શિક્ષક, વિદ્યાર્થી અને શિસ્ત

રાજાશાહી સમયની વાત છે. એ સમયમાં શાળાઓ રાજાની મદદ અને મહેરબાનીથી ચાલતી હતી.


ભાવનગરની એક શાળામાં આજે સવાર-સવારમાં અજંપાભરી શાંતિ છે. ભણાવવાનું અટકી પડ્યું છે. ચોક અને ડસ્ટર શાંતિથી બેસી ગયા છે. સૌના મનમાં બસ એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે હવે શું થશે !! એવું તો શું બન્યું હતું ? વાત એમ હતી કે શાળામાં નવા આવેલા યુવાન શિક્ષક સુબોધ મહેતાએ ભાવનગરના મહારાજા ભાવસિંહજી ગોહિલના ભાણેજ પોપટભા કે જે નવમાં ધોરણનો વિદ્યાર્થી છે, તેને તમાચો મારી દીધો છે. પોપટભા ગુસ્સામાં લાલપીળો થઈને શાળામાંથી જતો રહ્યો છે. જઈને પોતાના મામા એવા મહારાજા સાહેબને આ નવા શિક્ષકની ફરિયાદ કરશે તો શું થશે ? આ પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.

લગભગ બેએક કલાક પછી એક ઘોડાગાડી શાળાના દરવાજા પાસે આવીને ઊભી રહી. તેમાંથી મહારાજા સાહેબ નીચે ઊતર્યા અને ઑફિસમાં આવીને બેઠા. આચાર્યને કહ્યું :

“બોલાવો એ માસ્તરને.”

એક જાજરમાન યુવાન, જાણે કે કોઈ પાણીદાર અશ્વ ! ઝવેરચંદ મેઘાણીએ કોઈ આવા જ યુવાન માટે લખ્યું હતું કે, ‘ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંજે પાંખ.’ બસ આવો જ એક યુવાન શિક્ષક સુબોધ મહેતા મહારાજાની સામે આવીને ઊભો રહ્યો. રાજાને પ્રણામ કર્યા. ભાવસિંહજીએ પૂછવાનું શરૂ કર્યું :

“સુબોધભાઈ મહેતા તમે છો ?”

“હાં, હું જ સુબોધ મહેતા.”

“પોપટભાને તમે માર્યો ?”

“હાં, મેં માર્યો.”

“શું તમને ખબર નહોતી કે તે મારો ભાણેજ છે ?”

“હાં, ખબર હતી.”

“ખબર હતી તેમ છતાં માર્યો ?”

“હાં, માર્યો.”

“પણ મારવાનું કારણ શું ?”

“હું વર્ગખંડમાં ભણાવતો હોય ત્યારે પોપટભા તોફાન કર્યા કરે. પોતે ભણે નહીં અને બીજાને પણ ભણવા દે નહીં. અનેકવાર તેને સૂચના આપી પણ માન્યો જ નહીં. અંતે મારે તેને તમાચો મારવો પડ્યો.”

આટલી વાત સાંભળીને મહારાજા ઊભા થયા અને શિક્ષકને ખભે હાથ મૂકીને કહ્યું :

“સુબોધભાઈ, તમે બરાબર કામ કર્યું. પોપટભા રાજાનો ભાણેજ છે એમ વિચારીને તેના તોફાન-મસ્તી નજરઅંદાજ કર્યા હોત તો તે વધારે તોફાની, મસ્તીખોર બની જાત. ભવિષ્યમાં મોટા થઈને તેણે રાજના કામ સંભાળવાના છે. માટે તેનું વર્તન યોગ્ય હોય એ ખૂબ જરૂરી છે.”

મહારાજાએ અચકનના ખિસ્સામાંથી સો રૂપિયાની નોટ કાઢી અને સુબોધભાઈને ઇનામ સ્વરૂપે આપી. એ જમાનામાં શિક્ષકનો પગાર દસ-વીસ રૂપિયા હતો.

આ વાતને ઘણાં વર્ષ થઈ ગયાં. એક દિવસ વૃદ્ધ અને નિવૃત્ત સુબોધભાઈ લાકડીના ટેકે ભાવનગરના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. બાજુમાંથી પોલીસની એક ગાડી નીકળી અને આગળ જઈને ઊભી રહી. તેમાંથી કોઈ મોટો પોલીસ અધિકારી ઊતર્યો અને પૂછ્યું :

“તમે સુબોધ સાહેબ કે નહીં ?

“હાં, હું સુબોધ સાહેબ. પણ આપ કોણ ?”

“અરે સાહેબ હું પોપટભા. તમારો વિદ્યાર્થી. આજે હું પોલીસમાં ખૂબ ઊંચા હોદ્દા પર છું. જે કંઈ છું એ તમારા પેલા એક તમાચાના કારણે છું !!”


આટલું બોલી પોપટભાએ સાહેબના ચરણ સ્પર્શ કર્યા.


વખાણ કોના કરવા ?

સુબોધભાઈ જેવા એક નિષ્ઠાવાન શિક્ષકના કે પોપટભા જેવા વિદ્યાર્થીના ? કે પછી ભાવસિંહજી જેવા એક દરિયાદિલ રાજવીના ?!!


Post a Comment

Previous Post Next Post