Thursday, August 8, 2024

પંચકેદાર - મધ્યમહેશ્વર....

પંચકેદાર એટલે પાંચ કેદાર, જેમાં કેદારનાથ મુખ્ય છે, પછી મધ્યમહેશ્વર, તુંગનાથ, રૂદ્રનાથ, અને કલ્પેશ્વર ગણાય છે, કેટલાક લોકો બુઢ્ઢા કેદારને પણ આમાં ગણે છે પણ એ અલગ સ્થાન છે. તેનો પરિચય પણ કરીશું. પંચકેદારની યાત્રા એક સાથે કરવી હોય તો પંદર દિવસ જેટલો સમય લઈને જવું.

કેદારનાથ તો વિશ્વપ્રસિદ્ધ છે, તેની માહિતી તો દરેક જગ્યાએ મળી જ રહે, છતાં ટૂંકમાં આપું છું. 

કેદારનાથ

     કેદારનાથનાં દ્વાર અખાત્રીજ કે તે પછી દસેક દિવસ બાદ ખૂલે છે, એટલે કે મે મહિનામાં ખૂલી જાય છે. ત્યારથી માંડી દિવાળી સુધી એટલે કે ઑક્ટોબર સુધી તેની યાત્રા થઈ શકે છે. કેદારનાથ જવા માટેનો બેજકેમ્પ સોનપ્રયાગ છે,  ત્યાં જતાં પહેલા ગુપ્તકાશી આવે છે, ત્યાં કાશી વિશ્વનાથ મહાદેવનું પ્રાચીન મંદિર છે તે જોવા લાયક છે. સોનપ્રયાગથી ચાર કિલોમિટર ગૌરીકુંડ સુધી જીપમાં જઈ શકાય છે. 2013 ની પૂર હોનારત પછી દરેક યાત્રી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે, આ રજિસ્ટ્રેશન સોનપ્રયાગમાં થાય છે અને મફત છે. ગુપ્તકાશીમાં પણ એ કરાવી શકાય. આઈડી કાર્ડ અને ઝેરોક્ષ સાથે રાખવા. જો તમારે ઘોડા, ખચ્ચર કે ડોળીમાં જવું હોય તો તેની વ્યવસ્થા સોનપ્રયાગ અથવા ગૌરીકુંડમાં થઈ શકે છે. હેલિકૉપ્ટરમાં છેક સુધી જઈ શકાય છે, હેલિકૉપ્ટર ફાટાગામ પાસેથી ઊપડે છે. ગૌરીકુંડમાં ગરમ પાણીનાં કુંડ અને પ્રાચીન ગૌરીમંદિર છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રાત્રી રોકાણની સારી વ્યવસ્થા છે.....

       ગૌરીકુંડથી કેદારનાથ સોળ કિમી. ચાલવાનું થાય છે. વચ્ચે રામવાડા કૅમ્પ સાઇટ આવે છે. કેદારનાથમાં રોકાણ માટેની વ્યવસ્થા છે. રસ્તામાં દુકાનોમાં બધું મળી રહે છે. કેદારનાથ આશરે બાર હજાર ફૂટની ઊંચાઈ પર હોવાથી ઠંડી ખૂબ પડે છે અને વરસાદની પણ શક્યતા હોવાથી ગરમ કપડાં અને રેઈનકોટ સાથે રાખવા જરૂરી છે. કેદારનાથથી ચાર કિમી. ઉપર ચોરાબારી તાલ આવેલ છે. અને આઠ કિમી. પશ્ચિમે વાસુકીતાલ છે. ચોરાબારી તાલ આસાનીથી જઈ પરત આવી શકાય પણ વાસુકીતાલ થોડું અઘરું છે. ત્યાં તૈયારી વગર જવું જોખમી છે. કેદારનાથ ધામથી આગળ ભૈરવનાથનું સ્થાનક અને ભૈરવઘાટી છે ત્યાં પણ સમય હોય તો જઈ શકાય. કેદારનાથમાં આદિ શંકરાચાર્યજીનું સમાધિસ્થાન પણ આવેલું છે. 

    કેદારનાથ મંદાકિની નદીનાં કિનારે આવેલ છે, ઉપર કેદારપર્વતમાંથી તે નદી નીકળે છે અને આગળ જતાં રૂદ્રપ્રયાગમાં તે અલકનંદાને મળે છે. વાતાવરણ ચોખ્ખું હશે તો અહીં તમે કેદારપર્વત અને સુમેરુ શિખરનાં સુંદર દર્શન કરી શકશો. અહિંનાં મેદાનોમાં અનેક દુર્લભ જડીબુટ્ટી મળે છે, અને કસ્તુરી મૃગ જેવા સુંદર પ્રાણીઓ પણ જોવા મળે છે. 

     કેદારનાથ પહોંચવા માટે હરિદ્વારથી અને ઋષિકેશથી રોજ બસ મળે છે. તે દેવપ્રયાગ, શ્રીનગર, રૂદ્રપ્રયાગ અને ગુપ્તકાશી થઈને સોનપ્રયાગ પહોંચાડે છે. જો સીધી બસ ન મળે તો આમાંથી કોઈ પણ શહેરનું વાહન મેળવીને તમે જઈ શકો, ત્યાંથી જીપ મળતી રહે છે. 

કેદારઘટી નું પ્રવાસ વર્ણન વાંચો.. Click here


દ્વિતીય કેદાર - મધ્યમહેશ્વર

હિમાલય જતો યાત્રી કેવી કેવી અપેક્ષા લઈને હોય છે ?

     તીર્થદર્શન, રમકડા જેવા નાના નાના ગામડાં, ઊંચા ઊંચા પહાડો, ગાઢ જંગલો, ઘૂઘવતી પહાડી નદીઓ, કલકલ કરતાં ઝરણા, રંગબેરંગી પંખીઓ, ફૂલોની વિવિધતા, ઊંચેથી પડતા ધોધ, ગગનચુંબી હિમશિખરો, લીલાછમ ઘાસનાં મેદાનો અને બેશક શાંત અને દિવ્ય પરિવેશ. આ બધું માણવાની ઇચ્છા લઈને જ વ્યક્તિ હિમાલય જતો હોય છે. અને આ બધું જો એક જ જગ્યાએ અને સરળતાથી માણવું હોય તો ક્યાં જવું...?

મને પૂછો તો તુરત કહીશ કે મધ્યમહેશ્વરની યાત્રા કરો ! અહીં તમારી બધી અપેક્ષાઓ ફળીભૂત થશે.

     આમ તો પંચકેદારમાં મધ્યમહેશ્વર એ ચોથા કેદાર કહેવાય છે પણ રસ્તાનાં સંદર્ભમાં જોઈએ તો કેદારનાથ પછી તેની યાત્રા નજીક પડે છે. એટલે આજે તે માર્ગનો પરિચય કરીએ.

     મધ્યમહેશ્વર પહોંચવાનાં ત્રણ રસ્તા છે. એક રસ્તો કેદારનાથથી સીધ્ધો જ દુર્ગમ પહાડોમાં થઈને બારોબાર મધ્યમહેશ્વર પહોંચાડે છે પણ ત્યાં તો જમાનો ખાધેલા ( કે ઊંઘી ખોપરીવાળા..!) અડીખમ અનુભવી ટ્રેકરો જ ચાલી શકે છે એટલે તે રસ્તો છોડી દઈએ !

     બીજો રસ્તો ગુપ્તકાશી થઈને વાહનમાં કાલીમઠ અને ત્યાંથી પગપાળા મંદાકિની નદી ઓળંગીને રાંસી ગામ તરફ જાય છે. ત્યાં ચાલવાનું વધારે થાય છે એટલે એ પણ આપણા કામનો નહી. હા, કાલીમઠ એક સુંદર જગ્યા છે અને અહીં માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે એ જાણ ખાતર.

     ત્રીજો અને સરળ રસ્તો આપણા કામનો છે એ જોઈએ. કેદારનાથનાં દર્શન કરીને તમે પાછા ગુપ્તકાશી આવશો. ત્યાંથી મંદાકિની નદીનાં સામે પાર ઉખીમઠ દેખાય છે ત્યાં વાહન દ્વારા પહોચી શકશો. ઉખીમઠ એક પવિત્ર સ્થાન છે, કેદારનાથનાં દ્વાર શિયાળામાં બંધ થાય છે ત્યારે તેની પૂજા છ મહિના સુધી અહીંનાં પ્રસિદ્ધ મંદિરમાં થાય છે એટલે દર્શન કરવાનું ભૂલશો નહી. ગુપ્તકાશી અને ઉખીમઠ સુધી તમે ઋષિકેશથી સીધ્ધી બસ દ્વારા પણ પહોંચી શકો છો.

     ઉખીમઠથી વીસ કિલોમિટર દૂર રાંસી ગામ સુધી વાહન રસ્તો છે, આખો દિવસ જીપો ચાલતી હોય છે. રાંસી નાનકડું પણ સુંદર ગામ છે. અહીં રહેવા જમવાની સગવડ મળી રહે છે. ગામમાં રાકેશ્વરી માતાજીનું સુંદર પ્રાચીન મંદિર છે. 

    રાંસી ગામે પહોંચી ગયા, અહીંથી મધ્યમહેશ્વર 19 કિલોમિટર દૂર છે. હવે ગરમ કપડાં, રેઈનકોટ અને થોડીઘણી ખાવાપીવાની સામગ્રી સાથે ચાલવા માટે તૈયાર રહો. હિમાલયનું અવર્ણનીય દિવ્ય સૌંદર્ય આપણી રાહ જુએ છે...!

     રાંસીગામથી ટ્રેક ચાલું થાય છે. છ કિલોમિટર દૂર ગૌંદાર ગામ છે ત્યાં સુધી સરળ અને કંઈક લેવલ રસ્તો છે, સામાન્ય ચડ ઊતર આવશે. મધ્યમહેશ્વરગંગા નદી નીચે ખીણમાં વહેતી હશે, સુંદર જંગલમાં રળિયામણી પગદંડી પર ચાલતા તમે થાકવાનું પણ ભૂલી જશો...!

     ગૌંદાર ગામ નાનકડું છે પણ ત્યાં રહેવા જમવાની સગવડ મળે છે એટલે થાક્યા હોઈએ કે દિવસ વધારે રહ્યો ન હોય તો રોકાઈ જવાનો વાંધો નહી. અહીંથી બે કિમી. દૂર બન્તોલી ગામ છે, ત્યાં પણ સગવડ મળે છે. બન્તોલી ગામે પહોંચો એટલે પટ્ટા ઝાટકીને તૈયાર રહેવું કેમ કે મધ્યમહેશ્વરની ખરેખરી ચડાઈ ત્યાંથી જ મંડાય છે..! આગળ જતાં બે કિમી. દૂર ખાટરાખાલ નામની જગ્યા આવશે. ત્યાં પણ ભોજન ચા પાણીની વ્યવસ્થા મળશે. તેનાથી આગળ બે કિમી. જતાં નાનુ ગામ આવશે. નાનુ એટલે નાનકડું નહી પણ ગામનું નામ જ નાનુ છે ! જો કે થોડા ઝૂંપડાની વસાહત છે છતાં અહીં રહેવા જમવાની સગવડ મળે છે અને મોટાભાગનાં યાત્રીઓ અહીં જ રાતવાસો કરે છે. ગયા વરસે મેં અને મારા મિત્ર ભાનુભાઈએ રાંસીગામથી વહેલી સવારે પાંચ વાગ્યે ચાલવાનું ચાલું કર્યું હતું અને સાંજે છ વાગ્યે વરસતા વરસાદમાં મધ્યમહેશ્વર પહોંચી ગયા હતાં. હું તો ઠીક પણ ભાનુભાઈની ઉંમર 61 વરસ છે..! રસ્તાનો ખ્યાલ આવે અને વચ્ચે રોકાવું કે કેમ એ નક્કી કરી શકો એટલે આ વાત લખું છું.....

     નાનુ ગામથી આગળ ત્રણ કિમી. ચાલતા માલખમ્બા નામની જગ્યાએ નાસ્તા પાણી કરી શકાય છે. ત્યાંથી ફક્ત ચાર કિલોમિટર ચાલશો એટલે મધ્યમહેશ્વર પ્રભુનાં ચરણે પહોંચી જશો...

    સુંદર મેદાનમાં પ્રાચીન મંદિર ઊભું છે, એકદમ શાંત અને મનભાવન જગ્યા છે. અહીં રોકાવાની જમવાની સગવડ મળી રહે છે. મન પ્રસન્ન થઈ જાય એવો પરિવેશ. બહુ ઓછા યાત્રી આવતા હોવાથી એકદમ શાંત જગ્યા. અહીંથી ઉપર બે કિમી. દૂર બુઢ્ઢા મધ્યમહેશ્વર છે ત્યાં કોઈ મંદિર નથી પણ સ્તબ્ધ કરી દે એવું સૌંદર્ય ત્યાં જોવા મળે છે. ત્યાં જવાનું ભૂલશો નહી. અહીંથી સોળ કિમી. દૂર દુર્ગમ ટ્રેક કરીને કાંચાની સરોવર પહોંચી શકાય છે પણ એ માટે તો મોટી તૈયારી કરીને જવું પડે.

     મધ્યમહેશ્વર ધામ પણ શિયાળામાં બંધ થઈ જાય છે અને તેની પૂજા ઉખીમઠમાં થાય છે. કેદારનાથ ખૂલ્યા પછી લગભગ દસ પંદર દિવસ પછી આ ધામ ખૂલે છે એ ખાસ ધ્યાનમાં રાખવું. ગયા વરસે અમે ગયા ત્યારે રાંસી ગામથી આગળ સડક બનાવવાનું કામ ચાલું હતું એટલે હવે કદાચ આગળ સુધી રસ્તો બન્યો હશે. તે જાણી લેવું. 

લેખન :- હસમુખ જોષી 

Video Link



તૃતિય કેદાર - તુંગનાથ.

        ત્રીજા કેદાર તુંગનાથ બાર હજાર ફૂટથી પણ વધારે ઊંચાઈ પર હોવા છતાં ત્યાં પહોંચવું સરળ છે, કેમ કે ત્યાં માત્ર ત્રણ કિલોમિટર જ ચાલવાનું રહે છે. આ માટે તમારે ચોપતા ગામ જવાનું રહેશે. વિગતો જોઈએ.

     ચોપતા અને તુંગનાથનો વિસ્તાર તો અહીંનું સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે એટલે તેનાં અપ્રતિમ સૌંદર્યની તો વાત જ શી કરવી ? કાશ્મીર ન જઈ શકતા મિત્રો અહીં તેની અનુભૂતિ કરી શકે છે, બર્ડવોચરો માટે તો અહીં સ્વર્ગ છે અને શ્રદ્ધાળુઓ માટે જીવનનું સાર્થક્ય, કેમ કે તુંગનાથ એ હિંદુ ધર્મનું સૌથી વધુ ઊંચાઈએ આવેલ સ્થાન ગણાય છે, પ્રકૃતિપ્રેમીઓ માટે તો આનંદનો ખજાનો, કેમ કે અહીં જે છે તે બીજે ભાગ્યે મળે !

આપણા માટે હવે ગુપ્તકાશી અને ઉખીમઠ અજાણ્યાં નથી. ઉખીમઠથી એક રસ્તો મધ્યમહેશ્વર તરફ જાય છે તો બીજો રસ્તો ગોપેશ્વર તરફ જાય છે, ગોપેશ્વરનાં માર્ગે ચોપતા લગભગ 35 કિમી. દૂર છે. ત્યાં બસ કે જીપ દ્વારા પહોંચી શકાય છે. (જૂની પગદંડી પણ છે, હું એકવાર ત્યાં ચાલીને પણ ગયો હતો) ચોપતા પહોંચી ગયા એટલે તુંગનાથ પહોંચી ગયા એમ સમજો કેમ કે ચોપતાથી તુંગનાથ ફક્ત ત્રણ કિલોમિટર દૂર છે અને રસ્તો સરસ બાંધેલો આરામદાયક છે, ચડાઈની ખબર પણ પડે તેમ નથી. છતાં ઇચ્છો તો ઘોડા કે ખચ્ચર પર પણ જઈ શકો. ચોપતામાં રહેવા જમવાની સગવડ મળી રહે છે. પ્રવાસીઓ ખૂબ આવતા હોવાથી થોડું મોંઘું છે ખરું.

તુંગનાથમાં મહાદેવનું અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે, ખૂબ જ શાંત અને પવિત્ર સ્થાન છે. અહીં નાનકડી ધર્મશાળા પણ છે. થોડી દુકાનોમાં પૂજાની સામગ્રી તેમ જ ભોજન નાસ્તો મળી રહે છે.

     તુંગનાથથી પણ ઉપર એક કિલોમીટરની ચડાઈ પછી ચંદ્રશિલા નામની ખૂબ જ સુંદર જગ્યાએ પહોંચી શકાય છે. તુંગનાથ પહાડનું એ શિખર છે, મોટાભાગનાં યાત્રી ત્યાં જતા નથી અને જીવનનો એક મોટો લહાવો ખોઈ નાખે છે. પ્રકૃતિનું અનુપમ કાવ્ય અહીં અનુભવી શકાય છે. વિસ્તૃત મેદાનો, ઉત્તર અને પૂર્વ ક્ષિતિજ પર તમે આખો હિમાલય જાણે જોઈ શકો, અહીંથી યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથનાં હિમ શિખરો જોઈ શકાય છે, નંદાદેવી ત્રિશુલ જેવા પ્રસિદ્ધ શિખરો પણ દેખાય છે. શરત એટલી કે વાતાવરણ સાફ હોવું જોઈએ અને શિખરો ઓળખાવનાર કોઈ જાણકાર સાથે જોઈએ.


તુંગનાથ અને ચંદ્રશિલા જઈને સાંજે પાછા આવી શકાય છે, ઊતરતી વેળા એના એ રસ્તે પાછા આવવાને બદલે પાછળની બાજુથી જૂની પગદંડીનાં રસ્તે ઊતરશો તો મજા આવશે. એ રસ્તો તમને ચોપતા-ગોપેશ્વર સડક પર ઊતારશે, ત્યાંથી સડકે બે કિલોમિટર ચાલીને પાછા ચોપતા પહોંચી શકાશે. થોડું લાબું પડશે પણ ભારે મજા આવશે.

      તુંગનાથ અને ચંદ્રશિલાની ઊંચાઈ કેદારનાથ કરતા પણ વધુ છે, એટલે કે બાર હજાર ફૂટથી વધુ છે એટલે ઠંડી ખૂબ પડે છે. તુંગનાથ પણ કેદારનાથ ખૂલ્યા પછી દસેક દિવસ બાદ ખૂલે છે, શિયાળામાં તેની પૂજા નીચે આવેલ મકૂમઠ નામના એક ગામમાં થાય છે. આ ટ્રેક શિયાળામાં પણ થઈ શકે છે, આખો પહાડ ત્યારે બરફ નીચે ઢંકાયો હોય છે.

     અહીં મોનાલ જેવા અત્યંત સુંદર પંખી જોવાની તક પણ મળે છે. સતર્ક નજર રાખીને નિરીક્ષણ કરશો તો એ પંખી જરૂર દેખાશે. મોનાલ એ ઉત્તરાખંડનું રાજ પંખી છે. ઉપરાંત હિમાલયન થાર, કસ્તુરી મૃગ પણ જોવા મળી જાય ખરા.

ચોપતા પહોંચવા માટે ગોપેશ્વરથી પણ જઈ શકાય છે પણ મારો અનુભવ કહે છે કે ત્યાંથી વાહનો ઓછા મળે છે, પોતાનું વાહન હોય તો જ ત્યાંથી ચોપતા જવું. ગોપેશ્વરથી પણ ચોપતા લગભગ 35 કિમી. થાય છે. ચોપતા અને તુંગનાથ ખૂબ જ પ્રસિદ્ધ સ્થાન છે. અને હિમાલયની ખરેખરી અનુભૂતિ કરાવે એવા છે એટલે એકવાર તો ત્યાં જવું જ જોઈએ. જે લોકોને પંચકેદાર ન કરવા હોય અને માત્ર ચાર ધામ જવાનું હોય તેમના પણ માર્ગમાં જ આવે છે એટલે આ સ્થળે દર્શન કરવાનું ભૂલવું નહી.