Wednesday, June 28, 2023

સુંધા માતા ... રાજસ્થાનના વૈષ્ણોદેવી

મહાદેવ  બારડ દ્વારા લેખન વાંચો...

ગુજરાતના બનાસકાંઠા સરહદની નજીકમાં અને રાજસ્થાનના વૈષ્ણોદેવી ગણાતા સુંધા માતાનું સ્થાનક રાજસ્થાનના જાલોર જીલ્લાના ભીનમાલ તાલુકામાં આવેલું છે. સુંધા પર્વતના કુદરતી સૌંદર્ય વહેતા ઝરણાં અને પક્ષીઓના મધુરવ કલવર વચ્ચે આવેલા આ સ્થળે માતા ચામુંડા, સુંધા માતાના નામથી બિરાજમાન છે. આ મંદિર ઘણું પ્રાચીન માનવામાં આવે છે. ઐતિહાસિક તથ્યો અનુસાર,જાલોરના શાસક ઉદયસિંહના પુત્ર જાલોર નરેશ ચાચીગદેવે આ ચામુંડા માના મંદિરમાં એક મંડપનું નિર્માણ કરાવ્યુ હતું.અહીંયા એક ઐતિહાસિક શિલાલેખ પણ આવેલો છે.સુંધા માતા મંદિર દરિયાઈ સપાટીથી લગભગ ૮૫૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલ છે.


ચોમાસામાં તો સૌગન્ધિક પર્વતમાળાનું સૌંદર્યમાં ખીલી ઉઠે છે. અહીં અલગ અલગ પ્રકારની જડીબુટીઓ મળી રહે છે અહીં ફરવા જવા માટે વાતાવરણ યોગ્ય સમય ઓકટોમ્બરથી જાન્યુઆરી સુધીનો વધુ યોગ્ય રહેશે, કારણ કે અહીં ઉનાળામાં ગરમી વધુ હોય છે. અહીં પહોચવા માટે રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે.


આ ભૂમિમાં કેટલાય સાધુ-સંતોએ ધ્યાન, તપ અને દેવીની આરાધના કરી દૈવી શકિતઓ કેળવી હતી. સુંધા પર્વત પર આવેલા આ સ્થાનકને રાજસ્થાનના લોકો સુંધારો ભાખરથી ઓળખે છે. ધાર્મિક ગ્રંથોમાં આ સ્થળનો ઉલ્લેખ સુગન્ધગિરિ પહાડી ઓના નામથી કરવામાં આવેલો છે. એવું માનવામાં આવે સ્વયં ભગવાન ભોળાનાથે અહીં ત્રિપુર રાક્ષસ વધ કરવા તપસ્યા કરી હતી.


સુંધા મંદિરની કોતરણી આકર્ષક અને મનમોહક છે. તેની કોતરણી દેખાવમાં દેલવાડાના જૈન દેરાસર જેવી છે. મંદિરનાં પરિસરમાં મોટું ત્રિશૂળ છે. જેના ઉપર શિવ, જગદંબા, ગણેશ અને સૂર્યની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરનું નિર્માણ ૧૨ સ્તંભો ઉપર કરવામાં આવેલું છે. મંદિરના મુખ્યદવારથી અંદર જતા ડાબી તથા જમણી બાજુએ અનુક્રમે ગોરા તથા કાળા ભૈરવજી બિરાજમાન છે. અહીંની વ્યવસ્થા અને દેખરેખ માટે ચામુંડા માતાજી ટ્રસ્ટ કાર્યરત છે.અહીંયા જમવા માટે ભોજનાલયમાં ફ્રીમાં ભોજન વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.ડુંગર પર રોકાવા માટે અનેક સમાજોની અલગ અલગ ધર્મશાળાઓ પણ આવેલી છે.જ્યાં ખુબ નજીવા દરે રાત્રિ રોકાણ કરી શકો છો.અને ડુંગર નીચે ટ્રસ્ટ દ્વારા એસી અને નોન એસી રૂમો પણ નજીવા દરે આપવામાં આવે છે.અને નજીકમાં લોહાણા રિસોર્ટ પણ આવેલો છે.અને અન્ય હોટેલો પણ આવેલી છે.


મંદિરથી નીચેની તરફ મહાકાલી માતાજીનું મંદિર આવેલું છે. તથા આજુબાજુ નાની મોટી દુકાનો રેસ્ટોરન્ટ વગરે આવેલા છે. અહીં ગોગાજીનું મંદિર, વિષ્ણુ-ગણેશ, હનુમાનજીનાં મંદિરો છે.

અહીં પ્રાચીન સમયમાં દેવી ચામુંડાને દારૂ (શરાબ)અને બલિ અર્પણ કરાતા જે છેલ્લા ૩૫ વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે.


સુંધા માતાનું મંદિર આશરે નવસો વર્ષ જેટલું જૂનું છે, પ્રાચીન સમયમાં ચામુંડા માતાજી ને દારૂ અર્પણ કરાતો હતો, પરંતુ માલવાડાના ઠાકુર દુર્જનસિંહે 1976 થી દારૂ બંધ કરાવ્યો અને સાત્ત્વિક સ્વરૂપ ની પૂજાવિધિ શરૂ થઈ. સુંધા શિલાલેખ અનુસાર,રાજા ચાચીગદેવ ગુજરાતના રાજા વિરમને મારવા, દુશ્મન શલ્યને અપમાનિત કરવા અને સંગ અને પાટુકને હરાવવાના હતા.તેમાંથી વિરમ ગુજરાતના પ્રતાપી રાજા હતા. મંદિરે જવા માટે પગથિયાં દ્વારા ભક્તો ચામુંડા માતાના દર્શને જાય છે. જો કોઈને ચાલીને ન જવું હોય અને ઉડન ખટોલામાં બેસીને જવું હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.રાજસ્થાન રાજ્યની સૌ પ્રથમ ઉડન ખટોલા અહીંયા શરૂ કરવામાં આવી હતી.


 નવરાત્રિ દરમિયાન તેરસના દર્શનનું મહત્વ છે. તે દિવસે અહીં શ્રધ્ધાળુ ભકતો અલગઅલગ દેવી દેવતાઓના વેશમાં ગરબે ઘૂમે છે. માતાજી ધડ રહિત દેવી હોવાથી અધટેશ્વરીના નામે પણ ઓળખાય છે.સુંધા પર્વત પર સતી માતાનું મસ્તક પડયું હતું, તેથી તેમને અધટેશ્વરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે.


પ્રવેશદ્વાર પર શિલ્પકળાના નમૂના સમા સિંહ કંડારવામાં આવેલા છે. અહીંથી આગળ ગુફા મંદિરમાં ચામુંડાદેવી- સુંધા માતા, બ્રહમાણી, વારાહી વગરે છ જેટલી દેવીઓ સ્થાપિત કરવામાં આવેલી છે. માતાજીના સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ, પાસે ચમકતી તલવાર તથા વર્ષોથી અખંડ દીવો પ્રજવલે છે. સામેના ભાગમાં ભૂરેશ્વર મહાદેવનું શિવલિંગ છે. અને તેની બાજુમાં ભોયરૂ આવેલું છે. જીવજંતુઓના ભયને કારણે વર્ષોથી બંધ કરી દેવામાં આવ્યું છે અહીંથી આબુનો રાજ પરિવાર માતાના દર્શને આવતો હતો.અહીંયા ડુંગરોમાંથી બારેમાસ ઝરણાં વહેતાં રહે છે.અહીંયા ડુંગરોમાં ઊંચે ઊંચે લટકતા પહાડોના પથ્થરોમાં કુદરતી રીતે ઊગેલું કુંવારપાઠું જોવા મળે છે.


સુંધા માતાજીના મંદિર સામે એક રેતીનો પહાડ ઢગલો આવેલો છે.ખુબ ઊંચો છે તે એક આકર્ષણનું કેન્દ્ર છે.પહેલા તો બધાજ ને એ વિચાર આવે કે અહીંયા ચારેબાજુ પહાડો વચ્ચે આવડો મોટો ઢગલો કેવી રીતે થયો? અને વરસાદના કારણે ધીરે ધીરે પાણીમાં એકદમ નાની રેતી હોવાથી તણાઈ રહી છે. દર્શનાર્થીઓ આ ઢગલા પર ચડે છે,અને ફોટો અને સેલ્ફી લે છે.ડુંગરની બાજુમાં એક એક ગુફા પણ આવેલી છે.જ્યાં ભૈરવ બિરાજમાન છે.અહીંયા વાંદરાઓ ખૂબ મોટા પ્રમાણમાં છે, દર્શનાર્થીઓ એ પ્રસાદી ને ખુબ સાચવવી પડે છે,અને બાજુમાં ઊંચા ડુંગરો આવેલા છે,તેમાં પથ્થરોમાં કોતરોમાં વાંદરાઓ રહે છે.અહીંયા આસપાસના ડુંગરોમાં રીંછ પણ રહે છે.અનેક નાના મોટા પ્રાણીઓ રહે છે.ચોમાસામાં અહીંયા માણસોનું ઘોડાપૂર હોય છે.ખાસ કરીને શ્રાવણ માસમાં મોટા પ્રમાણમાં લોકો અહીંયા આવે છે.ગુજરાત અને રાજસ્થાનની સરહદે હોવાથી બંને રાજ્યોના લોકો અહીંયા આવે છે.અનેક જ્ઞાતિઓના કુળદેવી છે.ચોમાસામાં જરૂર એક વખત મુલાકાત લેજો જીવનભર કાયમ એક સંભારણું બની જશે.