Sunday, July 18, 2021

ધક્કો મારવો એ પણ પુણ્ય છે.

૪૦૦ મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સૌથી આગળ હતો. ફિનિશિંગ લાઈનથી ચાર-પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો.એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટો જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબર પર દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝે આ જોયું અને તેને લાગ્યુ કે આ કંઇક ગેરસમજ છે.તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે.

પરંતુ મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી. આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડ નો હતો. સ્પેનિશ રનર ઈવાને પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશરેખાને પાર કરી ગયો.

ખુબ નાનો પણ અતિ મહત્વનો પ્રસંગ. 


આ રેસ હતી.અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ. ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાનને સિલ્વર.


એક પત્રકારે ઈવાન ને પૂછ્યું."તમે આમ કેમ કર્યું...? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો. "


ઈવાને સુંદર જવાબ આપ્યો."મારુ સ્વ્પ્ન છે કે ક્યારેક આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે પરંતુ પોતે આગળ જવા માટે નહિ પરંતુ બીજાને આગળ લાવવા.મદદ કરવા.એની શક્તિને બહાર લાવવા ધક્કો મારે.એવો સમાજ જ્યાં એક બીજાને મદદ કરી બંને વિજેતા બને."


પત્રકારે ફરીથી પૂછ્યું , "તમે એ કેન્યાના મુત્તાઈને કેમ જીતવા દીધો...? તમે જીતી શકત."


જવાબમાં ઈવાને કહ્યું , "મેં એને જીતવા નથી દીધો. એ જીતતો જ હતો.આ રેસ એની હતી. અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવેલી જીત જ હોત. આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત..? આવો જીતેલો ચંદ્રક હું મારી માને શી રીતે બતાવી શકું...?

હું મારા અંતરાત્માને શું જવાબ આપું..?"


સંસ્કાર અને નીતિમત્તા એ વારસામાં મળેલી ભેટ છે.એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે.આમ થાય અને આમ ના જ થાય. આ જ પુણ્ય અને પાપ છે.આ જ ધર્મ છે.આપણે જ નક્કી કરશુ કે કાલનો સમાજ કેવો હશે.નીતિમત્તા અને સંસ્કારના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી.


જીતવું મહત્વનું છે પણ કોઈ ભોગે જીતવું એ માનસિક અપંગતા છે.કોઈનો યશ ચોરી લેવો. કોઈની સફળતા પોતાને નામ કરવી.બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન.આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે કારણ કે અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે.

  

આ સુંદરતા,પવિત્રતા,આદર્શ,માનવતા અને નીતિમત્તાને આગળ ધપાવીએ.આવનારી પેઢીમાં પ્રમાણિકતા અને નીતિમત્તાના બીજ રોપીએ.


#copiedpost

દિશા એકેડેમી - એક પથદર્શક