ભાષા એ માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ જ નહી પરંતુ ભાવનાત્મક અભિવ્યક્તિ પણ છે. મુંગા જીવો ચોક્કસ રીતોથી માહિતીનું આદાન-પ્રદાન કરતા હોય છે અને જો માનવીને પણ ભાષા નામનું ઘરેણું ન મળ્યુ હોત તો માનવીએ પણ કંઇક ઠીકઠાક નિરાકરણ મેળવી જ લીધુ હોત જેમ હાલ મૂક-બધીર લોકો Sign language દ્વારા કરે છે તેમ જ પરંતુ ના, આપણને મળ્યો છે ભાષાનો અમુલ્ય વારસો, થોડી જુની, થોડી આધુનિક, થોડી અપ્રભ્રંશ, થોડી પ્રાશ્ર્વાત્ય, થોડી શિષ્ટ અને થોડી તોછડી, થોડી મીઠી, તો થોડી સરળ ભાષાનો વારસો.
🌸 ગુજરાત કે જેની માતૃભાષા ગુજરાતી છે તેમાં અને ખાસ કરીને શહેરોમાં એ ટ્રેન્ડ છે કે વાતચીતની શરૂઆત હિન્દીથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતી પર આવવું. જયારે બિઝનેશ મીટીંગ અથવા અપરિચિત ને પહેલી જ વાર મળતી વખતે અંગ્રેજીમાં વાતની શરૂઆત થાય. બે વાકય બોલી હિન્દીમાં અવતરણ થાય અને અંતે ગુજરાતી અથવા દરેક વ્યક્તિ ગુજરાતી હોવા છતાં ક્યારેક સમગ્ર વાત હિન્દીમાં જ વાતો કરવાનો ધારો છે. અંગ્રેજી મોર્ડન, હિન્દી કામચલાઉ, અને ગુજરાતી પછાત હોવાનો એક અત્યંત દુ:ખદ ધારો પડી ગયો છે.
🌸 નામ, Noun નું એક ઉદાહરણ લઈએ તો, અનાનસ તરીકે ઓળખાતુ ફળ કેટલુ સોહામણું લાગે પરંતુ અંગ્રેજી માધ્યમ અથવા કદાચ આધુનિકતાનાં રંગે તેને પાયનેપલ તરીકે ઓળખવામાં આવે છે. હકિકતમાં તમે જોશો કે અરબી, ફ્રેંચ, ફીનીશ, જર્મન, હિંદી, ગુજરાતી, હંગેરીયન, નોર્વેજીયન, રોમાનીયન, રશિયન, તુર્કી વગેરે ભાષામાં તો તેને અનાનસ જ કહેવામાં આવે છે તો આપણે કેમ તેને અનાનસ નથી કહેતા?
એક સરળ Phrase-શબ્દ સમૂહ છે. At ease એટલે કે “સરળતાથી” તેનો વાકયપ્રયોગ જોઇએ તો I will do this task at ease. હવે થયુ એવુ કે આ કામ હુ at ease થી કરી લઇશ એવા વાકય પ્રયોગથી એ થયુ અટેશ, આ કામ તો સરળ છે. અટેશ થી થઇ જશે. હવે ગુજરાતીમાં ‘અ’ એ નકારાત્મકતા દર્શાવે છે. જેમ કે નિયમિત નું અનિયમિત થાય એમ અટેશનું સકારાત્મક ટેશ થયુ અને ડાયરાપ્રેમી લોકોએ તેને “ટેશડો” કરી દીધુ. હવે ટેશડો પડી જવુ મતલબ “ખુબ મજા પડી જવી”.
🌸 વળી પાછા, પાઇનેપલ ઉપર આવીએ તો તેને Pine tree સાથે કોઇ નિસ્બત ન હોવા છતાં પાયનેપલ તરીકે એટલા માટે સર્વસ્વિકૃત બન્યુ કારણકે સ્પેનીશ ભાષામાં “પાઈન” શબ્દ પ્રચલિત હતો જ્યારે અન્ય જગ્યાએ “નાનસુ” અને આથી અહિં બન્યુ અનાનસ, જ્યારે અંગ્રેજોએ કેરેબીયન ટાપુ કે જ્યાં સ્પેનીશ ભાષા બોલતી પ્રજા સાથે વેપાર વધારીને અંતે પાયનેપલ શબ્દ સ્વીકાર્યો.
પેન-પાયનેપલ-એપલ-પેન નામનું Song You-tube પર જરુરથી નિહાળજો. ૪૫ સેકન્ડનાં આ અતિ વાહિયાત અને નાના બાળકની રાયમ (કવિતા- Rhymes) જેવા ગીતે વિશ્વનાં તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે અને સૌથી નાનાં પ્રખ્યાત ગીતોમાં સામેલ થયુ છે. કદાચ આવા Songs થી એ સાબિત થયુ કે માણસની અંદરનો બાળક હજી જીવે છે અને ક્ષુલ્લક Rhymes પણ તેને હજી ખુબ આકર્ષે છે.
🌸 બાળપણમાં ક્રિસમસને નાતાલ કહેતા, કોલેજમાં આવતા આવતા ક્રિસમસ કહેવા લાગ્યા. જેમ કહેવાતા ફેશનેબલ લોકો ફ્રેન્ડસને ‘અમીગો’ અને આઇ લવ યુ ને ‘Te AMO’ કહેવા લાગ્યા છે. જે પોર્ટુગીઝ ભાષામાંથી ઉધાર લીધુ છે પરંતુ પોર્ટુગીઝ ક્રિસમસને નાતાલ કહે છે ક્રિસમસ નહી. પરંતુ અહિં નાતાલ કહેવાથી વળી પાછા દેશી હોવાનો ડર મનમાં પેસી જાય છે. આપણો પ્રિય ઘડીયો એક એકુ એક, બે દુ ચાર, એવુ હવે કોઇ નથી બોલતુ. ટુ ટુ ઝા ફોર, થ્રી થ્રી ઝા નાઇન એવુ કહે છે. મે એક મિત્ર ને કહ્યુ કે ટુ થ્રી ઝા એટલે શું? તો કહે બે તરી છ. આમ તરી એટલે અંગ્રેજીમાં થ્રી ઝા. અરે મારા ભાઇ ! એવુ નથી. થ્રીઝા ફોર્ઝા નથી. આ Two Twos are Four, Two Fives are Ten એવુ છે. પણ ના આપણે તો બસ આંઘળુ અનુકરણ કરવુ છે પછી ભલે ને શહેરી મહિલાઓ બુમો પાડતી ! લે બેટા “બનાનુ” ખાઇ લે એક હોય કે દસ એને બનાના જ કહેવાય બનાનુ ન કેવાય એવુ કોણ સમજાવે?
🌸 ગુજરાતી ભાષાનું વ્યાકરણ સમજયા સિવાય આપણે ગુજરાતી સારૂ બોલી શકીયે છીએ. ચંદ્ર લખો ત્યારે આ અનુસ્વાર – (ટપકુ(.)) નો મતલબ અડધો “ન” “ચન્દ્ર” થાય જયારે કંપન માં અડધો “મ” કમ્પન તરીકે એ ટપકુ પોતાની હાજરી દર્શાવે છે. આપણે તો સમજી શકીયે. પરંતુ યુરોપના મિત્રોને કેમ સમજાવશો કે ચંદ્રમાં ટપકાને અડધો ન ખોલવાનો છે અને કંપનમાં અડધો મ એનું રહસ્ય ફોનેટિક્સમાં રહેલું છે. દંતવ્ય, તાલવ્ય દ્વારા રચાતા અક્ષરોનાં વ્યાકરણથી આ સમજી શકાય છે.
🌸 ગુજરાતી ભાષાનો વૈભવ જેવો તેવો નથી. ઊંટ ગાંગરે છે., કાબર કલબલ કરે છે., વાંદરુ દાંતિયા કરે છે, ઘોડો હણહણે છે., સિંહ ડણકે છે અને હરણ છિંકારે છે. જયારે અંગ્રેજોના વૈવિધ્યના અભાવે તેઓની માતૃભાષામાં લગભગ ૫૦ જેવા ફ્રુટ (ફળો)ના નામની પાછળ બેરી આવે છે. બારબેરી, બ્લેક્બેરી, બોક્સબેરી, બિલબેરી, કેન્ડલબેરી, બોયસનબેરી, બ્લુબેરી, રાસબેરી, ચાયનાબેરી, ક્લાઉડબેરી, કોરલબેરી, બફેલોબેરી, ક્રેનબેરી, ફ્રાર્કલબેરી, ગુસ્બેરી (આપણા ભારતીય આમળા), હેકબેરી, ઇન્કબેરી, વોલ્ફબેરી, યંગબેરી, વિન્ટરબેરી અને અવા હજી ઘણા છે.
અંગ્રેજો Box નું બહુવચન Boxes કરે છે. પરંતુ Ox નું બહુવચન Oxes નહી પણ Oxen કરે છે. તેમના થી અંજાઈ ગયેલા અહીના લોકલ લોકો જો Xaviers માં ભણે તો તેઓ પોતાને Xaviarite તરીકે ઓળખાવે IIT વાળા IITIANS તરીકે તો મારા જેવા M.G.Science કોલેજમાં ભણેલાને શું કરવુ? M.G.Sciencetifian કે પછી આના કોઇ ગ્રામરનાં ચોક્કસ નિયમો છે ?
🌸 હવે જુઓ, ભાષા અંગ્રેજી હોય કે હિન્દી, ગુજરાતી હોય કે ચાયનીઝ, પ્રશ્નાર્થ ચિહ્ન (?) ઉદગાર ચિહન (!) અને પૂર્ણવિરામ ( . ) તો દરેક ભાષામાં સમાન જ હોઈ છે, આનુ કારણ શુ હોઇ શકે ? ૧૮-૧૯મી સદી સુઘી લગભગ દરેક ભાષાનાં પોતપોતાના ચિહનો હતા. અમેરિકન સમયમાં પૂર્ણવિરામ ( : ) : આ રીતે હતી. જયારે Question Mark એ ડિગ્રી જેવો હતો (°) જે હાલ તાપમાન દર્શાવવા ઉપયોગમાં લેવાય છે. સ્પેનમાં Question માર્ક Up side Down હતો અને ૨૦મી સદી આવતા આવતા બધાએ થોડુ સ્વિકાર્યુ, થોડુ જતુ કર્યુ, અને થોડો બીજી ભાષા પર પ્રભાવ પાડ્યો અને અંતે ચિન્હ પુરતી સમાનતા લાગુ પડી. આપણા બંધારણમાં પણ અંગ્રેજી આંકડાને માન્યતા મળી છે. 1,2,3,4….એવી રીતે કેન્દ્ર સરકારનાં તમામ કાર્યોમાં આંકડા તો અંગ્રેજી ભાષામાં લખવાનો ધારો છે, અને તેમ કશુ ખોટુ પણ નથી. આવડા મોટા દેશમાં આંકડા પુરતી તો સમાનતા હોવી જ જોઈએ.
🌸 આ લખવાનો આશય શું હતો ? આશય એ હતો કે આપણે ગુજરાતના જ કોઈ મેકડોનાલ્ડસ કે કોઇ મોલમાં જઈએ ત્યારે મોલમાં નોકરી કરનાર સેલ્સમેનને કહીએ તમારી પાસે કયાં કયાં બર્ગર છે ? ગુજરાતી હોવાના કારણે સ્વાભાવિક ગુજરાતી બોલીમાં જ વાત કરીએ પરંતુ સેલ્સમેન રટાવેલ પોપટ ની જેમ How may I help you ? થી વાત શરૂ કરે ત્યારે આપણે ફરાટ્ટેદાર અંગ્રેજીમાં જવાબ આપીએ એટલે એ હિન્દી ઉપર આવી ચડે ? એટલે આપણે ઉર્દુ મિશ્રિત તહેજીબવાળી હિન્દીમાં આવીએ એટલે પછી અંતે એ ગુજરાતીમાં આવે. અરે ! ગુજરાતી સરનેમ (અટક) એમના શર્ટ ઉપર ટિંગાતી હોય કે આ ગુજરાતી જ છે. આમ, છતાં આપણે આધુનિક રેસ્ટોરંટમાં હિન્દી કે અંગ્રેજીમાં કેમ વાત કરવી પડે ? ગુજરાતી બોલવાથી પછાતપણું હોવાનો ડર જો લોકમાનસમાં ઊંડે સુધી ઉતરી ગયો તો આપણી આગવી સંસ્કૃતીને ખુબ જોખમરૂપ છે.
સાભાર :-
- © કુણાલ ગઢવી.