આમ તો મધ્ય પ્રદેશ નો પ્રવાસ કરવાનું અનેક વખત બન્યું છે. દરેક વખતે પ્રવાસનું મુખ્ય કેન્દ્ર ઉજ્જૈન મહાકાલ દર્શન હોય પણ દર વખતે સ્થળ બદલતા રહે. ક્યારેક ઓમકારેશ્વર, પંચમઢી, માંડુ, મહેશ્વર, ભોપાલ કે સાંચી. આ વખતે મધ્યપ્રદેશનો પ્રવાસ ઊનાળામાં પહેલી વખત ગોઠવાતો હતો. રજાઓમાં ગરમીનો પ્રકોપ એવો હતો કે મે મહિનામાં મધ્યપ્રદેશ જવાની હિંમત ન થઈ. એટલે જુનના બીજા અઠવાડિયામાં એવું વિચારીને જવાનું નક્કી કર્યું કે થોડી ગરમી ઘટે અને એ અનુમાન સાચું પણ પડ્યું. થોડું વાદળ છાયું અને છેલ્લે દિવસે વરસાદ પણ માણ્યો. દર વખતની જેમ ભગવાન મહાકાલના દર્શન ખુબ નિરાંતે થયાં. આમ તો ઉજ્જૈન એક વિશિષ્ટ ભૂમિ છે. જંતરમંતર, મહાકાલ અને મંગલનાથ મંદિર એકજ રેખા પર આવેલા છે જેની ધાર્મિક અને ખગોળીય ઘણી હકીકત પણ છે.આ ઉપરાંત પ્રભુ શ્રી કૃષ્ણ અને સુદામાએ જ્યાં વિધા પ્રાપ્ત કરી હતી તે સાંદિપની આશ્રમ, કાલભૈરવ, શક્તિપીઠ હરસિદ્ધિ મા, ભસ્મા આરતી ,ભર્તુહરિ ગુફા, બડા ગણેશ વગેરે. આ બધાં સ્થળો પર ઘણીવાર જવાનું થયું છે. એટલે આ વખતે મહાકાલ મંદિર, હરસિદ્ધિ માતાના મંદિર અને નવા બનેલા મહાકાલ કોરીડોરમાં વધુ સમય ફાળવ્યો હતો. આ ઉપરાંત નવાં સ્થળમાં અડધો દિવસ દેવાસ જવાનું નક્કી કર્યું. ઉજ્જૈન અને ઈન્દોર વચ્ચે પાંત્રીસ ચાલીસ કિલોમીટર દૂર આ નાનું પણ રમણીય નગર આવેલુ છે. દેવાસમાં મુખ્ય એક સ્થાન છે. આશરે ચોટીલા જેવડા ડુંગર પર મા ચંડીદેવીનાં મંદિર આવેલ છે. ડુંગર પર વૃક્ષો ઘણા છે એટલે સ્થાન વધુ રમણીય લાગે. ડુંગર પર અડધા કિલોમીટરના પથ પર આવેલા આ મંદિર રાજા વિક્રમાદિત્યના સમયનાં છે. સ્વયંભૂ એવાં આ દેવીનાં મંદિર પર સ્વચ્છતા અને પવિત્રતાનો અહેસાસ ચોક્કસ થાય. ઠેક ઠેકાણે ઠંડા પાણીની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે. એક ખાસ વાત એ છે કે પર્વત પર દુકાનો લગભગ ક્યાંય જોવા ન મળી આ દેવીને સ્થાનિક લોકો " દેવાસ કી મહારાની" તરીકે પુકારે છે. ડુંગર ઊપર જવા માટે ત્રણ વિકલ્પ છે. રોપ વે , રપટ માર્ગ અને બાઈક લઈને જઈ શકાય છે. અમને રોપ વે અનુકૂળ હતો એટલે તેમાં ગયા. છોટી માતા અને બડી માતાનાં બે મંદિર વચ્ચે થોડું પણ ચાલી શકાય તેટલું અંતર છે. પર્વત પર સતત બેસવા માટે છાયામાં બાંકડાની સુંદર વ્યવસ્થા છે. આરામથી પરિક્રમા પથ પર બેસતાં બેસતાં શાંતિનો અનુભવ થાય છે. જગ્યાનો પ્રભાવ પણ અનુભવી શકાય છે. સંસ્થા દ્વારા રુપિયા ૨૦ ના ટોકન દરે પ્રસાદની વ્યવસ્થા કરેલી છે.