એક્સભાઈ મરીને યમલોક ગયા. ચિત્રગુપ્તે ચોપડો તપાસ્યો, હિસાબ એ જ નીકળ્યો જે એક્સભાઈએ ધાર્યો હતો. ચિત્રગુપ્તે એક સેવકને કહ્યું કે, “આ જીવને નર્કમાં મૂકી આવો.” ચિત્રગુપ્તની કચેરીથી નરકના દ્વાર સુધી એક્સભાઈના ટાંટિયા એ વિચારીને ધ્રુજવા લાગ્યા કે નર્કમાં ન જાણે શું શું ભોગવવું પડશે.
આખરે નર્કનું દ્વાર આવી ગયું. સેવકે નર્કના મોટા દરવાજાની નાનકડી બારીમાંથી એક્સભાઈને અંદર ધક્કો મારી દીધો. એક્સભાઈ અંદર પડી ગયા અને સેવક જતો રહ્યો.
અંદર એક્સભાઈએ ઉભા થઈને કપડાની ધૂળ ખંખેરી અને ચારે બાજુ જોયું એમનું મોઢું ખીલી ઉઠ્યું. ચારે બાજુ મોટી મોટી દુકાનો, મોલ, લાઈટોની ઝાકમઝોળ, ચારેબાજુથી જાતભાતની વાનગીઓ અને અવનવા પકવાનની ખુશ્બુ આવતી આવતી હતી. એક્સભાઈ દોડી દોડીને ચારે બાજુ જોવા લાગ્યા. ક્યાંક જાતભાતના પિત્ઝા બનતા હતા. ક્યાંક અનેક જાતની સેન્ડવીચ, ક્યાંક મિક્ષ ભજીયા, ક્યાંક ગાંઠિયા જલેબી, ક્યાંક બર્ગર, ક્યાંક મોમોઝ, ક્યાંક ટાકોઝ, ક્યાંક પંજાબી સબ્જીઓ અને નાન ઉતરતી હતી, ક્યાંક મલ્ટી ફ્લેવર પાણીપૂરી, ક્યાંક સમોસા, કચોરી, ઘૂઘરા, પૃથ્વી પર એક્સભાઈ પોતાના શહેરમાં રવિવારે પરિવાર સાથે બહાર જે જે ખાવાનું પસંદ કરતાં એ બધું અહીં ગરમાગરમ બનતું હતું. એક્સભાઈ તો અનલીમીટેડ ‘ફોકટન્ટ’ પિત્ઝામાં આવેલા કોઈ બાળકની જેમ ખુશખુશાલ થઈને કુદકા મારવા લાગ્યા.
એક્સભાઈએ ત્યાં રસોયા અને શેફ પાસેથી જાણ્યું કે નરકમાં આ બધું ફ્રી છે. પૃથ્વી પર ડરાવવા આવે છે એવી કોઈ યાતનાઓ અહીં તમને નહિ આપવામાં આવે. અહીં તો કોઈ કામ નહિ કરવાનું અને આ બધું જેટલું જે ખાવું હોય તે ખાઓ, નેટફ્લીક્સ, એમેઝોન પ્રાઈમ વગેરે ઓટીટી જુવો અને મોજ કરો.
એક્સભાઈ તો રાજીના રેડ થઇ ગયા. ડીશો ભરી ભરીને અલગ અલગ વાનગીઓ ખાવા લાગ્યા. પણ ખાતા ખાતા ભાઈએ જોયું તો આસપાસ બધા સોગિયા મોઢા કરીને બેઠા હતા. એક્સભાઈને થયું કે અહીં આટલો જલસો છે તો આ બધા કેમ આમ બેઠા છે. પણ ભાઈએ એ બાબતે વધુ વિચાર્યા વિના ખાવા પર ફોકસ કયું. પેટ ફાટફાટ થાય એટલું જમી લઈને પછી એમને એ જગ્યાએ મસ્ત લાઈટોની ઝાકમઝોળ નીચે એક ચાર્જીંગ પ્લગ હતો ત્યાં લેપટોપ આપીને બેસાડી દીધા કે અહીં બધા OTT-યુટ્યુબ ફ્રી છે, જે મુવી જે સીરીઝ જોવી હોય તે જુવો અને જલસા કરો.
એક્સભાઈએ ગમતી સીરીઝ જોવી શરુ કરી. આખી સીરીઝ જોઈ નાખી. વચ્ચે બર્ગર-સેન્ડવીચ-કોલ્ડ્રીંકસ વગેરે ખાતા-પીતા રહ્યા. સીરીઝ જોઇને સુઈ ગયા. મોડા ઉઠયા તો પણ દિવસ નહોતો થયો, લાઈટોની એ જ ઝાકમઝોળ હતી, એ મસ્ત ખાવાનું અને એજ જલસા...એક્સભાઈએ એ દિવસે પણ ઉઠીને ગાંઠિયાથી લઈને બપોરે સેન્ડવીચ-પિત્ઝા-સમોસા વગરે અને સાંજે પંજાબી સુધી દબાવીને ખાધું. ફિલ્મો જોઈ. અને સુઈ ગયા...ત્રીજા દિવસે ભાઈ જાગ્યા, શરીર સુસ્ત લાગતું હતું, ફરી એ જ લાઈટો, એ જ ખાવાનું...
એક્સભાઈએ ત્યાં પૂછપરછ વિભાગની બારીએ જઈને પૂછ્યું કે, “મારે સૂર્ય પ્રકાશમાં જવું છે, થોડું વોકિંગ કરવું છે, આજે મારૂ શરીર સુસ્ત અને ભારે લાગે છે, મારે સાદા દાળભાત, ખીચડી કઢી અથવા કઢી ભાત-છુટ્ટા કઠોળ અને જોડે છાશ જેવું કશુક સાદું અને ઘર જેવું ખાવું છે.”
નર્કના પૂછ પુરછ વિભાગના અધિકારીએ એમને એક દરવાજા પાસે લઇ ગયા અને દરવાજો ખોલ્યો તો ત્યાં સવારે હોવો જોઈએ એવો કુમળો સૂર્યપ્રકાશ હતો, સરોવર હતું, પશુઓ હતા, પક્ષીઓનો કલરવ હતા. ખેતરોમાં કામ કરતાં લોકો હતા, સરોવરના કાંઠે કરસત કરતાં કે પુસ્તક વાંચતા લોકો હતા.ક્યાંક ધીમું મધુરું સંગીત વાગી રહ્યું હતું. એક તરફ રસોઈ ઘરમાં ફણગાવેલા છુટ્ટા મગનું શાક, સહેજ ખાટી મીઠી કઢી, ભાત, રોટલી બનવાની સોડમ અને વલોણું છાશ બનાવાનો અવાજ આવતો હતો.
એક્સભાઇના મોં પર અપૂર્વ શાંતિ આવી કે, “હા, બસ આ જ...આજે મારે આ જ જોઈએ છે...” એમ બોલીને ભાઈ દરવાજો ઓળંગવા જાય ત્યાં દરવાજો બંધ થઇ ગયો, નર્કના અધિકારીએ કહ્યું, “એ તો સ્વર્ગ છે, ત્યાં તમારાથી નહીં જઈ શકાય...”
ભાઈ ઢીલા પગે ફરી એ જ ઝાકમઝોળ લાઈટોમાં, એ જ મોટા અવાજે વાગતા મ્યુઝીકમાં, એજ અવનવી વાનગીઓમાં, એ જ ખૂણામાં લેપટોપ પાસે આવીને બેઠા.
એટલામાં એક નવા ઝેડભાઈને નરકમાં ધક્કો મારવામાં આવ્યો, ઝેડભાઈએ આસપાસ બધું જોયું અને ખુશ થઇ ગયા. એણે લેપટોપ પાસે બેઠલા આ એક્સભાઈ સામે જોયું. અને ઝેડભાઈ સમજી ન શક્યા કે આટલી મોજ મજા વચ્ચે આ ભાઈનો ચહેરો ઉતારેલો કેમ છે.
સાભાર :-- કાનજી મકવાણા ની ફેસબુક દિવાલ પરથી...