જગ પ્રખ્યાત દ્વારકા તીર્થે આવનાર લગભગ મોટાભાગના લોકો ધાર્મિક ભાવથી દર્શનાર્થે આવતા હોય છે.
વિભુતિની વિદાયનાં વર્ષો પછી એ વિશ્વ વંદનીય બને, પૂજાવા લાગે, એનાં વિશાળ મંદિરો બને, મોટી ધજાઓ ચઢે, આસ્થાળુઓ ભાવ વિભોર બને..
આજકાલ પાઘડી ચર્ચામાં છે. ધ્વજા એટલે મંદિરની પાઘડી.
રાજા મહારાજાઓ તો અનેક થયા પણ દ્વારિકાના નાથની વાત જ ન થાય.
એમણે ઘણાને પરાસ્ત કર્યા કેટલાકનો વધ કર્યો, કંસના સિંહાસને જેમ ઉગ્રસેનને બેસાડ્યા એમ અન્ય રાજાઓના ખાલી થયેલ સિંહાસને એ નથી બેઠા.
દ્વારિકા એમણે વસાવ્યું, દ્વાપર યુગનું પ્રથમ ગણતંત્ર રાજ્ય બનાવ્યું.
ગણતંત્ર રાજ્ય એટલે વારસાગત રાજા નહીં પણ જ્યાંની પ્રજાને પોતાના શાસક નક્કી કરવાનો અધિકાર હોય.
એ પદ પામતાં પહેલાં, વ્યક્તિથી વિભૂતિ સુધીની યાત્રાની એક ઝલક.
અત્યારે તો અહીં નાની મોટી ઘણી જ્ઞાતિઓના સમાજ છે. જેમના સમાજ ન હોય કે વધુ સુવિધા જોઈતી હોય તેમને હોટેલોમાં રહેવા જમવાની સુવિધા પણ મળી શકે.
પણ પાંચેક હજાર વર્ષ પહેલાં ?? લોકવાયકાઓ મુજબ નાતજાતના ભેદભાવ વિના અઢારેય વરણ આવતું.
અત્યારે ઈ.સ. ૨૦૨૪ ચાલુ છે ઈ.સ. પૂર્વે ૩૨૨૮ કૃષ્ણનો જન્મ એટલે કે ૩૨૨૮ + ૨૦૨૪ = ૫૨૫૨ વર્ષ પૂર્વે કૃષ્ણ મથુરામાં જન્મ્યા, ગોકુળ વૃંદાવનમાં બાળપણ અને કિશોરવસ્થાનાં થોડાંક વર્ષો મથુરામાં.. પછી દ્વારકા સ્થાયી થયા.
મહાભારતના યુદ્ધ સમયે કૃષ્ણ ૮૯ વર્ષના હતા એ પછીનાં ૧૧ વર્ષ વીત્યાં ત્યારે કૃષ્ણની જન્મ શતાબ્દી દ્વારકામાં ઉજવાઈ ત્યારે ભારત વર્ષના લગભગ સમગ્ર રાજા મહારાજાઓએ કૃષ્ણનું આધિપત્ય સ્વીકાર્યું.
આ પહેલાં ભારત વર્ષના સમ્રાટ તરીકે મગધ નરેશ જરાસંઘ હતા, જે મામા કંસના સસરા થતા, કૃષ્ણના હાથે કંસનો વધ થયા પછી જરાસંઘને પોતાનું સમ્રાટ પદ અસ્થિર થતું લાગેલું.
સમ્રાટ જરાસંઘની સત્તાની આણ સ્વીકારના ઘણા જાગીરદાર રાજ્યો હતાં એમાનું એક એટલે વિદર્ભ અને વિદર્ભના રાજા ભીષ્મક. ભીષ્મકનો પુત્ર રૂક્મી કંસનો મિત્ર હતો, એ જાણતા જરાસંઘે રુક્મીને પોતાના પક્ષે સાધીને ચેદીના રાજા દમઘોષ કે જે કૃષ્ણના ફુઆ થતા એમના મહત્વાકાંક્ષી પુત્ર શિશુપાલ સાથે વિદર્ભ કુંવરી, ભીષ્મકની પુત્રી અને રુક્મિની બહેન રૂક્ષમણીના વિવાહની યોજના બનાવીને કૃષ્ણ વિરોધી ગઠબંધનને મજબૂત બનાવવાનું નક્કી કરેલ.
રૂક્ષમણીના પિતા ભીષ્મક રૂક્ષમણી માટે કૃષ્ણને વધુ લાયક સમજતા હતા, રૂક્ષમણીએ કૃષ્ણની ખુબ પ્રસંશા સાંભળેલી અને લગભગ એક પક્ષી કહી શકાય એવા પ્રેમમાં પત્ર લખેલ.
કૃષ્ણ વિરોધી જૂથમાં કૃષ્ણના ફઈનો દીકરો શિશુપાલ, રૂક્ષમણીનો ભાઈ રૂક્મી અને અન્ય અનેક રજવાડાંઓ હતાં, કૃષ્ણ સમ્રાટ થયા પૂર્વે અત્યંત સંઘર્ષમય જીવન જીવ્યા, દ્વારકામાં રહેવાનું કે વૈભવ વિલાસપુર્ણ જીવન જીવવાનો તો સમય જ નહોતો મળ્યો, દ્વારકાથી હસ્તિનાપુર, ઇન્દ્રપ્રષ્થ, દૈવાસુર સંગ્રામ અને અન્ય સંઘર્ષોમાં વ્યસ્ત રહ્યા.
આજે કોઈ માણસને અસંતોષ હોય તો પ્રથમ પ્રયત્ન હોય કે સમજૂતી કે સમાધાન પંચ થકી સમસ્યાનું નિરાકરણ આવે અને જો એ શક્ય ન બને તો જ્યુડિશનલ કોટ, કે સેશન્સ કોર્ટના શરણે જાય, ત્યાંથી ન્યાય ન મળે તો હાઇકોર્ટ અને ત્યાં પણ સંતોષ ન થાય તો છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જાય.
કૃષ્ણની રાજધાની દ્વારકા એટલે એ સમયની સુપ્રીમ કોર્ટ..
આ સુપ્રીમ કોર્ટ અમસ્તી નહોતી બની..
આજે તાલુકા કે જિલ્લા કક્ષાના આગેવાનની ડેલીએ જનદરબાર ભરાતો હોય છે, નાના મોટાં સૌ પોતપોતાની સમસ્યાઓના સમાધાન માટે આવતાં હોય છે, તો કૃષ્ણ તો એ સમયના મગધ સમ્રાટ જરાસંઘને પરાસ્ત કરનારા હતા.
બહુ આયામી વ્યક્તિત્વના સ્વામી વાંસળી જ નહીં સમય આવ્યે પંચજન્ય શંખનો ઘોષ પણ કરી જાણતા અને સુદર્શન ચક્ર પણ ચલાવતા.
કૃષ્ણને શરણે આવનાર કોઈ નિરાશ ન થતું. સખા + બનેવી અર્જુન જ નહીં હસ્તિનાપુરની કુરુસભામાં વિષ્ટિ કરવા દૂત બનીને ગયેલ કૃષ્ણને કેદ કરવાની ધૃષ્ટતા કરનાર ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન આવે તો એમને નિરાશ ન કરે નારાયણી સેના આપે.
આ તો થઇ રાજવીઓની વાત, પણ પોરબંદરથી એક નિર્ધન બાળસખા આવે,
જેને દ્વારકામાં કોઈ ઓળખે નહીં, એમને આવકારવા ખુલ્લા પગે દોટ મૂકે, એ બાળસખા જ્યાં સુધી રોકાય ત્યાં સુધી પોતાની જરૂરિયાત જણાવે નહીં અને છતાં ય પોરબંદર પહોંચતાં સઘળું પામે.
🙏જય દ્વારિકાધીશ🙏