ગીર : એક અછડતી દ્રષ્ટિ- ડૉ. જીત જોબનપુત્રા
ગિરનારમાં તો મારે ઠીક ઠીક રખડવાનું થયું છે પણ ગીર વિસ્તારમાં સાવ ઓછું રખડવાનું થયું છે. પરંતુ જેટલીવાર ગીર જાઉં એટલીવાર કંઈક તો નવું મળે જ ! ગીર જંગલના બે ભાગ પડે છે : પશ્ચિમ ગીર અને પૂર્વ ગીર. પશ્ચિમ ગીરનું જંગલ પ્રમાણમાં હર્યાભર્યું અને લીલુંછમ છે જ્યારે પૂર્વ ગીર આટકાટનાં ઝાડવાળું, કાંટાળું અને સૂકું છે. ત્યાં કાંટાળું ઝાડ જેવાં કે બાવળ, બોરડી, હરમો, ખીજડો, મઢીર, કંથાર, ક્રાંકચ આદિ ઝાઝાં છે. પણ રાયણ જેવાં નિત્ય લીલાં રહેતાં ઝાડ ઓછાં જોવા મળે છે. સૌરાષ્ટ્રનાં જંગલો ખરાઉ પાનખરનાં છે. ઉનાળામાં તેનાં વૃક્ષો પાન ખેરવીને ઠૂંઠાં બની જાય છે. બરડો, શત્રુંજય, ગીર અને ગિરનારનાં જંગલોનું પોત એકસરખું છે. આપણને કોઈએ આંખે પાટા બાંધીને મધ્ય જંગલમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે આ આલેચ, બરડો, ગીર કે ગિરનાર છે.
ગીરમાં પાર વિનાના નાના મોટા ડુંગરો આવેલા છે. એમાં સહુથી ઊંચું શિખર તો સરકલાનું (૬૪૩ મીટર) છે. તેને કેટલાક સરકડિયો તો કેટલાક ચરકિયો પણ કહે છે. તેની પાસે જ વાંસજાળિયો ડુંગર લાંબો થઈને પડેલો છે. સરકલો મથુરામાળની પર્વતમાળાનો જ એક ભાગ છે. ચાંપદરો, દેવો, લીલાપાણી, ઢોળપાણી, કાંટાસૂરિયો અને ચાંચઈ જેવાં તેનાં શિખરો છે. પૂર્વ ગીરનો નાંદિવેલો ( ૫૦૬ મીટર ) ગીરમાં બીજા ક્રમની ઊંચાઈનો ડુંગર છે.
ગીરના ડુંગરોના નામ પણ બહુ રસપ્રદ છે. વિસાવદરથી ધારી જતાં દક્ષિણ ક્ષિતિજ પર રોણિયો, નાળિયેરો, પંખિયો અને માલપરો દેખાય છે. માલપરો જે પૂર્વ પશ્ચિમ ભલે આડો દેખાય પણ આવા માલપરા પણ સાત છે. મેંદરડા પાસેના કનડો અને દાદરેચો, વિસાવદર પાસેનો કડકિયો, તુલસીશ્યામથી ઉગમણે રુક્ષ્મણીનો, ભીમચાસથી ઉપર ભીમસિયો, કાબરો અને દોઢીનો માળ, લાલપર વેકરિયાથી ઈશાનમાં હોથલિયો, લીમધ્રા ઉપરનો સરતાનિયો, ખાંભા પાસેના મીતિયાળાનો ડુંગરો, માંગડો અને લાપાળો, વેજલકોઠા પાસેનો ડાચાફાડનો, જળ જીવડીથી આગળ જતાં દૂંડિયો, હડાળીધાર અને બાબરોટનો ડુંગર, પાણિયાના ચાંચઈનો, સાસણ પાસેનો વાંસાઢોળનો, ઘંટલો, છોડિયો અને રાયડો ડુંગર, જાનવડલા અને કનકાઈનો મૂંડો, ઘોડાવડી ઉપરનો પારેવાનો, બાણેજનો આદિ વિશેષ ઉલ્લેખનીય છે. સદ્ભાગ્યે મને થોડા દૂરથી પણ આ ડુંગરોનાં દર્શન થયાં છે. આ ડુંગરો જેવા તેવા નથી હો, પ્રત્યેકને એનો મહિમા છે.
લીલાપાણીમાંથી શિંગવડો નદી નીકળે છે અને કોડીનાર પાસે સમુદ્રને મળે છે. લીલાપાણીના ઉદ્ગમ સ્થાને માલીઆઈનો મંડપ આવેલો છે. અહીં માતાજીનું પ્રાચીન સ્થાન છે. લીલાપાણી, દુંડી અને ચાંચઈમાંથી જ શેત્રુંજી નીકળે છે જે પૂર્વ તરફ વહે છે. શેત્રુંજી સિવાયની ગીરની સર્વે નદીઓ દક્ષિણ દિશા તરફ વહીને સમુદ્રને મળી જાય છે. જોકે, તેમાં અપવાદ પણ છે. જામવાળા પાસેના બથેશ્વરની જાતરડી પૂર્વવાહિની છે અને શિંગવડોમાં સમાઈ જાય છે. સિરવાણ પાસે ઢોળપાણી અને કાંસાની ટેકરીમાંથી હિરણ હલકાળી નીકળે છે અને કાજલી પાસે સરસ્વતીને મળે છે. સોમનાથ સાગરમાં હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે. કહે છે કે આ સરસ્વતી તો ગુપ્ત નદી છે, છતાં માર્ગમાં ક્યાંક ક્યાંક તે દેખા દે છે ખરી. સૌરાષ્ટ્રમાં તાલાલા પાસેના ગુંદરણના રામકુંડમાં તે સર્વ પ્રથમ દેખા દે છે. દોંડીનો ડુંગર દૂરથી ગોળાકાર ખીપા જેવો લાગે છે. ત્યાં જવું હોય તો કરમદડીથી જવાય. નાંદિવેલામાંથી માલણ નદી નીકળે છે અને તે રાવલને મળી જાય છે. રાવલને કાંઠે જ સરની ખોડિયારનાં બેસણાં છે. નાંદિવેલા પર પણ ખોડિયાર માતાજીનાં બેસણાં છે તો તેની તળેટીમાં આવેલા બરવાળા આશ્રમમાં હનુમાનજીના બેસણાં છે. નાંદિવેલા પાસેના ચરકિયા ડુંગરમાં ચરકવાળા બાપુ થઈ ગયા. તેઓ વનસ્પતિ આધારિત વૈદકના નિષ્ણાત હતા. વિસાવદરના માણંદિયા પાસે મંડોરિયા કેમ્પ આવેલો છે. અહીં ગિરનારના દામનગર હનુમાનવાળા નિર્મોહી બાપુએ વર્ષો સુધી ભજન કરેલું. લાપાળા ડુંગરમાં અવિચળનાથનું ભોંયરું છે, ચાંચઈના ડુંગરમાં ચાંચબાઈ માતાજી વિરાજે છે, વાંસાઢોળ પર ખોડિયાર માતાજીને જુવારવા ગ્રામ્ય લોકો આવે છે. બાબરોટ ડુંગરના બાવનગાળામાં સુવિખ્યાત સંત દેવરાહાબાબાએ ભજન કરેલું. તેમના જ એક શિષ્ય સુદામાદાસજીએ ગિરનારમાં ભજન કરેલું.
તુલસીશ્યામ પાસેના જંગલની નદીમાં કાળમીંઢ શિલામાં એક વિશાળ ઊંડો ઝરેરો પડેલો છે, તેને ભીમચાસ કહે છે. કહે છે કે વનવાસ દરમિયાન કુંતામાતાને તરસ લાગવાથી ભીમે પાટું મારતાં ત્યાં ઝરેરો પડી ગયો અને પાણી ફૂટી નીકળ્યું. આવો જ ભીમચાસ ગિરનારમાં આલી છીપરની દક્ષિણે પણ આવેલો છે. સાસણથી ઉગમણે ઘંટલો ઘંટલી આવે છે. ઘંટલો તે મોટો ડુંગર અને ઘંટલી તે નાની ટેકરી ! જનસમૂહે આ બંનેનાં લગ્ન કરાવ્યાં છે અને ગીતો તેમજ ફટાણાં પણ ગાયાં છે : " ઘંટલો પરણે ઘંટલીને અને અણવર વાંસાઢોળ ! " ગીરમાં લોક માનસે ડુંગર અને ટેકરીમાં સ્ત્રી પુરુષનું સાયુજ્ય કલ્પી અદ્વૈત સિદ્ધ કર્યું છે ! અદ્વૈત સિદ્ધ કરવામાં કંઈ કોઈ આચાર્યોના વાદની આવશ્યકતા નથી. આવા જોડકા-ડુંગર મળવા ગીરમાં આશ્ચર્યની વાત નથી. જેમ કે, રાયડો-રાયડી, કનડો-કનડી, નાંદિવેલો-નાંદિવેલી, દૂંડો-દૂંડી, હાથિયો-હાથણી, દોણકો-દોણકી, હડાળો-હડાળી, દાધરેચો-દાધરેચી આદિ.
મચ્છુન્દ્રી નદીનું ઉદ્ભવ સ્થાન રાજમલ ડુંગર કે મચ્છુન્દ્રો ડુંગર છે. અહીં મચ્છન્દરનાથની ગુફા છે અને શિવજીનું સ્થાનક છે. મચ્છન્દરનાથ પરથી જ મચ્છુન્દ્રી નામ પડેલું છે. મચ્છુન્દ્રી નીચે ઊતરતાં દ્રોણેશ્વર નામનું વિખ્યાત શિવાલય આવે છે. મચ્છુન્દ્રી ઉના-દેલવાડાથી આગળ નવાબંદરને મળે છે. ખાંભા પાસે કંટાળા ગામ નિકટ માંગડાવાળાનો ડુંગર છે. તે વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમ કથા સંઘરીને બેઠો છે. હડાળીધારની તળેટીમાં સાંખની ખોડિયાર આવેલાં છે. ગીરની વીડીઓ જેવી કે, ચરખડા વીડી અને બાબરા વીડીમાં પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો છે. ગીરના નેસડાઓમાં રહેતો માલધારી વર્ગ માતાજીમાં બહુ શ્રદ્ધા ધરાવતો હોય છે. પ્રત્યેક નેસમાં માતાજીનું સ્થાનક તો અવશ્ય હોવાનું. ખોડિયાર માતાજીના નાના નાના થડા તો ગીરમાં ઘણા છે પણ એમાં મુખ્ય ત્રણ સ્થાનકો વિશેષ ખ્યાત છે : સાંખની ખોડિયાર, સરની ખોડિયાર અને ભાંગલવડની ખોડિયાર. બાણેજના ડુંગર પર ગુફામાં ખોડિયાર માતાજીનું સ્થાન છે ત્યાં સરસ્વતીદાસબાપુએ ભજન કરેલું. ગીર જંગલમાં અવધૂત વેશે પરિભ્રમણ કરનાર પહુડિયાબાપુની બેઠક બાબરિયા તરફ જતાં ખાખરાવાળી ખોડિયારે હતી.
ઘોડાવડીના દેવગિરિબાપુ સિદ્ધ મહાત્મા થઈ ગયા. ઘોડાવડી નદી પારેવાના ડુંગરમાંથી નીકળે છે અને મચ્છુન્દ્રીને મળે છે. બાણેજ અને છોડવડી વચ્ચે આવેલા થોરાળા ડુંગરના ભોંયરામાં અઘોરી સંતો ભજન કરી ગયા છે.
ગીરમાંથી ચાર મોટી નદીઓ હિરણ, શિંગવડો, મચ્છુન્દ્રી અને રાવલ નીકળે છે. ઓઝત ભલે ભેસાણ પાસેના ગોરવિયાળીથી નીકળતી હોય પરંતુ તેને પણ ગીરની જ એક નદી ગણી શકાય, કારણ કે ઓઝતને ગીરની પણ કેટલીક નાની ઉપ નદીઓ મળે છે. પોપટડી, ધ્રાફડ અને આંબાજળ છેવટે તો ઓઝતમાં જ ભળે છે. પોપટડી હોથલિયા ડુંગરમાંથી નીકળે છે અને વિસાવદરના પાદરમાંથી પસાર થાય છે. જમરી કાબરામાંથી નીકળી રાવલમાં ભળી જાયછે, તો ઝેર કોચલી ચાહીમાં ભળી જાય છે. ચાહી તુલસીશ્યામ પાસેથી રુકમણિના ડુંગરમાંથી નીકળે છે. કનડામાંથી નીકળતી મધુવંતી, વ્રજની અને સાબળી માધવપુર ઘેડ પાસે આવેલા પાતાના સમુદ્રમાં મળી જાય છે.
ગીરના પ્રત્યેક ડુંગરમાં અને નદીકાંઠે દેવ દેવીઓની દહેરીઓ આવેલી છે. ઠેર ઠેર સંતોના બેસણાં છે, એ વડલા જેવા સંતો આપણાં વિસામાનાં પ્રતીકો છે. ગીરમાં આવેલ રૂપાપાટે સમર્થ સંત શ્રી રાધેશ્યામ બાપુએ વર્ષો સુધી ભજન કરેલું. અરલના નેસવાળા બુઢ્ઢેબાપુ શ્રી કોટવાળગિરિ વર્તમાનમાં બાબરિયાના આશ્રમે રહે છે. આપણે સહુ આવા શ્રદ્ધેય સંતો થકી ઉજળા છીએ.
સાભાર:-
-ડૉ. જીત જોબનપુત્રા na FB માંથી.. ખૂબ સરસ માહિતી...