અગિયારસના દિવસે ચોખા એટલે ભાત ન ખાવા તેનો પણ સમાવેશ થાય છે. આ માન્યતા પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.
એકાદશી (EKADASHI) એટલે તો પરમાત્માની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર. વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે. જે વર્ષે અધિક માસ હોય તે વર્ષે એકાદશીની સંખ્યા વધી જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુના જુદા-જુદા અવતાર અને સ્વરૂપોનું ધ્યાન કરતા તેમની પૂજા કરવી જોઈએ.
બધા વ્રતોમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. એ જ કારણ છે કે આ દિવસે ઘણાં લોકો ઉપવાસ કે એકટાણું કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, ઉપવાસ કે એકટાણું શક્ય ન હોય તો ઘણાં લોકો ભોજનમાં ભાત ગ્રહણ કરવાનું ટાળે છે. પણ, શું તમને એ ખબર છે કે એકાદશીએ શા માટે નથી ખાવામાં આવતા ભાત ?
ધાર્મિક માન્યતા અનુસાર આપણાં શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર જે વ્યક્તિ કોઈપણ કારણથી એકાદશી વ્રત ન કરી શકે તેણે એકાદશીના દિવસે ખાન-પાન અને વ્યવહારમાં તો સાત્વિકતાનું પાલન કરવું જ જોઈએ. સાત્વિકતાનું પાલન એટલે એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા આરોગવા નહીં. જૂઠું ન બોલવું, દગો ન કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરી ભગવાનનું સ્મરણ કરવું. આ સાથે જ એકાદશીના દિવસે ચોખા આરોગવા પણ વર્જિત મનાય છે. અને તેનું કારણ છે એક પૌરાણિક કથા.
સનાતન ધર્મમાં દરેક તિથિ અને સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત (Dedicated) કરવામાં આવ્યા છે. જેનાથી જોડાયેલી ઘણી માન્યતાઓનો ઉલ્લેખ પૌરાણિક કથા (Mythology) અને શાસ્ત્રોમાં વાંચવા મળે છે. જે મુજબ એકાદશી પર ચોખા ખાવા અંગે પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્યક્તિ સરિસૃપ પ્રાણીની યોનિમાં જન્મ લે છે. સાથે જ તેનાથી મુક્તિ મેળવવા માટે દ્વાદશી પર ચોખાનું સેવન કરી શકાય છે. પૌરાણિક કથા અનુસાર એક વાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો અને તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યારબાદ મહર્ષિ મેધા પૃથ્વીમાંથી જવ અને ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા. આ જ કારણે જવ અને ચોખાને જીવ માનવામાં આવે છે.
કહેવાય છે કે એકાદશીના દિવસે જ મહર્ષિ મેધાનો અંશ પૃથ્વીમાં સમાયો હતો. આ જ કારણ છે કે એકાદશી પર ચોખાને જીવ માનીને ખાવામાં આવતા નથી, આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ. જેથી સાત્વિક સ્વરૂપે વિષ્ણુ પ્રિયા એકાદશીનું વ્રત સંપન્ન થઈ શકે.
અન્ય ધાર્મિક કારણની વાત કરીએ તો તે મન સાથે સંકળાયેલ છે. મનના ચંચળ થવાથી વ્રતના નિયમોનું પાલન કરવામાં વિઘ્નો ઉભા થતા હોય છે. જ્યારે એકાદશી વ્રતમાં તો મનનું શાંત રહેવું અને સાત્વિક ભાવનાનું પાલન કરવું ખુબ જ આવશ્યક હોય છે. તેથી ભાત કે ભાતમાંથી બનેલી વસ્તુને અગિયારસના દિવસે ન ખાવાની સલાહ અપાય છે.
હવે તમને એમ સવાલ થાય કે મન અને ચોખા વચ્ચે શું સંબંધ છે. તો મિત્રો જણાવી દઈએ કે ચોખાનો સંબંધ જળ સાથે છે અને જળનો સંબંધ ચંદ્ર સાથે છે. મન અને શ્વેત રંગના સ્વામી ચંદ્ર છે જે સ્વયં જળ, રસ તેમજ ભાવનાના કારક છે. માટે અગિયારસના દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે એટલી જ વ્રત કરવામાં સાત્વિકતા આવશે. તેથી જ મહાભારત કાળમાં વ્યાસજીએ પાંડવ પૂત્ર ભીમને નિર્જલા એકાદશી કરવાનું કહ્યું હતુ.