સ્થળ વિશે પરિચય :
મનાલી હિમાચલ પ્રદેશમાં આવેલ એક નાનકડું નગર છે. મનાલી લેસર કે ઇનર હિમાલય રેન્જમાં આવેલ કુલ્લુ ઘાટીના ઉત્તરના ભાગે બિયાસ નદીને કિનારે વસેલ છે. જેની દરિયાકિનારાથી ઊંચાઈ 1950 મીટર જેટલી છે. જે 1800 થી 2000 મીટરની ઊંચાઈ વચ્ચે ફેલાયેલ છે. મનાલીનું પૌરાણિક મહત્વ ઘણું છે. મનાલી નામ મનું ઋષિ કે મનું ભગવાનના ઉપરથી પડેલ છે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં સૌ પ્રથમ વસવાટ મનું ઋષિ એ કરેલો હતો. અહીં મનુ ભગવાનનું પ્રાચીન મંદિર પણ છે. મનાલીમાં સફરજનના ઘણા બગીચાઓ જોવા મળે છે. અહીંના લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસનક્ષેત્ર સિવાય સફરજનના આ બગીચાઓ પણ છે.
ઇસ. 2000 ના વર્ષ પછી કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ વધવાથી મનાલી કાશ્મીરના ટુરિઝમનો એક વિકલ્પ બનીને ઉભરી આવ્યું અને ત્યાર બાદ આ નાનકડું ગામ વિવિધ હોટેલ, ગેસ્ટહાઉસ અને હોમસ્ટે થી ઉભરાઈને એક નગર બની ગયું છે. છેલ્લા બે વર્ષથી કાશ્મીરમાં 370ની કલમ કાઢ્યા બાદ ત્યાં પણ પ્રવાસીઓ નો ઉછાળો આવ્યો છે પરંતુ મનાલીની લોકપ્રિયતા પ્રવાસીઓમાં યથાવત રહી છે. અટલ ટનલ બન્યા બાદ અહીંના પ્રવાસી બારેમાસ સ્પીતી વેલીના શિશુલેક કે કોકસર ઉચ્ચ હિમાલય ક્ષેત્રોમાં લટાર મારીને સાંજે મનાલી પરત આવી જાય છે.
મનાલી ભૌગોલિક રીતે વિવિધતાઓનો સંગમ ધરાવે છે. અહીં તમને બર્ફીલા પહાડો, વાદીઓમાં આવેલ હરિયાળા મેદાનો, ઘેઘૂર જંગલો અને ખળખળ વહેતી બિયાસ નદીની પ્રવાહ જોવા મળે છે. મનાલીની આવી આગવી વિશેષતાઓ થકી દેશના ખુબજ પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાં સ્થાન ધરાવે છે. અહીં બારેય માસ અહીં સહેલાણીઓ ઊમટતા રહે છે. ખાસ કરીને નવપરણેલા યુગલો માટે હનીમૂન માટેનું આ મનપસંદ સ્થળ છે. હિમાચલમાં આવતો દરેક સહેલાણી મનાલીની મુલાકાત અવશ્ય લે છે.
મનાલી જમીન માર્ગથી લાહોલ - સ્પીતીવેલી અને લેહને જોડી આપે છે, અને ત્યાં જવા માટેનું પ્રવેશદ્વાર છે. આ માર્ગ મેં-જૂન મહિનાથી ઓક્ટોબર મહિના સુધીજ ખુલ્લો હોવાથી આ સમયે મનાલી પ્રવાસીઓ થી ધમધમતું રહે છે.
ફરવા માટે યોગ્ય સમય :
અહીં તમને ઠંડીની અને ગરમીની બન્ને ઋતુમાં બરફ જરૂરથી જોવા મળે છે. ઠંડીની ઋતુમાં જો નસીબ સારા હોય અને પ્રકૃતિ મહેરબાન હોય તો બરફવર્ષા પણ માણવા મળી જાય છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમને અહીંની વાદીઓમાં આહલાદક ઠંડીનો અનુભવ થાય છે. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. પરંતુ હા આ સમયે વધારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અન્ય હાલાકી નો સામનો કરવો પડી શકે છે. છેલ્લા બે વર્ષથી આ ક્ષેત્રમાં વધારે વરસાદ પડે છે. જો ચોમાસાની ઋતુમાં જવાનું થાય તો એ મુજબની તૈયારી રાખવી.
ફરવા માટેના સ્થળ અને અન્ય પ્રવૃતિઓ:
ફરવાના સ્થળ વિશેની માહિતી દિવસ મુજબ આપું છું જેથી કરી ફરવાનું આયોજન કરવામાં સરળતા રહે. અને જેટલા દિવસ હોય એ મુજબ આયોજન કરી શકાય.
દિવસ 1 :
લોકલ મનાલી કે જેમાં વશિષ્ઠ મંદિર, જોગીની વોટર ફોલ (ટ્રેક), હિડિંબાદેવી અને ઘટોત્કચ મંદિર, મનુ ભગવાન મંદિર, ક્લબ હાઉસ, માલ રોડ, વનવિહાર, અને તિબિતિયન મોન્સ્ટેરી, નગર કિલ્લો વગેરે.
અહીં બિયાસ નદીમાં રિવર ક્રોસિંગની પ્રવૃતિ કરી શકો છો.
દિવસ 2 :
સોલંગવેલી અને અંજની મહાદેવની (ટ્રેક), અટલ ટનલ, શિશુલેક, કોકસર વગેરે. મેં મહિનાથી નવેમ્બર મહિના દરમ્યાન રોહતાંગ પાસ પણ ખુલે છે.
સોલંગવેલીમાં કેબલ કાર, ઝોરબિંગ (ઉનાળામાં), પેરાગ્લાઇડિંગ
ઉપરાંત જ્યાં સ્નો હોય ત્યાં સ્નો બાઇક, સ્કીઈંગ અને લસરપટ્ટી જેવી પ્રવૃતિ પણ કરી શકો છો.
દિવસ 3 :
કુલ્લુમાં વૈષ્ણોદેવી મંદિર, દશેરા મેદાન અને બીજલી મહાદેવ (ટ્રેક) વગેરે.
કુલ્લુમાં બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગની પ્રવૃતિ કરી શકો છો.
ત્યાંથી કસોલ વેલીમાં આવેલ મણિકરણની મુલાકાત લઈ શકો જ્યાં પાર્વતી નદી, ગુરુદ્વારા, ગરમ પાણીના કુંડ, શિવ પાર્વતી મંદિર, ગરમ પાણીના ઝરા, રામચંદ્ર મંદિર વગેરે.
રાત્રિ રોકાણ હોય તો હિપ્પી લોકોના ગામ મલાના (ટ્રેક) પણ જઈ શકો છો.
કસોલમાં નદીના કિનારે કેમ્પમાં રહેવાની એક અલગ મજા છે.
દિવસ 4 :
હમતા વેલી અને હમતા પાસ. જ્યાં 4 X 4 જિપ્સી વડે જવાય છે. જ્યાં અમુક લોકોજ જાય છે. શિયાળાની ઋતુમાં અહીં ઇગ્નુ જેવા ઘરમાં રહેવાનો લાભ પણ લઈ શકાય છે.
કેવી રીતે પહોંચવું ?
મનાલી જવા માટે નજીકનું રેલવે સ્ટેશન દિલ્હી અથવા ચંદીગઢ છે. નજીકનું એરપોર્ટ પણ ચંદીગઢ અથવા દિલ્હી છે. અહીંથી તમે બાય રોડ પબ્લિક વિહિકલ અથવા તો પ્રાઇવેટ ટેક્સી દ્વારા જઈ શકો છો.
મનાલી દિલ્હી થી 500 કિલોમીટર અને ચંદીગઢ થી 265 કિલોમીટરના અંતરે આવેલ છે.
તો રાહ શેની જુઓ છો ? અહીં ગરમીનો ફૂલ પ્રકોપ વર્તાઈ રહ્યો છે તો ઉપડી જાવ બિસ્તરા પોટલાં બાંધીને..