Thursday, February 24, 2022

તમારે બાળક જોઈએ છે કે માર્ક્સ ???

જિંદગીમાં  સૌથી અગત્યની કોઈ ચીજ હોય તો એ જિંદગી પોતે છે. 



• શ્વાસ અને માર્કસમાં શ્વાસને પસંદ કરજો. 


• એક સારા માં-બાપ બનો, રીંગ માસ્ટર નહી.


• વર્લ્ડના કોઈપણ ડોક્ટરને પૂછી આવજો એ તમને જણાવશે કે, જેણે જીવનને જીવવાની ઈચ્છા છોડી દીધી છે એના પર સારામાં સારી દવાની પણ કોઈ અસર થતી નથી. 


• દરેક જણ એક વાત યાદ રાખે- શિક્ષણ "યાદશક્તિ વધારવા" માટે નથી. શિક્ષણ જીવનની ગુણવત્તા સુધારવા માટે છે. 


• ભૂતકાળ અને વર્તમાનકાળમાં એક નજર કરી લો, તમને સમજાઈ જશે કે, એકપણ મહાન માણસ ક્યારેય એના દેશની બોર્ડની પરીક્ષામાં ટોપ ટેનમાં નહોતો આવ્યો. 


• આપણે જાણતા-અજાણતાં બાળકના ઈગોને મોટો બનાવી દીધો છે. આજનું બાળક કોઈની પણ પાસે મદદ માંગવા તૈયાર નથી. હેલ્પ માંગવી એ તેના માટે અકલ્પનીય બાબત છે. કોઈ સામેથી મદદ કરે તો પણ લેવા તૈયાર નથી. 


• 99% કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે, એકથી પાંચ ધોરણમાં જ બાળકનું શૈક્ષણિક ભવિષ્ય ઘડાઈ જતું હોય છે. ત્યારબાદ શંખપુષ્પી પણ કઈ અસર કરી શકતી નથી. 


• "ઓછા માર્ક્સ" માટે આપણે એક માત્ર બલીનો બકરો વિદ્યાર્થીને જ ગણીએ છીએ. ક્યારેય કોઈ શિક્ષણ પધ્ધતિ, શિક્ષકની અણઆવડત, પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર, સામાજિક અને કૌટુંબિક વાતાવરણ, વધુ પડતું એક્સ્પેક્ટેશન વગેરેની તરફ ધ્યાન આપતું નથી. 


• ચાળીસ કિલોના માણસ પર એંશી કિલોનું બાચકું મૂકાય ? ના. આ વાત સમજાય છે પણ માનસિક વજન કોઈને દેખાતું નથી ! 


• બાળકને હંમેશા એમ શીખવો કે, હાર્ડ વર્ક એ સફળતાની ગેરંટી નથી. આપણે અહી જ માર ખાઈ ગયા છે કે, ખૂબ પરિશ્રમ કરીએ એટલે સફળતા તમારા કદમ ચૂમે. બસ કરો હવે, આ જ વાત બાળકના મગજમાં ઘર કરી ગઈ છે. તે એમ માને છે કે, મે પુષ્કળ મહેનત કરી તો પણ હું ફેલ થયો !!! પછી સૂસાઈડ કેસમાં એક અંકનો વધારો થાય છે. 


• પરીક્ષાના ગુણને તમારા ઈગો, પ્રતિષ્ઠા કે સ્ટેટ સિમ્બોલ સાથે ન જોડશો. EXAM IS PART OF LIFE, NOT A HEART OF LIFE !!! 


• રાંદલ માં પાસે તમે "ખોળાનો ખૂંદનાર" માંગ્યો હતો, "પરીક્ષાનો ખૂંદનાર" નહોતો માંગ્યો. 


• ભલે તમે CA ની એક્ઝામમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હશે, પણ માર્ક્સ, નંબર, ગ્રેડ, પારિતોષિકને આધારે વ્યક્તિનું મૂલ્યાંકન કરતાં હોય તો તાંબાના પતરા પર લખી રાખો, તમારું ગણિત પાયામાંથી જ કાચું છે. 


• સંતાન જ નહી રહે તો, ચાર હજાર વારના બંગલાનું શું કરશો ? કરોડોની એફ.ડી શું કામની ? જિંદગીમાં ક્યારેય પેડાં ભાવશે ? "પપ્પા" "મમ્મી" બોલાવનાર જ નહી રહે તો તમને તમારી જ જિંદગી સાક્ષાત નર્ક લાગશે ! 


• મધ્ય પ્રદેશના એક વેપારીએ પોતાનાં દીકરાના બોર્ડની પરીક્ષામાં ચોપન ટકા આવ્યા તો શહેરમાં ત્રણ હજાર માણસોનું રસોડુ કર્યું. અને ચાર ઘોડાની બગીમાં વરઘોડો કાઢ્યો. કો'કે પૂછ્યું કે, "શેઠ, આ શું ગાંડા કાઢો છો. ચોપન ટકામાં વરઘોડો ???" શેઠે કહ્યું," ચોપન ટકામાં વરઘોડો એટલે કાઢું છુ કે, મને મારો દીકરો વ્હાલો છે, મારે એને એવો મેસેજ આપવો છે કે, તારા માં-બાપ ચોપન ટકામાં ખુશ છે. બસ, તું ઓછા માર્ક્સ આવ્યા છે એમ વિચારી આત્મહત્યા ન કરતો."  આવાં વરઘોડો કાઢે એવાં માતા-પિતા કેટલાં  અને બાળકનો ફજેતો કરે એવાં કેટલાં ???


• આ સંસારમાં સંતાનથી મોટી કોઈ સંપત્તિ નથી. આ જગતમાં પાંચ ટકા દંપતિ એવાં છે કે, એમને કોઈ સંતાન નથી. એકવાર એમને પૂછી જોજો કે સંતાન વિનાની જિંદગી શું હોય છે ? ભગવાને તમને માં-બાપ બનવાનું સૌભાગ્ય આપ્યું છે તો એ સૌભાગ્યને દીપાવો. 


• શિક્ષણ જરૂરી છે, એની ક્યાં ના છે ! બસ, જિંદગીના જોખમે મંજૂર નથી. 


• બોર્ડ કે પરીક્ષાના રીઝલટના દિવસે ઘરથી સ્મશાન, હોસ્પિટલ, કબ્રસ્તાનનું અંતર ઘટી જાય છે ! આવું ક્યાં સુધી ચાલશે ? 


• સંતાનના 90% આવશે તો શું કરાવીશું એનું સરસ પ્લાનિંગ કરો છો. એને કઈ કોલેજમાં એડમિશન અપાવીશું ? કયો કોર્સ લઈશું ? વગેરે વગેરે... 90% વાળું પ્લાનિંગ કર્યું. 60% આવશે તો ...એનું પ્લાનિંગ કર્યું ? આ પણ જરૂરી છે. 90% વાળું જ પ્લાનિંગ હોવાથી બાળકના ટકા ઓછા આવે ત્યારે ભવિષ્ય અમાસમય લાગે છે. 


• છાપામાં "અમારું ગૌરવ" વાળા ફોટા નહી આવે તો ચાલશે પણ ટકાની લ્હાયમાં ક્યાંક "શ્રધ્ધાંજલી" ના ફોટા ન આવી જાય તે માટે ચેતજો. 


• વિદ્યાર્થીઓએ માટે એટલો જ મેસેજ છે- ક્રીઝ કાયમ માટે છોડી દેશો તો રન નહી કરી શકો, ક્રીઝ પર ઊભા રહેશો તો સેન્ચૂરી મારી શકશો એવી સંભાવના કાયમ રહેશે. 


• એક નાનકડાં બાળકને ક્યારેક કાર્ટૂન કેરેક્ટરનાં નામ પૂછી જોજો ? એક બાળકે 113 કાર્ટૂન કેરેક્ટરોનાં નામ જણાવ્યાં હતાં. એટલે ક્યાંક શિક્ષણ વ્યવસ્થામાં કેમિકલ લોચો છે. મતલબ બાળકમાં અદ્વીતીય પ્રતિભા તો છે જ. બસ, એને ડેવલપ કરનાર વ્યવસ્થામાં કમી છે. 

આલેખન

જે.કે.સાંઈ