકો લાપતા હતા. 1960થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં 7 વાવઝોડા ત્રાટક્યા છે. 1998ના વિનાશકારી ચક્રવાત પછી ગુજરાતમાં લેન્ડફોલ કરનાર સાતમું ચક્રવાત તૌકતે હતું.

ફરીથી એક વખત ભયંકર વાવાઝોડું ગુજરાત તરફ મન્ડરાય રહ્યું છે ત્યારે આ વાવાઝોડું ક્યાં પહોચ્યું અને ક્યારે આવશે તેની પલપલ ની માહિતી મળી રહી છે. 

જાણ્યા પછી ગાફેલ રહેવાને બદલે સાવધાની રાખીએ....ગ્રામ્ય વિસ્તારમાં આપણાં પશુઓને પણ વ્હાલ કરી એનું જતન કરીએ... અને બીજાને મદદરૂપ થઈએ.....પરમાત્મા સૌને સલામત રાખે....






સંકલન :- ગુજરાતના વિવિધ સમાચાર પત્રો અને ટીવી ચેનલોની માહિતી તેમજ તે વાવાઝોડા વખતના અનુભવેલા દ્રશ્યો....