નેપાળનો શાહી હત્યાકાંડઃ એક રાજકુમાર જ્યારે આખા રાજવી પરિવારનો ખાત્મો બોલાવી દે છે...
----------------
પોતાને મનગમતી કન્યા સાથે લગ્ન કરવાની મા-બાપે ના પાડી એટલે રાજકુમાર દીપેન્દ્રએ પોતાના જ પરિવારના પાંચ-પાંચ સભ્યોને પળવારમાં હણી નાખ્યા? કે આ હત્યાકાંડ પાછળ બીજું કોઈ ષડયંત્ર હતું? દિલધડક મસાલા ફિલ્મ કરતાંય ખતરનાક એવી આ સત્યઘટના જાણવા જેવી છે...
-----------------------------------
વાત-વિચાર o ગુજરાત સમાચાર o એડિટ પેજ, શનિવાર
--------------------------------------
સ્થળ છે, કાઠમંડુ. દિવસ છે, ૨૦૦૧ની પહેલી જૂન. આજે સવારથી ભવ્ય નારાયણહિતી પેલેસમાં વિશેષ હલચલ છે. નેપાળના સત્તાસ્થાને બિરાજમાન રાજા બિરેન્દ્ર વિક્રમ શાહ અને એમનો વિસ્તૃત પરિવાર આજે ત્રિભુવન સદન નામના ખંડમાં શાહી ભોજન માટે એકઠો થવાનો છે. આ એક પરંપરા છે - મહિનામાં નિયત કરેલા દિવસે ભોજન માટે એકત્રિત થવું ને વાતચીત-આનંદપ્રમોદ કરીને છૂટા પડવું. સમય થતાં એક પછી એક સૌ આવતા જાય છે - રાજા બિરેન્દ્ર અને રાણી ઐશ્વર્યા, એમનો મોટો દીકરો પ્રિન્સ દીપેન્દ્ર, નાનો દીકરો પ્રિન્સ નિરંજન, દીકરી પ્રિન્સેસ શ્રુતિ, રાજાની નાની બહેન પ્રિન્સેસ શારદા અને રાજાનો સૌથી નાનો ભાઈ ધીરેન્દ્ર.
આ બધામાંથી રાજકુમાર દીપેન્દ્રનું નામ ખાસ યાદ રાખજો. નેપાળનો એ ક્રાઉન પ્રિન્સ છે, એટલે કે રાજા બિરેન્દ્ર પછી નેપાળની રાજગાદી પર એ બિરાજમાન થવાનો છે... અને આ એ જ રાજકુમાર છે, જેના થકી આજે ભયાનક હત્યાકાંડ થવાનો છે! ભેગાભેગું બીજું આ નામ યાદ રાખજો- જ્ઞાનેન્દ્ર શાહ. એ છે રાજા બિરેન્દ્રનો બીજા નંબરનો એટલે કે વચેટ ભાઈ. આજના શાહી ભોજનમાં કશાક કારણસર ગેરહાજર છે. નેપાળની રાજગાદી માટે દાવેદાર વ્યક્તિઓની સૂચિ બનાવવામાં આવે તો જ્ઞાનેન્દ્રનો નંબર ખાસ્સો પાછળ આવે, કેમ કે રાજા બિરેન્દ્ર અને એમના બન્ને કુંવર હયાત ન હોય તો જ એ તખ્તનશીન થઈ શકે!
ત્રિભુવન સદનમાં અન્ય કેટલાક રાજવી સદસ્યો, બોડીગાર્ડ્સ, નોકરચાકર પણ ઉપસ્થિત છે. ૨૯ વર્ષના કુંવરસાહેબ દીપેન્દ્ર ભોજન માટે આવ્યા તો છે, પણ એમની તંગ મુખમુદ્રા જોઈને સ્પષ્ટપણે વર્તાય છે કે એ ખુશ નથી. ન જ હોય. એ કોઈકના પ્રેમમાં છે, એને પરણવા માગે છે, પણ રાજા-રાણીને તે મંજૂર નથી!
કોણ છે દીપેન્દ્રની પ્રિયતમા? એનું નામ છે, દેવયાની રાણા. પુષ્પપતિ શમશેર રાણા અને ઉષારાજે સિંધિયાની સુપુત્રી. ઉષારાજે આપણા ગ્વાલિયરના શાહી સિંંધિયા પરિવારનાં દીકરી થાય. નેપાળમાં બે પરિવારો સૌથી શક્તિશાળી ગણાય - રાજવી શાહ પરિવાર અને બીજો, રાણા પરિવાર. રાણા પરિવારને પણ નેપાળની ગાદી સાથે સીધો સંબંધ. લગભગ સો વર્ષ સુધી આ પરિવારના પુરૂષોએ નેપાળ પર રાજ કર્યું હતું. નેપાળના મહેલોમાં રહેવા સહિત તમામ પ્રકારની સુખસાહ્યબી રાણા પરિવારે ખૂબ ભોગવી હતી. શાહ પરિવાર રાજવી ગણાય ખરો, પણ સો વર્ષના આ સમયગાળા દરમિયાન તેની પાસે કોઈ સત્તા નહીં. આખરે ૧૯૫૧માં ભારતની દરમિયાનગીરીથી નેપાળમાં સત્તાપલટો થયો અને રાજગાદી પર રાણા પરિવારને હટાવીને શાહ પરિવાર પુનઃ સ્થાપિત થયો. દેવયાની આ રાણા પરિવારની દીકરી, ને રાજકુમાર દીપેન્દ્ર એના જ પ્રેમમાં પડયો! ખાનદાની દુશ્મનની દીકરીનો પુત્રવધૂ તરીકે આસાનીથી સ્વીકાર કેવી રીતે થાય?
દીપેન્દ્ર અને દેવયાની વચ્ચે રજવાડી ઉછેર સિવાય પણ ઘણું કોમન હતું. બન્નેએ કોલેજ સુધીનું ભણતર ભારતમાં લીધું હતું. દીપેન્દ્રએ દહેરાદૂનમાં, દેવયાનીએ દિલ્હીમાં. બન્નેએ ઇંગ્લેન્ડમાં ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ૧૯૯૦ના દાયકામાં સંભવતઃ કોઈ કોમન ફ્રેન્ડની પાર્ટીમાં બન્નેનો પરિચય થયો હતો. ત્વરિત દોસ્તી થઈ ને દોસ્તી પ્રેમમાં પરિણમી. દીપેન્દ્રએ તો ખુલ્લેઆમ ઘોષણા કરી દીધી હતી કે હું પરણીશ તો દેવયાનીને જ! દેવયાનીના પક્ષે એટલો વિરોધ નહોતો, જેટલો દીપેન્દ્રના પક્ષે હતો. ખાસ કરીને રાજમાતા ઐશ્વર્યાએ દીકરાને ચોખ્ખું કહી દીધું હતું કે આ છોકરીને હું ધોળે ધરમેય નહીં સ્વીકારું!
આમ, દીપેન્દ્ર અને એનાં મા-બાપ વચ્ચે તંગદિલી તો હતી જ. પહેલી જૂન, ૨૦૦૧ની સાંજે સાડાસાતે દીપેન્દ્ર શાહી ભોજન માટે આવ્યો ત્યારે ખૂબ નશામાં હતો. અધિકૃત અહેવાલ કહે છે કે આ નશો માત્ર શરાબનો નહોતો, દીપેન્દ્રએ વ્હિસ્કી સાથે હશિશ અથવા તો મોર્ફિન જેવી નશીલી દવા પણ લીધી હતી. પ્રેમનો નશો તો હતો જ. દેવયાની સાથે લગ્ન કરવાના મુદ્દે દીપેન્દ્રની મા-બાપ સાથે તે સાંજે ફરી બોલાચાલી થઈ ગઈ. એ ગુસ્સે થઈને નીકળી ગયો. એની હાલત એવી હતી કે એ સીધો ચાલી પણ શકતો નહોતો. એને પકડીને એના ઓરડા સુધી લઈ જવામાં આવ્યો.
લગભગ સાડાઆઠ થયા હશે. દીપેન્દ્ર પાછો બેન્ક્વેટ હૉલમાં આવ્યો. મજા જુઓ. આ વખતે એ નહોતો નશામાં દેખાતો કે નહોતો એ લથડિયાં ખાતો. એણે સૈનિક જેવાં કપડાં પહેર્યાં હતાં. એની પાસે ત્રણ-ત્રણ બંદૂકો હતી - સ્ઁ૫ સબમશીન ગન, સ્૧૬ એસોલ્ટ રાઇફલ અને ગ્લોક પિસ્તોલ... અને પછી એવી લોહિયાળ ક્ષણો ત્રાટકી જેના વિશે કોઈએ સપનામાં પણ કલ્પના કરી નહોતી. દીપેન્દ્રએ સૌથી પહેલાં પોતાના સગા બાપ તરફ બંદૂક તાગી. કોઈ કશુંય સમજે-વિચારે તે પહેલાં તો રાજા બિરેન્દ્રના શરીરમાં ગોળી ધરબાઈ ગઈ. પછી દીપેન્દ્રએ માને વીંધી નાખી. પછી નાના ભાઈને, પછી બહેનને અને પછી ફોઈને...! ધાંય ધાંય ધાંય કરતી ગોળીઓ છૂટતી ગઈ. એક પછી એક લાશ પડતી ગઈ. સૌ સ્તબ્ધ હતા. દીપેન્દ્રની બંદૂક હજુ શાંત થવાનું નામ નહોતી લેતી. ઉપસ્થિત લોકોમાંથી બીજી પાંચેક વ્યક્તિઓને પણ ગોળી વાગી, પણ એમની આયુષ્યરેખા લાંબી હતી. આખરે દીપેન્દ્રએ બંદૂકનું નાળચું પોતાના તરફ ઘુમાવ્યું ને ગોળી ટ્રિગર દબાવી દીધી.
હાહાકાર થઈ ગયો. પહેલાં મહેલમાં, ને પછી આખા નેપાળમાં. શું થઈ ગયું આ? શા માટે? પોતાને મનગમતી કન્યા સાથે લગ્ન કરવાની મા-બાપે ના પાડી એટલે રાજકુમાર દીપેન્દ્રએ હત્યાકાંડ કરી નાખ્યો? દીપેન્દ્ર હજુ મર્યો નહોતો. અન્યોની સાથે એને પણ તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. એ કોમામાં સરી પડયો હતો. આવી હાલતમાં જ એને નેપાળનો નવો રાજા ઘોષિત કરી દેવામાં આવ્યો. આખરે ત્રીજા દિવસે, ૪ જૂન ૨૦૦૧માં રોજ, બેભાન અવસ્થામાં જ દીપેન્દ્રનો જીવ નીકળી ગયો. હવે? નેપાળના રાજા અને એમના બન્ને કુંવર હવે રહ્યા નહોતા. તેથી નિયમ પ્રમાણે નેપાળની રાજગાદી રાજાના નાના ભાઈ જ્ઞાનેન્દ્ર શાહને મળી ગઈ!
વસ્તુસ્થિતિ સમજવા માટે એક કમિશનની રચના કરવામાં આવી, જેમાં બે જ સભ્યો હતા. તપાસ, હત્યાકાંડના સાક્ષીઓની પૂરપરછ વગેેરેને અંતે કમિશને જાહેરાત કરીઃ દેવયાની રાણા સાથે લગ્ન કરવા સામે વિરોધ થઈ રહ્યો હતો એટલે ક્રોધિત દીપેન્દ્રએ નશાની હાલતમાં પોતાના પરિવારના પાંચ સદસ્યોની હત્યા કરી છે, ને પછી પોતાનો જીવ લઈ લીધો છે... અને આ સાથે અધિકૃત રીતે આખા કેસ પર પડદો પડી ગયો.
શું વાત આટલી સીધી ને સરળ હતી? બિલકુલ નહીં. ઘણી કન્સ્પિરસી થિયરીઝ સામે આવી. લાલબહાદૂર લામતેરી નામનો સિપાહી, કે જેણે હત્યાકાંડ પોતાની આંખો સામે જોયો હતો, એણે કહ્યું કે જે માણસ ગન લઈને બેન્ક્વેટ હૉલમાં આવ્યો તે દીપેન્દ્ર હતો જ નહીં, એ તો દીપેન્દ્રનો હમશકલ હતો! જો હત્યાઓ કરનાર ખરેખર દીપેન્દ્ર જ હોય તો એની પીઠ પર છ અને ડાબા હાથ પર એક ગોળી કેવી રીતે વાગી? કોઈ માણસ પોતાની જ પીઠ પર કેવી રીતે શૂટ કરી શકે? મતલબ કે જેેણે રાજા-રાણી સહિત પાંચ વ્યક્તિઓની હત્યા કરી એણે જ પ્રિન્સ દીપેન્દ્રને પણ પતાવી નાખ્યો. છેને બિલકુલ ફિલ્મી વાત!
એવો આક્ષેપ પણ મૂકાયો કે જ્યાં હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો તે જગ્યા પર કેમ ફટાફટ સાફસફાઈ કરી નાખવામાં આવી? મૃતકોના પોસ્ટમોર્ટમ કાં તો થયાં જ નહીં ને થયાં તો અડધાપડધાં થયાં તેનું શું કારણ? જેને પછી ગાદી મળી એ જ્ઞાનેન્દ્ર શાહ કરૂણાંતિકાના દિવસે જ ગેરહાજર હતા તે શું કેવળ એક યોગાનુયોગ હતો? જ્ઞાનેન્દ્ર ઉપરાંત એમનો દીકરો પારસ પણ શાહી ભોજનમાં આવ્યો નહોતો! ૨૦૦૧ની પહેલી જૂનની મોડી સાંજે આ હત્યાકાંડ થયો અને છેક બીજા દિવસની સવારે જ્ઞાનેન્દ્ર પ્રગટ થયા. જ્ઞાનેન્દ્રનાં પત્ની કોમલ શાહી ભોજનમાં ઉપસ્થિત હતાં, પણ આડેધડ ગોળીબારને કારણે એ માત્ર ઘાયલ થયાં.
આ બધાનો શો અર્થ કરવો? શું જ્ઞાનેન્દ્રને રાજગાદી પર બેસવાના એટલા ધખારા હતા કે એણે સગા ભાઈ અને એના આખા પરિવારને પતાવી નાખ્યા? આ સવાલના જવાબમાં 'હા' કહેનારાઓની કમી નથી. પછી અધિકૃત અહેવાલમાં ભલે ગમે તે કહેવાયું હોય!
પ્રિન્સ દીપેન્દ્રની પ્રેમિકા દેવયાની રાણાનું પછી શું થયું? હત્યાકાંડ પછી એ ભારત આવી ગઈ અને જુદા જુદા એનજીઓમાં કામ કરતી રહી. ૨૦૦૭માં એણે માધવરાવ સિંધિયાનાં બહેનના દીકરા ઐશ્વર્ય સિંહ સાથે લગ્ન કર્યાં. હાલ એ ભારતમાં જ રહે છે અને એકદમ લૉ પ્રોફાઇલ જીવન જીવે છે.
હત્યાકાંડ બાદ જ્ઞાનેન્દ્ર શાહે લગભગ સાત વર્ષ સુધી રાજ કર્યું. આ સાત વર્ષમાં જનતાના અસંતોષનો પાર નહોતો. એટલી હદે કે ૨૦૦૮માં નેપાળમાં રાજાશાહી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું અને લોકશાહીની સ્થાપના થઈ. એ વાત અલગ છે કે લોકશાહી નેપાળમાં રાજકીય સ્થિરતા ન લાવી શકી. આજે ૨૦૨૫માં આપણે નેપાળમાં જે જબરદસ્ત રાજકીય અરાજકતા અને હિંસા જોઈએ છીએ તેમાં 'નેપાળમાં રાજાશાહી પાછી લાવો' એવી માંગણી કરનારા પણ કોઈક સ્તરે સક્રિય છે!
નેપાળના આ સનસનાટીભર્યો હત્યાકાંડ પર કેટલીય ડોક્યુમેન્ટરી બની હોય ને પુસ્તકો લખાયાં હોય તો તેમાં કશું નવાઈ પામવા જેવું ખરું?
સાભાર :- શિશિર રામાવત
