Sunday, May 15, 2022

ગોધરીયા - એક જિંદગી

એક ખભા પર સંસાર અને બીજા ખભા પર સંતાનને બેસાડીને જોશભેર જતાં

કેટલાક પડછાયાને  જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું,

હા આ એજ લોકો છે જેને તમે ગોધરીયા કહો છો.

 


એકમેકની આંગળી જાલીને રેતીની ઢગલી પર રમતી પગલીઓના સ્પર્શથી

ધોમ ધખેલા તડકાને’ય ટાઢક અનુભવતો જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું,


હા આ એજ લોકો છે જેને તમે ગોધરીયા કહો છો.

 

વ્હેલી સવારે કે ઢળી ગયેલી સાંજે ક્યાંક ખુલ્લા મેદાનમાં સળગતા ચૂલાઓની

જ્વાળાઓ વચ્ચે સેકાતા સૂર્યને જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું,


હા આ એજ લોકો છે જેને તમે ગોધરીયા કહો છો.

 

તગારે તગારે આખા પહાડને ઉઠાવી લેતા આ લોકોને

પોતાનો અવાજ ઉઠાવીને જતાં ક્યારે’ય કોઈએ નથી જોયા


કે નથી જોયા


કાળમીંઢ અંધારાથી છેક સૂર્યના મ્હેલ સુધી સુરંગોની સુરંગોને ખોદી કાઢતા આ લોકોને પોતાની હથેળીમાં એક ચાંદરડુ ઉઠાવીને જતાં ક્યારે’ય કોઈએ નથી જોયા


કે નથી જોયા


આ લોકોને બે પર્વત વચ્ચે પરસેવાની દીવાલ બાંધીને થંભાવી દેતાં પ્રવાહમાંથી

એક ખોબો નિરાંત ભરીને જતાં ક્યારે’ય કોઈએ નથી જોયા

 

સવારે ક્યાંથી ઉતરી આવતા હોય છે અને સાંજે પાછા ક્યાં સમાઈ જતાં હોય છે ?


એ વાત ડામરની સડકો કરતાં ધૂળ મઢેલી કેડીને પૂછશો તો તરત જ કહેશે


એ લોકો ક્યારે’ય અળગા નથી રહી શકતા પોતાની માટીથી  


ક્યારે’ય સરકવા નથી દેતા પોતાના પગ નીચેથી પોતાની જમીનને


એમનામાં સહજ ફાવટ હોય છે જ્યાં ઉગ્યા હોય છે ત્યાં જ ખરી પડવાની

 

એમના અસ્તિત્વને તમે નજર અંદાજ તો કરી શકો છો પણ નકારી તો નથી જ શકતા

 

જ્યારે જ્યારે તમને ઈચ્છા થઈ છે એફિલ ટાવરની ઊંચાઈને આંબવાની

કે ચીનની દીવાલ બાંધવાની ત્યારે ત્યારે પાયામાં ધરબાઇ ધરબાઈને ઊભા રહી ગયા છે


આ જ ગોધરીયાઓ

 

જ્યારે જ્યારે તમને ઈચ્છા થઈ છે સંગેમરમરનો તાજમહેલ ચણવાની

કે ઈજીપ્તનાં પિરામિડોના રહસ્યોને રચવાની ત્યારે ત્યારે પથ્થરોમાં કોતરાઈ કોતરાઈ ને ઊભા રહી ગયા છે  


આ જ ગોધરીયાઓ   

 

જ્યારે જ્યારે તમને ઈચ્છા થઈ છે સ્ટેચ્યું ઓફ લિબર્ટીને સ્થાપવાની

કે સ્ટેચ્યું ઓફ યુનિટી ને સાકાર કરવાની ત્યારે ત્યારે ધાતુઓમાં ઢળી ઢળી ને ઓગળી ગયા છે


આ જ ગોધરીયાઓ

 

ઊંચી ઊંચી ઇમારતોને ચણતા ચણતા આમ જ ચણાઈ જતાં લોકોને

જ્યારે પણ તમે જુઓ ત્યારે તમારે સમજી જવાનું


હા આ એજ લોકો છે જેને તમે 

તુચ્છકાર પૂર્વક ગોધરીયા કહો છો.


કૃષ્ણ દવે

તા-૧૪-૫-૨૦૨૨