બાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જારી કહે છે. ઉર્દૂમાં ફારી, હિન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે. જો જુવારનું સૌથી વધુ બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્રીયનોએ અને શિવસૈનિકોએ કર્યું હતું. મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરમાં ‘ઝુણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ર પણ ઝુણકા ભાખર ભૂલતું જાય છે.
આપણા દેશના જ નહીં પરદેશના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે. અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહેલાં ભારે પ્રશંસા કરેલી. લોસ એન્જલસ શહેરના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતું. આખરે ઘઉં બંધ કરીને બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગોંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા અને તે પણ ગોંડલ સ્ટેટનો બાજરો જ ખાતા.
અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉંનું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફેસરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયું. તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને પૌષ્ટિક એમિનો એસિડ છે. આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર ગણાય છે.
એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.
કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે. બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દેખાયું નહીં. ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.
શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરંત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે બાજરો નામ પડયું. પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહેવત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહેવત પડી કે :બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. રક્ષક તો ખરી જ. ઈમ્પોટન્સી-નપુંસકતા માટે મૈસુરની ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.
ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે. હું કર્ણાટક અને આંધ્રમાં ગયો ત્યાં મેં જોયું કે ત્યાંના વૈદ્યો જેને બ્લીડિંગ પાઈલ્સ-દૂઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવું. લોસ એન્જલસની પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને બાજરાના રોટલા ખવડાવે છે. તમે બાજરો ખાઈ જજો. ઘઉંની રોટલી કે ઘઉંની વાનગી તમને ઢીલો મળ અને વાસ મારતો મળ પેદા કરે છે. બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે. બાજરાના રોટલા ખાનારા સૌરાષ્ટ્રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે.
ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુદરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ શકાય છે. જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા ચાર ગ્રામ કુદરતી ચરબી રહેલી છે ત્યારે ઘઉંમાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે. ઘઉંમાં આને કારણે તેની ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉં ખોટા લાડ કરે છે. બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે. સૌરાષ્ટ્રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો, સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્રવ્યો છે.
લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈલી તત્ત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે. ફેફસાંને મજબૂત કરે છે. શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. આ દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટેરોલની સમસ્યા નહોતી. તેમણે પછી સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.
ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે. શોષક લોકો બીજાનો કસ કાઢે છે. બાજરો પોતાનો કસ કાઢી જમીન પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’
પરદેશ માથી બાજરો લાવનાર ગિરાસદાર ય7દુવંશી ક્ષત્રિય રાજા લાખા ફુલાણી : રોટલો કેવો હોય
સૌરાષ્ટ્ર-કચ્છમાં બાજરાના આગમન વિશેની લોકવાર્તા નીચે મુજબ સાંભળવા મળે છે. ઈતિહાસ પ્રસિદ્ધ કચ્છના રાજા લાખો ફુલાણી એક વખત શિકારે નિકળતા તે સાથીઓ સાથે ભુલા પડતા અંધારીયા ખંડમાં પહોંચી ગહા હતા . ઘણા દિવસોથી શિકાર પાછળ રઝળપાટ કરતા લાખા ફુલાણીના કાફલાની ખાદ્ય સામગ્રી ખુટતા તે મુંઝાયા હતા , ત્યારે સતત ભાગદોડથી થાકેલા ઘોડાઓ નદી કિનારે ઉગેલા અજાણ્યા ઉંચા છોડના ડૂંડાઓનો ચારો ચરી રહ્યા હતા.
અજાણ્યા છોડનો ઉત્સાહથી ચારો ચરતા ઘોડાઓને જોઈ ભૂખની પીડાથી હેરાન લાખા ફુલાણીને નવાઈ લાગી હતી. લાખા ફુલાણીએ ઘોડાઓની નજીક જઈ છોડ ઉપર આવેલા ડુંડાને દબાવી તેના લીલાછમ દાણા પોતાના મોઢામાં મુકતા તેના અનેરા સ્વાદ સાથે શરીરમાં તાજગી અનુભવતા બોલી ઉઠ્યો હતો.
બલિહારી તુજ બાજરા, જેના લાંબા પાન;
ઘોડે પાંખુ આવિયું, બુઢ્ઢા થયા જુવાન.
બાજરો ખાતા જ થાકેલા ઘોડા તરોતાજા દેખાવા લાગ્યા હતા, એ સાથે સાથીઓ સાથે લાખા ફુલાણીએ અજાણ્યું જંગલી ધાન ખાતા તેમનામાં પણ નવી તાજગી સાથે શક્તિનો સંચાર થયો હતો. લાખા ફુલાણીને આ જંગલી ધાન ગમી જતા આશરે એકહજાર વર્ષ પહેલા કચ્છમાં બાજરાનું આગમન થયું હતું. ઓછા વરસાદ, ઉંચા તાપમાન સાથે ઓછી ફળદ્રુપ, રેતાળ કે સામાન્ય ક્ષારવાળી જમીન ધરાવતો પ્રદેશ બાજરાના પાક માટે ઉત્તમ માનવામાં આવે છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં બાજરાને માણસ અને ઘોડા બંને માટેનો આહાર માનવામાં આવે છે. જયારે અમેરીકા, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ વગેરે દેશોમાં બાજરાનો પશુઓના ચારા તથા પક્ષીઓની ચણ તરીકે ઉપયોગ થાય છે. એ સાથે બાજરાની કડબનો પશુઓના ચારા ઉપરાંત બાંધકામની સામગ્રી, બળતણ તેમજ ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે. બાજરીમાં એમીનો એસીડ તેમજ પ્રોટીન અધિક માત્રામાં હોઈ મરઘા ઉછેર કેન્દ્રમાં તેનો સારા એવા પ્રમાણમાં વપરાય થાય છે.
આપણે ત્યાં શિયાળા અને ચોમાસાની ઋતુમાં ગરીબ, મધ્યમ કે શ્રીમંત પરિવારોમાં બાજરાના રોટલા ખાવાનો રિવાજ છે. રીંગણાનો ઓળો કે ભરેલા રીંગણા, દૂધ, માખણ, ગોળ, કઢી, ખીચડી, દહીં-છાશ, લાલ મરચાનું અથાણું, લસણની ચટણી અને ચૂરમા સાથે જો બાજરાનો રોટલો ન હોઈ તો કાઠીયાવાડી ભોજનની મજા મારી જાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને સવારના નાસ્તામાં ઘી કે માખણ ચોપડેલ બાજરાનો રોટલો, ગોળ, વલોણાનું ગોરસ અને લસણની ચટણી મળી જાય તો જાણે બત્રીસ ભાતના ભોજન મળી ગયા જેવો આનંદ અનુભવે છે.
કાળો છું પણ કામણગારો કરશો ન મુઝ વાદ; વાદ કરવામાં વળશે શું ? માણી લ્યો મુજ સ્વાદ.
ભેંસના દુધ સાથે બાજરાના રોટલાને ખૂબજ પૌષ્ટીક અને પથ્ય આહાર તરીકે ગણવામાં આવે છે. બાજરો શરીરમાંથી કેલ્શિયમનું શોષણ કરી સ્નાયુઓના કોશો બાંધવામાં ખુબજ મદદરૂપ થાય છે. બાજરામાં ઘઉં કરતા ચરબીનું પ્રમાણ વઘારે અને મકાઈ કરતા પ્રોટીન અને ઓઈલનું પ્રમાણ બમણું હોઈ વૃદ્ધાવસ્થામાં શક્તિ ટકાવી રાખવામાં બાજરાને ખુબજ ઉપયોગી માનવામાં આવે છે, તેથી બાજરા વિશે કહેવામાં આવે છે.
ખાય જે બાજરાના રોટલા ને મૂળાના પાન;
શાકાહારી ઘરડાને પણ થતા જોયા જુવાન.
આયુર્વેદમાં બાજરાને ગરમ, હૃદયને હિતકર, રૂક્ષ, જઠરાગ્નિ પ્રદિપ્ત કરનાર, પિત્તને વધારનાર, શરીરના સ્નાયુઓ બાંધનાર, ભૂખ લગાડનાર, કફનાશક, કાંતિજનક, બલવર્ધક અને સ્ત્રીઓમાં કામને વધારનારો માનવામાં આવે છે. એ સાથે બાજરામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું પ્રમાણ ઉંચું હોઈ તેને વાત, પિત્ત, અને કફજન્ય ગણાવેલ છે. બાજરો વિટામીન એ, બી અને સી, આયર્ન અને કેલેરીનું ઉંચુ પ્રમાણ ધરાવે છે, અરે બાજરામાં રહેલ આયર્નના ઉંચા પ્રમાણના કારણે તેને આયર્ન કેપ્સ્યુલનું પણ બીરૂદ આપવામાં આવેલ છે.
આયુર્વેદમાં બાજરાની મર્યાદાઓનું પણ વર્ણન કરવામાં આવેલ છે. બાજરો પચવામાં ભારે હોય તેને કેટલાક અંશે મળને બાંધનાર કહી હરસના દર્દીઓને સાવધાનીથી તેનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. વધુ પડતો બાજરો ખાવાથી મસાની બીમારીની શક્યતા વધી જાય છે. બાજરામાં ફાઇબર્સનું પ્રમાણ બહુ ઓછું હોઈ કબજીયાતની બીમારીથી બચવા બાજરાના રોટલા સાથે પાંદડા કે રેસાવાળી ભાજીનું શાક ખાવાની આયુર્વેદમાં સલાહ આપવામાં આવેલ છે. તથા બાજરાના રોટલાને મેદસ્વી લોકો માટે પણ હિતકર ગણાવેલ નથી. બાજરાને આપણા લોકસાહિત્ય અને કહેવતોમાં પણ વણી લેવામાં આવ્યો છે.
ઘોકે જાર બાજરો, ઘોકે ગમાર પાધરો;
ઘોકે ડોબું દોવા દે, ઘોકે છોકરૂં છાનું રે’.
આયુષ્ય સાથે જોડાયેલી ‘બાજરી ખુટવી’, ‘હજુ બાજરી બાકી છે’ તેમજ ‘બાજરો સેલી(રાખ)થી અને બાવો ભભૂતથી શોભે’ વગેરે કહેવતો આપણે રોજબરોજની વાતચીતમાં સાંભળીએ છીએ. જે આપણા જીવનમાં રહેલું બાજરાનું મહત્વ દર્શાવે છે.
કાઠિયાવાડનો રોટલો કેવો હોય? સાંભળો :
મંગલપુર ગામનો બાજરો હોય,
ધ્રાંગધ્રાના પાણી ઘંટી હોય,
દીધકિયા (સુરેન્દ્રનગર) ગામના કુંભારે બનાવેલી તાવડી હોય,
સૌરાષ્ટ્રની પટલાણીએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય. ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય, પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય, પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય, કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય,
અને ભગવાન શામળિયો ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય.
ઈ ન્યા બેઠો બેઠો રાધાજીને સંદેશો કહેવરાવી દે કે "આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. તમને મારા વિના અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો".
આવો હોય કાઠિયાવાડનો રોટલો શ્રી કૃષ્ણ ભગવાન કાઠિયાવાડમાં અમથા ભૂલા નહોતા પડયા
સાભાર:- વર્ષા ઠક્કર fb post
સૌજન્ય: બ્લોગ “દાદીમા ની પોટલી