લડાખની એક અઠવાડિયાની ફેમિલી ટ્રીપ દરમિયાનના એક પ્રવાસીએ નોંધેલ અનુભવ.
અનુભવ તો શું પણ નાનો એવો વાર્તાલાપ જ હતો. પણ વાર્તાલાપ દરમિયાન મળેલી માહિતી હૃદયમાં ઊંડો શેરડો પાડીને ઉતરી ગઈ હતી.
મુંબઈની મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા એક મેનેજર કક્ષાના યુવાન, નામે પ્રશાંત, તેમના કુટુંબ સાથે લડાખની એક અઠવાડિયાની ટ્રીપ પર ગયેલા.
તેમનો લોકલ ડ્રાઇવર એક 28 વર્ષનો યુવાન હતો. નામ તેનું જીગમેટ. આ લડાખી યુવાન ના કુટુંબમાં તેના માતા પિતા, તેની પત્ની અને બે નાની દીકરીઓ હતી.
હિમાલયના પર્વતમાળાના ઊંડાણના વિસ્તારમાં કરેલી મુસાફરી દરમિયાન તેમની વચ્ચે થયેલ વાર્તાલાપ.
પ્રશાંત -આ અઠવાડિયું પૂરું થશે એટલે લડાખ ની ટુરિસ્ટ સીઝન નો અંત આવશે. ત્યાર પછી તું શું કરીશ? શું તું બીજા નેપાળીઓ કે જેઓ ગોવા કે બીજા કોઈ મોટા શહેરમાં જઈને હોટલમાં કામ કરે છે તેવું કરવાનો તારો પ્લાન છે?
જીગમેટ- ના સાહેબ હું લડાખનો છું અને શિયાળાની ઋતુના ઠંડીના દિવસો દરમિયાન પણ હું અહી લડાખમાં જ રહું છું. હું બીજે ક્યાંય જતો નથી.
પ્રશાંત- પણ અહીંયા તો સખત ઠંડી પડે છે. તો આ ઠંડીના દિવસો દરમિયાન તું શું કરીશ?
જીગમેટ- કંઈ નહિ સાહેબ ઘેર બેસીશ. જોકે મારી પાસે બીજો એક ઓપ્શન પણ છે. હું મોટેભાગે સિયાચીન જતો રહું છું.
પ્રશાંત- સિયાચીન?? એ તો અહીંથી પણ ઠંડો પ્રદેશ છે ત્યાં તું શું કરીશ ?
જિગમેટ- ભારતીય લશ્કરના લોડર (બોજ વહન કરનાર મજુર) તરીકે કામ કરીશ.
હવે પ્રશાંતને આ લડાખી નવયુવાન માં રસ પડવા માંડ્યો હતો તેણે પૂછ્યું- " અચ્છા એટલે તું ઇન્ડિયન આર્મીમાં જવાન તરીકે જોડાઈ જઈશ?"
જીગમેટ- ના સાહેબ ઇન્ડિયન આર્મીમાં જોડાવાની age limit તો મેં ક્યારની ક્રોસ કરી દીધી છે. એટલે હું આર્મીમાં જોડાઈ તો ન શકું. પરંતુ આ કોન્ટ્રાક્ટ જોબ હોય છે. જેમાં હું અને મારા કેટલાક મિત્રો કે જેઓ પણ ડ્રાઇવર છે જતા હોઈએ છીએ.
સિયાચીન પહોંચવા માટે હું અહીંથી 265 કિ.મી ચાલીને સિયાચીનના બેઝ કેમ્પ પહોંચીશ જ્યાં હું આ કામ કરવા માટે ફિટ છું કે નહીં તેની મેડિકલ એક્ઝામિનેશન એટલે કે તબીબી પરીક્ષણ થશે અને એમાં હું ફીટ થાવ (જેમ કે દર વખતે હું ફીટ થાઉં જ છું) તો ત્યારબાદ મને લશ્કર તરફથી યુનિફોર્મ, ગરમ કપડા, બુટ, હેલ્મેટ, વગેરે જરૂરી સાધનો આપવામાં આવશે. અને ત્યારબાદ ઠંડીના ત્રણ-ચાર મહિના સિયાચીન રહીને જ લશ્કર માટે કામ કરું છું. સિયાચીન પહોંચવા માટે મારે પંદર દિવસ સુધી ચાલવું પડે છે, ત્યારે સિયાચીન પહોંચાય છે. ત્યાં વાહન વ્યવહાર થઈ શકે તેવા રસ્તા નથી. હિમાલયની પર્વતમાળાઓ ખુંદીને જવું પડે છે.
જીગમેટની વાતો સાંભળીને પ્રશાંતની ઉત્તેજના વધતી જતી હતી તેણે કલ્પના કરી હતી એના કરતાં કોઈ જુદી માટીનો માણસ આ લાગ્યો એને આસપાસની હિમાચ્છાદિત પર્વતમાળાઓ જોવા કરતા વધારે રસ આ જીગમેટની વાતમાં પડતો જતો હતો.
પ્રશાંત- ત્યાં તારે કામ કયા પ્રકારનું કરવાનું હોય છે?
જીગમેટ- ત્યાં મારે લોડર તરીકે કામ કરવાનું હોય છે સાહેબ. અને સામાન મારી પીઠ ઉપર ઊંચકીને એક ચોકીથી બીજી ચોકી સુધી પહોંચતો કરવાનો હોય છે. આ વિસ્તારમાં લશ્કરને જોઈતી તમામ જરૂરી સામગ્રીઓ એર ડ્રોપ કરવામાં આવે છે. વિમાનમાંથી ફેકાતો સામાન અમે ઉપાડી લઈએ છીએ અને તેને ચોકીઓ સુધી પહોંચતો કરવાનું કામ કરીએ છીએ.
પ્રશાંત- એર ડ્રોપ ??? પણ આ સામાનની હેરફેર માટે લશ્કર વાહનો નો ઉપયોગ કેમ નથી કરતું?
જીગમેટ- સિયાચીન નો વિસ્તાર ગ્લેસીયર છે સાહેબ. ત્યાં ટ્રક કે બીજા કોઈ પણ વાહન ચાલી શકે તેમ છે જ નહીં. આઈસ સ્કૂટર હોય છે. પરંતુ તે ખૂબ અવાજ કરે છે જેને કારણે દુશ્મનનું, દુશ્મનની સેનાનું આ તરફ ધ્યાન જઈ શકે છે એટલે આઈસ સ્કૂટર નો ઉપયોગ પણ થઈ શકતો નથી. કોઈપણ વાહનનો ઉપયોગ કરો તો સામે છેડે થી ગોળીબાર થાય છે. અરે પગે ચાલતા જવાનું હોવા છતાં પણ "દિવસ દરમિયાન પણ" અમે જતા નથી ને. અમે લગભગ રાત્રે બે વાગ્યે જઈએ છીએ અને અત્યંત ચુકીદી પૂર્વક સામાન ઉપાડી લઈએ છીએ અને તેને બેરેક સુધી પહોંચાડીએ છીએ અમે ટોર્ચ પણ વાપરી શકતા નથી. ઘોડા અને ખચ્ચર નો ઉપયોગ પણ અહીંયા થઈ શકે એમ નથી કારણ કે 18875 ફૂટની ઊંચાઈએ શિયાળામાં માઇનસ 50 ડિગ્રી ના વાતાવરણમાં કોઈ પ્રાણીઓ સરવાઈવ થઈ શકતા નથી.
પ્રશાંત - તારી વાત સાચી છે પણ અહીંયા તો ઓક્સિજન લેવલ પણ ખૂબ ઓછું હોય છે. એવા સમયે સામાન ઊંચકવાનું કામ ખૂબ શ્રમ ભરેલું કહેવાય. તું કેવી રીતે આટલો સામાન ઉંચકી શકે છે?
જીગમેટ- આ જ કારણથી અમે એક સાથે 15 કિલો થી વધુ સામાન ઊંચકીને લઈ જઈ શકતા નથી, અને દિવસમાં ફક્ત બે કલાક જ કામ કરવાનું હોય છે. બાકીનો સમય આરામ કરીને પુનઃ ઉર્જા પ્રાપ્ત કરવાની હોય છે.
પ્રશાંત- પણ આ તો ખૂબ જોખમ ભરેલું કામ કહેવાય.
જીગમેટ- હા સાહેબ મારા ઘણા મિત્રો આ કામ કરતા મૃત્યુ પણ પામેલા છે. કેટલાક માઈલો ઊંડી ખીણમાં ગરકાવ થઈ ગયા તો કેટલાક દુશ્મનની ગોળીથી વીંધાઇને મૃત્યુ પામ્યા. આ ઉપરાંત અહીં મોટા માં મોટું જોખમ કોઈ હોય તો તે હિમડંખનું છે. એક રીતે જોવા જાઓ તો સાહેબ ડગલેને પગલે મોત જ છે.
પ્રશાંત- તો તો, જો આવું જોખમી કામ હોય તો તમને એના પૈસા પણ સારા મળતા હશે?
જીગમેટ- હા સાહેબ પૈસા સારા મળે છે અમને મહિને 18000 રૂપિયા મળે છે. 😳😳😳 અને અમારો તમામ ખર્ચો આર્મી દ્વારા કરવામાં આવતો હોવાથી અમે ત્રણ મહિના દરમિયાન 50 હજાર રૂપિયા જેવી રકમ બચાવી શકીએ છીએ. જે મારા માટે ખૂબ "કીમતી" છે. જેનાથી મારા પરિવારનું ગુજરાન થઈ શકે છે. મારી દીકરીઓના એજ્યુકેશન માં પણ મને થોડી સહાયતા મળી રહે છે . અને સાહેબ મોટામાં મોટો સંતોષ તો એ છે કે હું દેશ માટે અને આપણા લશ્કર માટે અને આપણા જવાનું માટે કામ કરી રહ્યો છું.
મુંબઈ શહેરની મલ્ટીનેશનલ કંપનીમાં 50 લાખનું પેકેજ ધરાવતા અને વૈભવી જિંદગી જીવી શકતા પ્રશાંત માટે આ ચોંકાવનારી બાબત હતી.
લડાખના આ છોકરાને,
શિયાળાની ગાત્રો ત્રીજાવી દે તેવી ઠંડીમાં,
મોતના ભય વચ્ચે,
રાત્રે 2:00 વાગે સામાન ઊંચકીને હેરફેર કરીને મેળવેલા મહિનાના 18000 રૂપિયા .......
સારી રકમ લાગતી હતી.
વધારે રકમ લાગતી હતી.
અને ઉપરાંત એને દેશ માટે કંઈક કરવાનું સંતોષ પણ હતો.
મહિને 18000 રૂપિયા, એટલે કે રોજના ₹600. - 50 ડિગ્રી ટેમ્પરેચર. 18,875 ft ની ઊંચાઈ, રાતના 2:00 વાગ્યાનો સમય, કોઈપણ સમયે આવી શકતા મોતનો ભય.
સરકારે શું કરવું જોઈએ,
ઇન્ડિયન આર્મી એ શું કરવું જોઈએ,
દેશ કેવી રીતે ચલાવવો જોઈએ,
તેની ચાંપલી ચાંપલી વાતો કરતા અને એ દ્વારા લોકોને ઉશ્કેરતા ટ્વીટરીયા, યુ-ટ્યુબીયા માંથી કોઈની તાકાત નથી કે 10 મિનિટ પણ એ જગ્યાએ પસાર કરીને બતાવે જ્યાં આ છોકરો રાત્રે 2:00 વાગે 15 કિલો વજન ઉચકીને ખૂબ સંતોષ સાથે દેશની સેવા કરે છે.
લોકોને વિવિધ પ્રકારની સામગ્રી youtube પર પીરસીને કમાણી કરતા યુ-ટ્યુબીયા ની કમાણી...
કે પછી instagram અને tiktok ઉપર તમારી આંખોને સંતોષ આપવા માટે કંઈ પણ કરીને પૈસા કમાતી સુંદરીઓની કમાણી, સામે આની કમાણી સરખાવી જોજો.
અને હા તમારા બાળકને તમારી વૈભવી કારમાં લઈ જઈ, એર કન્ડિશન મોલમાં શોપિંગ કરાવી, વૈભવી રેસ્ટોરન્ટમાં જઈને પીઝા પાસ્તા ખવડાવીને તેને ખૂબ લાડ કરજો. તમારું જ બાળક છે અને એનો હક પણ છે. પણ સાથે સાથે આ વાત પણ કરજો અને ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે બાળક ધ્યાન દઈને આ વાત સાંભળે.
અસ્તુ.
(સાભાર અશ્વિનભાઈ કામદાર ની ફેસબુક દીવાલ પરથી)
