Saturday, November 9, 2024

માથેરાન

મનોરમ્ય માથેરાન.

Matheran 

“મરાઠીમાં માથે એટલે ઉપર અને રાન એટલે જંગલ. ડેડી, આપણે પર્વતની ટોચ ઉપર આવેલા જંગલમાં આવી ચૂક્યા છીએ. કેવું અદભૂત અને અલૌકિક વાતાવરણ છે, નહિ!” 


નીલ આર્મસ્ટ્રોંગે જયારે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું હશે ને પૃથ્વીથી તદ્દન ભિન્ન એવી એ ધરતી પર પ્રથમ પગલું મૂકતાવેંત એમને જેવા અલૌકિક આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થઇ હશે એવી જ લાગણી જાણે ના અનુભવી રહ્યો હોય એટલા જ હોંશ અને ઉત્સાહથી દીકરાએ માથેરાન ઉપર પહોંચી ગયાની જોરશોરથી જાહેરાત કરી.  


અંધેરીથી ઘાટકોપર સુધી મેટ્રોમાં ને ત્યારપછી ત્યાંથી નેરલ સુધી અમે લોકલ ટ્રેનમાં આવ્યા હતા. નેરલથી સ્થાનિક ટેક્સીમાં બેસીને અમે માત્ર વીસ મીનીટમાં દસ્તૂરી નાકા સુધી પહોંચી ગયા હતા જે હવા અને અવાજનું પ્રદૂષણ ઓકતા વાહનો માટેનો અંતિમ પડાવ હતો કારણ કે, અહીંથી જ ઇકો ઝોનની શરૂઆત થતી હોવાને કારણે વાહનો માટે આગળ જવા પર પ્રતિબંધ હતો. માથેરાનનું મુખ્ય સ્ટેશન અને બજાર અહીંથી માત્ર અઢી કિલોમીટર દૂર હતાં. ત્યાંસુધી પહોચવા માટે કુલ ચાર વિકલ્પો ઉપલબ્ધ હતા; ૧. ઘોડા પર બેસીને, ૨. ટ્રેનમાં બેસીને, ૩. ઈલેક્ટ્રિક રીક્ષામાં બેસીને અને ૪. પગપાળા.


ફરવા જ નીકળ્યા છીએ તો કુદરતી સૌંદર્યને માણતા માણતા ચાલતા જઈએ એમ વિચારીને અમે પગપાળા જ ચાલવા માંડ્યું. સૌથી પહેલા સ્થાનિક ટેક્સ ચૂકવીને અમે એક મોટા ડોમમાંથી પસાર થયા ને ત્યાર પછી બ્લોકસ પાથરેલા સાફસૂથરા રસ્તા ઉપર આવી ગયા હતા. થોડું ચાલ્યા પછી અમે ‘અમન લોજ’ નામના સ્ટેશન નજીક આવી પહોંચ્યા. અહીંથી અમે મુખ્ય રસ્તાને છોડીને ટ્રેન જે રસ્તે જાય છે એ ટ્રેકને સમાંતર જ ચાલવાનું શરૂ કર્યું. સ્ટેશનથી થોડે જ દૂર અમને એક અદભૂત દૃશ્ય જોવા મળ્યું. ટ્રેકની બંને બાજુએ ભેખડો હતી ને એની ઉપર ઘટાદાર વૃક્ષો આવેલા હતા ને એ વૃક્ષોની છાયામાં ટ્રેનનો ટ્રેક જમણી બાજુએ તીવ્ર વળાંક લઇ રહ્યો હતો. ફોટોગ્રાફી માટે આથી ઉત્તમ દૃશ્ય બીજું કયું હોઈ શકે એમ વિચારીને અમે એકબીજાનાં અઢળક યાદગાર ફોટાઓ પાડ્યા. 


આવા અદભૂત ને અલૌકિક વાતાવરણમાં થાકનો લગીરે અનુભવ થાય ખરો! ટ્રેનનાં ટ્રેકને સથવારે ખભે થેલો ભરાવીને બસ અમે તો ચાલતા જ રહ્યા. ટ્રેક કયાંક સીધેસીધો તો ક્યાંક ડાબે જમણે સર્પાકારે ઉપર તરફ આગળ વધી રહ્યો હતો. રસ્તો સૂમસામ હતો અને વાતાવરણ શાંત, નીરવ અને સ્તબ્ધ હતું. ક્યારેક ક્યારેક પક્ષીઓનો કલરવ, પહાડી ખિસકોલીઓની ચીખ તો ક્યારેક અશ્વોની હણહણાટી આ શાંત અને નીરવ વાતાવરણમાં મીઠી ખલેલ પહોંચાડી રહ્યા હતા. આવા વાતાવરણને સાથ આપવા માટે અમે પણ મૌન રહેવાની મજા માણી રહ્યા હતા ને અચાનક આગળ ચાલી રહેલા દીકરાની તીણી ચીખ સંભળાઈ; "ડાબી બાજુ નજર તો કરો. કેવી રળિયામણી પર્વતમાળાઓ દેખાઈ રહી છે." 


ડાબી બાજુએ વળાંક લઈ રહેલા ટ્રેક પર થોડે આગળ વધ્યા ને સામેનું દૃશ્ય નિહાળીને અમે અવાચક બની ગયા. જાણે કોઈ ખ્યાતનામ કલાકારે પૃથ્વી પર વિશાળ કેનવાસ ના પાથર્યો હોય એમ નજર પહોંચે ત્યાં સુધી સ્વચ્છ અને નિરભ્ર આકાશ ભૂરા રંગમાં પથરાયેલું હતું. એ કેનવાસ પર ચિતારાએ નવરાશની પળોમાં હળવે હાથે પીંછીના નાના મોટા લસરકા માર્યા ના હોય એમ પશ્ચિમઘાટની પર્વતમાળાઓ દૂર સુધી નજરે ચઢી રહી હતી. એની ઉપરથી પડતો પાણીનો પ્રવાહ ઝરણું બનીને સસલાની માફક ઉછળકૂદ કરી રહ્યો હતો, જ્યારે એની વચ્ચે ઉંડી ને અગાધ ખીણો ચોવીસ કેરેટના સોનાની માફક ચમકી રહી હતી. આ બધામાં શિરમોર એવા ચોમેર છવાયેલા લીલાંછમ્મ ને ઘટાદાર જંગલો શરીર પર ધારણ કરેલા આભૂષણોની માફક પશ્ચિમઘાટની પર્વતમાળાઓને પ્રભાવશાળી બનાવી રહ્યા હતા. ક્ષણભર માટે સમય જાણે કે થંભી ગયો હતો ને કુદરતની આ અકળ ને અદભૂત લીલાનાં દર્શન કરવા માટે અમે પણ થંભી ગયા હતા.


કુદરતી સૌંદર્યનું મનભરીને રસપાન કર્યા પછી જયારે અમે માથેરાનના મુખ્ય બજારમાં પહોંચ્યા ત્યારે ભોજનનો સમય થઇ ચૂક્યો હતો ને અમારા પેટમાં બિલાડા બોલી રહ્યા હતા. એક જાણીતી રેસ્ટોરાંમાં જેવી અમે ભોજનની શરૂઆત કરી કે તરત જ વરુણ દેવે પણ અમારા આગમનને વધાવવા માટે ગાજવીજ સાથે પૃથ્વી પર પધરામણી કરી. ભોજન પૂરું થયા પછી પણ વરસાદ વિરામ લેવાનું નામ નહોતો લેતો આથી બાજુની દુકાનમાંથી રેઇનકોટ ખરીદીને અમે ત્યાંથી પાંચ સાત મિનીટ દૂર આવેલા અમારા રીસોર્ટ ભણી ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમારા આનંદ અને આશ્ચર્ય વચ્ચે, વરસતા વરસાદની સાથે જુગલબંધી કરવા માટે રૂની પૂણી જેવા સફેદ ધુમ્મસના વાદળોએ પણ ચોમેર ઘેરો ઘાલી દીધો હતો. 


એક બાજુ વરસાદથી બચવા માટે માથે ટોપો ને શરીર પર ઢીંચણ સુધી ધારણ કરેલા કામચલાઉ  રેઈનકોટને કારણે અમારો દેખાવ અવકાશયાત્રી જેવો અનોખો હતો ને બીજી બાજુ, ગાજવીજ સાથે ધોધમાર વરસી રહેલો વરસાદ તથા અચાનક આવી ચઢેલા ધુમ્મસના વાદળોને કારણે સર્જાયેલું અનોખું ને અદભૂત વાતાવરણ હતું.


આવા મનમોહક વાતાવરણમાં, જ્યારે અમે સ્તબ્ધ અને સૂમસામ બની ગયેલા મુખ્ય રસ્તા પર વરસાદને ઝીલતાં ઝીલતાં અને ધુમ્મસને ચીરતા ચીરતા હળવે પગલે ચાલવાનું શરૂ કર્યું ત્યારે અમને પણ અદભૂત ને અલૌકિક દુનિયામાં આવી ના પહોંચ્યા હોય એવી અનોખી લાગણીનો અનુભવ થઈ રહ્યો હતો.


- કમલ સંગીત