મેકોલેની શિક્ષણપદ્ધતિ કોવિડ-19 કરતાં વધારે ચેપી છે

જેમના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, એમના માટે થોડા દુખદ સમાચાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે હવેથી બાળકોને પ્રાથમિક શિક્ષણ અધરટંગને બદલે મધરટંગમાં આપવામાં આવશે. માતૃભાષા માટે ચિંતિત આપણી માતૃભાષાના વડીલો વર્ષોથી વડીલોને શોભે એવી ગંભીરતાથી અને અમે યુવાનો વર્ષોથી યુવાનોને શોભે એવી હળવાશથી એક વાત કરતા હતા કે દરેક બાળકને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો એની માતૃભાષામાં જ મળવું જોઇએ.

‘મૌલિક, તું ઇટ કરી લે, તને ભાવે તે ટેક કર, પછી આંખો બંધ કરીને સ્લીપી જા...’ આવા સંવાદોવાળો હાસ્યરસિક પ્રસંગ છેલ્લા પચીસ વર્ષથી આખા વિશ્વના ગુજરાતીઓને હસાવે છે, એ રમૂજ રજૂ કરવા પાછળનો આશય અંગ્રેજી માધ્યમનો સવિનય વિરોધ જ હતો. ગુજરાતી પ્રજાને સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે, પરંતુ સાચું અને સારું ગુજરાતી ન આવડે તો એ શરમની વાત છે. અત્યારે સોશિયલ મીડિયામાં જે પ્રકારનું ગુજરાતી ચાલે છે એ પરથી સમજી શકાય તેમ છે કે ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર હતી અને કેન્દ્ર સરકારના આ નિર્ણયથી એને નવજીવન મળશે.

મેકોલે નામનો બદમાશ અંગ્રેજ જે શિક્ષણ પદ્ધતિ આપતો ગયો હતો, એ કોવિડ-19 કરતાં વધુ ચેપી અને નુકસાનકારક હતી. આપણે વર્ષો સુધી અંગ્રેજોના ગુલામ રહ્યા. એનું દુખદ પરિણામ એ આવ્યું કે આજે પણ કોઇ ચીટર ફાંકડું અંગ્રેજી બોલે તો આપણે અંજાઇ જઇએ છીએ. માતૃભાષાના ભવિષ્ય વિશે અંગ્રેજીમાં ચર્ચા કરી શકે એવી કોઇ પ્રજા હોય તો આપણે ગુજરાતીઓ છીએ.

એક દાદા એમના પૌત્રને દરરોજ સવારે ગળામાં ટાઇનો ગાળિયો નાખીને નર્સરીમાં મૂકવા જતા હતા. આપણે ત્યાં મોટા ભાગની અંગ્રેજી શાળાઓમાં ટાઇ, બૂટ, મોજાં, ઇનશર્ટનો રિવાજ છે. યુનિફોર્મ, સ્કૂલબેગ, બુક્સ, નોટબુક્સથી માંડી ખુદ સુધીની તમામ વસ્તુઓ શાળાના સંચાલકો વેચે છે. એટલું સારું છે કે એ લોકો શાળામાં જ હેરકટિંગ સલૂન ખોલીને બાળકો વાળ પણ પોતાની શાળામાં જ કપાવે એવો આગ્રહ રાખતાં નથી. આમ તો તગડી ફી વસૂલ કરી વાલીઓનો ટકો કરી નાખે છે. પછી વિદ્યાર્થીઓના વાળ કાપવામાં કોને રસ હોય?

મોટા ભાગની શાળાઓમાં બાળકો દરરોજ ટાઇ પહેરવાની માથાકૂટથી બચવા માટે રેડીમેડ ટાઇનો ઇલાસ્ટિકવાળો ચણિયો જ રાખે છે. બાળકને નર્સરીથી જ ગળેફાંસો ખાવાની તાલીમ પણ મળેે છે. ગુજરાતી દાદા ધોતિયું પહેરે છે અને પૌત્ર ટાઇ પહેરે છે એટલે પૌત્રને નેકટાઇ અને દાદાને બેકટાઇનું કોમ્બિનેશન છે.

એક સવારે દાદાએ પૌત્રને ચીપડાંયુક્ત આંખ સાથે ઘોડિયામાંથી બહાર કાઢ્યો અને યુનિફોર્મ, મોજાં-બૂટ સાથે ગળામાં ટાઇનો ગાળિયો નાખી તૈયાર કર્યો. ત્યાર બાદ બાળકના વજન કરતાં વધારે વજનની સ્કૂલબેગ બાળકની પીઠ ઉપર લાદવામાં આવી. બાળકને મોટા થઇને અનાજની ગુણ પીઠ ઉપર ઉપાડવી પડે તેની તાલીમ પણ પરોક્ષ રીતે આપવામાં આવે છે.

ત્યાર બાદ દાદાએ પૌત્રને સ્કૂટરમાં આગળ ઊભો રાખ્યો અને સ્કૂટરને ત્રણ વખત નમાવીને વારંવાર કીક મારી ચાલુ કર્યું. દાદા પૌત્રને લઇને નામ પણ બોલતાં ન આવડે એવા અઘરા નામવાળી કોન્વેન્ટ શાળાના ગેટ ઉપર પહોંચ્યા તો શાળા બંધ હતી. ગેટ ઉપર સ્ટૂલ પર બેસી તમાકુ ખાતાં ચોકીદારને પૂછ્યું, ત્યારે જાણવા મળ્યું કે આજે રવિવાર છે. ધોતિયાધારી દાદા મારતા સ્કૂટરે ઘરે આવ્યા અને પૌત્રને યુનિફોર્મ અને ટાઇ સાથે જ ફરી ઘોડિયામાં પધરાવી દીધો. એ બાળક આ સમગ્ર યાત્રા દરમિયાન નિદ્રાધીન હતો એટલે દાદાએ શું બાફી માર્યું એની પૌત્રને કશી જાણ નહોતી.

ગુજરાતી બાળકને અંગ્રેજી માધ્યમમાં દાખલ કરવું એ શરમની વાત છે. છતાં ગુજરાતમાં એ ગૌરવની વાત ગણાય છે. ગુજરાતી માધ્યમમાં પણ નોનમેટ્રિક વાલીઓ પોતાના બાળક પાસે એક અંગ્રેજી કવિતા ગોખાવી નાખે છે. ત્યાર બાદ ઘેર જેટલાં મહેમાન આવે એની સામે બાળકને પેલી સાત ખોટની અંગ્રેજી કવિતા બોલવી પડે છે. અહીં દુ:ખની વાત એ છે કે મહેમાન, વાલી કે બાળકમાંથી કોઇને એ કવિતાના ગુજરાતી અર્થની ખબર હોતી નથી.

મેકોલેએ એક પત્રમાં લખ્યું હતું કે, હું ભારતમાં એવી શિક્ષણ પદ્ધતિ મૂકીને આવ્યો છું કે એ લોકો સ્થૂળ અર્થમાં 1947માં આઝાદ થઇ ગયા, પરંતુ સૂક્ષ્મ અર્થમાં તો વર્ષો સુધી અંગ્રેજોના ગુલામ જ રહેશે. મને આશા છે કે આ પ્રજા વીસમી સદીના અંત સુધીમાં પોતાની સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કાર ત્રણે ખોઇ નાખશે.

સાભાર સહ....

13/08/2020

મધરટંગ V / S અધરટંગ

વ્યંગ વિશ્વ - કળશ પૂર્તિ

✒લેખક: ડૉ. જગદીશ ત્રિવેદી
https://m.facebook.com/Jagdish-Trivedi-413280352205695/posts/?ref=page_internal&mt_nav=0

મેકોલેની શિક્ષણપદ્ધતિ કોવિડ-19 કરતાં વધારે ચેપી છે

*?સોર્સ: divybhskar.co.in
-----------------------------------


ટીમ
✍🏼
Limited 10 પોસ્ટ વતી
ધવલ બલદાણીયા

(આ પોસ્ટ
કોપી રાઈટ** આરક્ષિત હોવાથી તેના લખાણ માં કોઈ ફેરફાર ન કરવો)

[65 ગ્રુપ, 14000 જેટલા વાંચકો *નિજાનંદ* અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારું Limited 10 પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]

Post a Comment

Previous Post Next Post